બ્રહ્મચારિણી મા – તપ, ત્યાગ, સદાચાર અને સંયમની વૃધ્ધિ કરનારી દેવીનું બીજે નોરતે મહાત્મય જાણીએ…


બ્રહ્મચારિણી-શક્તિ
મા દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરુપ બ્રહ્મચારિણી છે. અહીં. “બ્રહ્મ” શબ્દનો અર્થ તપસ્યા થાય છે. બ્રહ્મચારિણી એટલે તપ-ચારિણી. તપ કરનાર. કહેવાય છે કે “વેદસ્તત્વં તપો બ્રહ્મ.” વેદ તત્વ અને તપ બ્રહ્મ વાચી છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરુપ પૂર્ણ જ્યોતિર્મય અને ભવ્ય છે. તેમનાં એક હાથમાં જપની માળા અને બીજા હાથમાં કમંડળ છે.
પૂર્વજન્મમાં જ્યારે હિમાલય પુત્રીરૂપ્ર અવતર્યાં ત્યારે નારદજીના ઉપદેશથી એમણે ભગવાન શંકરને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે ખૂબ જ કઠિન તપશ્ચર્યા કરી હતી. આ કઠોર તપને કારણે તપશ્ચારિણી, બ્રહ્મચારિણીએ નામે પ્રસિધ્ધ થયાં છે. તેમનું તપ ખરેખર વંદનીય છે. એક હજાર વર્ષ ફક્ત ફળ-ફૂલ ખાઈને અને સો વર્ષ ફ઼ક્ત શાકભાજી પર પસાર કર્યાં ! ટાઢ, તડકો, વા-વરસાદ અને મહાકષ્ટો સહન કર્યાં. કેટલાંક વર્ષો જમીન પર પડેલાં સૂકાં પાંદડાં ખાઈને તદ્દ્ન જળપાનનો ત્યાગ કરીને છેવટે પાંદડાં ખાવાનું પણ છોડી દેતાં એમનું એક નામ “અર્પણા” પડ્યું.
આવી કઠોર તપસ્યાથી દેવીનું શરીર ક્ષીણ થયું. જેથી તેમનાં માતા મેનાનાં મુખેથી “ ઉમા- અરે નહીં; ઓ નહીં.” એવા શબ્દો શરી પડ્યા. તેથી દેવી બ્રહ્મચારિણીનાં પૂર્વજન્મનું એક નામ ઉમા પણ છે. આ ઉમા ગુજરાતમાં “ઉમિયા માતા”નાં નામે પણ પૂજાય છે. બ્રહ્મચારિણીનાં તપથી ત્રણેય લોકમાં હાહાકાર હી ગયો. બ્રહ્માજીએ આકાશવાણી કરીને મનોકામનાં પૂર્ણ થાવ એવાં આશિર્વાદ આપી આ તપ હવે ખમૈયા કરો એવી અરજ કરી. તેમનાં પિતા એમને લેવા પહોંચ્યા. પિતાએ સમજાવ્યા અને બ્રહ્માંજીનાં વરદાન બાદ તેમણે સ્વગૃહે પ્રસ્થાન કર્યું.
બ્રહ્મચારિણી મા દુર્ગનું બીજું સ્વરુપ પૂજન-સ્મરણ-અર્ચન કરવાથી કઠોર કર્તવ્ય પાલન નિભાવી ભક્તો અને સિધ્ધોનું મનોબળ વિચલિત થતું નથી. તેને સર્વત્ર સિધ્ધિ અને સફ઼ળતા મળે છે.
જીવનમાં વાંછિત ધ્યેય પ્રાપ્ત કરવા કઠોર તપસ્યા કરવી પડે. આવા કઠોર તપસ્યાનો મારગ જ સાધકને શક્તિનો સાક્ષાત્કાર કરાવે છે. નવરાત્રી મોજમજા, રઝળપાટ અને જલસા કરી પોતાને શક્તિનાં ઉપાસક કહેવડાવીએ તો એ ભક્તિ નહિં ઢોંગ થાય. નવરારી એ કઈં નવરાઓની રાત્રી નથી; એ તો સંયમ, તપ, ઉપાસનાના માર્ગે આત્માની શક્તિને જગાવી પરમ શક્તિનો સાક્ષાતકાર કરવાનો અવસર છે !
આસો નવરાતનાં બીજાં નોરતે બ્રહ્મચારિણી-સ્વરુપની ઉપાસના થાય, યોગ-તપની ઉપાસના થાય. આ દિવસે યોગ ભક્તિ કરતાં સાધકનું મન “સ્વાશિષ્ઠાન” ચક્રમાં સ્થિર કરે એને દેવીની કૃપા અને ભક્તિ પ્રાપ્ત થાય છે.
આ દેવીને સ્મરણ કરવાનો મંત્ર છે:
દધાના કરપદ્માભ્યામ ક્ષમાલાકમંડલ |
દેવી પ્રસીદતુ મયિ બ્રહ્મચારિણ્યનુંતમો ||

– કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

આજના ગરબા

* રંગે રમે આનંદે રમે *

રંગે રમે આનંદે રમે રે, આજ નવદુર્ગા રંગે રમે
આદિત્યે આવિયા અલબેલી મંડપમાં મતવાલા રે ભમે
રંગે રમે આનંદે રમે રે, આજ નવદુર્ગા રંગે રમે

સોળ શણગાર માને અંગે સુહાવે હીરલા રતન માને અંગે સમે
આજ નવદુર્ગા રંગે રમે
મંગળવારે માજી છે ઉમંગમાં ચાચર આવીને ગરબે રમે
આજ નવદુર્ગા રંગે રમે
બુધવારે માજી બેઠા વિરાજે રાસ વિલાસ માએ ગાયો છે
આજ નવદુર્ગા રંગે રમે
ગુરુવારે મા ગરબે રમે છે ચંદન પુષ્પ તે માને ગમે
આજ નવદુર્ગા રંગે રમે
શુક્રવારે માજી ભાવ ધરીને હેતે રમે તે માને ગમે
આજ નવદુર્ગા રંગે રમે
શનિવારે મહાકાળી થયા છે ભક્ત ભોજન માને ગમતા જમે
આજ નવદુર્ગા રંગે રમે
વલ્લભ કહે માને ભાવે ભજો ને રાસ વિલાસ ગાયો સૌએ અમે
આજ નવદુર્ગા રંગે રમે

***

* રૂડે ગરબે રમે દેવી અંબિકા *

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ
પાય વાગે છે ઘૂઘરીના ઘમકાર રે લોલ
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ

આકાશમાંથી સૂર્ય જોવા આવીયા રે લોલ
સાથે દેવી રન્નાદેને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ

આકાશમાંથી ચંદ્ર જોવા આવીયા રે લોલ
સાથે દેવી રોહિણીને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ

ઈંદ્રલોકમાંથી ઈંદ્ર જોવા આવીયા રે લોલ
સાથે દેવી ઈન્દ્રાણીને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ

સ્વર્ગમાંથી વિષ્ણુ જોવા આવીયા રે લોલ
સાથે દેવી લક્ષ્મીજીને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ

બ્રહ્મલોકમાંથી બ્રહ્મ જોવા આવીયા રે લોલ
સાથે દેવી બ્રહ્માણીને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ

પાતાળમાંથી શેષ નાગ આવીયા રે લોલ
સાથે સર્વે નાગણીઓને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ

***

* કેસરિયો રંગ તને *

કેસરિયો રંગ તને લાગ્યો રે, ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે, લોલ
આસોના નવરાત્ર આવ્યા, અલ્યા ગરબા
આસોના નવરાત્ર આવ્યા રે, લોલ
ઝીણાં ઝીણાં જાળિયાં મૂકાવ્યાં રે, ગરબા
ઝીણાં ઝીણાં જાળિયાં મૂકાવ્યાં રે, લોલ
કંકુના સાથિયા પૂરાવ્યાં રે, ગરબા
કંકુના સાથિયા પૂરાવ્યાં રે, લોલ
કોના કોના માથે ફર્યો રે, ગરબો
કોના કોના માથે ફર્યો રે, લોલ
નાની નાની બેનડીના માથે રે, ગરબો
નાની નાની બેનડીના માથે રે, લોલ
કેસરિયો રંગ તને લાગ્યો રે, ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે, લોલ

ટીપ્પણી