ભારત ના લગભગ દરેક મીડલક્લાસ ઘરમાં આવી ઘટના દરેક પ્રસંગમાં બનતી જ હશે…

પહેલું બોનસ
************

નવી નવી નોકરીમાં પહેલું પહેલું બોનસ. કોરી કડકડતી નોટ હાથમાં અવતાંવેંત જ નવીન હરખાઈ ઊઠ્યો. એ રૂપિયામાં કેટલીક અપેક્ષાઓ, જરૂરિયાતો મીટ માંડીને બેઠી હતી. જે તેને પૂરી કરવાની હતી. બોનસની રકમમાં આનંદનો ઉમળકો ઉમેરી નવીન ઘરે જવા રવાના થઈ ગયો.

આજે રસ્તો જલ્દી ખૂટી ગયો. ઘરમાં પગ મૂકતાની સાથે જ તેણે બોનસ મળ્યાની ખુશી વ્યક્ત કરી કે આખું ઘર જાણે હસી ઊઠ્યું. સૌના ચહેરા પર ચમક આવી ગઈ.

‘ભાઈ, મારા માટે એક પાર્ટીવેર ડ્રેસ’ – નાની બહેન અધિકાર જમાવતા બોલી.

‘મારા માટે એક જીન્સ – ટીશર્ટની જોડી ને શૂઝ’ કોલેજીયન ભાઈએ પણ હકક જમાવ્યો.

પિતા વગરના નાના ભાઈ – બહેન મોટા ભાઈ પાસે ન માગે તો કોની પાસે માગે ? બન્નેની માગણી નવીને સહર્ષ સ્વીકારી.

વૃદ્ધ દાદાએ છાપામાંથી પળભર માટે નજર ફેરવી નવીનને સ્મિત આપી રાજીપો દર્શાવ્યો. તો માળા જપતા દાદીમા પણ હકારમાં માથું હલાવીને બોખલું હસ્યાં. જેણે જુવાનજોધ કંધોતર ગુમાવ્યો હોય એ માવતરના જીવનમાં શું સાર હોય ? એ પૌત્ર પાસે શું માંગે ? એને મન તો જરૂરિયાત સંતોષાય તો’ય ઘણું. બન્ને મૌન રહ્યા. પણ, દાદાની સાવ ગળી ગયેલી અને રુંછા નીકળી ગયેલી શાલે તેમજ દાદીમાના જૂના સ્વેટરની સિલાઈમાંથી ડોકાઈ રહેલા ટેભાએ જ કહેવાનું કહી દીધું.

મા તો પોતાના કામમાં જ વ્યસ્ત. કરકસરને જ પોતાનો ધર્મ માનીને જીવતી હોય એને પોતાની જરૂરિયાત તો દેખાય જ નહીં. તેણે તો ઘરની જરૂરિયાત કંઈક આશા સાથે હળવેકથી વર્ણવી…..

‘ બેડશીટના તો થિંગડા પણ ફાટયા છે. પગલૂછણિયાના દોરા નીકળી ગયા છે. કોઈના પગમાં ભરાશે તો પડશે. ટુવાલ – નેપકીનની કોર તો સાંધી સાંધીને થાકી અને હા, હોલના પંખામાંથી બહુ અવાજ આવે છે ને ધીમો ફરે છે, તેને રીપેર કરાવવાનો જોગ પણ રાખવાનો છે.’ એમ કહી મા ફરી પોતાના કામે વળગી.

તે રાત્રે નવીન બોનસની રકમ સામે અંદાજિત ખર્ચની ગણતરી કરતાં કરતાં જ ઊંઘી ગયો.

બીજે દિવસે સવારે ઊઠીને તેણે પરિવારની ઈચ્છા અને જરૂરિયાતની બધી જ વસ્તુઓનું લિસ્ટ બનાવી લીધું.

અઠવાડિયું વીતતાં જ બધી ખરીદી થઈ ગઈ. જેણે પેટે પાટા બાંધીને પોતાને ભણાવીને સારી નોકરીને લાયક બનાવ્યો તે માતાનો તો આ બોનસમાં પ્રથમ હક્ક હતો. સમજુ દીકરાએ તેના માટે પણ એક સુંદર સાડી ખરીદી લીધી……સમય દોડી રહ્યો…..

દિવાળીના તહેવારો આવ્યા અને પૂરા પણ થઈ ગયા.

આજે નૂતન વર્ષનો પ્રથમ દિન……નવીન પરોઢે ઊઠી ગયો અને બોનસમાંથી અલગ રાખી મૂકેલી રકમમાંથી તેણે છાપાવાળો ફેરિયો, દૂધવાળો, સફાઈ કામદાર અને સોસાયટીના વોચમેનને નવા વર્ષની બોણી આપી ખુશ કર્યા. ત્યારબાદ તે ઘરમાં આવીને નિરાંતે ચા – નાસ્તો કરતાં કરતાં પરિવારજનોને નિહાળી રહ્યો…..

નાની બહેન પિંક – પર્પલ કલરના પાર્ટીવેર ડ્રેસમાં જાણે કોઈ આસમાની પરી જેવી……નાનો ભાઈ પણ નવી જોડીમાં જાણે ગર્ભશ્રીમંત પરિવારનો લાડલો……નવી શાલ અને સ્વેટરની હૂંફમાં રાજીપો અનુભવતા અને મૂંગા આશિષ વારસાવી રહેલા દાદા – દાદી…..તો માના ચહેરા પર પણ વર્ષો બાદ નવી સાડી પહેર્યાની ખુશી…..આ બધા ખુશહાલ ચહેરાઓ જોઈ નવીનનું હ્ર્દય અનેરો આનંદ અનુભવી રહ્યું.

થોડીવાર બાદ તે તૈયાર થવા ઓરડામાં ગયો. કબાટમાંથી એક સાદી કપડાંની જોડી કાઢી. બે વર્ષ પહેલા કરાવેલી અને પ્રસંગોપાત જ પહેરાતી એ કપડાંની જોડી તેણે આજે એટલાં જ હરખથી પહેરી જેટલો હરખ તેને બોનસમાંથી પહેલી જ વખત બ્રાન્ડેડ જોડી લેવાનો હતો……

લેખક : શીલા જોબનપુત્રા (રાજકોટ)

મીડલક્લાસ પરિવારમાં દરેક તેહવાર આવાજ જતા હોય છે. શેર કરો તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!