સ્ટાર સંતાનોના અવનવા – મિનીંગફૂલ નામો -તુષાર રાજા

- Advertisement -

થોડા સમય પહેલા કરીના કપૂર અને સૈફઅલી ખાનને આવેલા પુત્રનું નામ તૈમુર પાડવામાં આવ્યા બાદ
તે નામને લઈને રીતસરનો હંગામો મચી ગયો હતો.ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો અને અન્ય સેલિબ્રેટીઝ જ નહીં પરંતુ
સોશિયલ મીડિયામાં અને અખબારો,મેગેઝીનોમાં પણ આ વિષય ચર્ચાસ્પદ બન્યો હતો અને લોકો જાણે તરફેણ અને વિરોધ એમ બે
ભાગમાં વહેંચાઈ ગયા હતા. જો કે કરીના અને સૈફઅલી ખાને આ અંગે કોઈ ખાસ પ્રતિક્રિયાઓ આપી નહોતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના
અન્ય સેલિબ્રિટી કપલોએ પણ પોતાના સંતાનોના નામ એકદમ મિનિંગફુલ અને થોડા ‘હટકે’ રાખેલા છે. બૉલીવુડ સ્ટાર્સમાંથી
મોટાભાગનાઓએ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ પોતાના જુના નામ જ યથાવત રાખેલ છે,બહુ ઓછા એવા સ્ટાર્સ છે,જેમણે પોતાનું મૂળ
નામ બદલીને નવું નામ રાખીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હોય.આમ છતાં આ બધા સ્ટાર્સ પોતાના સંતાનોના નામ બાબતે
એકદમ ખાસ પસંદગી ધરાવે છે અને પોતાના સંતાનોના નામ સાવ અલગ તરી આવે એ વાતનું ધ્યાન રાખે છે.

ગઈ તારીખ 20 ડિસેમ્બરના રોજ જન્મેલ સૈફ-કરીનાના પુત્રનું નામ તૈમુર રાખવામાં આવતા તે નામ ને લઈને
ઘણી બબાલ મચી ગઇ હતી,કારણકે આ નામ એક ભયંકર લૂંટારાનું હતું, જેણે 14મી સદીમાં ભારતમાં અનેક લૂંટ ફાટ અને
અત્યાચારો કરીને તબાહી મચાવી દીધી હતી. જો કે સૈફ-કરીનાનું કહેવું એમ હતું કે તૈમુર નો અર્થ થાય છે લોખંડ. તેઓ પોતાના પુત્રને
ફૌલાદ જેવો મજબૂત બનાવવા માંગતા હોય તેથી આ નામ રાખ્યું હશે,તેમ માની શકાય.

બોલીવુડના બાદશાહ શાહરુખખાનના ત્રણ સંતાનોમાંથી મોટા પુત્રનું નામ છે આર્યન. આર્યનનો અર્થ થાય છે-
શૂરવીર,યોદ્ધો. શાહરુખની પુત્રીનું નામ સુહાના છે. તેનો અર્થ થાય છે ચાર્મિંગ,આકર્ષક,સુંદર. ત્રીજા પુત્રનું નામ પણ તેણે એકદમ
ખાસ પાડેલું છે. સૌથી નાના પુત્રનું નામ છે અબરામ. આ નામ પયંગબર અબ્રાહમ અને ભગવાન રામના નામને જોડીને રાખવામાં
આવ્યું છે. એક વાર શાહરુખને આ નામ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે તેના માનવા મુજબ આ એક ધર્મ નિરપેક્ષ
નામ છે.

રિતિક રોશન અને સુઝેન ખાન ભલે અલગ થઈ ગયા હોય,પરંતુ પોતાના સંતાનોને તે વાતની કોઈ અસર ન
થાય તેનું બંને ખાસ ધ્યાન રાખે છે અને સંતાનો માટે થઈને તેમની સાથે બંને પિકનિક પર કે અન્ય સ્થળોએ સાથે રહે છે. તેમણે પણ
પોતાના બંને પુત્રોના નામ એકદમ ખાસ રાખેલા છે. રિતિકના મોટા પુત્રનું નામ છે રીદાન. જેનો અર્થ થાય છે વિશાળ દિલ
ધરાવનાર. તેના નાના પુત્રનું નામ પણ એકદમ અલગ અને મિનિંગફુલ છે. તેનું નામ છે રિહાન. રિહાન નો અર્થ થાય છે ભગવાનને
પ્રિય.

આવું જ અન્ય એક સેલિબ્રિટી કપલ છે,જે અલગ થઈ ગયેલ છે. કરિશ્મા કપૂર અને સંજય કપૂર બંનેએ પોતાનો
રસ્તો અલગ કરી નાખ્યો છે.બંને પોતાના રસ્તે આગળ નીકળી ગયા છે. તેમના બંને સંતાનોના નામ પણ એકદમ સુંદર અને
મિનિંગફુલ રાખવામાં આવ્યા છે. તેમની પુત્રીનું નામ છે-સમાયરા,જેનો મતલબ થાય છે સુંદરતાની દેવી. જ્યારે પુત્રનું નામ છે
કિયાન. જેનો અર્થ થાય છે ભગવાનની કૃપા.

જાણીતી હિરોઇન રાની મુખરજીએ યશરાજ ફિલ્મ્સના સર્વેસર્વા આદિત્ય ચોપરા સાથે લગ્ન કરેલા છે. થોડા
સમય પહેલા જન્મેલ પોતાની પુત્રીને તેમણે મીડિયાની લાઇમલાઈટથી દૂર રાખી છે. જો કે થોડા સમય પહેલા જ તેણે પોતાની પુત્રી આદિરા સાથેની એક તસ્વીર તેના પહેલા બર્થ ડે પર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. ‘આદિરા’ નામ રાખવાનું કારણ પણ રસપ્રદ છે.
આદિત્યનો આદિ ને રાની નો ‘રા’,એમ બંનેના નામ મળીને આદિરા નામ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, અરબી ભાષામાં આદિરા
નો અર્થ થાય છે-મજબૂત.

શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રાના પુત્રનું નામ છે વિયાન. વિયાન નો અર્થ થાય છે જિંદગી,એનર્જી. એવું લાગે છે કે
શિલ્પા પોતાના પુત્રને પોતાની જેમ જ એકદમ એનર્જેટિક બનાવવા માંગે છે.

ઐશ્વર્યા રાય બચ્ચન એક બહુ પ્રોટેકટિવ મધર છે. તેની પુત્રી મોટાભાગે તેની સાથે જ જોવા મળતી હોય છે.
તેની પુત્રીની નામ છે-આરાધ્યા. આ નામનો અર્થ થાય છે-પૂજાને યોગ્ય.

અક્ષયકુમાર અને ટ્વિન્કલ ખન્નાએ પણ પોતાના સંતાનોના નામ સાવ ‘હટકે’ અને એકદમ મિનીંગફૂલ રાખેલા છે.તેમની પુત્રીનું નામ છે નિતારા. જેનો મતલબ થાય છે પોતાના મુળિયા (roots) સાથે મજબૂતાઈથી જોડાઈ રહેવું. જયારે તેમનાં પુત્ર
આરવ ના નામનો અર્થ થાય છે શાંતિપ્રિય. તેમનો આ પુત્ર દેખાવ ઉપરથી પણ એકદમ શાંત લાગે છે.

આમિરખાનના ભાણેજ તરીકે અને વીતેલા જમાનાના સુપ્રસિદ્ધ નિર્માતા-નિર્દેશક નાસીર હુસેનના પૌત્ર તરીકે
બોલીવુડમાં લોન્ચ થયેલ ઇમરાનખાન કેટલીક સારા બેનર્સની ફિલ્મો કરવાં છતાં જોઈએ તેટલી સફળતા મેળવી શકેલ નથી. તેની
પત્નીનું નામ છે અવંતિકા મલિક. તેમની પુત્રીનું નામ છે ઈમારા. આ નામનો અર્થ થાય છે મજબૂત અને સાહસિક.ઉપરાંત, ઈમારાના
નામ સાથે તેના માતા પિતા બંનેની સરનેમ જોડવામાં આવેલી છે. તેનું પૂરું નામ છે ઈમારા મલિક ખાન.

લગ્ન કર્યા વગર બે પુત્રીઓને દત્તક લેનાર જાણીતી અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુસ્મિતા સેનની બંને
પુત્રીઓના નામ પણ તેના આ નિર્ણયની જેમ યુનિક છે. મોટી પુત્રીનું નામ છે ‘રેની’. જેનો અર્થ હાય છે પુનર્જન્મ. તેમ જ નાનકડી
પુત્રી અલીશાના નામનો જર્મન ભાષામાં અર્થ થાય છે નોબેલ.

કાજોલ અને અજય દેવગનના પુત્રનું નામ છે ‘યુગ’. આ નામનો અર્થ તો બધાને ખબર હોય તે સ્વાભાવિક છે.
પરંતુ તેમની પુત્રી ન્યાસા ના નામનો અર્થ તમને ખબર છે? ન્યાસા નો અર્થ થાય છે એક નવી શરૂઆત,લક્ષ્ય.

ધક ધક ગર્લ માધુરી દીક્ષિત અને ડૉ. શ્રીરામ નેને ના બંને પુત્રોના નામ પણ ખુબ જ અનોખા છે. તેમનાં મોટા
પુત્રનું નામ છે-રાયન અને નાના પુત્રનું નામ છે એરિન. રાયન નો અર્થ થાય છે સ્વર્ગની પ્રાપ્તિનો માર્ગ,અને એરિન નો અર્થ થાય છે
શક્તિનો પર્વત.

કોંકણા સેન શર્મા ફિલ્મોની પસંદગી બાબતે જેટલી ચીવટ રાખે છે તેટલી જ ચીવટથી તેણે પોતાના પુત્રનું
નામ પાડ્યું છે-હરુન. કોંકણા સેન શર્મા અને રણવીર શૌરીના આ પુત્રના નામનો અર્થ થાય છે ઉમ્મીદ, આશા.

સંજય દત્ત અને માન્યતા દત્તના બંને સંતાનો નામ પણ સાવ અલગ તરી આવે તેવાં અને અર્થપૂર્ણ રાખવામાં
આવેલા છે. તેના પુત્રનું નામ છે ‘શાહરાન’. શાહરાન એક પર્શિયન શબ્દ છે, જેનો અર્થ થાય છે શાહી યોદ્ધો. તેમની પુત્રીનું નામ છે
ઇકરા. ઇકરા એક યહુદી નામ છે. તેનો અર્થ થાય છે કોઈ વિષે વર્ણન કરવું.

લેખક : તુષાર રાજા

તમને હવે ખબર પડી ગઈને તમારા મનગમતા કલાકારના બાળકોના નામના અર્થ?? શેર કરો તમારા મિત્રો સાથે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી