‘ગિનિસ બુક’માં સ્થાન પામેલ બોલીવુડની ફિલ્મો અને કલાકારો

બહુ મોટા બજેટની ભવ્ય ફિલ્મો અને ભારત સિવાયના દેશોમાં પણ કરોડો રૂપિયાની કમાણી કરતી ફિલ્મોના કારણે બૉલીવુડ અને બોલીવુડના કલાકારો હવે દુનિયાભરમાં જાણીતા થઈ ગયેલ છે. ફિલ્મ નિર્માણ તથા આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતાં લોકોની વિશાળ સંખ્યાના હિસાબે બોલીવુડ એ દુનિયાના ફિલ્મ નિર્માણના સૌથી મોટા ઉદ્યોગોમાં સ્થાન પામેલ છે. બોલીવુડના ઘણા કલાકારો અને ફિલ્મોના નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં પણ નોંધાયેલ છે,તે તમે જાણો છો?  ગિનિસ બુકમાં નોંધાયેલ બોલીવુડના આ કલાકારો અને ફિલ્મો વિશે જાણીએ:

 

આશા ભોંસલે:

આશા ભોંસલેનું નામ ભારતીય સિનેમા જગતમાં ખૂબ આદરથી લેવામાં આવે છે. તેમણે 20 કરતાં પણ વધુ અલગ અલગ ભાષાઓમાં ૧૬૦૦૦ થી પણ વધુ ગીતો ગાયા છે. 2011ની સાલમાં સંગીત જગતના ઇતિહાસમાં સૌથી વધુ ગીતો ગાવા બદલ તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધવામાં આવ્યું હતું. તેમની વિશેષતા એ છે કે તેમણે શાસ્ત્રીય સંગીત,ગઝલ અને પોપ સંગીત સહિત દરેક ક્ષેત્રમાં પોતાના અવાજના જાદુથી પોતાનું આગવું સ્થાન ઉભું કર્યું છે. તેમને અનેક વાર બેસ્ટ સિંગર તરીકેના ફિલ્મફેર એવોર્ડ્સ ઉપરાંત,રાષ્ટ્રીય પુરસ્કાર,સિંગર ઓફ ધ મીલેનીયમ એવોર્ડ સહિત અનેક એવોડર્સ મળેલ છે. ઉપરાંત, દાદા સાહેબ ફાળકે એવોર્ડ અને પદ્મ વિભૂષણથી પણ તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

જગદીશ રાજ:

 

બોલીવુડમાં એક સમય એવો હતો કે ફિલ્મોમાં હીરો-હિરોઇન કે વિલન બદલાતા રહેતા હોય પરંતુ મોટાભાગની ફિલ્મોમાં પોલીસ ઇન્સ્પેક્ટરના પાત્રમાં જગદીશ રાજ જ જોવા મળતા હતા. તેમણે 144 ફિલ્મોમાં પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ નિભાવ્યો હતો. તેમના આ અનોખા રેકોર્ડના કારણે તેમનું નામ ગિનિસ બુકમાં નોંધાયું હતું.

યાદે:

1964માં આવેલી સુનિલ દત્તની ફિલ્મ ‘યાદે’ જૂની પેઢીના લોકોને હજી યાદ હશે. આ ફિલ્મમાં એક સાવ અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ આખી ફિલ્મમાં છેક અંત સુધી સુનિલ દત્ત એકમાત્ર કલાકાર હતા. તેમનાં ઉપરાંત, અન્ય કલાકાર નરગીસ દત્ત હતા જેઓ માત્ર ફિલ્મના અંતિમ દ્રશ્યોમાં દેખાયા હતા. આ કારણે આ ફિલ્મનું નામ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું હતું.

આપ આ માહિતીસભર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

કુમાર શાનુ:

એક સમયે કુમાર શાનુનું નામ બોલિવુડના સૌથી કામિયાબ ગાયક તરીકે માનવામાં આવતું હતું. તેણે ગાયેલા ગીતો લોકપ્રિયતાના ચાર્ટમાં ટોચ પર રહેતા હતા. બેસ્ટ સિંગર તરીકેના અનેક એવોર્ડ્સ ઉપરાંત એક અનોખી સિદ્ધિ બદલ તેમનું નામ ગિનિસ બુકમાં સામેલ કરવામાં આવ્યું હતું. એક જ દિવસમાં 28 ગીતો ગાઈને તેમણે રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. આ રેકોર્ડ તેમણે 1993માં બનાવ્યો હતો.

કહો ના પ્યાર હૈ :

રિતિક રોશન અને અમિષા પટેલની ડેબ્યુ અને સુપરહિટ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ ખૂબ લોકપ્રિય તો થઈ જ હતી,ઉપરાંત અનેક એવોર્ડ્સ પણ આ ફિલ્મે જીત્યા હતા. સૌથી વધુ એવોર્ડ્સ મેળવવા બદલ આ ફિલ્મનું નામ ગિનિસ બુકમાં નોંધાયેલ હતું. આ ફિલ્મને 92 એવોર્ડ્સ મળેલા હતા.

કપૂર ખાનદાન:

ભારતમાં ફિલ્મોની શરૂઆતના સમયથી હિન્દી સિનેમામાં કપૂર ખાનદાનનો દબદબો રહ્યો છે. કોઈ એક જ કુટુંબના સૌથી વધુ સભ્યો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા હોવાનો રેકોર્ડ આ ફેમિલી ધરાવે છે. એક સમયે એકીસાથે કપૂર કુટુંબના 24 લોકો બોલીવુડમાં સક્રિય હતા. પૃથીરાજ કપૂરથી લઈને છેક તેમની ચોથી પેઢીના કરિશ્મા કપૂર, કરીના અને રણબીર કપૂર એમ તમામ સભ્યોનું હિન્દી સિનેમામાં બહુ મહત્વનું યોગદાન રહેલું છે.

લલિતા પવાર અને અશોકકુમાર:

 

એક એક્ટ્રેસ તરીકે સૌથી વધુ લાંબી કેરિયારનો રેકોર્ડ લલિતા પવારના નામે છે,તેમણે 70 વર્ષો સુધી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેવી જ રીતે દાદામુની અશોકકુમાર પણ સૌથી લાંબા સમય સુધી લિડિંગ રોલ કરવા બદલ આ લિસ્ટમાં સ્થાન પામેલ છે. તેમણે 63 વર્ષો સુધી ફિલ્મોમાં લોકોના દિલો પર રાજ કરેલ હતું.

બાહુબલી:

એસ.એસ. રાજમોલીની ફિલ્મ બાહુબલી એ ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક મહત્વનું સ્થાન મેળવી લીધેલું છે. આ ફિલ્મેં  અનેક નવા કીર્તિમાનો સ્થાપિત કરેલા હતા. કમાણી તથા અન્ય બાબતો માટે તો આ ફિલ્મના નામે રેકોર્ડસ બોલે જ છે,પરંતુ તમે એ જાણો છો કે આ ફિલ્મના પોસ્ટરે પણ રેકોર્ડ સ્થાપિત કારેલ છે? કોચીમાં આ ફિલ્મનું 5000 સ્કવેર ફૂટનું પોસ્ટર રાખવામાં આવ્યું હતું,જે એક રેકોર્ડ છે.

આ ફિલ્મે રીલીઝ પહેલા જ રૂપિયા 500 કરોડનો બિઝનેસ કરીને પણ એક રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. ઉપરાંત, રૂપિયા 1000 કરોડનો બિઝનેસ કરનાર દુનિયાની સૌપ્રથમ ભારતીય ફિલ્મ હોવાનું માન પણ તેણે પ્રાપ્ત કરેલ છે.

સમીર:

પ્રસિદ્ધ ગીતકાર સમીર અંજાન બોલીવુડના સૌથી સફળ ગીતકારોમાં સામેલ છે. સૌથી વધુ ગીતો લખવાનો રેકોર્ડ તેમના નામે છે. તેઓએ લગભગ ૬૫૦ ફિલ્મોમાં 4000 જેટલા ગીતો લખેલા છે. તેઓ એવા પહેલા ગીતકાર છે જેમનું નામ ગિનિસ બુકમાં સામેલ કરવામાં આવ્યું છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં આ પ્રકારની કોઈ કેટેગરી અગાઉ હતી જ નહિ, પરંતુ તેમની આ સિદ્ધિ ધ્યાનમાં આવતા આ નવી કેટેગરી ઉમેરવામાં આવી અને તેમનું નામ તેમાં સામેલ કરવામાં આવ્યું હતું.

કેટરીના કૈફ:

બોલીવુડની મશહૂર અભિનેત્રી કેટરીના કૈફનું નામ પણ ગિનિસ બુક ઓફ વર્લ્સ રેકોર્ડ્સમાં સામેલ થયેલ છે. 2013ની સાલમાં સૌથી વધુ કમાણી કરનારી બોલીવુડ અભિનેત્રી તરીકે તેનું નામ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. 2013ની સાલમાં કેટરીના કૈફે ૬૩.૭૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

અભિષેક બચ્ચન:

નવાઈ લાગે તેવી વાત છે, પરંતુ અભિષેક બચ્ચનનું નામ પણ ગિનિસ બુકમાં સામેલ છે. એક દિવસ દરમ્યાન વધુને વધુ સમય લોકોની વચ્ચે રહેવાનો રેકોર્ડ તેના નામે બોલે છે. ફિલ્મ ‘દિલ્હી 6’ ના પ્રમોશન સમયે સતત 12 કલાક સુધી દેશના જુદા જુદા શહેરોમાં ફરીને તેણે હોલીવુડના એક્ટર વિલી સ્મિથનો રેકોર્ડ તોડ્યો હતો. આ મુસાફરી તેણે પોતાના ખાનગી જેટ  દ્વારા કરી હતી.

-તુષાર રાજા

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

 

ટીપ્પણી