તમને પણ કોઈવાર તો વિચાર આવતો જ હશે કે બોલીવુડના બધા મોંઘા મોંઘા ડ્રેસ સાથે શું થતું હશે…

શું તમે જાણો છો કે બોલિવૂડ ફિલ્મોનું શુટિંગ પુરું થયા બાદ તેમાં અભિનેતા-અભિનેત્રીઓએ પહેરેલા કપડાનું શું થાય છે ? તો જાણી લો !

ભારતિય સિનેમા માટે ડિઝાઈન કરવામાં આવેલા સંસ્કૃતિની ભવ્યતા દર્શાવતા કે પ્રેરણા આપતા વસ્ત્રો તે પછી સબ્યસાચી મુખર્જીના હોય કે પછી તરુન તહિલિયાનીના હોય, તે બધા જાય છે ક્યાં ? આપણે મુઘલ-એ-આઝમની અનારકલી બનેલી મધુબાલાનો અનારકલી ડ્રેસ જોયો છે અને પછી આપણે ડીડીએલજે વાળો કાજોલનો નાનકડો વ્હાઇટ સ્કર્ટ પણ જોયો છે. આ બધા જ વસ્ત્રો આપણી સ્મૃતિમાં કંડારાઈ ગયા છે અને ક્યારેક ક્યારેક તે ચલચિત્ર કે તેની સાથે જોડાયેલા કોઈ પ્રસંગની યાદ આવતા જ તે વસ્ત્રો સ્મૃતિમાંથી ડોકિયું કરી જાય છે. પણ આ બધા જ સુંદર વસ્ત્રો ક્યાં જાય છે ? તો અમે જણાવીશું કે તે ક્યાં જાય છે…

1. ક્યાંય ઉંડે દટાઈ જાય છે.

હા, એક વાર ફિલ્મનું શુટિંગ પુર્ણ થઈ જાય અને તેનું સ્ક્રિનિંગ થઈ જાય, ત્યાર બાદ આ બધા જ વસ્ત્રોને સ્વચ્છ રીતે પેક કરી પટારામાં મુકી દેવામાં આવે છે. ડિઝાઈનરોનું એવું કહેવું છે કે સામાન્ય રીતે ફિલ્મ રિલિઝ થઈ ગયા બાદ તેમને વસ્ત્રો સાથે કોઈ જ લેવા દેવા નથી હોતા. ફિલ્મ સાથેનું તેમનું કામ પુરું થઈ જાય છે. આ વસ્ત્રો મોટે ભાગે પ્રોડક્શન હાઉસ પાસે જ રહે છે અને તેને લેબલ લગાવી મોટા પટારામાં સાંચવીને મુકી દેવામાં આવે છે. અરે, ફેશન ઇન્ડસ્ટ્રીઝના ટોપના ડિઝાઈનરના કપડાંનો હક્ક પણ તેમને આપવામાં આવતો નથી.

જરા વિચારો તો ખરા કે ‘એય દિલ હૈ મુશ્કિલ’નો અનુશ્કાના 17 કિલોના લેહેંગા પાછળ મનિષ મલ્હોત્રાએ પાડેલો આટલો બધો પરસેવો અને અનુશ્કા શર્માએ તેને પહેરીને પસાર કરેલો મુશ્કેલ સમય છતાં છેવટે તો આટલા કિંમતી પોશાકને પટારા ભેગો જ કરવામાં આવે છે. અરે આ 17 કિલોના લેહેંગા સાથે તેણીએ 7 કિલોની જ્વેલરી પણ પહેરી હતી. અને છેવટે તો પધું પેટી ભેગું જ થાય છે ? મને તો એવું હતું કે આટલી બધી મગજમારીઓ બાદ માત્ર માણસ જ પેટી ભેગો થાય છે પણ હું ખોટી પડી ! બોલિવૂડમાં તો મોંઘા મોંઘા કપડાંની પણ આ જ હાલત થાય છે !

2. કેટલીકવાર આ વસ્ત્રો અભિનેતા-અભિનેત્રી અથવા તો ડિઝાઇનર્સ પાસે રહે છે!

કેટલીકવાર અભિનેતા કે અભિનેત્રીઓ પ્રોડક્શન હાઉસની રજાથી પોતાની ફિલ્મના વસ્ત્રો પોતાની પાસે રાખી લે છે. ઘણીવાર અભિનેતા કે અભિનેત્રીના જે-તે ફિલ્મના ચરિત્ર્યો તેમને ફેનડમ અથવા સ્ટાર ડમ અપાવ્યું હોય ત્યારે તેમના વસ્ત્રો સાથે તેમની લાગણી જોડાઈ જાય છે અને માટે તે વસ્ત્રો તેઓ પોતાની પાસે રાખવાનું પસંદ કરે છે. કેટલીકવાર તો તેઓ આ વસ્ત્રોનો ઉપયોગ ફિલ્મની પબ્લીસિટી માટે પણ કરે છે અથવા તો તેઓ તેને એક યાદગીરી તરીકે પણ પોતાની પાસે રાખી મુકે છે. હા ઘણીવાર ડિઝાઈનર્સ પણ પોતાની પાસે જ વસ્ત્રો રાખી લે છે.

3. સારા કામ માટે હરાજી બોલાવાય છે

કેટલીકવાર ફિલ્મના વસ્ત્રોની સારા કામ માટે હરાજી બોલાવવામાં આવે છે અથવા તો કોઈ ચેરિટેબલ ટ્રસ્ટમાં તેને દાન કરી દેવામાં આવે છે.

માધુરીની ધક ધક સાડી અને કરિનાની હલકટ જવાનીવાળી સાડીની ભંડોળ ઉભું કરવા માટે હરાજી બોલાવામાં આવી હતી. પુજા ભટે તો સન્ની લિયોનિએ જિસ્મ-2માં પહેરેલા આંતરવસ્ત્રોની પણ હરાજી બોલાવી હતી.

4. જુના વસ્ત્રોને નવું રૂપ આપવું

ડિઝાઈનરો પોતે જ ડિઝાઈન કરેલા જુની બોલિવૂડ ફિલ્મના વસ્ત્રોને નવું રૂપ આપી નવી જ રીતે રજૂ કરે છે. તે કંઈ એટલું સરળ નથી. કેટરિનાએ પહેરેલા ગાઉનને તમે ફરી દિપિકાને કોઈ બીજી ફિલ્મમાં પહેરાવો તે શક્ય નથી.

પણ ડિઝાઈનરો પોતાની ક્રિએટિવિટી વાપરી પોતાના જ જુના વસ્ત્રોને નવો ઓપ આપતા હોય છે. તેઓ લેહેંગાને દુપ્પાટાઓ તેમજ બ્લાઉઝિસ સાથે એવી રીતે મિક્સ એન્ડ મેચ કરે છે કે કોઈને પણ ખ્યાલ ન આવે કે તેનો ભૂતકાળમાં ઉપયોગ થઈ ગયો છે. અને ઇન્ટરનેટ પર પણ તેમને આઉટફિટ રીયુઝ કરવા માટે ટ્રોલ કરવામાં ન આવે.

5. સામાન્ય રીતે તેને ભાડેથી લેવામાં આવે છે

એવું કહેવામાં આવે છે કે ફિલ્મ પ્રોડક્શન હાઉસ ઘણીવાર કપડાં ભાડે પણ લેતા હોય છે. તે કંઈ ફિલ્મની મુખ્ય હિરોઈનો માટે તે તેમ નથી કરતા, પણ કેટલાક સંજોગોમાં તેઓ કપડાં ભાડે લે છે અને ફિલ્મ પુરી થતાં જ તેને પરત કરી દેતા હોય છે. જો કે આ બાબત ટોપ રેટેડ હિરોઈનો કે હીરો અને બોલિવૂડના મોટા ડિઝાઈનરોના કપડાંને લાગુ નથી પડતી. તેમના કપડા તો મોટે ભાગે કોઈ પટારામાં લોક કરી દેવામાં આવે છે અને ભૂલાવી દેવામાં આવે છે. વિચિત્ર કહેવાય કેમ ? બજારમાં આજે લાખો બોલિવૂડ રેપ્લિકા ઉપલ્ધ હશે જેની પાછળ લોકો પાગલ છે.

અનારકલી ડ્રેસ તેમજ બન્ટી ઔર બબલી ફેમ કુર્તા પાયજામા, અને યે જવાની હે દિવાનીની શિફોન સાડીઓ તો આજે પણ તેટલાં જ ફેશનમાં છે. અને છતાં પણ તેની મૂળ કૃતિઓ તો આજે ક્યાંક કોઈ પેટીમાં પુરાઈ રહી હશે. તમે શું વિચારો છો ફિલ્મોના સુંદર વસ્ત્રો સાથે શું થવું જોઈએ ?

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ બોલીવુડની જાણો અજાણી વાતો માટે લાઇક કરો અમારું પેજ.

 

ટીપ્પણી