પ્લેનમાં મુસાફરી કરનાર આલિયાને રોડ ટ્રાવેલિંગ કેવું લાગ્યું… જાણો તેનો અનુભવ વાંચો…

થોડા જ સમયમાં બોલિવૂડમાં છવાઇ જનારી આલિયાને કોઇપણ પ્રકારના પરિચયની જરૂર નથી. પોતાની એક પછી એક ફિલ્મો દ્વારા સફલતા મેળવવાની સાથે જ લોકોના દિલ પર પણ તે અલગ અલગ અભિનયનો જાદુ પાથરી રહી છે. અલગ અભિનય પસંદ કરનાર આલિયાને અલગ સ્થળોનું ટ્રાવેલિંગ કરવું પણ ખૂબ પસંદ છે. ફરવા માટે અને શોપિંગ માટે તે અલગ સ્થળો પસંદ કરે છે. હાલમાં જ હાઇવે ફિલ્મમાં આલિયા રોડ ટ્રાવેલિંગ કરી ચૂકી છે. તો ચાલો જીવનનો અને ફિલ્મનો તેનો ટ્રાવેલિંગનો અનુભવ કેવો છે તે તેને જ પૂછી લઇએ.

આલિયા તું અમદાવાદમાં ઘણા દિવસ રહી છો. બે વાર તે વિઝિટ પણ કરી છે. કેવું લાગ્યું અમદાવાદ.

અમદાવાદમાં મેં ફિલ્મના શૂટીંગ દરમિયાન ઘણો સમય પસાર કર્યો છે. આઇઆઇએમ ખૂબ જ સારી જગ્યા છે, ખૂબ જ સુંદર યુનિવર્સિટી છે, અને અમદાવાદ પણ મને ગમે છે. મેં અહીં પંદર દિવસ વિતાવ્યા છે. અહીંની એક હોટલમાં રહેતી હતી અને જૂદી જૂદી હોટલનું અને ખાસ કરીને ગુજરાતી ફૂડ વધારે ટેસ્ટ કર્યું છે.

લાઇફની સૌથી મોટી મેમોરેબલ જર્ની વિશે જણાવ.

મારી લાઇફની સૌથી મોટી અને મેમોરેબલ જર્ની ફિલ્મ હાઇવેનું ટ્રાવેલિંગ હતું, મને સમજાતું જ નહોતું કે હું ફિલ્મ કરી રહી છું કે ટ્રાવેલિંગ કરી રહી છું. હાઇવે ફિલ્મમાં હું દિલ્હીની યુવતી છું એટલે દિલ્હીમાં મારે થોડું શૂટીંગ કરવાનું હતું. થોડો સમય મળ્યો તે દરમિયાન હું દિલ્હી ફરી હતી. મેં છ દિવસ સળંગ એટલા બધા રાજ્યોનું ટ્રાવેલિંગ કર્યું છે, જે મારા માટે અશક્ય હતું. પણ મેં આ ટ્રાવેલિંગ ને ખૂબ જ એન્જોય કર્યું છે.

 મુસાફરી દરમિયાનની કોઇ ખાસ ઘટના યાદ હશે.

હા, અમે જ્યારે પણ કોઇ સ્થળે રાત્રી રોકાણ કરતા ત્યારે ટીમના દરેક લોકો કેમ્પફાયર કરીને પોતપોતાની પ્લસ એક્ટીવીટી દર્શાવતા અને એન્જોય કરતા. મેં આ ટ્રાવેલિંગ દરમિયાન ઘણા લોકોને ખૂબ નજીકથી નિહાળ્યા છે. તેમની વાતો, વેદનાને સમજી છે. ખરેખર આપણા દેશના લોકો ખૂબ મહેનતું છે.

 ટ્રાવેલિંગમાં કઇ બાબત ખાસ શીખવા જેવી હોય છે.


જ્યારે હું કશ્મીરમાં શૂટીંગ કરતી હતી ત્યારે ત્યાના ગેટઅપ માટે અમે ત્યાની લોકલ મહિલાઓની હેલ્પ લીધી હતી. તેમણે મને તેમના જેવો લુક તો કરી આપ્યો સાથે જ તેમની સાથેની પણ કેટલીક વાતો શેર કરી હતી. મને તે સમયે કોઇ સેલિબ્રિટી જેવું ફીલ થતું નહોતું. હું પણ તેમની સાથેની જ હોઉં તેવો અનુભવ ઘણા રાજ્યોમાં મેં કર્યો. ખરેખર આપણે ફક્ત ટ્રાવેલિંગ કરીએ ત્યારે સ્થળો કે કોઇ મેમોરેબલ પ્લેસ જોઇને ખુશ થઇ જતા હોઇએ છીયે. હું તો કહું છું કે જ્યાં સુધી આપણે તે સ્થળની રહેણીકરણી, લોકો કે સંસ્કૃતિ વિશે ન જાણી લઇએ, ત્યાં સુધી આપણી તે સ્થળની મુસાફરી અધૂરી છે.

પ્લેનમાં મુસાફરી કરનાર આલિયાને રોડ ટ્રાવેલિંગ કેવું લાગ્યું.

મારા માટે એકદમ નવો જ અનુભવ હતો. ટ્રકમાં પહેલીવાર આટલી બધી મુસાફરી કરી, જે જીવનભર યાદ રહેશે. રસ્તામાં ઘણા લોકોને મેં ચાલતા પણ ઘણી લાંબી મુસાફરી કરતા જોયા હતા. ત્યારે વિચાર આવતો કે લોકો કેટલા હેરાન થતા હોય છે, મહેલોમાં રહેનારા લોકોને સામાન્ય વ્યક્તિની પરિસ્થિતીનો ખ્યાલ આવતો જ નથી. પણ જ્યારે તેમના જેવું થોડુંઘણુ જીવન જીવીને કે અનુભવ રીને જોઇએ તો ખરેખર તેમને સેલ્યુટ કરવાનું મન થાય છે.

 તું આપણા દેશના કેટલા રાજ્યોમાં ફરી છો. તેના કલ્ચર વિશે કે લોકો વિશે કઇક જણાવ.

મેં લાઇફમાં વધારે ટ્રાવેલિંગ કર્યું નથી. પણ રોડ ટ્રાવેલિંગ મારા માટે ખૂબ જ એકસ્ટ્રા એક્સપિરિયન્સ રહ્યો છે. મેં થોડા સમય પહેલા જ દિલ્હી, હરિયાણા, કશ્મીર, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશની મુસાફરી કરી હતી. તે સિવાય હું બેંગલોર, ચેન્નઇ, હૈદરાબાદ, સાઉથ ઇન્ડિયાના કેટલાક સ્થળો ફરી છું. મને કશ્મીર, રાજસ્થાનનું કલ્ચર અને લોકો ખૂબ જ પસંદ આવ્યા. પંજાબી લોકો પણ મને ખૂબ જુસ્સાવાળા અને હંમેશા ઉત્સાહી હોય તેવા લાગ્યા. જોકે જ્યારે તમે કોઇપણ રાજ્યના લોકો કે તેમની સંસ્કૃતિને જાણો કે એન્જોય કરો તો તમને દરેક વાત પસંદ પડે છે. દરેક રાજ્યના લોકોનું જૂદુ કલ્ચર છે, તેમના તહેવારો છે, તેઓ અલગ અલગ રીતે એન્જોય કરતા હોય છે. મને તો આપણા દેશનું દરેક કલ્ચર પસંદ છે.

 વિદેશમાં તારું કોઇ ફેવરેટ સ્થળ છે.


હું દર વર્ષે એકવાર લંડન જાઉં છું અને મને ત્યાંથી જ શોપિંગ કરવી ગમે છે. તે સિવાય યુરોપ ફરવાનું થયું છે. વધારે હજી પ્લાનિંગ કર્યું નથી ફરવાનું. હવે ધીમે ધીમે અન્ય સ્થળોએ ફરવાનું શરૂ કરીશ.

 તારા વિચારે ટ્રાવેલિંગ લાઇફમાં કેટલું મહત્વનું છે.

ટ્રાવેલિંગ લાઇફને ચેન્જ કરી નાખે છે. તમારા વિચારોને ચેન્જ કરી નાખે છે. હું આપણા દેશમાં ફરી તે પછી જ મને ખબર પડી કે લાઇફમાં ટ્રાવેલિંગ કેટલું મહત્વનું છે. પ્લેનમાં બેસીને ફરવું અને બસમાં કે ટ્રકમાં બેસીને ફરવું તે અનુભવ અલગ હોય છે. મેં જાતે અનુભવ્યું કે જો દુનિયાને નિહાળવી હોય તો જમીન પર ફરીને જ નિહાળી શકાય છે. દરેક વ્યક્તિએ ટ્રાવેલિંગને જીવનમાં સમજવું, જાણવું અને જીવવું જોઇએ.

લેખક : મેધા પંડ્યા ભટ્ટ

દરરોજ બોલીવુડના સિતારાઓની અવનવી માહિતી જાણવા માટે અત્યારે જ લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી