આજનો દિવસ :- બિરસા મુંડા (કે જેના નામ પરથી રાંચી ઍરપોર્ટનું નામ પડ્યું છે)

સુગના મૂંડા અને કરમી હાતૂના પુત્ર બિરસા મુંડાનો જન્મ નવેમ્બર ૧૫, ૧૮૭૫ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાતૂ ગામમાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા પછી તેઓ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા. એમનું મન હમેશાં પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી બુરી દશા માટે વિચારતું રહેતું હતું. એમણે મુંડા લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ પ્રદાન કર્યું. ૧૮૯૪ના વર્ષમાં નિષ્ફળ ચોમાસાના કારણે છોટાનાગપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. વિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી.

ઓક્ટોબર ૧, ૧૮૯૪ના દિને નવયુવાન નેતાના રુપમાં બધા મુંડાઓને એકત્ર કરી એમણે અંગ્રેજો સામે લગાન માફ કરાવવા માટે આંદોલન કર્યું. ૧૮૯૫ના વર્ષમાં એમને ગિરફતાર કરી, હજારીબાગ નગરના કેન્દ્રીય કારાગારમાં બે સાલની કેદની સજા ભોગવવા રાખ્યા. પરંતુ વિરસા અને એમના શિષ્યોએ દુષ્કાળપીડિત જનતાની સહાય કરવાનું પૂરા મનથી નક્કી કરી લીધું હતું અને આ કાર્ય કરીને તેમણે પોતાના જીવનકાળ દરમિયાન જ એક મહાપુરુષનો દરજ્જો મેળવ્યો. વિરસાને તેમના વિસ્તારના લોકો “ધરતી બાબા” નામથી સંબોધન કરતા તેમ જ પૂજતા પણ હતા. એમના પ્રભાવની વૃધ્ધિ થતાં આખા વિસ્તારના મુંડા આદિવાસીઓમાં સંગઠિત થવાની ચેતના જાગી.

૧૮૯૭ના વર્ષથી ૧૯૦૦ના વર્ષ દરમિયાન મુંડા અને અંગ્રેજ સિપાઇઓ વચ્ચે લડાઇ થતી રહી, અને વિરસા તથા એમના શિષ્યોએ અંગ્રેજોના નાકમાં દમ કરી રાખ્યો હતો. ઓગસ્ટ ૧૮૯૭ના સમયમાં વિરસા અને એના ચારસો સાથીઓએ તીર કામઠાં વડે સજ્જ થઇ ખૂંટી થાણા પર હુમલો કર્યો. ૧૮૯૮ના વર્ષમાં તાંગા નદીના કિનારે મુંડાઓની લડાઇ અંગ્રેજ સેના સાથે થઇ, જેમાં પહેલાં તો અંગ્રેજ સેના હારી ગઇ પરંતુ ત્યારબાદ એના બદલે એમના વિસ્તારના ઘણા આદિવાસી નેતાઓની ધરપકડ થઇ. જાન્યુઆરી ૧૯૦૦ ડોમવાડી ના ડુંગરોમાં એક વધુ સંઘર્ષ થયો, જેમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને બાળકો માર્યા ગયા. એ વખતે આ જગ્યા પર વિરસા પોતાના લોકોની સભાને સંબોધન કરી રહ્યા હતા. ત્યારબાદ વિરસાના કેટલાક શિષ્યોની ધરપકડ પણ થઇ હતી. અંતે વિરસાએ જાતે ફેબ્રુઆરી ૩, ૧૯૦૦ના દિને ચક્રધરપુરમાં જાતે ધરપકડ વહોરી લીધી.

વિરસા મુંડાએ જૂન ૯, ૧૯૦૦ના દિવસે રહસ્યમય રીતે રાંચી ખાતે કારાગારમાં અંતિમ શ્વાસ લીધા. આજે પણ બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારોમાં વિરસા મુંડાને ભગવાનની જેમ જ પૂજવામાં આવે છે. આ ઉપરાંત ભારત દેશના લશ્કરની એક પાંખ ભુમિદળની એક મહત્વની રેજિમેન્ટ બિહાર રેજિમેન્ટના સૈનિકોના નારા(war cry) તરીકે પ્રથમ જય બજરંગબલી અને ત્યારપછી વિરસા મુંડા કી જય એમ નાદ કરવામાં આવે છે. વિરસા મુંડાની સ્મૃતિમાં ભારત દેશના ટપાલ ખાતા તરફથી પણ નવેમ્બર ૧૫, ૧૯૮૮ના દિને ૬૦ પૈસા મૂલ્ય ધરાવતી, ૩.૫૫ સે.મી. લંબાઇ તેમ જ ૨.૫ સે.મી. પહોળાઇ ધરાવતી ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી.

થોડુ વધારે પણ અગત્યનુ

બિરસા મુંડાનો જન્મ ૧૫ નવેમ્બર ૧૮૭૫નાં દિવસે ઉલીહાતુ ગામ, રાંચી, ઝારખંડમાં થયો હતો.

બિરસાએ પ્રાથમિક શિક્ષા સાલ્ગ ગામમાં મેળવી ત્યારબાદ ૧૮૮૬માં ચાઈબાસા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. બ્રિટિશ સરકાર દ્વારા આદિવાસીઓ પર થતા અત્યાચારો જોઈ બિરસાનું મન વારંવાર વિચલિત થઇ જતું.

૧૮૯૪માં છોટાનાગપુરમાં ચોમાસું સારું ન થતા ભયંકર દુષ્કાળ અને મહામારી ફેલાઇ. આ સમયે બિરસાએ આદિવાસીને એકત્ર કર્યા અને બ્રિટિશ સરકાર સામે લગાન માફ કરાવવા આંદોલન કર્યું. આદિવાસીઓ બિરસા ને ભગવાન માનવા લાગ્યા. બિરસાએ આદિવાસીઓ ને નારો આપ્યો-

“अबुआ: दिशोम रे अबुआ: राज”
‘અમારા દેશમાં અમારું શાસન’

આ નારા સાથે આદિવાસીઓ એ જળ, જમીન અને જંગલ માટે ‘ઉલગુલાન આંદોલન’ કર્યું. આદિવાસીઓ અંગ્રેજો સામે ઝૂક્યા નહિ. ૧૮૯૫ માં બિરસા ને પકડી લેવામાં આવ્યા અને ૨ વર્ષ સુધી જેલમાં કેદ કરવામાં આવ્યા. બિરસા જેલમાં હોવા છતાં એમણે સળગાવેલી આંદોલનની આગ એમના શિષ્યો એ સળગતી જ રાખેલી.

૧૮૯૭માં જેલ માંથી બહાર આવતાં જ બિરસા એ ૪૦૦ આદિવાસીઓ ને એકત્ર કાર્ય અને તીર-કામઠાઓ સાથે ખુંટીના પોલીસ થાણા પણ હુમલો કર્યો.
૧૮૯૮માં તાંગા નદીના કિનારે આદિવાસીઓ અને અંગ્રેજો સામે સીધું યુદ્ધ થયું જેમાં અંગ્રેજોએ હાર માની ભાગવું પડ્યું હતું.

આદિવાસીઓ ને અંગ્રેજો તરફ ક્રાંતિ માટે ઉશ્કેરનાર બિરસા મુંડાને અંગ્રેજ સરકાર હવે કોઈ પણ ભોગે કેદ કરવા માથામાં કરવા લાગી હતી.

૩ જાન્યુઆરી, ૧૯૦૦ ના દિવસે બિરસા મુંડા ડૉમ્બવાલી પહાડી પર વિશાળ આદિવાસી જનસભાને સંબોધી રહ્યા હતા અને આગળની રણનીતિ તૈયાર કરી રહ્યા હતાં. આ સમયે અંગ્રેજોની વિશળ સેનાએ પુરા આદિવાસી આંદોલનને ચારે તરફ થી ઘેરી લીધું અને બંદૂકો તથા લાઠીઓ વડે આદિવાસીઓ પર પ્રાણઘાતક હુમલો કર્યો. આ ઘટના જલિયાંવાલા બાગના હત્યાકાંડ જેવી જ હતી. અસંખ્ય આદિવાસી યુવાનો, સ્ત્રીઓ અને બાળકો મૃત્યુ પામ્યા અને બિરસાના તમામ શિષ્યોને પકડી લેવામાં આવ્યા.

૩ ફેબ્રુઆરી, ૧૯૦૦ ના દિવસે બિરસાને પણ પકડી લેવામાં આવ્યા અને જેલમાં કેદ કરવામાં આવ્યા.

જેલમાં જ ૯ જૂન, ૧૯૦૦ ના દિવસે બિરસા મુંડા એ અંતિમ શ્વાસ લીધા.

આજે પણ બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસીઓ બિરસા મુંડા ને ‘ભગવાન’ અને ‘ધરતી બાબા’ ના નામ થી પૂજે છે.

એમની યાદમાં રાંચીમાં એમની પ્રતિમા મુકવામાં આવી છે, રાંચી જેલ ને ‘બિરસા મુંડા કેન્દ્રીય કારાગૃહ’ નામ આપવામાં આવ્યું છે તથા રાંચી એરપોર્ટને ‘બિરસા મુંડા એરપોર્ટ’ નામ આપવામાં આવ્યું છે.

માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

સંકલન અને Post :-
— Vasim Landa ☺
The-Dust Of-Heaven ✍

ટીપ્પણી