અવનવા વિવાદો અને લફરાઓનું ઘર : બિગબોસ…અચૂક વાંચો…તુષાર રાજા ની કલમે

- Advertisement -

રવિવાર,તારીખ 1 ઓક્ટોબરથી શરુ થયેલ બિગબોસ સીઝન 11 એક સાવ અલગ પ્રકારનું ફોર્મેટ ધરાવતો શો છે. આ શોની ખાસિયત એ છે કે પહેલી જ સિઝનથી આ શોમાં ભાગ લેનાર સેલીબ્રીટીઝની પસંદગી કરતી વખતે મોટાભાગે જે સેલીબ્રીટી કોઈ કારણોસર વધુને વધુ ચર્ચાસ્પદ રહી હોય કે કોઈ વિવાદમાં સપડાયેલ હોય તે વાતને બિગબોસના આ ઘરમાં એન્ટ્રી લેવા માટે પ્લસ પોઈન્ટ ગણવામાં આવે છે. આ શો અને ચેનલ સાથે સંકળાયેલ લોકો આ શો સ્ક્રીપ્ટેડ નહિ હોવાનું વારંવાર જણાવતા હોય છે પરંતુ જેવી રીતે બિગબોસના આ ઘરમાં સેલીબ્રીટીઝ વચ્ચે થતી મારામારી, ગાળાગાળી અને અવનવા સ્કેન્ડલ્સ થાય છે તે જોતા એવું લાગ્યા વિના રહે નહિ કે આ શો એક અગાઉથી નક્કી કરેલી સ્ક્રીપ્ટ પ્રમાણે અને ટીઆરપીને ધ્યાનમાં રાખીને જ દરેક એપિસોડ બનાવવામાં આવે છે.

તાજેતરમાં શરુ થયેલ આ શોની 11મી સિઝનના સ્પર્ધકો ફિલ્મ-ટીવી સેલીબ્રીટીઝ ઉપરાંત, બિઝનેસમેન,રેપર,ટ્રોલર, લેડી તાંત્રિક તથા સિંગર જેવા અલગ અલગ ક્ષેત્રોમાંથી પસંદ કરવામાં આવેલા છે. આ ઉપરાંત, કેટલાક અજાણ્યા ચહેરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 18 સ્પર્ધકોમાંથી 14 લોકોએ સીધો ઘરમાં પ્રવેશ કર્યો, જયારે બાકીના 4 સ્પર્ધકો તેમનાં પડોશી બન્યા અને તેમની પર નજર રાખશે.

આ વખતના સ્પર્ધકોમાં એક છે હિતેન તેજવાની.હિતેન ટીવીનો એક જાણીતો સ્ટાર છે. ‘ક્યુકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલથી તેનો સિતારો ચમક્યો હતો. અન્ય એક સ્પર્ધક છે હરિયાણાની જાણીતી સિંગર અને સ્ટેજ ડાન્સર સપના ચૌધરી. સપના ચૌધરી પોતાના ગીતો અને ડાન્સ શોના કારણે ફક્ત ઉત્તર ભારત જ નહિ પરંતુ સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. અન્ય એક સ્પર્ધક છે શિવાની દુર્ગા, જે એક અઘોર તાંત્રિક છે. તેણે શિકાગો યુનીવર્સીટીમાંથી પીએચડી કરેલું છે. તેના જણાવ્યા મુજબ, સ્વામી ઓમ અને ગુરમીત રામ રહીમના કારણે ખરડાયેલી બાબાઓની ઈમેજને સુધારવા માટે તેણે આ શોમાં આવવાનું પસંદ કર્યું છે.

બિગબોસની દરેક સિઝનમાં દર્શકોનું આકર્ષણ વધારવા અને શો માં ગ્લેમર ઉમેરવા અમુક ચર્ચાસ્પદ મોડેલ્સ કે બ્યુટીક્વીન્સનો સમાવેશ કરવામાં આવે છે. આ વખતે તે સ્થાન પુરાવા માટે એમટીવી વીજે અને મોડેલ બેનફશા સૂનાવાલા ને રાખવામાં આવી છે. તે રોડીઝ ની પણ એક સમયે સ્પર્ધક રહી ચુકી છે. તેણે આ શો માં એન્ટ્રી લેતા પહેલા જ પોતાના શોર્ટ ડ્રેસીસ પર કોઈ કોમેન્ટ કરશે તો તેને શું જવાબ આપવામાં આવશે ,તે પ્રકારનું નિવેદન કરીને પોતાનું કામ શરુ કરી દીધું છે. આ સીઝનનો અન્ય એક સ્પર્ધક 25 વર્ષનો પ્રિયાંક શર્મા ‘રોડીઝ રાઈઝીંગ’ અને સ્પ્લીટસ વિલા-10’ નો સ્પર્ધક રહી ચુક્યો છે. અન્ય એક સ્પર્ધક છે આકાશ દદલાની. ગાયક-રેપર આકાશ દદલાની મ્યુઝીક ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે.

આ સીઝનની અન્ય એક સ્પર્ધક છે જ્યોતિ કુમારી. બિહારના મસૌદીમાં રહેતી જ્યોતિકુમારી એક મિડલક્લાસ ફેમીલીમાંથી આવે છે. તેના પિતા એક ક્લાર્ક તરીકે નોકરી કરે છે. અભ્યાસમાં હંમેશા અવ્વલ નંબરે રહેતી જ્યોતિકુમારી હાલમાં યુપીએસસીની તૈયારી કરી રહી છે. અન્ય એક સ્પર્ધક છે બંદગી કાલરા. એ એક મોડેલ છે.

અર્શી ખાન પણ આ સિઝનમાં એક સ્પર્ધક છે, તે પણ એક મોડેલ છે, અને કોન્ટ્રાવર્સી ઉભી કરવા માટે જાણીતી છે. અર્શીખાન તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ખાસ તો તે પાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફ્રીદી સાથેના સંબંધો અંગે અનેક વાર વિવાદાસ્પદ નિવેદનો આપી ચુકી છે. તેના જણાવ્યા મુજબ, લોકોને અંદરોઅંદર લડાવવામાં તેને બહુ મજા આવે છે.

‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ થી ઘર ઘરમાં જાણીતી થઇ ગયેલી ‘અક્ષરા’- હીના ખાન પણ બિગબોસના આ ઘરમાં ‘કેદ’ થઇ ચુકી છે. ટીવી દર્શકોમાં ‘અક્ષરા’ બહુ મોટો ચાહક વર્ગ ધરાવે છે. અન્ય એક સ્પર્ધક દિલ્હીના પુનીશ શર્મા છે. એમ કહેવાય છે કે તે લડાઈ ઝગડા કરવામાં અને યુવતીઓ સાથે ફલર્ટ કરવામાં નિષ્ણાત છે.

બિગબોસની આ સિઝનમાં એક સૌથી વધુ ચર્ચાસ્પદ સ્પર્ધક છે ઝુબેર ખાન. ઝુબેર અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની બહેન અને તાજેતરમાં જેના પર બનેલી ફિલ્મ રીલીઝ થઇ હતી તે હસીના પારકરનો જમાઈ છે. ઝુબેર ખાન મુંબઈનો રહેવાસી છે અને તેણે ‘લકીર કી ફકીર’ નામની એક ફિલ્મ પણ ડાયરેક્ટ કરી હતી.

છેલ્લાં એક વર્ષથી ટીવીના પરદા પરથી ગાયબ થઇ ગયેલ અને એક સમયે ‘ભાભીજી ઘર પર હૈ’ સિરિયલથી ઘણી લોકપ્રિય થઇ ગયેલી ‘અંગૂરી ભાભી’ એટલે કે શિલ્પા શિંદે પણ બિગબોસની આ સિઝનમાં એક સ્પર્ધક છે. એવું માનવામાં આવે છે કે બિગબોસ સિરિયલ તેમાં સ્પર્ધકો વચ્ચે સર્જાતા વિવાદોના કારણે જ વધુ લોકપ્રિય થાય છે, આ સીરીયલના સર્જકો પણ આ વાત બહુ સારી રીતે સમજી ગયા છે એટલે જ વિવાદ સર્જાવાનો એકેય મોકો તેઓ ચૂકવા ન માંગતા હોય તેમ આ સિઝનમાં વિકાસ ગુપ્તા નામના ટીવી પ્રોડ્યુસર અને સ્ક્રીનપ્લે રાઈટરને પણ એક સ્પર્ધક તરીકે સમાવવામાં આવેલ છે. શિલ્પા શિંદે ને જે શો દરમ્યાન અધવચ્ચેથી છોડી દેવો પડ્યો હતો અને તેને જે શો માંથી કાઢી મુકવામાં આવી હતી તે શો ‘ભાભીજી ઘર પર હૈ’ નો પ્રોડ્યુસર છે વિકાસ ગુપ્તા. સ્વાભાવિક રીતે જ બંને વચ્ચે પહેલા એપિસોડથી જ લડાઈ ઝગડા શરુ થઇ ગયા છે.

આ 14 સ્પર્ધકો ઉપરાંત અન્ય ચાર સ્પર્ધકો તેમનાં પડોશીઓ તરીકે રાખવામાં આવ્યા છે. જેમાં લવ ત્યાગી,સબ્યાસાચી,મેહ્જબી સિદ્દીકી,અને ઓસ્ટ્રેલીયન મોડેલ મિસ વર્લ્ડ લુસીન્ડા નિકોલસનો સમાવેશ થાય છે. લુસીન્ડા હાલમાં બોલીવુડમાં જ પોતાની કેરિયર બનાવવા માંગે છે. અમુક ફિલ્મોમાં તેણે આઈટમ સોંગ પણ કરેલ છે. અક્ષયકુમારની ફિલ્મ ‘બોસ’ ના એક ગીતમાં તે જોવા મળી હતી, ઉપરાંત, તાજેતરમાં આવેલી ફિલ્મ ‘ગેસ્ટ ઇન લંડન’માં પણ તેણે એક નાનકડો રોલ કરેલો છે. તે એક યોગા ટીચર પણ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 80 લાખ ફોલોઅર્સ છે.

લેખક – તુષાર રાજા

ટીપ્પણી