શું તમે જાણો છો આ જેલ વિષે જ્યાં જવાથી કેદીઓના દિલ ગાર્ડન ગાર્ડન થઇ જાય છે…

જેલની વાત આવે એટલે ફિલ્મી દૃશ્યો યાદ આવે. ચટ્ટાપટ્ટાવાળા કપડાં અને ટોપી પહેરેલા કેદી, કેદીઓ પર રોફ જમાવતો જેલર, કાળમીંઢ પથ્થરને હથોડાથી તોડતા બંદીવાનો… પણ વાસ્તવિકતા એનાથી બિલકુલ અલગ છે. જેલ કેદીઓ માટે સુધરવાનું સ્થળ પણ છે. એમાંય રાજ્યની એક માત્ર ખાસ જેલનો દરજ્જો ધરાવતી પાલારા જેલમાં તો રાજ્યની અન્ય જેલના ખૂંખાર અને માથાભારે કેદીઓને રાખવામાં આવે છે, ત્યાંનું વાતાવરણ તો જાણે ગોકૂળિયા ગામડાં જેવું છે. (નોંધ માહીતી થોડા મહિનાઓ પહેલાની છે, જેથી ઘણો ફેરફાર થયો હોવાનું શક્ય છે)

જેલમાં કેદીએ પીંછીથી દીવાલો પર સોનેરી સુવાક્યો અંકિત કર્યાં

કચ્છનો વતની કાચાકામનો કેદી શીતલ હરિપ્રસાદ પંડયા જેલમાં આવ્યો એને એક માસ થયો, ત્યાં તેણે તેની આવડતનો ઉપયોગ કરવા મળી ગયો. પેઇન્ટિંગ કામ જાણતા આ કેદીને જેલમાં પણ પીંછી મળી એટલે મજા પડી ગઈ. જેલ અધિકારીના માર્ગદર્શનથી તેણે જીવનને પ્રેરણા આપે એવા સેંકડો સૂત્રો, કાવ્ય પંક્તિઓ, ગઝલના શેરથી દીવાલોને સુશોભિત કરી દીધી.

– કેદી માટે રૂ.૨૪નું લિટર ચોખ્ખું દૂધ, રૂ.સાતમાં ચા

કેદીઓને તેમના પરિવારે આપેલાં નાણાંમાંથી દર મહિ‌ને મહત્તમ રૂા.૮૦૦ના કૂપન જેલમાંથી મળે છે. કેદીઓ એ કૂપનથી માત્ર રૂા.૨૪નું લિટર ચોખ્ખું દૂધ અને એવા દૂધમાંથી બનેલી ચા માત્ર રૂા. સાતમાં મેળવી શકે છે. કેદીઓને દૂધ મળી રહે તે માટે જેલ દ્વારા ગૌશાળા પણ ચલાવામાં આવે છે. આ ઉપરાંત કેન્ટીનમાંથી પણ વાજબી ભાવે ટૂથપેસ્ટ, બ્રશ, વેફર, ચેવડો, સાબુ વગેરે ખરીદી શકે છે.

– જેલમાં હવે સુરક્ષા મજબુત બનાવવા સીસીટીવી કેમેરા મૂકાશે

પાલારા જેલમાં તાજેતરમાં સિપાઈની ખાલી જગ્યાઓ પૂરાઈ જતાં આમેય સુરક્ષા વ્યવસ્થા મજબૂત બની છે, એમાં હવે નજીકના સમયમાં સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવશે એટલે જેલતંત્ર કેદીઓ પર ઓફિસમાં બેઠા-બેઠા નજર રાખી શકશે. આગામી દિવસોમાં મેઇન ગેટ, વિવિધ બેરેકો, સર્કલ પર કેમેરા ગોઠવવામાં આવશે. અગાઉ કેદીઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી, એવો કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે બંદીવાનોની હિ‌લચાલ પર સતત ચાંપતી નજર રાખવામાં આવશે.

સાત હજાર પુસ્તક, ૨૦૦ કેદી વાચક

વર્ષ ૨૦૦૬માં જેલનું નિર્માણ થયા બાદ ૨૦૦૯થી માત્ર ૬૮૦ પુસ્તક સાથે લાઇબ્રેરી શરૂ થઈ. અત્યારે આ ગ્રંથાલયમાં ધાર્મિ‌ક, સાહિ‌ત્ય, ગાંધી વિચાર વગેરે વિષયના સાતેક હજાર પુસ્તક છે. ૧પ૦થી ૨૦૦ જેટલા કેદી વાચકો પણ છે.

– પ્રદીપ શર્માએ કેદીને હિ‌ટલરની આત્મકથા વાંચવા આપેલી

પાલારા જેલનું ઉદ્ઘાટન થયું, ત્યારે તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્મા પણ હાજર હતા. જોગાનુજોગ જથ્થાબંધ બજારના કેસમાં તેઓ આ જ જેલમાં કેદ રહ્યા હતા. અહીં તેમણે કારાવાસ દરમિયાન સેંકડો કિતાબ વાંચી. એમાંય પોતાની સાથે લાવેલું અમેરિકન અને બ્રિટિશ અંગ્રેજી સાહિ‌ત્ય ખાસ વાંચતા. અન્ય કેદીઓને પણ વાચન માટે પ્રોત્સાહિ‌ત કરતા, ત્યાં સુધી કે, એક કેદીને તેમણે એડોલ્ફ હિ‌ટલરની આત્મકથા ‘માય કેમ્પ્ફ’ આપતાં કહ્યું કે, વાંચીને બે દિવસમાં જ પરત કરજે.

– જેલમાં આવ્યો અને ગ્રંથપાલ બની ગયો

ભુજનો કેદી હમીદ જાકબ સમા છેલ્લા ૧૪ માસથી લાઇબ્રેરીનું એક ગ્રંથપાલની જેમ સંચાલન કરે છે, એટલું જ નહીં, તે જર્જરિત પુસ્તકોનું જાતે જ બાઇડિંગ કરી જતન પણ કરે છે.

પાંચ ચોપડી ભણેલા કેદીએ ગીતાજી, શિવપુરાણ વાંચ્યાં

માંડવીના ભાડઈ ગામના રણજીતસિંહ ખૂન કેસમાં ૧૩ વર્ષથી સજા કાપી રહ્યા છે. માત્ર પાંચ ધોરણ પાસ આ કેદીએ વાંચન તરફ મન વાળીને ગીતાજી, શિવપુરાણ જેવા ગ્રંથો વાચી જીવનમાં ધર્મનો મર્મ સમજવાની કોશિશ કરી.

-બંજર જમીન પર લહેરાયો લીલો પાક

જેલની જમીન આમ તો બંજર જેવી છે, ત્યાં ફળદ્રુપ માટી પાથરીને મકાઈ, રંજકો વાવવામાં આવ્યા છે. લીલો પાક લહેરાતો જોઇને આંખને પણ ટાઢક મળે એવું દૃશ્ય જોતાં જેલમાં ગોકૂળિયું ગામડું યાદ આવી જાય.

આયુર્વેદ વિશે એટલું વાંચ્યું કે, ૯ વર્ષથી એલોપેથી દવા નથી લીધી

એમનું નામ છે ભીમજીભાઈ મકવાણા. વ્યવસાયે તેઓ પ્રાથમિક શાળાના શિક્ષક. રાપર એમનું વતન. મર્ડર કેસમાં ૧૩ વર્ષથી જેલમાં. ધર્મ અને તત્ત્વજ્ઞાન વિશે તો તેઓ ખૂબ વાંચે છે, પણ આયુર્વેદ તેમનો ફેવરિટ વિષય છે. એ વિશે તેમણે એટલું વાંચ્યું કે, ખુદનો ઇલાજ પણ તેઓ આયુર્વેદની પદ્ધતિથી જ કરે છે. તેમનું કહેવું છે: બીમાર થાઉં, તો દેશી ઉપચાર કરી લઉં છું. છેલ્લાં નવ વર્ષથી એલોપેથીની દવા લીધી નથી. ભીમજીભાઈ આયુર્વેદમાં જાત અનુભવે એટલાં ઊંડા ઉતર્યા છે કે, અન્ય કેદીઓ માટે પણ આ બાબતમાં જાગૃતિ લાવવા પ્રયત્નશીલ રહે છે.

સૌજન્ય : દિવ્યભાસ્કર

શેર કરો આ રસપ્રદ માહિતી તમારા મિત્રો સાથે.. લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી