“ભોગ” – જીવનમાં સાચા દિલથી કોઇ માટે પોતાનું બલિદાન આપ્યું હશે તો આ સ્ટોરી અચૂક વાંચો

“ચંદ્રા બેટા, ભોગ ચડાવવાનો સમય થઇ ગયો —થાળ તૈયાર છે….?” દિલસુખરાયે પૂજા માં થી સહેજ ઉંચી નજર કરી ઉંચા અવાજે પૂછ્યું……

હા બાપુજી બસ લાવું જ છું, ચંદ્રા એ રસોડા માંથી માં ની ઘરઘથ્થું દવા વાટતા વાટતા જવાબ આપ્યો…. થોડી જ વાર માં ચંદ્રા ઠાકોર જી ને ચડાવાનો થાળ લઇ હાજર થઇ ગઈ. — બેટા માને દવા આપી?– —બસ એજ આપવા જઈ રહી છું કહી ચંદ્રા માને દવા આપવા દોડી….. લે માં, આ દવા લઇ લે , વૈદ જી એ દૂધ સાથે લેવાની કહી છે….તારી બધી શક્તિ પાછી આવી જશે……..

સાત સાત બાળકો ને જન્મ આપી ને ચંદ્રા ની માં સાવ નંખાઈ ગઈ હતી, અને વારે વારે બીમારી નો ભોગ બનતી હતી…. ચંદ્રા માં ને દવા આપી હજી જઈ રહી હતી ત્યાં માં બોલી….. ચંદ્રા નાનકા નું બાળોતિયું બદલવાનું થયું છે…. સાથે સાથે એને નવરાવી પણ દે જે ને પછી બાપુજી ને જમવાનું પણ પીરસી દેજે…. એમનો નોકરી જવાનો સમય પણ થવા આવ્યો છે…હા માં બસ હમણાં કરી નાખું, કહી ચંદ્રા માં ના કક્ષ માં થી રીતસર ની બહાર દોડી….

ઘરના બધા કામ આટોપી ચંદ્રા શાળા એ જવા નીકળી… –આજે પણ માસ્તર ની વઢ સાંભળવી ના પડે તો સારું… ચંદ્રા મનમાં બબડી…. પંદર વર્ષ ની ચંદ્રા ને ઘરના કામ માંથી ફુરસદ જ નહોતી મળતી… પાછળ બીજા ચાર નાના ભાઈ ને બે બહેન, ને ઉપરથી બીમાર માં….એક પછી એક જવાબદારી ના પોટલા ચંદ્રા ઉપર આવે જ રાખતા હતા…..પરંતુ પંદર વર્ષ ની ચંદ્રા ને આ જવાબદારી નહિ ઘરનું કામ જ લાગતું હતું…

મોડી મોડી પણ ચંદ્રા શાળા માં પહોંચી ગઈ….. પોતાના વર્ગ માં દાખલ થાય તે પહેલા હેડ માસ્તર ની નજરે ચંદ્રા ચડી ગઈ….. ચંદ્રા તું આજે પણ મોડી પડી છે….. કાલ તારા બાપુજી ને બોલાવી લાવજે…. સાહેબ બાપુજી સુધી વાત ના પહોંચાડો, એ તો મને ઉઠાડી લેશે… હું તમને માર્ક લાવીને આપું છું ને, પછી તમને શું વાંધો છે?

મારે આગળ ભણવું છે, મારા ઘરની સ્થિતિ પણ બહુ સાધારણ છે, બસ આ વર્ષ જ બાકી છે, પછી હું પાર્ટ ટાઈમ લોકો ના ટ્યૂશન કરી મારુ બી એડ પૂરું કરી નાખી નોકરી એ લાગી જઈશ ને મારા ઘરને ઉંચુ લાવી દઈશ…..ચંદ્રા ની ખુમારી જોઈ ને હેડ માસ્તર પણ આગળ કઈ ન બોલી શક્યા . આખી શાળા માં આ એક છોકરી બધી જ સ્પર્ધા થી માંડી ને ભણવા માં પણ આગળ પડતી હતી….. આ શાળા ની માનો કે એ ઝાંસી ની રાણી હતી…. સતત દોડતી ને બસ દોડતી જ……

થોડા વર્ષો વીતી ગયા ને આ બાજુ ચંદ્રા નું બી એડ પણ પૂરું થઇ ગયું, ને સરકારી શાળા માં સરસ નોકરી પણ મળી ગઈ…..આ બાજુ ઉમર લાયક ચંદ્રા ના માગા પણ આવા ના શરુ થઇ ગયા….બાળપણ થી દોડા દોડ કરતી ચંદ્રા ને હવે લાગ્યું કે હવે એના જીવન માં એક સ્થિરતા આવશે અને એનું એક નવું જીવન શરુ થશે….. વૈદ્ય ની દવાથી માં પણ ઉભી થઇ ગઈ છે ને પોતાના ભાંડુ પણ હવે થોડા મોટા થઇ શાળા એ જતા થઇ ગયા છે….. બધા ભાઈ-બહેન માં- બાપ નો હવે સારો હાથ વાટકો બની ગયા છે….આમ એક પછી એક ચોકઠાં ચંદ્રા ગોઠવવા લાગી

એક સાંજે દિલસુખરાય રાત નું વાળુ કરી ને હીંચકે બેઠાં બેઠાં મહિના ની આવક ને જાવક નો હિસાબ કરી રહ્યા હતા ત્યાં એના પત્ની આવી ને બોલ્યા — આપણે હવે ચંદ્રા નું ક્યાંક નક્કી તો કરો….. ચંદ્રા નો આખા મહિના નો પગાર ગણતાં ગણતાં દિલસુખરાય ગર્વ થી બોલ્યા— અરે હજી તો મારી દીકરી બહુ નાની છે…..મારે તો એના માટે રાજ કુંવર શોધવો છે….. લગન કાંઈ એમ મંડાતા હશે…. હજી તો આખું ઘર રીપેર કરવાનું છે…. ભોટીયા ને એન્જીયર બનાવો છે….ને મારો નાનકો તો ડોક્ટર બનશે જ….. ચંદ્રા ના લગ્ન ની શું ઉતાવળ છે?……ઘરમાં ચંદ્રાની આવક આવવાની શરુ થયા પછી દિલસુખરાય ના અરમાનો ના ઘોડા કંઈક વધુ જ ઝડપથી દોડવા લાગ્યા હતા …..

આ બાજુ ચંદ્રા ની ઉમર વધવા લાગી પણ બાપુજી કંઈ નક્કી કરતા નહોતા અને એ જમાના માં આ વિષે દીકરી કોઈ ચર્ચા કરે એ વાત ને કોઈ અવકાશ જ નહોતો. પરંતુ ચંદ્રા ને ઊંડે ઊંડે આશા તો હતી જ કે ગમે તે દિ બા-બાપુજી મારુ નક્કી તો કરશે જ, અને ક્યારેક એ એકલું મરકી લઇ ને દિવસે પોતાના સંસાર માંડવા ના સપના જોઈ લેતી હતી.

પરંતુ એ દિવસ આવે તે પહેલા અચાનક જ એક દિ ઠાકોર જી નું કહેણ દીલસુખરાય ને આવી ગયું, અને દિલસુખરાય ધામ માં પહોંચી ગયા…. હજી તો દિલસુખરાય ને રીટાયર થવાને આરે પાંચ વર્ષ બાકી હતા ને ખાનગી કંપની માં કામ કરતા દીલસુખરાય પાસે એવી કોઈ બચત પણ નહોતી…બચત કરતા તો વધુ ઘરમાં ખાવા વાળા હતા….. ને આમ અચાનક દિલસુખ રાય ની વિદાય થી ઘર ચલાવવાની બધી જવાબદારી ચંદ્રા ઉપર આવી ગઈ.

પિતા ની અણધારી વિદાય થઇ હોવા છતાં આંખમાં થી એક પણ આંસુ સાર્યા વિના ચંદ્રા પાછી દોડતી થઇ ગઈ…. દિ આખો નોકરી અને સાંજ પછી ટ્યૂશન…..દિલસુખરાય ના ઘરનો જાણે કે જીવતો જાગતો ખાંડણીયો બની ગઈ ચંદ્રા…..હવે તો બસ બા અને નાના ભાડું એ જ બની ગયો હતો ચંદ્રા નો સંસાર….માં નો જીવ હતો એટલે બા એ આડકતરી રીતે લગ્ન ની વાત કરવા નો એક બે વાર પ્રયત્ન કરી જોયો….

પરંતુ ચંદ્રા એ ઘસી ને ના પાડી દીધી…..બા, મારે ભોટિયા ને એન્જીયર ને નાનકાને ડોક્ટર બનવાનો છે….તને ખબર છે કોલેજ ની ફી કેટલી હોય છે ? આ જ પછી આ વાત તારે મારી આગળ ક્યારે ના કરવી… પહેલી વાર ઉગ્ર થઇ ચંદ્રા એ બાને કહી દીધું, અને એ દિવસ પછી બાએ ચંદ્રા ને લગ્ન વિષે કોઈ પણ વાત કરવાની બંધ કરી દીધી….

આપ આ હૃદયસ્પર્શી પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. લાગણીઓને સ્પર્શતી આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

પછી તો ચંદ્રા ના અરમાનો ની જેમ એક પછી એક ઘણા વર્ષો વીતી ગયા. આ બાજુ ભોટીયો પણ એન્જીન્યર થઇ ગયો ને નાનકો બન્યો ડોક્ટર. બીજા બધા ભાંડુ પણ બહુ સારી રીતે ઠેકાણે પડી ગયા. દરકે ભાઈ બહેન ના લગન થી માંડી ને એના છોકરા જન્મ્યા ત્યાં સુધી ના બધા જ વ્યહવાર ચંદ્રા એ જ કર્યા.

આખું કુટુંબ ચંદ્રા એ ઉંચુ લાવી દીધું, અને આજ કારણે આખા કુટુંબ માં ભાઈ-ભાભી થી માંડી ને એના છોકરાઓ માં ચંદ્રા નું જબરજસ્ત માંન રહેતું. કુટુંબ માં સંપ પણ એવો હતો કે ચંદ્રા નો પડ્યો બોલ ઝીલાતો….સમય જતા સૌ પોત પોતાના સંસાર માં ગોઠવાઈ ગયા ને ચંદ્રા આ બધા ના સંસાર માં પોતાનો સંસાર શોધવા હંમેશા મથતી રહેતી હતી. પરંતુ સંસ્કારી કુટુંબ માં એનું માન હેમેશ જળવાઇ રહ્યું…

વર્ષો ના વહાણા વિતી ગયા. હવે તો પ્રિન્સિપાલ ની પોસ્ટ ઉપર થી રીટાયર થઇ ને ચન્દ્રા સીત્તેરે પહોંચી…. એક દિ રવિવાર ની સવારે ભાઈ ને ઘેર હીંચકે બેઠી બેઠી ચંદ્રા ભાઈ જોડે બાળપણ ની વાતો એ વળગી હતી. કુટુંબ ના દરેક ઘરમાં હજી ઠાકોર જીની પૂજા તો હતી જ…. આજે તો મોટો ભત્રીજો પૂજા માં બેઠો હતો….થોડી વાર પછી પૂજા માં બેઠેલા ભત્રીજા એ સહેજ ઉંચી નજર નાખી પોતાની બાર વર્ષ ની પુત્રી ને અવાજ દીધો….. “ચાંદની બેટા ભોગ ચડાવવાનો સમય થઇ ગયો —થાળ તૈયાર છે….?” —-

ભાઇ જોડે વાતો માં મશગુલ ચંદ્રા ને કાને આ શબ્દો અથડાયા, અને અચાનક ચંદ્રા એ રણચંડી નું સ્વરૂપ લઇ પૂજા પાસે આવી ને તાડુકી ઉઠી….. “એલા એય કેટલા ના તું હવે ભોગ લઈશ? હવે તો ખમૈયા કર….ખબરદાર મારી છોકારી ને રસોડા માં મોકલી છે તો ….આનું બાળપણ પણ તું ખાઈ જાઈશ? —-સાંભળી લે… આની રમવા ને ભણવાની ઉમર છે….આને બાળક રહેવા દે સ્ત્રી બનાવ માં…..હવે તો આ ઠાકોરજી ની પૂજા બંધ કરો, હું આ ઘરમાં બીજો ખાંડણિયો બનવા નહિ દઉં—”

અવાચક બની ગયેલો ભત્રીજો ચંદ્રા ની નજર ઠાકોર જી ઉપર હતી કે ઠાકોર જી ની બાજુ માં ગોઠવેલા દિલસુખરાય ના ફોટા પર એ નક્કી ના કરી શક્યો… કે ન તો એ ચંદ્રા નો આ ઉકળાટ સમજી શક્યો…. હા ચંદ્રા નો ઉકળાટ સમજનાર એનો ભાઈ હીચકા ઉપરથી ગાયબ હતો….

ભત્રીજો કઈ સમજે તે પહેલા બીજી જ પળે ચાંદની નો હાથ પકડી ને ચંદ્રા ને રસોડાની બહાર ખેંચી લાવી ને પોતાની બાજુ માં હીંચકે બેસાડી દીધી…. જોર જોર થી હીંચકો ખાતી ચંદ્રા એકી ટશે ઠાકોરજી ની પૂજા સામે બસ જોયે જ રાખતી હતી…..જોયે જ રાખતી હતી… આખું જીવન દોડા દોડ કરતી ચંદ્રા ના મુખ ઉપર આજે વર્ષો પછી જીવન સાર્થક થયું હોય તેવી સંતોષ ની લાગણી દેખાતી હતી ….. કારણ આજે એણે એક ચાંદની ને ચંદ્રા થતી બચાવી લીધી હતી……

લેખક – કેયુર વસાવડા

ટીપ્પણી