ભેરૂમલનો ખુમચો

થોડા કલાક માની લો કે તમે એક પોર્ટેબલ CCTV (કેમેરા) છો. શહેરના કોઈ પણ બીઝી ચાર રસ્તાની ફૂટપાથના એક ખૂણામાં ઉભા રહી જાઓ. ફૂટપાથની સામેના કોર્નર તરફ ફોકસ કરો. તમને શું શું દેખાશે એ બધું મને અત્યારે દેખાય છે.

એ ખૂણામાં બે ચાર જણ કોઈની રાહ જોતા ટળવળે છે. એમની જીભ સળવળે છે. જઠરાગ્ની જાગ્યો હોય છે. એમને ભેરુમાલની પાણીપૂરીનો ચટકો છે. દૂનિયાનો આ એક માત્ર વેપારી એવો છે જે કસ્ટમરની રાહ નથી જોતો, કસ્ટમર એની રાહ જોતો હોય છે. ‘ભેરૂમલ હજી કાં ન આવ્યો?’

એટલામાં ચાર વાગે ફૂટપાથના એ ખૂણામાં બે દિ’થી નાહ્યો ન હોય એવો એક ખુમચાવાળો વટથી ઊભી જાય છે. જાણે તારણહાર પધાર્યો. પરદેશથી પિયુ પધાર્યો. નેતરનું કલાત્મક સ્ટેન્ડ, તેના પર પતરાના ડબ્બામાંથી કાપેલ અથવા એલ્યુમિનિયમના અર્ધ ગોળાકાર કવર પર હિન્દીમાં ઘસાયેલા લાલ અક્ષરે વંચાય છે, ‘जय भोले पकोड़ी’. રસ્તા પરથી પૂરીનો ઢગલો સ્પષ્ટ દેખાય છે.

પાછળ લાલ કપડું વીંટાળેલ મોટા માટલામાં શું છે એ નથી દેખાતું. એમાં નશાયુકત પાણી ભર્યું છે, જે કદિ ખૂટતું જ નથી. બાજુમાં પ્લાસ્ટિકની થેલીઓમાં ચાર દિ’ સૂધી ખૂટે નહીં એટલો પૂરીનો સ્ટોક ભરેલો છે અને ડબ્બામાં તીખી, ખાટી ચટણી, ‘ઉચ્ચ ક્વોલિટી’ના બાફેલ બટેટાં ચણા, કોરો મસાલો પડ્યા છે. ત્રણ વેંત દૂર નળવાળા કદરૂપા કેરબામાં હાથ ધોવાની સુવિધા છે.

અને બોણી શરૂ થાય છે. ભેરૂમલ ચાર જણને કાગળના પડિયા આપે છે. ઘડો ‘ડખળડખળ’ કરે છે અને એક પછી એક પાણીપૂરીની મિજબાની શરૂ થાય છે. કોઈ કહે છે, ‘થોડા ઓર તીખા બનાઓ’ કોઈ કહે, ‘થોડા મીઠા’. કોઈ ‘પ્યાજ જ્યાદા, ભૈયા’ કહી પાણીપૂરી આરોગવામાં એકાગ્ર થાય છે. બસ, ‘એટેક!’ કોઈ પાણીપૂરી ગણીને ખાય છે કારણ કે ખીસા કે પર્સમાં પૈસા ગણતરીના હોય છે.

કેટલાકને ભેરૂમલ ગણી આપે છે કારણ એમનું ધ્યાન એક પછી એક પૂરીઓ મોઢામાં મૂકવામાં જ હોય. આંખ લાલ ન થાય અને નાકમાંથી પાણીના ટીપાં ન પડે ત્યાં સુધી એમને મજા નથી આવતી. ભેરૂમલના અંગૂઠાના કાળા નખથી પૂરી ફોડવાનો આવતો અવાજ ટ્રાફિકના અવાજમાં ભળી જાય છે બાકી એ રિધમ જાણે જપતાલ!

અનુભવી ‘ખવૈયા’ કપડાં પર આદુ અને એસિડવાળું પાણી ઉડે નહીં એ રીતે જિરાફની જેમ ડોક તાણે છે અને કૃષ્ણએ જસોદાજીને મોં ખોલીને બ્રહ્માંડ બતાડ્યું’તું એટલું મોં ફાડે છે. પૂરી મોઢામાં મૂકી ફરી પોતાના વારાની રાહ જૂએ છે. કોઈ દસ પૂરી ખાઈને ડોકું ધૂણાવી ભેરુમાંલને ઇશારાથી ‘હવે મારે બસ’ કહે છે અને પોતાના હક્કની કોરી પૂરી લઇ લે છે તો કોઈ વીસ પૂરી થયા પછી પણ ધરાતો નથી.

એમાં બે-ત્રણ તો એવા ચીટકુ હોય છે કે પાછળ રાહ જોઇને ઊભેલા બીજા ઘરાકની ધીરજની કસોટી થઇ જાય છે. ઝટ પડિયો ન મૂકતા ગ્રુપ તરફ કોઈ પાણીપૂરી ભૂખ્યો ઘરાક દુશ્મનની જેમ તીરછી નજરે જોયા કરે છે, જાણે કહેતા ન હોય, ‘હવે બસ કર ગાંડીના, અમે અહીં ક્યારના લબડિયે છીએ!’. એમનું ચાલે તો કદાચ ગુસ્સામાં નાકમાંથી લોહી પણ કાઢે કે ધક્કો મારીને ભગાડે! થોડી થોડી વારે સંજીવ કપૂરનો બાપ માટલાનું મોઢું ખોલી લાકડાની જાદુઈ સ્ટિકથી ‘તામસી’ પાણીનું સમુદ્રમંથન કર્યા કરે છે. એ બધા કાયમી ઘરાકને ચહેરાથી ઓળખે છે પણ એને મન હાથમાં પડિયો લંબાવીને ઊભેલા જૂના કે નવા, બધા ઘરાક સરખા.

અહીં આવનારા લગભગ બધા સંતાઈને પાણીપૂરી ખાય છે. લગભગ બધા લપાઈને આવે છે અને સરકીને જતા રહે છે. લગભગ બધાના ચહેરા પર એક જ ભાવ હોય છે, ‘મને કોઈ જોઈ નથી જતું ને!’

દૂર હોન્ડા સિટી પાર્ક કરીને આવેલાં યાશોધારાબેન હોય કે ટાંટિયા ઠોકીને શાક લેવા નીકળેલાં સવિતાબેન હોય. પુરુષવર્ગ ઘેર આવે એ પહેલાં કાઈનેટિક પર નિયમિત પાણીપૂરી ખાવા આવતાં દેરાણી- જેઠાણી, અઠવાડિયે દસ દિવસે ભેરુમલની પાણી પૂરી ખાધા સિવાય ચેન ન પડે એવાં નણંદ-ભોજાઈ કે બે બહેનપણીઓ.

સાસુથી છાની વહુ અને વહુથી છાની સાસુ માટે આ ‘ક્વિક બાઈટ’ ખુમચા પર સ્વતંત્રતાનું પીપુડું વગડે છે. કોઈ ઓફિસથી પછા ફરતા પાણીપૂરી દબાવવા સાઈડમાં બાઈક દબાવી ભેરુમલના ખૂમચા સામે ભૂખી નજરે ઉભી જાય છે. હા, પાછું ઘેર તો બધા સાથે બેસીને રોટલી શાક ખાવાં જ પડતાં હોય છે એ વાત જૂદી છે.

બધા પાણીપૂરીના નશાખોરો જ્યારે અહીં આવે ત્યારે હોંઠ ભીડેલા હોય પણ જ્યારે પડિયો કટ્ટાયેલા પીપડામાં નાખે ત્યારે બધાના હોંઠ ખૂલ્લા અને લાલ હોય છે. સૌ ચટપટા સ્વાદમાં ખોવાઈ જાય, કોઈ બિન્ધાસ્ત મિજબાની ઉડાવે તો કોઈ છાનાછપના સિસકારા બોલાવે. ભેરુમલની આ જ તો કમાલ છે!

ફૂટપાથનો આ ખૂણો દૂનિયાનો સૌથી નાનો મેળો છે. આ મેળામાં ભાતભાતના લોકો આવે ને જાય છે. કો’ક ક્યાંકથી ને કો’ક ક્યાંકથી. મેળાના આ માણસના પૈસે તો ભેરુમલે ડૂંગરપૂરમાં પાકું છાપરું બંધાવ્યું છે.

ફૂટપાથના આ ખૂણાની છત વિનાની ‘जय भोले पकोड़ी’ દુકાનનું ભાડું કોઈક ઉઘરાવે છે ખરું પણ એ તમને CCTV કેમેરામાં નહીં દેખાય.

લેખક – અનુપમ બુચ

ટીપ્પણી