“એક ભયાનક સત્ય” – જયારે અમદાવાદ માં એક યાન આવી ને ઉભું રહે…Must Read

અમદાવાદ શહેરથી આશરે ત્રણેક કિ.મી. દુર એક યાન આવીને ઉભુ રહે છે. યાનમાંથી બે મનુષ્ય આકૃતિ બહાર આવે છે. જેનુ નામ દિવ્ય અને પ્રેય છે. બંને ખુબ જ સ્વરૂપવાન અને દેખાવે ખડતલ તથા મજબુત છે. તેના ચહેરા પરનુ તેજ દુરથી જ જોઇ શકાય છે. તેઓ યાનમાંથી ઉતરીને ધીરે ધીરે ચાલતા ચાલતા શહેર તરફ આગળ વધે છે.

એકાદ કિ.મી. આગળ વધતા મનુષ્યોની થોડી વસાહત દેખાય છે. રાત્રિનો સમય થઇ ચુક્યો હતો.આથી દિવ્ય અને પ્રેય મનુષ્યની વસાહતમાં રાત્રિરોકાણની વ્યવસ્થા કરવા જાય છે.પહેલા ઘરે દરવાજો ખખડાવે છે તો એક અપંગ માંદલો લાગતો છોકરો વ્હીલચેર પર બેસીને દરવાજો ખોલે છે.

દિવ્ય અને પ્રેય તેને રાત્રિરોકાણ માટે કોઇ યોગ્ય સ્થળ વિશે પુછપરછ કરે છે ત્યાં એક દુબળી, પાતળી,કૃશકાય કાયા ધરાવતી સ્ત્રી આવીને કહે છે, “ભાઇઓ, તમે અહીંથી ચાલ્યા જાવ…..આટલું બોલતા તે હાંફી પડે છે અને માંડ માંડ શ્વાસ ભરતા ભરતા બુમો પાડીને કહે છે, “ચાલ્યા જાવ અહીંથી ચાલ્યા જાવ”

દિવ્ય અને પ્રેય પોતાના આ અપમાનથી સમસમી ઉઠે છે અને ઘરની બહાર નીકળી બીજા દરવાજે જાય છે. એક અંધ જેવો લાગતો દુબળો પાતળો વ્યકિત દરવાજો ખોલે છે. તેને પણ દિવ્ય અને પ્રેય રાત્રિરોકાણના સ્થળ વિશે પુછે છે ત્યારે તે અશકત માણસ માંડ માંડ હાંફતા હાંફતા કહે છે, “ચાલ્યા જાવ તમે ચાલ્યા જાવ” આટલુ બોલીને માંડ માંડ દરવાજો બંધ કરે છે.

આસપાસના ઘણાં ઘરમાં જઇને દિવ્ય અને પ્રેય તપાસ કરે છે. બધા ઘરોમાંથી બિમાર તથા અશક્ત માણસો તેમને ચાલ્યા જવાનુ કહે છે. આખરે તેઓ થાકીને કંટાળીને માનવ વસાહતથી દુર તંબુ બાંધીને રાતવાસો કરવાનુ નક્કી કરે છે. વાતાવરણમાં ખુબ જ ગરમી હતી.આસપાસ ક્યાંય પાણીનો સ્ત્રોત દેખાતો ન હતો. તેઓ પાસે પોતાનો થોડાક ખોરાક અને પાણી હતા. તેથી રાત પુરતુ ઠીક હતુ. તેઓ થોડુ થોડુ ખાઇને સુઇ ગયા. બીજા દિવસે સવારે તેઓ ઉઠીને આગળ ચાલે છે.સવારથી ગરમીનુ પ્રમાણ ખુબ જ વધારે હતુ.તેઓ ચાલતા ચાલતા અમદાવાદ શહેરમાં પહોંચી ગયા.ત્યાં જઇને ખુબ જ તરસ લાગી હતી.પાણી ક્યાંય દેખાતુ ન હતુ.એક મકાનનો દરવાજો ખખડાવ્યો તો ફરીથી એ જ અનુભવ થયો બિમાર વ્યકિતઓ અને અપમાન.ઘણા ઘરે તેઓ ગયા પરંતુ બધે એક જ અનુભવ થયો તરસના માર્યા તેઓ તરફડવા લાગ્યા.બપોર થતા તેઓ બેભાન બનીને રસ્તા પર પડી ગયા.

ઘણાં લોકો રસ્તા પર અવરજવર કરી રહ્યા હતા.પરંતુ કોઇ દિવ્ય તથા પ્રેય તરફ દયા દાખવતા ન હતા.સાંજ થતા વાતાવરણમાં અચાનક પલટો આવવા લાગ્યો વાદળા ઘેરાવા લાગ્યા.પવન ફુંકાવા લાગ્યો.ઓચિંતા મોટે મોટેથી છાંટા પડવા લાગ્યા અને થોડીવારમાં જોરદાર વરસાદ વરસવાનો ચાલુ થઇ ગયો.બધા માણસો પોતપોતાના ઘરે જવા લાગ્યા લગભગ દોડવા લાગ્યા.થોડાક લોકો આશરો શોધીને વરસાદથી બચવા લાગ્યા.રસ્તો સુમસાન બની ગયો.એક દિવ્ય અને પ્રેય રસ્તા પર પડેલા હતા પણ આજુબાજુના કોઇ તેના પર ધ્યાન આપતા ન હતા.

દિવ્ય અને પ્રેય માથે વરસાદ પડતા તેઓ ભાનમાં આવવા લાગ્યા અને ખોબામાં પાણી ભરી પીવા લાગ્યા પરંતુ પાણીનો સ્વાદ કડવો લાગતો હતો.છતાંય તેઓ તરસ આગળ મજબુર હતા.કડવુ તો કડવુ પાણી તેઓ પી ગયા.બસ થોડીવારમાં વરસાદ બંધ થઇ ગયોને વાતાવરણ ચોખ્ખુ થવા લાગ્યુ.હવે ધીરે ધીરે ફરીથી અસહ્ય ગરમી થવા લાગી.

તડકો આછો આછો નીકળ્વા લાગ્યો.હજુ સાડા ચાર વાગ્યા હતા.લગભગ પંદરેક મિનિટ વરસાદ પડયો.પરંતુ ઠંડકને બદલે પાછી અસહ્ય ગરમી પડવા લાગી.દિવ્ય અને પ્રેય વરસાદના આખા ભીંજાય ગયા હતા.તેના શરીર પર તડકો પડતા તેઓના આખા શરીર બળવા લાગ્યા.જાણે માથે કોઇએ એસિડનો છંટકાવ કર્યો હોય તેમ બળતરા થવા લાગી.ઉલટીઓ પણ થવા લાગી.શરીરમાં બળતરા અને એકાએક ઉલટીઓને કારણે તેમને ચક્કર પણ આવવા લાગ્યા.

થોડીવારમાં તેઓ ફરીથી બેભાન બની ગયા.આઁખો મિંચાય ગઇ.તેઓની આઁખો ઉઘડી ત્યારે તેઓ ફરીથી પોતાના ઘરમાં હતા.તેમના પિતાએ તેઓના શરીર પર કોઇક લેપ લગાવી દીધો હતો જેના કારણે તેઓની બળતરા શાંત થઇ ગઇ હતી.પરંતુ ખુબ જ ભુખ લાગી હતી અને નબળાઇ પણ લાગતી હતી.

તેઓ ભાનમાં આવ્યા એટલે તેના પિતાએ તેમને પહેલા નાહીધોઇ કોગળા કરવાનુ કહ્યુ.તેઓને પણ ફ્રેશ થવાની ઇચ્છા હતી.આથી પિતાની આજ્ઞા પ્રમાણે તેઓ નાહી ધોઇને ફ્રેશ થઇ ગયા.પછી થોડુ પાણી પીને તેઓએ પેટ ભરીને જમી લીધુ.ઘરના વાતાવરણની ઠંડકમાં આવીને દિવ્ય અને પ્રેય ખુબ જ શાંતિ અનુભવવા લાગ્યા.મીઠો અને સ્વાદ ભરેલો ખોરાક ખાઇને તેઓને ટાઢક વળી.

જમી લીધા બાદ તેઓ પિતાજી સાથે બગીચામાં ટહેલવા ગયા.તેમના બગીચામાં જાતજાતના વૃક્ષો અને ફળ ફુલના છોડ હતા.પૃથ્વીથી હજારો પ્રકાશવર્ષ દુર આવેલા તેમના ગ્રહ પર બધાના ઘરે પોતાના બગીચા હતા.ચારેય બાજુ ખુબ હરિયાળી જ હરિયાળી હતી.આજે તેમની માતા આસપાસની સ્ત્રીઓ સાથે મળીને નજીકના જંગલમાંથી નવા નવા ઉપયોગી ઔષધીય છોડ લેવા ગઇ હતી.બધી સ્ત્રીઓ ચોમાસા પહેલા આ રીતે છોડ લેવા જતી હતી અને સાંજે પાછી આવી જતી હતી.હવે બસ તેમનો આવવાનો સમય થઇ જ ચુક્યો હતો.

દિવ્ય અને પ્રેય તેમની પૃથ્વી યાત્રાના અનુભવથી દિગ્મુઢ જ હતા.તેમના પિતા સાથે ચર્ચા કરવા જતા હતા ત્યાં તેમની માતા આવતી દેખાય.તેમની માતા આજે ઘણા બધા રોપા લઇને આવી હતી.તેઓના ગ્રહ પર વૃક્ષોને ઇશ્વર માનીને પુજવામાં આવતા હતા.આટલા બધા રોપા જોઇ દિવ્ય,પ્રેય અને તેના પિતાજી ખુબ ખુશ થઇ ગયા.

તેઓ જલ્દી જલ્દી તે બધા રોપા વાવવાની કામગીરીમાં લાગી ગયા અને તેની માતા રસોઇ માટે બગીચામાંથી તાજા ફળ શાકભાજી તોડીને પછી તેને સાફ કરીને રસોઇ કરવા લાગી.

રોપાને વ્યવસ્થિત રીતે બગીચામાં રોપ્યા બાદ દિવ્ય અને પ્રેય તથા તેના પિતાજી વૃદજેશલાલ ઘરમાં આવ્યા તો રસોઇની મીઠી મીઠી સોડમ આવતી હતી.સુંગધ લઇને તેઓને તો ક્કડીને ભુખ લાગી ગઇ. સુનંદિનીએ જમવાનુ પીરસ્યુ અને બધા સાથે મળીને જમવા બેઠા તેમના ઘરમાં નિયમ હતો કે જમતી વખતે વાતચીત ન કરવી.આમ પણ તેઓ વધારે ચર્ચા કે ફાલતુ વાતમાં સમય કયારેય વેડફતા નહી.બસ જરૂરી અને ઉપયોગી વાતો હોય ત્યારે જ તેઓ કરતા હતા.રાત પડવા લાગી એટલે ઠંડીનુ પ્રમાણ થોડું વધવા લાગ્યુ.પરંતુ ઠંડી આહલાદક હતી.

જમીને સાથે મળીને બધાએ ઘરની સફાઇ અને કામકાજ કરી લીધુ પછી બધા ચાલવા માટે બગીચામાં ગયા.વૃદજેશલાલ અને સુનંદિની રોજની જેમ પાછળના બગીચામાં ચાલતા હતા.દિવ્ય અને પ્રેયને જરાય ચેન ન હતુ.પૃથ્વીનો અનુભવ તેના માટે ઘણા પ્રશ્નો ઉભા કરી ગયો હતો.તેઓને જલ્દી મમ્મી પપ્પા સાથે વાત કરવી હતી પરંતુ રાતની મિંટિગ સુધી રાહ જોવા કહ્યુ હતુ.

તેઓના આસપાસના બધા પાડોશીઓ જમીને ચાલવા જતા ત્યારે બધા મિટિંગમાં એકઠા થતા અને વિવિધ ચર્ચાઓ કરતા આવી જ રીતે ને એક અઠવાડિયા પહેલાની મિટિંગમાં દિવ્ય અને પ્રેયે પૃથ્વી પર જવાનુ નક્કી કર્યુ હતુ.વાત જાણે એમ બની હતી કે તેમના ગ્રહના અગ્રણી વૈજ્ઞાનિક શ્રી ગુલમદન બચેલા એકાદ મહિના પહેલાની તેમની આવી સાંજની મિટિંગમાં આવ્યા હતા ત્યારે તેઓએ પોતાના પ્રવચનમાં જણાવ્યુ હતુ કે, “આપણાથી હજારો પ્રકાશવર્ષ દુર એક પૃથ્વી નામનો એક ગ્રહ છે જેમાં હજારો વર્ષોથી સજીવસૃષ્ટિ વસવાટ કરે છે અને તેઓએ પોતાની જ ભુલને કારણે પ્રદુષણનુ પ્રમાણ વધારી દીધુ અને જેના કારણે આજે તે ગ્રહની સજીવસૃષ્ટિ વિનાશના આરે છે. “તેમની વાતો સાંભળીને દિવ્ય અને પ્રેયનુ મન પૃથ્વી પર જવાનુ થયુ હતુ.

તેમને તે જ રાત્રે તેમના પિતાજીને કહ્યુ કે તે પૃથ્વી પર જઇને પૃથ્વીવાસીઓની મદદ કરવા માંગે છે.તેમના પિતાજી વૃદજેશલાલે કહ્યુ કે પૃથ્વી પર હવે તેઓ કાંઇ કરી શકે એમ નથી છતાંય બંને માન્યા નહિ.આસપાસના બધા લોકોએ તેમને સમજાવ્યા પરંતુ તેઓ એકવાર પૃથ્વી જવા માંગતા.તેઓ પૃથ્વીને વિનાશથી રોકવા માંગતા હતા. આખરે તેમના પિતાજીએ વૈજ્ઞાનિક ગુલમદન બચેલાને મળીને યાનની વ્યવસ્થા કરી દીધી અને તેઓ પૃથ્વી પર જઇ આવ્યા.આજની મિટિંગમાં તેમને પોતાનો અનુભવ બધાને કહેવો હતો અને પૃથ્વીવાસીના રૂક્ષ વલણ અંગે જાણવુ હતુ આથી વૈજ્ઞાનિક ગુલબદન બચેલા પણ આવવાના હતા.

મિટિંગનો સમય થતા બધા આવી ગયા અને વૈજ્ઞાનિક શ્રી ગુલબદન બચેલા પણ સમયસર આવી ગયા.આવીને તે પોતાની સ્પીચ આપવા ઉભા થયા તેને દિવ્ય અને પ્રેયને સ્ટેજ પર બોલાવ્યા.સોસાયટીમાં મિટિંગ સોસાયટીમાં આવેલા બગીચામાં રાખવામાં આવતી જેમાં સ્ટેજ પણ બનાવવામાં આવ્યુ હતુ.ઉપરાંત કુદરતી રીતે વૃક્ષોમાંથી બનેલી લાકડાની ખુરશીઓ અને વેલાઓ બાંધીને છાપરા બનાવવામાં આવ્યા હતા.એકદમ કુદરતી અને ઠંડા વાતાવરણમાં દરરોજ બધા એકઠા થતા હતા.જેમાં કોઇ નિષ્ણાત વ્યકિત આવતી અને પોતાની વાત રજુ કરતી પછી બધા સોસાયટીવાસી કોઇનેય કોઇ મુદા પર ચર્ચા કરતા જે એકદમ વાજબી તથા ઠંડી રહેતી તેમાં કોઇ ખોટી દલીલબાજીનો અવકાશ ન હતો.

ગ્રહ પર રહેતા લોકોના મગજ ખુબ જ શાંત અને ઠંડા હતા.તેઓ કયારેય પણ ગરમી પકડતા નહી.આથી દિવ્ય અને પ્રેયને પૃથ્વીવાસીના શબ્દો ખુબ જ આકરા લાગ્યા હતા.શ્રી ગુલમદન બચેલાએ બધા સમક્ષ દિવ્ય અને પ્રેયને પુછયુ, “પૃથ્વી પર તમે ગયા ત્યારે તમને અસહ્ય ગરમીનો અનુભવ થયો હતો? ત્યાંનુ વાતાવરણ વારંવાર બદલાઇ જતુ હતુ? તડકામાંથી ઓંચિતો વરસાદ પડવા લાગ્યો અને વરસાદ થોડીવારમાં જતો રહ્યો.અને પછી ગરમી લાગતા શરીર પર બળતરા થતી હતી?”

દિવ્ય અને પ્રેયને ગુલબદન બચેલાની વાત સાંભળીને ખુબ જ આશ્ચર્ય થયુ કે તેમને જે અનુભવ થયા તે ગુલબદનજીને કેમ ખબર પડી?
આથી દિવ્યએ પુછયુ, “સર, તમને આ બધી કેમ ખબર પડી?”
“બેટા હુ પૃથ્વી ગ્રહ પર વર્ષોથી સંશોધન કરી રહ્યો છુ.અને તેના કારણે જ મને ખબર છે ત્યાંના વાતાવરણની વળી થોડા થોડા વર્ષે અમારી ટીમનુ એક યાન પૃથ્વી પર ચકાસણી કરવા જાય છે.આથી મને બધી ખબર છે” “પણ સર અમે તો બેભાન હતા.અમને અહીં કોણ લાવ્યુ?” પ્રેયે પુછયુ “બેટા તમે પૃથ્વી પર જવાનુ જોખમ ખેડ્યુ ત્યારથી મને ખબર હતી કે તમારુ જીવન ખતરામાં છે.આથી મારી ટીમનો એક વ્યકિત નદ્રીન યાન લઇને તમારી પાછળ આવ્યો હતો.જે સામાન્યવેશે તમારી પાછળ જ હતો.જે તમને અહીં પાછો લાવ્યો” “પણ અમારુ યાન તો ત્યાં રહી ગયુ હશે?” દિવ્યે પુછ્યુ “ના બેટા આપણે ભલે પૃથ્વીવાસી વિશે બધુ જાણીએ પરંતુ તેમને આપણા અસ્તિત્વ વિશે કાંઇ ખબર પડવી ન જોઇએ.આથી નદ્રીને તમને અહી લાવતા પહેલા જ યાનનો નાશ કરી દીધો” “પણ સર બધા અમને શા માટે ધિક્કારતા હતા?”

“બેટા,તેના વિશે જ ચર્ચા કરવા આજે હું અહીં આવ્યો છુ.પૃથ્વીવાસીઓ અત્યારે ભયાનક ખતરાનો સામનો કરી રહ્યા છે.કદાચ તે ખતરામાંથી તમને બચાવવા માટે અથવા ખતરાની ખરાબ અસર તળે તેઓ તમારું અપમાન કરી રહ્યા હશે.પૃથ્વીવાસીઓએ પોતે હાથે કરીને આ દિવસ લાવ્યો છે.પૃથ્વી પર અત્યારે તેઓના કેલેન્ડર મુજબ 2223ની સાલ ચાલી રહી છે.વિનાશના બીજ તેમણે હજારો વર્ષો પહેલા વાવી દીધા હતા.ઔધોગિકતાના વ્યાપને કારણે તેમને પોતાનુ બે તરફનુ નુકશાન કર્યુ છે.એક તો દેવ સમાન વૃક્ષોને કાપીને જંગલનો નાશ કર્યો અને ઉપરાંત ઝેરી ધુમાડા ફેકતી ફેકટરીઓનો વિસ્તાર વધાર્યો.જેના કારણે તેમનુ વાતાવરણ દિન પ્રતિદિન ઝેરી બનતુ ગયુ.વાતાવરણમાં ઠંડી,ગરમી અને ભેજનું પ્રમાણ નિયત ન રહેતા ખુબ મોટા પ્રમાણમાં વધ ઘટ થવા લાગ્યુ.જેના કારણે તેઓ રોગગ્રસ્ત બનવા લાગ્યા.હવાને ઝેરી તો બનાવી એથી પણ વધારે પોતાના ખોરાકને પણ ઝેરી બનાવવા લાગ્યા.આડેધડ જંતુનાશક દવાઓના ઉપયોગ અને ઝેરી રસાયણો અને ખાતરના છંટકાવને કારણે ખેતઉત્પાદન ઝેરી બનવા લાગ્યુ.પૃથ્વીવાસીઓને ઓછી મહેનતે વધુ પાક ઉત્પાદન ઝડપી જોઇતુ હતુ પણ તેઓને ક્યાં ખબર હતી કે એક દિવસ તેનુ આ પગલુ તેમના જ માટે ઘાતક બની જશે.ઝેરી ખોરાક અને ઝેરી હવા લઇને આજે તેમની હાલત દયાજનક બની ગઇ છે.

દરેક ઘરની પ્રત્યેક વ્યકિત ગંભીર બિમારી કે ખોડખાંપણ ધરાવે છે.તેઓની પ્રજાઉત્પત્તીની ક્ષમતા પણ ઓછી થઇ ગઇ છે.જેના કારણે તેમની પાસે કાં તો સંતાન નથી અથવા કોઇકના ઘરે બાળક જન્મે છે તો તે ગંભીર બિમારી કે ખોડખાંપણ સાથે જન્મે છે.અને તેમના જીવન આયુષ્યના વર્ષો પણ ખુબ ઘટી ગયા છે.તેમનુ શરેરાશ જીવન આયુષ્ય આજે માત્ર ૩૦ વર્ષ જ રહ્યુ છે.તેઓના વાતાવરણમાં અનહદ ઝેર છે.જેના કારણે ત્યાં પડતા વરસાદમાં પણ એસિડનુ પ્રમાણ આવી ગયુ છે અને એટલે જ વરસાદ પડતા તમને બળતરાનો અનુભવ થયો હતો.આપણે અહી વરસાદ આવતા આનંદ કિલ્લોલ સાથે નહાવાની મજા માણી શકીએ છીએ પણ તેઓ આ આનંદ લઇ શકતા નથી.

“આપણે તેમની મદદ ના કરી શકીએ?” પ્રેયે પુછયુ “બેટા, એક કડવી વાસ્તવિકતા એ છે કે આપણે અહીં બેઠા બેઠા તેમની કાંઇ મદદ ના કરી શકીએ.પૃથ્વીવાસીઓએ પોતાનુ વાતાવરણ એટલી હદે બગાડી નાખ્યુ છે કે હવે માત્ર આપણે ખાલી નજારો જ જોઇ શકીએ છીએ.મને પણ ખબર જ છે કે તેમની આ હાલત જોઇ આપણે બહુ દયા આવી જાય છે પણ આપણે પણ તેમણે કરેલા ખોટા કામ સામે લાચાર બની જઇ માત્ર આ નજારો જ જોવાનો રહે છે.”

“પરંતુ સર આપણી ટીમ ત્યાં જઇને તેઓની કોઇ મદદ ન કરી શકીએ?”દિવ્યે પુછયુ “ બેટા શું કરી શકીએ આપણે? પૃથ્વી પર જેટલા લોકો જીવે છે તે માંદગીના ભોગ બનેલા છે અને ટુંકુ આયુષ્ય ધરાવે છે.નવા જન્મેલાની પણ તેવી જ હાલત છે.આપણે ત્યાં જઇને શું કરી શકીએ ? ત્યાંનુ વાતાવરણ સુધારતા સુધારતા આપણે બધા રોગના ભોગ બની જઇશું.આપણા હજારો લોકો ખુવાર થઇ જાય તો પણ આપણે પૃથ્વીવાસીઓની મદદ ના કરી શકીએ”

“તો શુ પૃથ્વીનો વિનાશ થઇ જશે?” પ્રેયે પુછ્યુ “પૃથ્વીનો નહિ બેટા પૃથ્વીવાસીઓનો.એટલે કે પૃથ્વી પર રહેતી તમામ સજીવસૃષ્ટિનો ધીરે ધીરે નાશ થઇ જશે અને પૃથ્વી અન્ય ગ્રહોની જેમ ઝેરી વાયુઓ ધરાવતો અને અસહ્ય ગરમી ધરાવતો ગ્રહ બની જશે.જેમાં ફરીથી કયારેય સજીવસૃષ્ટિ શકય નહિ બને.અત્યારે પણ ઘણી સજીવ સૃષ્ટી પૃથ્વી પરથી નામશેષ થઇ ચુકી છે.માત્ર તે લોકો ઘણા ખરા પક્ષીઓને માત્ર ચિત્રમાં જ જોઇ શકે છે.”

“સર પૃથ્વીવાસીઓએ જે ન્યુક્લિઅસ બોમ્બ જેવા ખતરનાક વિસ્ફોટકો બનાવ્યા છે તથા ખતરનાક વિસ્ફોટક ફેકટરીઓ બનાવેલી છે.પૃથ્વીનો નાશ થતા અને અસહ્ય ગરમી વધતા વિસ્ફોટો થશે તેના કારણે આસપાસના અન્યગ્રહોને નુકશાન નહિ થાય?” દિવ્યે પુછ્યુ “બેટા હવે જે થાય તે આપણે બધાએ માત્ર જોવાનુ જાણવાનુ અને શીખવાનુ છે”

“સર આ બધુ જાણીને મને ખુબ જ દુ:ખ થઇ રહ્યુ છે” પ્રેયે કહ્યુ “દુ:ખ તો મને પણ ખુબ જ થાય છે.પરંતુ પૃથ્વીવાસીઓ એ પોતાની જાતે જ તકલીફ વહોરી છે”

અત્યાર સુધી આસપાસના લોકો બધુ સાંભળી રહ્યા હતા.હવે વૃદજેશભાઇ ઉભા થઇને બોલ્યા,”આપણે સૌ એ સાથે મળીને પૃથ્વીવાસીઓ માટે પ્રાર્થના કરવી જોઇએ.આપણા માટે સર્વશ્રેષ્ઠ દેવ કોઇ હોય તો તે વૃક્ષો છે.વૃક્ષો આપણા માતા-પિતા અને પાલનકર્તા છે.ઇશ્વર કયાંય બીજે નથી આપણી આસપાસ વૃક્ષો સ્વરૂપે રહેલા છે.જે આપણી તમામ જરૂરિયાતો પુરી કરી આપે છે.પોતે ખુવાર થઇને ખોરાક આપે છે.વરસાદને ખેંચી લાવે છે.ગરમીને ઘટાડે છે.તેની લીલોતરી આઁખોને તથા મગજને ઠંડક આપે છે.પહેરવાને કપડાં, બળતણ માટે લાકડુ ઔષધીય દવાઓ બધુ જ વૃક્ષો આપે છે.ઇશ્વર તુલ્ય વૃક્ષોને કાપીને પૃથ્વીવાસીઓ જે મુર્ખામી કરી તે માટે ઇશ્વર તેમને ક્ષમા કરે આપણે પણ તેમનામાંથી શીખવુ જોઇએ કે ગમે તેવા પાપ કરતા કદાચ ન અચકાવ તો કાંઇ નહિ પરંતુ ઇશ્વરતુલ્ય વૃક્ષોને નુકશાન પહોંચાડતા પહેલા જરૂરથી અચકાવુ”

“ભાઇ તમારી વાત એકદમ સાચી છે.

વૃક્ષ જ ઇશ્વર છે.તેનો વિનાશએ આપણી સમગ્ર જાતિ નો વિનાશ છે તે આપણે જોઇ શકીએ છીએ” વૈજ્ઞાનિક ગુલબદને તેમની વાતમાં સાથ પુરાવતા કહ્યુ

ખુબ દુ:ખ અને ભારે હૈયે બધા છુટા પડયા………..

લેખક : ભાવિષા ગોકાણી

આપ સૌ ને આ સ્ટોરી કેવી લાગી અચૂક કોમેન્ટ કરજો !

ટીપ્પણી