બપોરે જમવામાં ભાત વધ્યા છે? જો હા, તો ચાલો સાંજે એમાંથી બનાવીએ :”ભાતનાં થેપલાં”

ભાતના થેપલા 

વધેલો ભાત .. સૌનાં ઘરનો સામાન્ય પ્રશ્ન .. જોકે વધેલા ભાતમાંથી ઘણું બધું બની શકે. ભાતના પુડલા કે મુઠીયા કે વડા વગેરે વગેરે .. પણ સૌથી સામાન્ય અને લોકપ્રિય વાનગી હોય તો એ જ ભાતના થેપલા.

મુલાયમ માખણ જેવા, મસાલેદાર થેપલા હોય, સાથે ચાનો કપ અને આથેલા મરચા.  મને નથી લાગતું કે બીજા શેની પણ જરૂર પડે કોઈને .. આ થેપલા બાળકોને પણ લોકપ્રિય હોય છે . આ થેપલામાં આપ થોડી ખમણેલી દુધી, બારીક સમારેલી કોથમીર સ્વાદ અનુસાર ઉમેરી શકો .. આ થેપલા બાળકોને ટીફીનમાં દેવા માટે પણ ઉત્તમ છે.તો ચાલો જોઈએ આ લોકપ્રિય વાનગીની રીત …

સામગ્રી :

• ૧.૫ વાડકો વધેલા રાંધેલા ભાત,
• મીઠું ( જો ભાત માં મીઠું હોય તો માપથી ઉમેરવું),
• લાલ મરચું,
• હળદર,
• ૩ વાડકા ઘઉંનો લોટ,
• ૩ ચમચી તેલ,
• ૨ ચમચી તલ,

રીત :

એક મોટી થાળીમાં બધી સામગ્રી ભેગી કરી.

કણક બાંધો .. કણક બાંધતી વખતે બહુ પાણીનો ઉપયોગ ના કરવો . કણક તૈયાર થયા પછી હાથ માં ૧/૨ ચમચી તેલ લઇ સરસ કુણવી લો. લોટ બાંધવો એક કળા છે , જો લોટ સરસની બંધાય તો થેપલા પણ સારા નહિ બને.

 લોટ તૈયાર થયા પછી તરત જ વણવા ના શરુ કરો કારણ કે આ ભાતનો લોટ તરત ઢીલો પાડવા માંડશે .. લોટમાંથી નાના લુવા લઇ કોરા લોટની મદદથી વણો.


વણેલા થેપલાને ગરમ લોઢી પર તેલ મૂકી શેકી લો.

ગરમ હોય ત્યારે થાળીમાં છુટા રાખવા જેથી એકબીજાની વરાળથી બગડેની .. ઠરે પછી ડબ્બામાં ભરી લો.


આ થેપલા બીજા દિવસે નાસ્તામાં પણ વાપરી શકાય.
આશા છે પસંદ પડશે આપને ..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી