આખાય વિશ્વનું એક માત્ર ગામ જ્યાં આજેય સંસ્કૃત બોલચાલની ભાષા તરીકે વપરાય છે.

ભાષા સંસ્કૃતિનું ગામ ‘મત્તૂર’

આખાય વિશ્વનું એક માત્ર ગામ જ્યાં આજેય સંસ્કૃત બોલચાલની ભાષા તરીકે વપરાય છે.

એક એવું ગામ જે ગામના કોઈપણ ઘરમાં તમે પ્રવેશ કરો એટલે તમારું અભિવાદન કરવામાં આવે ત્યારે કહેવાય, ‘ભવતઃ નામ કીમ’ મતલબ કે, ‘આપનું નામ શું છે?’ અને પછી હસતા મોઢેં બીજો પ્રશ્ન પૂછાય, ‘કથમ અસ્તી’ મતલબ કે ‘તમે કેમ છો?’ આ બે પ્રશ્નો દ્વારા આગંતૂકનું અભિવાદન કર્યા બાદ યજમાન ગુહસ્ત તેમને પૂછે છે, ‘કોફી વ ચાયમ કીમ ઈચ્છતીમ ભવન’ જેનો અર્થ થાય છે, ‘તમને શું ફાવશે કોફી કે ચા?’

આ રીતના સંવાદો કોઈ બીજા પ્રદેશના નહીં પરંતુ, આપણાં જ દેશના એક ગામમાં બોલાતા સંવાદો છે. કર્ણાટકના કેપિટલ બેંગ્લોરથી ૩૦૦ કી.મી.ના અંતરે આવેલા શીમોગા જીલ્લાનું એક ગામ ‘મત્તૂર’ આજે પણ આપણી સંસ્કૃત્તિના મૂળમાંથી ઉદ્‍ભવેલી ભાષા સંસ્કૃતને પોતાની પ્રથમ ભાષા તરીકે સ્વીકારી, તેને બોલચાલની ભાષા તરીકે જીવંત રાખી જીવી રહ્યું છે. એટલું જ નહીં આ ગામના દરેક રહેવાસીનો એક જ જીવનમંત્ર છે, ‘તે ગામમાં આવનાર દરેક મહેમાનને તેમની ઈચ્છા અનુસાર સંસ્કૃતનું જ્ઞાન આપવું અને સંસ્કૃત ભાષાને જીવંત રાખવાના શુભઆશય પાછળ જ પોતાનું જીવન ખર્ચી નાખવું.’

પરંતુ, જો જો રખે માનતા કે સંસ્કૃતને પોતાની માતૃભાષા તરીકે અપનાવનાર આ ગામના રહેવાસીઓ આજેય વર્ષોજૂની જીવનશૈલી સાથે જીવતા હશે. મત્તૂર ગામના દરેક પરિવારમાં કમ સે કમ એક આઈટી એન્જિનીઅર છે. એટલું જ નહીં આખાય ગામની દરેક વ્યક્તિ અત્યાધુનિક ગેઝેટ્સ અને ઈન્ટરનેટ દ્વારા વિશ્વમાં બનતી દરેક નાનામાં નાની ઘટના અંગે અપડેટ પણ રહે છે.

એકપણ હોટેલ નહીં, એકપણ રૅસ્ટારાં નહીં છતાં મહેમાનોને રહેવાની કે ખાવાની કોઈ ચિંતા નહીં –
વર્ષ દરમિયાન અહીં કેટલાંય વિદેશી પ્રવાસીઓ અને આપણાં દેશના પણ સંસ્કૃત શીખવા માંગતા હોય તેવા લોકો આ ગામની મુલાકાતે આવે છે, જેમાંના મોટા ભાગના લોકો અહીં જ રહી ૧૫ દિવસના બેઝિક કોર્ષથી લઈને પાંચ વર્ષનું પૂર્ણ સંસ્કૃતનું જ્ઞાન મેળવતા હોય છે તેમ છતાં આવા પ્રવાસીઓ, મહેમાનો કે વિદ્યાર્થીઓને રહેવા માટે મત્તૂરમાં એક પણ હોટેલ નથી કે રૅસ્ટારાં નથી. મત્તૂરવાસીઓ આવા દરેક પ્રવાસીઓને કે વિદ્યાર્થીઓને પ્રેમપૂર્વક પોતાના જ ઘરે રહેવા માટે આશરો આપે છે. અને તે પણ રહેવા આવનાર પાસે એક પણ પૈસો લીધા વિના. મહેમાનના રહેવાના ખર્ચથી લઈને ખાવાનો સુધ્ધા ખર્ચ આ ગામવાસીઓ પોતે જ ભોગવે છે.

આ ગામમાં અનાજ અને ઘરવખરીની કોઈ સામાન્ય દૂકાન ધરાવતા દૂકાનદારથી લઈને ખેતરમાં કામ કરતા ખેત મજૂર સુધીના તમામ માણસો સંસ્કૃતમાં જ વાતો કરે છે, અને જવલ્લે જ કદાચ કોઈ એવી વ્યક્તિ હોય કે જેને સંસ્કૃત બોલતા નહીં આવડતુ હોય તો પણ તે સંસ્કૃત સમજી તો શકતી જ હશે. આ ગામના લોકોનું માનવું છે કે, જેમ યુરોપમાં યુરોપિયન ભાષા બોલાય છે એ જ રીતે ભારતમાં પણ સંસ્કૃત ભાષાનો બોલચાલમાં ઉપયોગ થવો જોઈએ. તેઓ કહે છે કે, સંસ્કૃત ભાષા ન માત્ર તમને ભારતની દરેક ભાષા શીખવામાં કે સમજવામાં મદદરૂપ થાય છે બલ્કે, સંસ્કૃતને કારણે તમે જર્મન અને ફ્રેન્ચ જેવી ભાષાઓ પણ ખૂબ સરળતાથી શીખી શકો અને સમજી શકો છો. આ વિશે વધુ વિસ્તારમાં વાત કરતા પ્રોફેસર શ્રીનિધી કહે છે કે, ‘ભારતિય સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિમાંથી સંસ્કૃત ભાષાનો જન્મ થયો અને ભારતની બધી જ ભાષાના મૂળ સંસ્કૃતમાંથી જ જન્મયા છે. એક સમય હતો જ્યારે ભારતમાં સંસ્કૃત બોલચાલની ભાષા તરીકે અને અભ્યાસની ભાષા તરીકે વપરાતી હતી અને તેને દેવભાષા તરીકે ગણવામાં આવતી હતી. આજે સમગ્ર ભારતની ૧% કરતાંય ઓછી વસ્તી દ્વારા આ ભાષાનો ઉપયોગ થાય છે અને જ્યાં થાય છે એ પણ માત્ર બ્ર્હામણો દ્વારા ધાર્મિક વિધી દરમિયાન થાય છે.

હજી જસ્ટ, ૩૭ વર્ષ પહેલાં જ એટલે કે, ૧૯૮૦ના સમય પહેલાં સુધી મત્તૂર ગામના લોકો કર્ણાટકની રિજીનલ લેંગ્વેજ એટલે કે કન્‍નડા ભાષાનો બોલચાલમાં ઉપયોગ કરતા હતાં, અને સાથે જ બીજી ભાષા તરીકે તમિલનું ચલણ વધુ હતું કારણ કે, અહીં કામ મેળવવા માટે આવતા મોટાભાગના મજૂરો પાડોશી રાજ્ય તમિલનાડૂથી આવતા હતા.’ પ્રોફેસર શ્રીનિધી કહે છે કે, ત્યારબાદ અહીં અમારા ગામમાં સંસ્કૃત ભાષા અંગે એક ચળવળની શરૂઆત થઈ, કારણ કે સંસ્કૃતને લોકો બ્ર્હામણોની જ ભાષા તરીકે ક્રીટીસાઈઝ કરવા માંડ્યા હતા અને કન્‍નડ ભાષાના ઉપયોગને કારણે બ્ર્હામણો પણ સંસ્કૃતને ભૂલવા માંડ્યા હતા. આ સમય દરમિયાન અમારા પૂજારી પેજાવર મૂત્ત દ્વારા ગામવાસીઓને કહેવામાં આવ્યું કે, મત્તૂર ગામને આપણે સંસ્કૃતભાષી ગામ બનાવીએ, અને તમે નહીં માનો, અમે, આખા ગામે માત્ર દસ દિવસ સુધી રોજના માત્ર બે કલાક સંસ્કૃતમાં વાત કરવાનું નક્કી કર્યું અને તેનું પરિણામ આજે તમે જોઈ શકો છો. મત્તૂરને સંસ્કૃતભાષી ગામ બનાવવા માટે અમે માત્ર દસ દિવસ રોજના બે કલાક ફાળવ્યા હતા અને આજે મત્તૂર ભારતનું એકમાત્ર સંસ્કૃતભાષી ગામ છે.

ગામના દરેક પરિવારનો કમ સે કમ એક સભ્ય આઈટી એન્જિનીઅર છે

મત્તૂર ગામમાં જન્મેલા અને સંસ્કૃત શીખેલા એવા કેટલાંય લોકો આજે મત્તૂર છોડી ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ સ્થાયી થયા છે, છતાં તેમાના મોટા ભાગના લોકો દરવર્ષે, વર્ષમાં એકવાર મત્તૂર જરૂર આવે છે, પોતાના મિત્રો અને સગાવ્હાલાંઓને પણ લેતા આવે છે, સંસ્કૃતના પાઠો શીખે છે અને શીખવે છે. વૈદીક પધ્ધતિ દ્વારા ચાલતી અહીંની પાઠશાળાઓમાં શીખવા આવતા વિદ્યાર્થીઓ માટે ઊંમરનો કોઈ બાધ નથી. તેઓ પંદર દિવસના બેઝિક કોર્ષથી લઈને પાંચ વર્ષ સુધીના સંસ્કૃત શીખવાના કોર્ષ ચલાવે છે. અહીં ના પ્રાધ્યાપકોનું કહેવું છે કે, કોઈપણ વ્યક્તિ માત્ર ૧૫ જ દિવસમાં કડકડાટ સંસ્કૃત બોલતો અને સમજતો થઈ શકે છે.

જ્યાં ‘પાઠશાળા’ કલ્ચર ફરી ઊંભુ કરવામાં આવ્યું છે તેવા મત્તૂર ગામમાં સંસ્કૃતનું જ્ઞાન મેળવી રહેલા વિદ્યાર્થીઓ આજે વર્ષો પહેલાં ઝાડના પત્તાઓ પર રચાયેલા સાહિત્યને કોમ્પ્યુટર પર રી-રાઈટ કરી રહ્યા છે. આ આખાય શ્રમયજ્ઞ પાછળનો શુભઆશય એ છે કે, વર્ષો પુરાણા એ વૃક્ષપત્તાઓ પર લખાયેલા સાહિત્યના કેટલાંક ડેમેજ થયેલા શબ્દોને આ રી-રાઈટ દ્વારા ફરી જીવંત કરી સાચવી લેવા અને સામાન્ય લોકોના વાચન અને ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવા.
પરંતુ, સંસ્કૃત બોલચાલ અને પાઠવાળુ આ ગામમાં વર્ષોજૂની જીવનશૈલીમાં જીવે છે તેવું નથી. અહીં રહેતા દરેક પરિવારનો એક છોકરો કે છોકરી ક્યાં તો આઈટી એન્જીનીઅર થયો છે, ક્યાં તો તેણે કોઈ બીજી ઉચ્ચઅભ્યાસની ડિગ્રી મેળવી હશે. કબડ્ડી જેવી ભારતિય રમતથી લઈને ફૂટબોલ અને ક્રિકેટ જેવી રમતો પણ અહીં રમાય છે અને સ્માર્ટ ફોન તથા ઈન્ટરનેટ દ્વારા દેશ-દુનિયાની તમામ વિગતોથી પણ ગામ લોકો પોતાને અપડેટ રાખતાં જ હોય છે.

ગામ અને ઘર પર ચિતરાવેલા સાઈન બોર્ડ

મત્તૂર ગામની બીજી એક આગવી ઓળખ ત્યાં લગાડવામાં આવેલા સાઈન બોર્ડ છે. જેમકે, ક્યાંક લખવામાં આવ્યુ હોય, ‘માર્ગે સ્વચ્છતય વિર્જતે, ગ્રામે સૂજાનાઃ વિર્જનતે. મતલબ કે, રસ્તા પર સ્વચ્છતા એટલી જ મહત્વની છે જેટલી એક ગામને વ્યક્તિઓની. તો વળી ગામવાસીઓના ઘરના દરવાજે તમને વંચાશે, ‘યુ કેન સ્પીક સંસ્ક્રીત ઈન ધીસ હાઉસ’ ગામ લોકો કહે છે કે આ રીતનું વાક્ય અમે ગૌરવભેર અમારા દરવાજે લખ્યું છે.

મત્તૂર ગામ અને ત્યાંની બે બહેનો ‘હોસાહાલી’ આખાય દેશમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ‘ગામાકા’ નામના યુનિક ટ્રેડનિશ્નલ સંગીતને જીવંત રાખવા બદલ ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યા છે. આ ‘ગામાકા’ સંગીત દ્વારા તેઓએ કાવ્યા અને વાચનાની ગામાકી શૈલીને જીવંત રાખી છે. જેના દ્વારા તેઓ અનેક અલગ અલગ રાગોમાં આપણી સંસ્કૃતિની અનેક કહાનીઓ અને વ્યાખ્યાનો કરતા હોય છે. જેમાં જૈમિની ભારત, હરીશચંદ્ર કાવ્ય, અજીત પુરાણ, દેવી ભાગવત અને તોરાવે રામાયણ મુખ્યત્વે ગણાવી શકાય.

મત્તૂરમાં ચાલતી શ્રી શારદા વિલાસ શાળામાં લગભગ ૪૦૦ વિદ્યાર્થીઓમાંથી ૧૫૦ જેટલાં વિદ્યાર્થીઓ સંસ્કૃતને પોતાની ફર્સ્ટ લેંગ્વેજ તરીકે સ્વીકારી અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ અને કન્‍નડા કે તમિલ જેવી રિજ્નલ લેંગ્વેજને થર્ડ લેંગ્વેજ તરીકે અભ્યાસાર્થે લેવામાં આવી છે. ઈમરાન નામના એક વિદ્યાર્થીને તે શાળાના શીક્ષકે જ્યારે પૂછ્યું કે, ‘તેણે સંસ્કૃતને પોતાની પ્રથમ ભાષા તરીકે શા માટે સ્વીકારી?’ ત્યારે ઈમરાન કહે છે કે, ‘સંસ્કૃત ભાષાએ તેને પોતાની માતૃભાષા કન્‍નડાને સારી રીતે અને ઊંડાણપૂર્વક સમજવામાં ખૂબ મોટી મદદ કરી હતી અને તેથી તેનું સંસ્કૃત પ્રત્યેનું આકર્ષણ વધ્યુ હતું.’ જ્યારે શશાંક નામનો એક વિદ્યાર્થી કે જે બેંગ્લોરમાં પોતાની આઈટી સોલ્યુશન કંપની ચલાવે છે તે કહે છે કે, ‘સંસ્કૃત ભાષાએ ન માત્ર તેને વેદિક ગણીત શીખવામાં મદદ કરી છે બલ્કે આજે સંસ્કૃતને કારણે મને એટલી મહારત હાંસલ થઈ છે કે જે ગણતરીઓ કરવા માટે આજે બીજા લોકો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરે છે તે હું કેલ્ક્યુલેટરની મદદ વિના મોઢેં જ કરી શકું છું.’

લેખક : આશુતોષ દેસાઈ 

દરરોજ આવું અવનવું જાણવા માટે લાઇક કરો અમારું પેજ જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી