કોલેજની મિત્રતા અને પ્રેમની કુરબાની વિશેની ખુબ સુંદર વાર્તા, શેર કરો અને લાઇક કરો અમારું પેજ…

“પણ હું એને કહું કેવી રીતે કે હું એને પ્રેમ કરું છું? આ તમારે છોકરીઓના જબરા તેવર હોય! કહીએ તોય પ્રોબ્લેમ અને ના કહીએ તોય પ્રોબ્લેમ. એક વાત પૂછું?”

“બોલને”
“હું એને પૂછું, અને જો એને મારા પ્રત્યે ફીલિંગ ન હોય તો એને ખોટું પણ ન લાગે એવો કોઈ રસ્તો ખરો?”

પરમ એની બેસ્ટ ફ્રેન્ડ એવી સુરભીને પોતાના મનની વાતો કહી રહ્યો હતો. આમાં કશું નવું નહતું, પરમ પોતાની દરેક ફીલિંગ, દરેક મુશ્કેલી પોતાની ખાસ ફીમેલ ફ્રેન્ડ એવી સુરભી સાથે જરૂર શેર કરતો. આ વખતે પણ કંઈક એવું જ થઇ રહ્યું હતું. પરમને એમના કોલેજ ક્લાસમાં આવેલી નિધિ પ્રત્યે લવ એટ ફર્સ્ટ સાઈટ જેવું જ કંઈક થયું હતું. જ્યારથી નિધિ એના પપ્પાની બદલીના લીધે આ કોલેજમાં એડમીશન લેવા આવી તે દિવસથી લઈને હમણાં સુધી પરમ સુરભી સામે નિધિના જ નામની માળા જપતો હતો. એ વાતને લગભગ એક વર્ષ પૂરું થવા આવ્યું હતું છતાય હજી સુધી પરમ નિધિને પ્રપોઝ કરવાનું સાહસ ભેગું કરી શક્યો નહતો.

કારણ માત્ર એટલું જ હતું કે નિધિ સ્વભાવે થોડી કડક અને અજાણ્યા લોકો સાથે ઓછા મળતાવડા સ્વભાવની હતી. પરમ પણ એટલો જ હેન્ડસમ હતો, એના સાન્નિધ્યમાં રહેવા માટે કોલેજની મોટાભાગની છોકરીઓ આતુર હતી પણ સુરભી એની બેસ્ટ ફ્રેન્ડ હતી અને સુરભી એ તમામ છોકરીઓથી પુરેપુરી વાકેફ હોઈ પરમને એ બધી પર ધ્યાન આપવાની ના પાડતી હતી. પરમ પણ સુરભીની સલાહ કદીયે ટાળતો નહતો. ‘સુરભીએ કહ્યું છે એટલે એની વાતમાં તથ્ય હશે જ’ એવું એનું માનવું હતું.
આજે પણ પરમ એ જ મશક્કતમાં હતો કે નિધિને પ્રપોઝ કેવી રીતે કરાય અને એ જ બાબતે સુરભી પાસે અભિપ્રાય લેવા મથતો હતો.

“જો પરમ, એવી કોઈ રીત મને ખ્યાલ નથી”
“તને પણ કેટલાય છોકરાઓએ પ્રપોઝ કર્યો જ છે ને! તો તને શું ફીલિંગ છે એમના માટે?”
“મને કશી જ ફીલિંગ નથી એ બધા માટે”

“તોય તું કેમ આમ સરસ બિહેવ કરે છે એ લોકો સાથે? તો પછી કદાચ નિધિના મનમાં મારા માટે પ્રેમ ના હોય તો એ પછી પણ એ મારી અત્યારે છે એવી નોર્મલ ફ્રેન્ડ તો રહી જ શકે ને?”
“એ નિધિ છે અને હું સુરભી! અમે બંને અલગ છીએ, અમારા વિચારો, બેકગ્રાઉન્ડ બધું અલગ છે તો હું કેવી રીતે એના વિષે કોઈ મત આપી શકું તું જ કહે પરમ”

“યાર! વાત તો તારી પણ સાચી જ છે”, પરમે કહ્યું.
“તો હવે?”
“હવે કશુક તો કરવું જ પડશે! આઈ લવ હર સો મચ યાર! મારે મારી ફીલિંગ્સ એક વાર તો એને કહેવી પડશે ને?”
“હા, તો એક કામ થાય એવું છે”

“બોલ બોલ! શું?”, પરમની ઉત્કંઠા વધી.
“હું મારી રીતે, શબ્દોની ફેરગોઠવણી કરીને નિધિનો તારા પ્રત્યેનો મત જાણવાનો ટ્રાય કરું તો?”
“લે યાર! અત્યાર સુધી કેમ આવું ના કીધું તે?”
“અરે પાગલ! નિધિ મારી સાથે એટલી બધી ટચમાં ક્યાં હતી પહેલા? એ તો ગઈ એક્ઝામમાં મેં ટોપ કર્યું ત્યારથી મારા કોન્ટેક્ટમાં આવી છે”
“અચ્છા, બરાબર! તો તું તે જેમ કહ્યું તેમ કરીને મને ક્યારે કહીશ?”
“અરે વેઇટ મારા વ્હાલા. આ બધું આમ અચાનક થોડું થઇ જાય?”
“ઓકે તો મિસ્ટર પરમ તમને બે દિવસનો સમય આપે છે, એટલા સમયમાં નિર્ધારિત કામ પૂરું પાડવું પડશે”

“જો હુકુમ મેરે આકા”
બીજા દિવસે રોજની જેમ નિધિ અને સુરભી ક્લાસમાં એક જ બેંચ પર બેઠા હતા.
“નિધિ? તને શું લાગે છે?”, સુરભીએ વાત છેડી.
“શેના વિષે?”
“આપણા ક્લાસના છોકરાઓ વિષે?”
“મતલબ? આ કેવો સવાલ છે?”, નિધિએ પૂછ્યું.
“મતલબ એમ કે હું પરમ વિષે વાત કરું છું”
“અચ્છા, તારો બેસ્ટ ફ્રેન્ડ, પરમ. એની વાત કરે છે?”, નિધિના અવાજમાં મૃદુતા આવી.

“હા”
“એ તો……” નિધિ બોલતા અટકી ગઈ અને વાત ફેરવી કાઢી, “કેમ તારે શું છે પરમ વિષે? તમે તો ઓળખો છો એકબીજાને સારી રીતે”
“ના, પણ મારે તારો મત જાણવો છે એના વિષેનો”
“કેમ?”

“કારણ કે મને લાગે છે કે હું એને પ્રેમ કરવા લાગી છું, ઈનફેક્ટ કરું છું”
“શું?”, નિધિની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ. એના મુખ પરના ભાવો તંગ થયા, “પણ પરમને તો હું……” કહેતાં નિધિ અટકી ગઈ.
“શું? પરમને તું? આગળ બોલ”
“ના કશું નહિ, એ સારો છોકરો છે એમ જ”
“મને ખબર છે તું પરમને પ્રેમ કરે છે. તો કહી દે ને એને!”, સુરભીએ નિધિને કહ્યું.

“ધત.. એને કેવું લાગશે? એ મારા વિષે શું વિચારશે?”
“અરે પાગલ! એ પણ તારા વિષે આવું જ વિચારે છે અત્યારે”
“એટલે?”
“એક્ચ્યુલી એણે જ મને કહ્યું હતું કે એ તને પ્રેમ કરે છે અને એણે તારો મત જાણવો છે”
“ઓહ માય ગોડ! ખરેખર?”
“હા”

“પણ તે તો હમણાં કહ્યું કે તું પરમને પ્રેમ કરે છે”, નિધિએ વાતચીત યાદ કરતા કહ્યું.
“હું એને પ્રેમ કરું છું કે નથી કરતી એનો સવાલ નથી. પરમ તને અને તું પરમને પ્રેમ કરે છે એ સવાલ છે. તમે બંને એકબીજાને પ્રેમ કરો છો. મારો પ્રેમ એકતરફી છે. પરમ મારામાં એક બેસ્ટ ફ્રેન્ડને જુએ છે, એ ક્યારેય મને તને જે નજરે જુએ છે એ નજરે જોઈ શકવાનો નથી. તો ખોટી અમારી ફ્રેન્ડશીપ શું કામ હાથમાંથી જવા દઉં?”
નિધિને આ સાંભળીને લગભગ ડૂમો ભરાઈ આવ્યો.

“પણ તું આવું કેમ કરે છે?”, એણે પૂછ્યું.
“પરમ મારા કરતા તારી સાથે વધુ ખુશ રહેવાનો છે. અને ફ્રેન્ડ તો અમે રહીશું જ. પણ હા, તું એને ક્યારેય એમ ના કહીશ કે હું પણ એને પ્રેમ કરતી હતી. નહિ તો અમારી દોસ્તી લજવાશે”
“યુ આર ગ્રેટ સુરભી”
“મારી મહાનતા છોડ, અને પરમને મળવા બ્રેકમાં ગાર્ડનમાં આવ. આપણે બંને એને સરપ્રાઈઝ આપીએ”
“હા, ઓકે”

બપોરના બ્રેકમાં પરમ દોડીને એમની બેસવાની નિર્ધારિત જગ્યાએ આવી ગયો. સુરભી જાણીજોઇને લટકેલા મોઢે ત્યાં બેઠી હતી.
પરમે આવતાવેંત જ સવાલોની ઝડી વરસાવી, “શું કીધું એણે? તે પૂછ્યું કે નહિ? કેમ આમ મોં લટકાવીને બેઠી છું? અરે કંઈક તો બોલ”
“એણે કહ્યું કે આવા લપડગંજુઓ માટે એની પાસે બિલકુલ ટાઈમ નથી. એ અહી પોતાનું કરિયર બનાવવા આવી છે”
પરમ આ સંભાળતાની સાથે જ ઉદાસ જેવો થઇ ગયો.

“એણે સાચે જ આવું કહ્યું?”
“હા સાચ્ચે જ કહું છું. વિશ્વાસ ના હોય તો આ નિધિ તારી પાછળ જ ઉભી છે, પૂછી લે”
પરમ આશ્ચર્ય અને ડરના મિશ્રિત ભાવો સાથે પાછળ ફર્યો કે તરત જ નિધિ પોતાના બંને હાથ પરમની પીઠ પર મુકાય એ રીતે એને ભેટી પડી.
પરમ હજી કશું સમજી શકતો નહતો.

“પાગલ! પ્રપોઝ આવી રીતે કરવાનું હોય?”, નિધિએ પરમને કહ્યું.
પરમ બધું સમજી ગયો. એણે પણ પોતાની એક હથેળી નિધિના માથે મૂકી અને બીજો હાથ એની નાજુક પીઠ પર ફેરવ્યો.

પછી તરત જ પરમ સુરભી તરફ વળ્યો અને સુરભીને પણ, “થેંક યુ દોસ્ત”, કહીને ગળે લગાવી લીધી.

કદાચ આ સુરભીનું પરમ સાથેનું પહેલું અને છેલ્લું ફીઝીકલ મિલન હતું જેની મહેક સાચવી રાખવા સુરભી પણ એટલી જ જોરથી પરમને ભેટી.

લેખક : ભાર્ગવ પટેલ

શેર કરો આ સુંદર મિત્રતાની વાર્તા તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block