વાંચો: ભારતના જાંબાઝોની એક એવી શૌર્યકથા, જે ઇતિહાસ તો છે, પણ ઇતિહાસમાં નથી.

ભારત અને ચીન વચ્ચે કેટલાં યુદ્ધો થયાનું ભણ્યા છો ? બેશક, એક જ ! અને એ પણ ભણ્યા હશો કે એ યુદ્ધમાં ચીને ભારતને શરમનાક હાર આપી હતી…. છે ને જીવ બાળવાની વાત ! પણ હવે વધુ ન બાળતાં, કારણકે આજે તમે એક એવી યુદ્ધકથાના સાક્ષી થવા જઈ રહ્યાં છો, જે ઇતિહાસ તો છે, પણ શાળાઓમાં ભણાવાતાં ‘ઇતિહાસ’ માં નથી. વાત 1967 માં ભારત અને ચીન વચ્ચે થયેલાં એક એવા યુદ્ધની છે, જેમાં ભારતીય સેનાએ ચીનને ઘૂંટણિયે લાવી દીધું હતું. વાંચતા પહેલાં ખાતરી રાખજો, કે આ કોઈ મજાક નથી, બલ્કે એક સત્યઘટના છે……

‘હિન્દી- ચીની ભાઈ ભાઈ’ના ભ્રામક ખ્યાલોમાં રાચતી નહેરુ સરકારની નબળી ( ખરેખર તો બેદરકાર ) નેતાગીરીને લીધે ’62 ની લડાઈમાં ભારતીય સેનાએ હાર ખમવી પડી હતી, તેથી સેનાનું મનોબળ તળિયે હતું. યુદ્ધવિરામ પછી પણ ચીન ભારત સાથે આડોડાઈ કરવામાં કંઈ જ બાકી રાખતું ન હતું. તીબેટને પચાવી પાડયાં પછી એ ‘ડ્રેગન’ ની નજર હવે સિક્કિમ પર હતી. અહીં એક ખાસ નોંધવા જેવી વાત એ છે, કે સિક્કિમ એ સમયે ભારતનો ભાગ ન હતો, ( 16 મે, 1975ના રોજ વિધિવત્ તે ભારતનું રાજ્ય બન્યું.. જેની પાછળ ભારતની ખુફિયા એજન્સી ‘રો’ ની અફલાતૂન ચાણક્યનીતિ જવાબદાર હતી.. પણ એ વાત ફરી ક્યારેક…) ત્યાંની રાજાશાહી સરકાર ભારતના સંરક્ષણ તળે શાસન ચલાવતી હતી, એટલે કે સિક્કિમની સીમાઓની રક્ષા કરવી ભારતીય સેનાની જવાબદારી હતી.
ચીનને સિક્કિમમાં ભારતની આ હાજરી આંખમાં કણાંની માફક ખૂંચી રહી હતી. તેથી તેણે 1965માં ભારતને ‘નાથુ લા’ ( લા એટલે ઘાટ ) ખાલી કરવાની ચીમકી આપી. ‘નાથુ લા’, સમુદ્ર સપાટીથી 14,200 ફિટ ઊંચાઈએ આવેલો વ્યુહાત્મક રીતે મહત્વનો ઘાટ હતો, જે સિક્કિમ-તિબેટ બોર્ડરને જોડતી સીમા પર હતો. ચીનની મહેચ્છા એ ઘાટ પર કબ્જો જમાવીને ધીરે ધીરે આખેઆખું સિક્કિમ (ઓડકાર ખાધાં વગર ! ) ગળી જવાની હતી, પણ આ વખતે તેની મંછા પર ભારતની નેતાગીરીએ પાણી ફેરવી દીધું, કારણકે દિલ્હીમાં હવે ’56 ઇંચ’ની છાતીવાળા લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા. તેમણે એક પણ ઇંચ જમીન પરથી પાછળ ખસવાની ઘસીને ના પાડી દીધી. ચીન સમસમીને બેસી રહ્યું.

1967માં ફરી તેણે ભારત સામે ફૂંફાડો કર્યો. ભારતીય સેનાએ ’62ની લડાઈ પરથી બોધપાઠ લઈને ‘સેબુ લા’ અને ‘કેમલ્સ બેક’ નામની બે વ્યૂહાત્મક રીતે મહત્વની જગ્યાઓ પર પોતાની ચોકી સ્થાપી હતી, અને તોપો પણ ગોઠવી હતી. આ પગલું છેવટે આપણાં માટે ગેમ ચેંજર સાબિત થવાનું હતું. આ બે જગ્યાઓ પરથી સમગ્ર ‘નાથુ લા’ પર નજર રાખી શકાય એમ હતી. ‘નાથુ લા’ પાસે પાકે પાયે સીમા ન હતી, નિર્દેશન માટે એક પથ્થર હતો, જેની એક તરફ ચીન (તિબેટ) અને બીજી તરફ સિક્કિમ હતું ! ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો એકબીજાની ખૂબ નજીક રહીને પેટ્રોલિંગ કરતાં, (આજે પણ આ જગ્યાએ તેઓ એકબીજાથી સૌથી ઓછા અંતરે છે. ) તેથી વારંવાર ચીનાઓ સરહદ ઓળંગીને ભારતીય હદમાં ઘૂસી આવતાં. નાનીમોટી ચડભડ અને હાથાપાઈ સામાન્ય હતી. આખરે રોજબરોજની અવળચંડાઈથી કંટાળીને ભારતીય ફૌજે ત્યાં તારની વાડ બનાવવાનું નક્કી કર્યું.

તે સમયે મેજર જનરલ ( પછી લેફ્ટનન્ટ જનરલ બનેલાં ) સગતસિંહ સિક્કિમમાં ભારતીય ફૌજની માઉન્ટેન ડિવિઝનના સરદાર હતાં. લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોરા કોર કમાન્ડર હતાં અને લેફ્ટનન્ટ જનરલ સામ માણેકશૉ ઇસ્ટર્ન આર્મી કમાન્ડર હતાં. રસપ્રદ વાત એ છે કે પાછળથી આ ત્રણે સેનાપતિઓએ 1971 ના યુદ્ધમાં ભારતની જ્વલંત જીતનો પાયો નાખ્યો હતો. ( સામ માણેક્શૉ એ સમયે ભારતીય સેનાધ્યક્ષ હતાં. )
11 સપ્ટેમ્બર, 1967. ભારતીય સેનાના ઇજનેરોએ વહેલી સવારમાં જ સીમાએ વાડ બાંધવાનું કામ શરુ કરી દીધું. ચીની કનડગત ઉત્તરોત્તર વધી રહી હતી, તેથી જેમ બને તેમ જલ્દી કામ આટોપવાનું હતું. 18મી રાજપૂત રેજિમેન્ટની એક કંપની તેમને રક્ષણ આપી રહી હતી. 2 ગ્રેનેડિયર અને તોપખાનું એલર્ટ પર હતું. કામ પૂરજોશમાં ચાલુ હતું. અચાનક ક્યાંકથી ચીની ટુકડી ટપકી પડી. ભારતનું આ પગલું તો ચીનાઓ માટે અસહ્ય હતું, જો તારની કાયમી વાડ બની જાય, તો તો પછી સીમા લાંઘવાનો સવાલ જ ઉભો ન થાય, સિક્કિમને પણ પછી ભૂલી જવું રહ્યું ! સ્વાભાવિક રીતે જ તેમણે વિરોધ દર્શાવ્યો, અને તરત જ આ કામગીરી રોકી દેવાની ચીમકી આપી. ભારતીય સૈનિકોએ તેને અવગણીને કામ જારી રાખ્યું…
ચીની પેટ્રોલિંગ પાર્ટી પોતાના બંકરમાં પાછી ફરી. થોડીવાર બાદ ચીન તરફથી એન્જિનિયર કોરને કવર આપી રહેલા સૈનિકો પર કોઈ પણ ચેતવણી કે ઉશ્કેરણી વગર ગોળીબાર શરુ થયો. દુશ્મનના આ અણધાર્યા પગલાંથી ભારતીય સૈનિકો પહેલા તો દંગ થઇ ગયા પણ તરત તેમને પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ. ખુલ્લા મેદાની પ્રદેશમાં કવર લેવાની જગ્યા ન હતી, તેથી આપણાં સૈનિકોએ પણ સ્વરક્ષણ માટે સામો ગોળીબાર શરુ કર્યો. સ્થળ હતું ‘નાથુ લા’ ની ઉત્તરે આવેલ ‘યાક લા.’ અચાનક થયેલા ગોળીબારમાં 18મી રાજપૂતના મેજર હરભજનસિંહ અને 2 ગ્રેનેડીયરના કેપ્ટન ડાગર બહાદુરીપૂર્વક દુશ્મનોનો સામનો કરતી વખતે શહીદ થયાં. જેમને પાછળથી અનુક્રમે મહાવીર ચક્ર અને વીર ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યાં.

2 ગ્રેનેડીયરના કમાન્ડિંગ ઓફિસર લેફ્ટ. કર્નલ રાય સિંહ ગોળીબારમાં ઘવાયાં, છતાં તેમણે લડત ચાલુ રાખી. યુદ્ધ પૂરું થયાં બાદ અદભુત્ સાહસ અને વીરતા બદલ તેમને મહાવીર ચક્ર મળવાનું હતું. ભારતીય સૈનિકો ગુસ્સામાં હતાં, પાંચ વર્ષ પછી નાલેશી ધોવાનો મોકો તેમને મળ્યો હતો, જેને તેઓ કોઈ પણ ભોગે ગુમાવવા નહોતા માંગતા. હવે ‘સેબુ લા’ અને ‘કેમલ્સ બેક’ પર ગોઠવાયેલા ભારતીય તોપખાનાએ મોરચો સંભાળ્યો. દુશ્મનોની ચોકી પર સખત તોપમારો શરુ થયો, જે એટલો અસરકારક હતો કે તેની લગભગ બધી જ ચોકીઓ નષ્ટ પામી. ભારતના આવા ‘અસ્વાભાવિક’ પ્રત્યુત્તરથી ચીનાઓ બોખલાઈ ગયા. આ મોરચા પર તેઓ કશું પણ કરી શકે તેમ ન હતાં, છતાંય ભારતને ડરાવવા માટે તેમણે પોતાની એરફોર્સનો ઉપયોગ કરવાની ખાલી ખાલી ધમકીઓ આપ્યાં કરી.. આખરે પાંચ દિવસ પછી 15 સપ્ટેમ્બર, 1967 ના ભારતે યુદ્ધવિરામ સ્વીકાર્યો.

વર્ષોથી વિજયના નશામાં ચૂર રહેલી ચીનની ‘પીપલ્સ લિબરેશન આર્મી’ માટે આ હાર અસહ્ય હતી. ‘ખોટી વાહ અને પાછળથી ઘા’ ચૂંચી આંખ વાળા ચીનાઓના લોહીમાં હતી- છે, એ વાતથી ભારતીય સેના હવે પૂરી રીતે વાકેફ થઇ ચૂકી હતી, તેથી ચીની ખંધાઈને ધ્યાને લઈને સિક્કિમ સરહદે સતર્કતા વધારી દેવામાં આવી. ગોરખા રેજીમેન્ટની નવી જ બનેલી સાતમી બટાલિયનને ‘નાથુ લા’ થી થોડા અંતરે આવેલાં ‘ચો લા’ ઘાટ પાસે તૈનાત કરી દેવાઈ. થોડા દિવસ પછી 1 ઓક્ટોબર, 1967 ના દિવસે ‘ચો લા’ પાસે ચીની કમાન્ડરે પેટ્રોલિંગ દરમિયાન ભારતીય સૈનિકો સાથે ઉગ્ર બોલાચાલી કરી. પ્લેટૂન કમાન્ડર નાયબ સૂબેદાર જ્ઞાન બહાદૂર લીંબૂએ સામો પ્રતિકાર કર્યો તો તેમને બાયોનેટ ભોંકી દીધી. આ તો હદ થઇ ! ચીનાઓએ જાણી જોઈને આ પગલું ભર્યું હતું, પણ તેઓ કદાચ ભૂલી ગયા કે તેમણે વિશ્વની સૌથી બહાદૂર રેજીમેન્ટને પડકારી હતી.

પોતાના આગેવાન પર હુમલો થતો જોઈને ગોરખા સૈનિકોને સખત ગુસ્સો ચડ્યો અને તેમણે ચીનાઓના હથિયાર ઝુંટવી લીધા. થોડી જ વારમાં આ અથડામણે હિંસક યુદ્ધનું સ્વરૂપ પકડી લીધું, જે દસ દિવસ ચાલ્યું. ઝનૂન પૂર્વક લડેલાં ગોરખા સૈનિકોએ દુશ્મનોના મોમાં ફીણ લાવી દીધું. ભારતે ચીનને ત્રણ કીલોમીટર જેટલી પીછેહઠ કરાવી, અલબત્ત આપણે કેટલાંક જવાંમર્દો જરૂર ગુમાવ્યાં, પણ શહીદ થતાં પહેલાં એ સપૂતોએ માતૃભૂમિનું ઋણ ચૂકવી દીધું હતું. એ યુદ્ધમાં અપ્રતિમ બહાદુરી બદલ ગોરખા રેજીમેન્ટના બે સૈનિકો હવાલદાર તિન્જોન્ગ લામા અને રાઇફલમેન દેવી પ્રસાદ લીંબૂ વીરચક્રથી સમ્માનિત થયાં.

બસ તે દિવસ છે અને આજનો દિવસ છે, ચીને ફરી ક્યારેય આવું અવિચારી પગલું ભરવાની જુર્રત નથી કરી… હા, ક્યારેક મૂળ સ્વભાવ પર આવીને તેના સૈનિકો ભારતીય સીમામાં ઘૂસણખોરી કરે છે, નાની મોટી બોલાચાલી પણ થતી રહે છે, પણ તેણે ક્યારેય તેને હિંસક સ્વરૂપ આપવાની હિંમત નથી બતાવી, ખાસ કરીને નાથુ લા પાસે. ક્યાંથી બતાવે ? દુનિયાની શેરદિલ ફૌજ સાથે પંગો લઈને શું પરિણામ આવે, એ તે સારી રીતે જાણે છે.

લાંબી ચર્ચા કરવા લાયક સવાલ હવે એ થાય, કે જો આ યુદ્ધ હતું તો તેને આપણાં ઇતિહાસમાં શા માટે ગૂમનામી મળી ? કેટલાંક ઇતિહાસકારો કદાચ એવી દલીલ કરે કે એ નાનકડી અથડામણ હતી…. તો પછી આ અથડામણમાં ભાગ લઈને શૌર્યની મિસાલ કાયમ કરનાર સૈનિકોને મહાવીરચક્ર અને વીરચક્રથી નવાજવાનું કારણ શું ? યાદ રાખજો કે વીર ચક્ર, મહાવીર ચક્ર અને પરમવીર ચક્ર યુદ્ધ સમયે અપાતાં પુરસ્કારો છે… 1967ની લડાઈ વખતે પણ અપાયાં હતાં. કારણકે એ નાનકડી અથડામણ નહીં, પરંતુ રીતસરનું યુદ્ધ હતું, જે ચીને જાણી જોઈને શરુ કર્યું હતું, અને જયારે તેની મંછા પૂરી થતી હોય એવું ન લાગ્યું એટલે યુદ્ધવિરામ સ્વીકારી લીધો. આ યુદ્ધમાં ભારત તરફથી કુલ મળીને 88 નરબંકાઓ શહીદ થયાં જયારે ચીને પોતાના 400 સૈનિકો ગુમાવ્યાં ! ગર્વ લેવા જેવી વાત છે… પણ અફસોસ ! દેશમાં આજે ઘણાંખરાં લોકો આ શૌર્યગાથાથી અજાણ છે.. કોના પ્રતાપે ??? વિચારજો જરા…

( વર્ષો બાદ ફરી સિક્કિમ સરહદ પર ભારત-ચીન વચ્ચે તણાવ છે. સીમા પર વધારાના જવાનોએ મોરચો સંભાળી લીધો છે, પણ લડાઈ થવાની સંભાવના ઓછી છે, કારણકે સેના ’62 ના મુકાબલે વધુ તૈયાર છે. ભગવાન ન કરે, પણ જો લડાઈ થઈ, તો ખાતરી રાખજો કે ભારતીય સેના દેશના સ્વમાનને ઉની આંચ પણ આવવા નહીં દે.( 1962ની હાર પણ સરકારની નિષ્ફળતા હતી, સેનાની નહીં. ) યુદ્ધ શસ્ત્રોના દમ પર નહીં, ખુમારી અને સાહસના દમ પર જીતાય છે.

સરકારની નબળાઈ એ સેનાની નબળાઈ નથી, એ આપણે સારી રીતે સમજી લેવું જોઈએ… જય હિન્દ..

લેખક : પ્રતીક. ડી. ગોસ્વામી

જો આપને આ પોસ્ટ ગમી હોય તો જરૂર શેર કરજો…..

ટીપ્પણી