ભાર વગરનું ભણતર કે ભણતરનો ભાર ? આજ ના દરેક Intellectuals ખાસ વાંચે…!!!!

હું મૌલિક જગદીશ ત્રિવેદી કૅનેડામાં ૪ મહિનાથી અભિયાસ કરી રહ્યો છું. અહીં વિદ્યાર્થીઓ કોફી પીતા-પીતા અને નાસ્તો કરતા કરતા પણ કલાસમાં ભણી શકે છે. મોબાઈલમાં જરૂરી કોલ આવે તો બહાર જઇને વાત પણ કરી શકે.

અરે એટલું જ નહિ ! વિદ્યાર્થીને કંટાળો આવે અથવા કામ આવી જાય તો એ ચાલુ લેકચરે નીકળી પણ શકે છે. કલાસમાં હાજરી પૂરવાનો કોઈ રિવાજ નથી. ઈચ્છા થાય તો આવો કલાસમાં નહિ તો ઓનલાઈન ભણી લ્યો.

શિક્ષકો પણ તમારી સાથે મિત્રની જેમ વર્તન કરે. ભણાવતા-ભણાવતા સતત તમને હસાવતા રહે. મારી દ્રષ્ટિએ શિક્ષક હસતો અને હસાવતો હોવો જોઇએ. જે શિક્ષક હંમેશા ગંભીર રહેતા હશે એ ભલે ગમે એટલા જ્ઞાની હોય છતાં એના વર્ગમાં વિદ્યાર્થીઓને જરાય મજા નહિ આવે.મજા વગરનું ભણતર વ્યર્થ છે !

‘tution classes’ નામનો શબ્દ તો હજી અહીંયા અસ્તિત્વમાં જ નથી આવ્યો. તમારા બાળકને ફરજીયાત તમારા ઘરની આસપાસની સ્કૂલમાં જ ભણવા મુકવાનું. એને ઘરથી દૂર હોય એવી નિશાળમાં પ્રવેશ મળેજ નહિ.

અહીં વિદ્યાર્થીઓ પણ આપણા કરતા જુદા પડે છે. આપણે ત્યાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એકાદો લોકલ રાજકારણીનો દીકરો હોય અને એની હવા લઈને બીજા ૮ પંટર ફરતા હોય એવું પશ્ચિમમાં તમને ક્યારેય જોવા નહિ મળે.
વિદ્યાર્થી ૧૮ વર્ષનો થાય એટલે પોતાનો ખર્ચો જાતે ઉપાડવા લાગે છે. કેનેડા કે અમેરિકાના માં-બાપ માટે એમનું બાળક કયા ધોરણમાં ભણે છે એ ઘણી વખત અઘરો પ્રશ્ન બની જતો હોય છે.

શિક્ષણ આટલું હળવું છે તો પણ દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં તમને પશ્ચિમની ઘણી જોવા મળશે. અને ભારતની પ્રથમ કોલેજ દુનિયામાં કયા નંબર ઉપર છે એ તમે ગૂગલમાં જોઈ લેજો.

આપણા લોકોએ શિક્ષણને વધારે પડતું મહત્વ આપી દીધું છે. પરિણામે, આખા વિશ્વમાં વિદ્યાર્થીઓના આપઘાત સૌથી વધુ ભારતમાં થાય છે. હિમોગ્લોબીનના ટકા ઘટે છતાં રિઝલ્ટના ટકા વધે નહિ એ પરીક્ષા નથી પણ અગ્નિપરીક્ષા છે.

શિક્ષણ જરૂરી છે પરંતુ શિક્ષણ સર્વસ્વ નથી. ભારતમાં વિદ્યાનો જ્યાં લય થાય છે એવી વિદ્યાલયો અને વિદ્યા જ્યાં પીઠ ફેરવી ગઈ છે એવી વિદ્યાપીઠોમાં સરસ્વતીના સ્થાને લક્ષ્મીજી ગોઠવાઈ ગયા છે.
શિક્ષણને સાચા અર્થમાં ભાર વગરનું કરવું જ પડશે. ગોખણીયા જ્ઞાન કરતા જીવનલક્ષી શિક્ષણ મળે એવી વ્યવસ્થા કરવી જ પડશે.

બચ્ચો કે નન્હે હાથો કો ચાંદ-સિતારે છૂને દો,
ચાર કિતાબે પઢકર વો ભી હમ જૈસે હો જાયેંગે.

લેખક ~ મૌલિક જગદીશ ત્રિવેદી

આ લેખ પર તમારા વિચારો અને મંતવ્યો આવકાર્ય !!!

ટીપ્પણી