હરિજન બહેન અને બ્રાહ્મણ ભાઈના હેતની સત્યઘટના – Must Read Today !!

આશરે ૧૦૦ વર્ષ પહેલાની સત્યઘટના છે. સુરેન્દ્રનગર જિલ્લાનું ગુજરવદી નામનું એક ખોબા જેવડું ગામડું. સંધ્યા ટાણું હતું. સુરજનારાયણ માઁ રન્નાડેના ઓરડે જવા ઉતાવળા થયા હતા.

એક યુવાન ખેડૂત બ્રાહ્મણ કસાયેલું શરીર અને ધીરા ધીરા ડગલાં માંડતો તળાવમાં સ્નાન કરી પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો. અચાનક તળાવમાં કોઈકના ધૂબકાનો અવાજ આવ્યો. યુવાને અવાજની દિશામાં પોતાનું મોઢું ફેરવ્યું તો એક સ્ત્રીને ડૂબતી જોઈ. વિચાર કરવા જેટલો પણ સમય બગાડ્યા વગર એણે દડદડતી દોટ મૂકી તળાવના પાણીમાં પડ્યો અને પેલી સ્ત્રીને ખભે ઊંચકીને બહાર લઇ આવ્યો.

આ ઘટનામાં મહત્વની વાત એ હતી કે પેલી સ્ત્રી બહાર નહીં આવવા માટે પ્રયાસ કરતી હતી અને બ્રાહ્મણે એને પરાણે બહાર લઇ આવી એક અવળા હાથની અડબોથ ઝીંકી.

પેલી સ્ત્રી રડવા લાગી અને બોલી કે મને મરી જવા દ્યો. મારે મરી જવું છે. ભૂદેવે પૂછ્યું તારે શું કામ મરવું છે ? ત્યારે પેલી સ્ત્રીએ જવાબ આપ્યો કે હું હરિજન છું. મારી સાસુ મને ખુબ દુઃખ આપે છે. મારી ઉપર એણે દુઃખના ડુંગર ખડક્યા છે. મને ગાળ દઈને ઉઠાડે છે અને ગાળ દઈને બેસાડે છે.
એનો પણ મને વાંધો નથી ! પણ મારો એકનો એક ભાઈ થોડા દિવસો પહેલા સર્પદંશથી મરી ગયો અને હવે મારી સાસુ મને નભઈ નભઈ કહીને બોલાવે છે. મારાથી સંધાય દુઃખ સહન થાય પણ આ નભઈનું મેણું મારાથી સહન નથી થતું અને એટલે હવે મારે મરી જવું છે.

( નભઈ એટલે જેને ભાઈ નથી એવી સ્ત્રી )

ત્યારે પેલા યુવાને કીધું કે હવે તારે મરવાની જરૂર નથી. આજથી હવે તારી સાસુ ક્યારેય તને નભઈ નહીં કહે. આગળ બ્રાહ્મણ અને પાછળ હરિજનની સ્ત્રી બંને હરિજનવાસમાં આવ્યા. આખો હરિજનવાસ સાંભળે એવી રીતે યુવાન બ્રાહ્મણે ત્રાડ નાખીને પેલી સાસુને કીધું કે ખબરદાર જો તારી વહુને કોઈ દિવસ નભઈ કીધી છે તો ! કારણ કે આજથી હવે હું એનો ભાઈ છું.
અને ખાલી કહેવા ખાતર એ સ્ત્રીને બહેન નહોતી બનાવી પરંતુ જ્યાં સુધી એ યુવાન જીવ્યા ત્યાં સુધી બળેવ હોય, ભાઈબીજ હોય કે કોઈ પણ તહેવાર હોય ત્યારે એ હરિજન બહેનના ઘરે જાય, એને ભેટ-સોગાદ આપે અને એટલું જ નહીં પરંતુ એ સ્ત્રીના બાળકોના મામેરા પણ પેલા યુવાને પૂર્યા હતા અને તમામ બાળકો એમને મામા કહીને બોલાવતા.

એમ કહેવાય છે કે જયારે એ યુવાનનું મૃત્યુ થયું ત્યારે ગુજરવદીના પાદરમાં પેલી હરિજન સ્ત્રીએ જે મૃત્યુ ગીત એટલે કે મરસીયા ગાયા એ સાંભળીને આખું ગામ તો રોયું પણ તે દિવસે ગુજરવદીના ઝાડવા પણ રોયાં હતા.

એ યુવાનું નામ કાશીરામ રામચંદ્ર મહેતા. જે સમર્થ નવલકથાકાર સ્વ. દેવશંકર મહેતાના પિતાશ્રી. અને હું એ યુવાનની પૌત્રીનો પૌત્ર.
મિત્રો, અત્યારે ૨૦૧૭ની સાલમાં પણ આપણે જાતિવાદમાંથી ઊંચા નથી આવતા અને પેલા યુવાને ૧૦૦ વર્ષ પહેલા હરિજનની સ્ત્રીને બહેન બનાવી અને આખી જિંદગી એનું રક્ષણ કર્યું હતું.

બહેનો ! જયારે રાખડી બાંધો ત્યારે તમારા ભાઈ આગળ વચન માંગજો કે તું મને જેટલું માન આપે છે એટલું જ માન દેશની તમામ નારીને પણ આપીશ !

લેખક ~ મૌલિક જગદીશ ત્રિવેદી

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block