તમે બીપી કે પછી બીજી કોઈ બીમારીના લીધે મીઠું ઓછુ ખાવ છો? તો આ વાંચો અને તમારી માન્યતા બદલો..

જેમને હાઇપરટેન્શન છે કે હાર્ટ-ડિસીઝ છે એવા લોકો ઘણી વાર પોતાના ખોરાકમાં મીઠાનું પ્રમાણ સાવ નહીંવત્ કરી દેતા હોય છે જે તેમના માટે ઘણું હાનિકારક સાબિત થાય છે. આજે જાણીએ મીઠું કેટલું મહત્વનું છે અને ખોરાકમાં એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ

રિસર્ચ

છેલ્લાં કેટલાંક વર્ષોમાં હાઇપરટેન્શન અને હાર્ટ-ડિસીઝનું પ્રમાણ ઘણું વધ્યું છે અને એની સામે જાગૃતિ ફેલાવવા માટે અભિયાનો ચાલી રહ્યાં છે જેમાં ખોરાકમાં મીઠાનો એટલે કે નમકનો ઉપયોગ ઘટાડવાની સલાહ દરેક હેલ્થ-પ્રૅક્ટિશનર આપે છે. જેમને હાઇપરટેન્શન છે તેમને પણ અને જેમને નથી તેમને પણ મીઠું બંધ કરવાની સલાહ અપાતી હોય છે. ઘણા લોકો મીઠા વગરનું ખાતા શીખી રહ્યા છે અને પોતાની હેલ્થની ચિંતા કરતા ઘણા લોકોએ બને એટલું મીઠું રોજબરોજના જીવનમાંથી કાઢી પણ નાખ્યું છે, પરંતુ આ મેડિકલ ગાઇડલાઇન્સ કે મીઠું ઓછું ખાવું એટલે કે સોડિયમનો ઉપયોગ રોજિંદા જીવનમાં ઘટાડવાની જે વાત છે એ બાબતે સંદેહ ઊભું કરતાં અને પોતાની વાતને પુરવાર કરતાં ઘણાં રિસર્ચ આજકાલ બહાર પડી રહ્યાં છે. ૧૯૯૦ની સાલથી વૈજ્ઞાનિકો આ બાબતે સંદેહ ઊભો કરી રહ્યા છે કે મીઠું બંધ કરી દઈએ તો ચાલે જ નહીં અને એનું જરૂરી પ્રમાણ તો ખાવું ખૂબ જ આવશ્યક છે. વૈજ્ઞાનિક સલીમ યુસુફ જે ભારતીય મૂળના છે અને કૅનેડામાં મૅક્માસ્ટર યુનિવર્સિટીમાં પ્રોફેસર છે તેમણે આ દિશામાં ઘણું કામ કર્યું છે અને તેમના રિસર્ચ પરથી જે તારણો આવ્યાં છે એ આજે જાણીએ.

મીઠાનું મહત્વ

કૅનેડાની મૅક્માસ્ટર યુનિવર્સિટીમાં થયેલા એક રિસર્ચ મુજબ લો સોડિયમ ડાયટ શરીરમાં ફાયદાને બદલે નુકસાન વધુ કરે છે. રોજિંદા ઉપયોગમાં લેવાતા મીઠાને તમે ઓછું વાપરો તો એ શરીર માટે સારું નથી. આ પ્રકારની ડાયટ શરીરમાં કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝના રિસ્કને અને મૃત્યુના પ્રમાણને પણ વધારે છે. લૅન્સેટ મેડિકલ જર્નલમાં છપાયેલા આ રિસર્ચ મુજબ મીઠું માનવ માટે અત્યંત જરૂરી તત્વ છે અને શરીરને એની તાતી જરૂર રહે છે. વર્ષોથી દુનિયામાં એમ કહેવાતું આવ્યું છે કે વધુ પ્રમાણમાં મીઠું હેલ્થને નુકસાન પહોંચાડે છે. સંશોધકો કહે છે કે આ એક હકીકત છે; પરંતુ એની સાથે બીજી જે બાબત જોડાયેલી છે એ પણ સમજવી જરૂરી છે કે સોડિયમનો વધુ ઉપયોગ જ નહીં, ઓછો ઉપયોગ પણ હાનિકારક છે. જો તમે એને પૂરતા પ્રમાણમાં લો નહીં તો હાર્ટ-અટૅક કે સ્ટ્રોક પણ આવી શકે છે. માટે જરૂરી છે કે નિયત માત્રામાં મીઠું ખાવું જ જોઈએ અને આ બાબત જેમને હાઇપરટેન્શન છે એવા લોકોને પણ લાગુ પડે જ છે.

સોડિયમની જરૂર

આપણે ત્યાં ગુજરાતીમાં જે વ્યક્તિ બુદ્ધિ વગરનું કામ કરે તેના માટે એક કહેવત છે કે આને તો મીઠાની તાણ છે. એટલે કે શાબ્દિક અર્થ મુજબ આ વ્યક્તિમાં મીઠું ઓછું છે. મગજ અને એનાં કાર્યો માટે મીઠું અત્યંત આવશ્યક છે એવું સાયન્સ કહે છે. સાયન્સની આ વાતને આપણે આપણી શાણપણભરી કહેવતો સાથે કેવી જોડી દીધી છે એ રસપ્રદ વાત છે. સોડિયમ શરીર માટે અત્યંત જરૂરી તત્વ છે એ સમજાવતાં અંધેરીના બેલી વ્યુ હૉસ્પિટલ અને મધર્સ કૅર ક્લિનિકનાં ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ અને સર્ટિફાઇડ ડાયાબિટીઝ એજ્યુકેટર શિલ્પા વર્મા કહે છે, ‘દરેક કોષને એના માટે જરૂરી પોષણ મળી રહે એ માટે સોડિયમની જરૂર હોય છે. આ સિવાય સ્નાયુઓ વ્યવસ્થિત રીતે કામ કરી શકે એ માટે પણ સોડિયમ મહત્વનું છે. મગજથી ચેતાતંત્ર દ્વારા સંદેશાને લાવવા લઈ જવાનું કામ પણ સોડિયમની મદદથી જ થાય છે. એટલે ડાયટમાં સોડિયમ ઓછું થાય તો એ ખૂબ જ હાનિકારક છે.’

પ્રોસેસ્ડ ફૂડ

મીઠું ઓછું કરવાની જે વાત છે એમાં કયા પ્રકારે ઓછું મીઠું ખાવું જોઈએ એ સમજવું અત્યંત જરૂરી છે. એ વિશે વાત કરતાં શિલ્પા વર્મા કહે છે, ‘આપણે ઘરે જે ખોરાક બનાવીએ છીએ એમાં મીઠું ઓછું કરવાની કોઈ જ જરૂર હોતી નથી, કારણ કે એનું પ્રમાણ આપણે જેટલું લઈએ છીએ એ ઘણું જ મિનિમમ હોય છે. જે વસ્તુમાં અતિશય મીઠાનો પ્રયોગ કરવામાં આવે છે એ છે પ્રોસેસ્ડ ફૂડ, પૅકેજ્ડ ફૂડ, રેડી ટુ ઈટ ફૂડ અને બહારનું ખાવાનું. બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ અને હાર્ટના દરદીએ જો પોતાની હેલ્થ માટે મીઠું ઓછું કરવું હોય તો તેણે આ બધો ખોરાક બંધ કરવો જોઈએ. બહાર ખાવાનું ઓછું કરો અને બને તો બંધ જ કરી દો. પ્રોસેસ્ડ ફૂડ પણ સદંતર બંધ કરી દો. તો તમારે મીઠા કે સોડિયમ વિશે ચિંતા કરવાની જરૂર જ નથી. ઘરના ખોરાકમાંથી તમને જેટલું સોડિયમ મળે છે એ પૂરતું છે.’

બ્લડ-પ્રેશર પર કાબૂ

સોડિયમનો મહત્વનો ઉપયોગ એ છે કે એ બ્લડ-પ્રેશરને કાબૂમાં રાખીને લોહીની ઘટ્ટતાને જાળવી રાખે છે. આ બાબતે પોતાનો મત જણાવતાં મુંબઈ સેન્ટ્રલની વૉકહાર્ટ હૉસ્પિટલના કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રતીક સોની કહે છે, ‘જ્યારે મારી પાસે હાઇપરટેન્શનનો કોઈ દરદી આવે જેનું બ્લડ-પ્રેશર ખૂબ જ અનસ્ટેબલ હોય એટલે કે ઊંચું જતું રહ્યું હોય તો તેને એક ગ્લાસ લીંબુપાણી કે કોઈ પણ જૂસમાં એક ચપટી મીઠું નાખીને પીવડાવું છું. એનાથી તરત જ તેનું પ્રેશર કન્ટ્રોલમાં આવી જાય છે. શા માટે ગરમીમાં ઇલેક્ટ્રોલ પાઉડર, લીંબુપાણી કે નારિયેળપાણી પીવડાવો તો કોઈ પણ વ્યક્તિને સારું લાગે છે; કારણ કે શરીરને એની જરૂર છે એટલે એ પીને સારું લાગે છે. મીઠું અતિશય ન ખાવું જોઈએ એ વાત જેટલી સાચી છે એટલી જ એ વાત પણ હકીકત છે કે શરીરને એની ખાસ જરૂર છે. એટલે મીઠાનું પ્રમાણ ઓછું ન થાય એ પણ જોવું જોઈએ.’

જો સોડિયમ ઓછી માત્રામાં લઈએ તો શું અસર થઈ શકે એ બાબતે સમજાવતાં ડૉ. પ્રતીક સોની કહે છે, ‘મગજનાં કામો અટકે, સ્નાયુઓમાં ક્રેમ્પ આવી શકે, ચીડ ચડે, થાક લાગે, શક્તિ એકદમ જ ઘટી ગઈ હોય એમ લાગે, બ્લડ-પ્રેશર ખૂબ વધી જાય, લાંબા ગાળે હાર્ટ પર પણ અસર થઈ શકે.’

કેટલી માત્રા?

પણ આ નિયત માત્રા એટલે કેટલી? વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના રેકમેન્ડેશન મુજબ દરેક વ્યક્તિએ દરરોજ પાંચ ગ્રામ જેટલું મીઠું ખાવું જોઈએ. જોકે આ બાબતે રિસર્ચ કહે છે કે આ લિમિટ યોગ્ય નથી, ગાઇડલાઇન્સ ચેન્જ થવી જરૂરી છે. સલીમ યુસુફ દ્વારા કરવામાં આવેલા આ રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે ત્રણ ગ્રામથી ઓછા પ્રમાણમાં જે વ્યક્તિ સોડિયમ ખાય છે તેના પર હાર્ટ-અટૅક, હાર્ટ-ફેલ્યર અને મૃત્યુનું જોખમ વધી જાય છે. અહીં ધ્યાન રહે કે ત્રણ ગ્રામ સોડિયમ કહ્યું છે જે છ ગ્રામ મીઠામાંથી મળે છે. રેગ્યુલર આટલું ઓછું મીઠું હાનિકારક છે. આ રિસર્ચ મુજબ પુખ્ત વયની એક વ્યક્તિ ૭.૫ ગ્રામથી લઈને ૧૨.૫ ગ્રામ મીઠું એક દિવસમાં લઈ શકે. બ્રિટનના સેન્ટર ફૉર ડિસીઝ ઍન્ડ પ્રિવેન્શન દ્વારા અપાયેલી ગાઇડલાઇન્સ મુજબ પુખ્ત વયની એક વ્યક્તિએ દિવસમાં ૧૫ ગ્રામ મીઠું ખાવું જોઈએ, ખાસ કરીને જ્યારે પરસેવો વળતો હોય ત્યારે. તેમણે ઉપરની એક લિમિટ પણ બાંધેલી છે જે અનુસાર કોઈ પણ વ્યક્તિએ ૨૩ ગ્રામથી વધુ મીઠું ખાવું જોઈએ નહીં, કેમ કે એ નુકસાનકારક છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ ખુબ મહત્વની વિગતો તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી