શિયાળામાં મૉર્નિંગ વૉક કરવા નીકળાય કે નહીં? વાંચો અને જાણો… શેર કરવાનું ના ભૂલતા…

અહીં હતો શબ્દ એટલે વાપરવામાં આવી રહ્યો છે કે સમય બદલાઈ ગયો છે. શિયાળાની જ નહીં કોઈ પણ સવારે વૉક કરવા ન જવું એવું નિષ્ણાતોનું કહેવું છે, કારણ કે મુંબઈમાં પ્રદૂષણ વધી રહ્યું છે અને આખા દિવસમાં હવામાં સૌથી વધુ પ્રદૂષણ વહેલી સવારે જ હોય છે. એમાં પણ શિયાળાની સવાર અતિ ઠંડી હોય છે માટે પ્રદૂષણ વધવાની શક્યતા વધારે રહે છે. આજે સમજીએ કે આવું કેમ છે.

શિયાળામાં અમુક લોકો એવા છે જેમને રજાઈમાં ભરાઈને રહેવું ગમે છે. સવાર આખી તેઓ પથારીમાં પડ્યા-પડ્યા જ વિતાવે છે. આવા લોકોને આળસુ માનવામાં આવે છે અને તેમનાથી વિપરીત અમુક લોકો શિયાળાની સવારનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. આખા દિવસમાં શારીરિક કે માનસિક હેલ્થની શરૂઆત સવારથી જ થાય છે. હંમેશાં શિયાળાની સવારને ખૂબ જ હેલ્ધી સવાર માનવામાં આવે છે. સવારે ઊઠો, વૉક પર જાઓ કે કસરત કરો, ખુલ્લામાં સૂર્યનો કૂણો તડકો ખાતાં-ખાતાં વિટામિન-D મેળવો, સવાર-સવારમાં એ કૂણો તડકો માણતાં સૂર્યનમસ્કાર કરો, પ્રાણાયામ કરો. આ બધું જ હેલ્થની એક શુભ શરૂઆત માનવામાં આવતું. સવારે ઘરમાં ભરાઈ રહેનારી વ્યક્તિ આળસુ અને બહાર નીકળી જનારી વ્યક્તિને હેલ્ધી માનવામાં આવે છે, પરંતુ આ પરિભાષાઓ અને માનસિકતાને બદલવાનો સમય આવી ગયો છે. સમય એટલો ખરાબ થઈ ગયો છે અને વાતવરણને માણસજાતે એટલું પ્રદૂષિત કરી નાખ્યું છે કે એનું ખુદનું જીવવું જ દુર્લભ બની ગયું છે. નિષ્ણાતોના મતે સવારમાં ઘરની બહાર નીકળવું જોખમભર્યું છે. એ કઈ રીતે એ જાણી લઈએ.

સવારની પ્રદૂષિત હવા 

આપણે એ જાણીએ છીએ કે હમણાં દિલ્હીના શું હાલ થયા હતા. મુંબઈ પણ એક મહાનગર છે અને આ મહાનગરનું પ્રદૂષણ પણ અત્યંત વધારે છે. દરિયાને લીધે આપણે બચી ગયા છીએ, નહીંતર દિલ્હી કરતાં પણ ખરાબ હાલત મુંબઈની થઈ હોત, પણ એ વાત સો ટકા છે કે આપણા શહેરોમાં આપણે વાતાવરણ એટલું દૂષિત કરી નાખ્યું છે કે જેને લીધે હવા સ્વચ્છ રહી જ નથી.

આ વિજ્ઞાનને સમજાવતાં દહિસરના ફૅમિલી-ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘આખો દિવસ સૂરજની ગરમીને લીધે તાપમાન ઊંચું રહે છે અને એને કારણે જે પ્રદૂષિત હવા છે એ ઉપર જાય છે, પરંતુ રાત આખી એ હવા ઠંડી પડે છે અને પ્રદૂષણનું એ લેયર હવા સાથે નીચે આવે છે, જેને કારણે સવારે એ પ્રદૂષિત હવા આપણી આસપાસ ગોઠવાયેલી હોય છે. ફરીથી સૂર્યોદય થાય અને વાતાવરણમાં ગરમી આવે એટલે એ હવા પછી ગરમ થઈને ઉપર જાય છે. આમ વહેલી સવારની હવા બપોરની કે રાતની હવા કરતાં વધુ પ્રદૂષિત હોય છે.’

શિયાળામાં શું થાય?

શિયાળામાં વાતાવરણ બીજી ઋતુઓ કરતાં વધુ ઠંડું હોય છે એ હકીકત આપણે જાણીએ છીએ, પરંતુ હમણાં જે દિલ્હીમાં થયો એ જ પ્રૉબ્લેમ શિયાળામાં મુંબઈમાં પણ થઈ શકે છે જે વિશે વાત કરતાં ઝેન હૉસ્પિટલના ચેસ્ટ-ફિઝિશ્યન ડૉ. અરવિંદ કાટે કહે છે, ‘શિયાળામાં ફૉગ એટલે કે ધુમ્મસ હોય છે, જે સ્મોક સાથે એટલે કે પ્રદૂષિત ધુમાડા સાથે ભળી જાય છે જેને સ્મૉગ નામ આપવામાં આવ્યું છે. આખા દિવસ દરમ્યાન વાહનોના ધુમાડાથી પ્રદૂષિત હવા આખા દિવસ કરતાં આપણને સવારે વધુ નડે છે. વળી આ પૉલ્યુશન આખા દિવસભરમાં થાય જે પૉલ્યુશન હવાને ભારે બનાવે છે અને એ વધુ ને વધુ નીચે રહે છે. એ ગરમ પણ થાય તો પણ જલદીથી ઉપર નથી જઈ શકતી, કારણ કે એ ભારે હોય છે. વળી એમાં સવારની ઠંડી હવા ભળે એટલે એ વધુ ભારે બને છે અને ઉપર જતી જ નથી. જો સવારે નીકળો તો સ્મૉગ તમારી આજુબાજુ તમને દેખાશે પણ. જો આ પ્રકારની હવા સતત તમારાં ફેફસાંમાં જાય તો હજારો પ્રૉબ્લેમ ઊભા કરી શકે છે.’

સવારનો નહીં, સાંજનો વૉક 

આ પ્રૉબ્લેમ એવો છે કે સામાન્ય માણસનાં ફેફસાંમાં આ પ્રદૂષિત હવા જાય છે અને રેગ્યુલર રીતે એ જાય ત્યારે ધીમે-ધીમે પ્રૉબ્લેમ્સ શરૂ થાય છે. વહેલી સવારની હવા એટલી પ્રદૂષિત છે કે દરેક માટે હાનિકારક જ છે. ખાસ કરીને નાનાં બાળકો સવારે સ્કૂલમાં જતાં હોય છે તેમનાં ફેફસાંને ખરાબ કરે છે. કેટલાક લોકો સવારમાં ૬ વાગ્યામાં ઘરેથી કામ પર નીકળી જતા હોય છે તેમને પણ એ નુકસાન કરે છે, પરંતુ જે લોકો વૉક કરવા કે પોતાની હેલ્થ બનાવવા માટે વહેલી સવારે ચાલવા નીકળે છે એ લોકોએ ખાસ સમજવું જોઈએ. એ વાત કરતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘મુંબઈ જેવા શહેરમાં એ બિલકુલ યોગ્ય નથી કે તમે સવારે વૉક કરવા નીકળો. સાંજનો વૉક અહીં વધુ હેલ્ધી ગણાશે. નહીંતર સૂર્યોદય પછી લગભગ દસેક વાગ્યે પણ વૉક માટે નીકળી શકાય. જોકે સમજી શકાય એવી વાત છે કે આ સમય બધાને માફક ન આવે, પરંતુ એ પણ સમજવું જરૂરી છે કે જે હેલ્થ માટે તમે ચાલવા નીકળી રહ્યા છો એ હેલ્થ મળવાને બદલે તમે તમારું નુકસાન કરી રહ્યા છો. માટે વહેલી સવારે જવાનું ટાળો.’

કોને થાય વધુ તકલીફ? 

એ વાત સાચી છે કે પ્રદૂષણની તકલીફ દરેક વ્યક્તિને થઈ શકે છે, પરંતુ જે હેલ્ધી છે એને લાંબા ગાળે અસર થશે અને જે થોડા નબળા છે એને તરત જ અસર થઈ પડશે. આ વાત કરતાં ડૉ. અરવિંદ કાટે કહે છે, ‘ખાસ કરીને નાનાં બાળકોને ઘણી અસર થાય છે. તેમનાં ફેફસાં હજી પૂરી રીતે ડેવલપ થયાં નથી હોતાં માટે પ્રદૂષણની અસર તેમના પર દેખાય છે. નાનાં બાળકોમાં શ્વાસની તકલીફ, છાતીમાં કફ ભરાઈ જવો, ઍલર્જી‍ કે અસ્થમા જેવી તકલીફો પાછળ આ પ્રદૂષણ જવાબદાર બની જતું હોય છે. વિચારવાની વાત છે કે પહેલાંનાં બાળકોમાં કેમ આ તકલીફો વધુ જોવા મળતી નહીં અને આજકાલ કેમ વધુ જોવા મળે છે. આ સિવાય વડીલોને પણ આ પ્રદૂષણ અસર કરે છે, કારણ કે ઉંમર સાથે તેમનાં ફેફસાં નબળાં પડતાં જાય છે અને ઇન્ફેક્શન થવાની શક્યતા ઘણી વધી જાય છે. સાથે-સાથે જે લોકો સ્મોકર્સ છે તેમને પણ આ ધુમાડાથી અને પ્રદૂષણથી તકલીફ થાય છે. આ સિવાય જેમને ફેફસાંના રોગો છે, અસ્થમા કે ઍલર્જી‍ જેવી તકલીફો છે, શ્વાસ સંબંધિત તકલીફો છે તેમને તકલીફ ખૂબ વધારે થઈ શકે છે. અટૅક પણ આવી શકે છે અને સ્થિતિ નાજુક પણ થઈ શકે છે. માટે આવા લોકોએ સવારે ઘરની બહાર નીકળવું ટાળવું.’

ધ્યાનમાં રાખો 

સવારે જો તમે વૉક કરવા ન જઈ શકો અને છતાં તમારે હેલ્થ માટે કઈ કરવું હોય તો તમે ઘરે યોગ કરી શકો છો. એ સિવાય સાંજે વૉક કરવા નીકળી શકો છો. રાત્રે કે મોડી રાત્રે પણ વૉક ન કરો. ગાર્ડનમાં વૉક કરવા જાઓ તો સાંજે ૪-૬ વાગ્યા સુધીમાં જાઓ કે સવારે ૧૦ વાગ્યે જઈ શકો છો. સમય પ્રમાણે બદલાવાનો વારો આવી ગયો છે. સવારનો વૉક છોડવો જરૂરી છે. જો તમે હિલ-સ્ટેશન પર જાઓ કે ઓછા પ્રદૂષણવાળી જગ્યા પર જાઓ તો ચોક્કસ સવારના વૉકની મજા માણી શકો છો.

સૌજન્ય : મીડ-ડે

શેર કરો આ ઉપયોગી માહિતી તમારા મિત્રો અને પરિવારજનો સાથે. લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી