શિયાળામાં બધા શાકભાજી ફ્રેશ ફ્રેશ મળે છે પણ તમે જાણો છો એને ખાવાના ફાયદા..

રોજેરોજના ભોજનમાં ખવાતા શાકભાજીઓના ગુણધર્મ જાણીને યોગ્ય સમયે આરોગવામાં આવે તો વધુ ફાયદાઓ મેળવી શકાય છે.

ફ્લાવર –

એ કોબીનો જ એક પ્રકાર છે. કોબી કરતાં ફ્લાવર પચવામાં ભારે અને વાયુકર્તા છે.

ક્યારે ખાવું? : પાચનશક્તિ સારી હોય ત્યારે ખાવું. એનાથી સાતેય ધાતુનું પોષણ થાય છે અને શરીરને એનર્જી મળે છે.

ક્યારે ન ખાવું? : વાયુની તકલીફ હોય, અપચો હોય, પેટમાં આફરો ચડતો હોય એવું લાગે ત્યારે ન ખાવું. વાયુ ઉપર ચડવાને કારણે શ્વાસ લેવાની તકલીફ હોય ત્યારે પણ ફ્લાવર ન લેવું.

કોબી –

કોબી કે પત્તાગોબી તરીકે ઓળખાતી આ સબ્જી સ્વાદમાં મીઠી અને તાસીરમાં ઠંડી હોવાથી શરીરમાં રસ અને રક્ત જેવી ધાતુઓની વૃદ્ધિ કરે છે. કોબી ઉત્તેજક હોવાથી રુધિરાભિસરણ સરળ કરે છે. જોકે એનાથી વાયુ વધે છે. કોબી પચવામાં હલકી હોય છે.

ક્યારે ખાવી? : કફ અને પિત્તની બીમારીઓમાં કોબી ખાઈ શકાય. ડાયાબિટીઝ અને કિડનીની તકલીફોમાં પણ કોબી ખાઈ શકાય.

ક્યારે ન ખાવી? : વાયુની તકલીફ હોય ત્યારે કાચી કોબી ન ખાવી. સૅલડમાં કાચી કોબી ન લેવી. હંમેશાં કોબીને તેલમાં હિંગનો વઘાર કરીને અધકચરી બાફેલી હોય એવી જ લેવી.

વાલોળ-પાપડી –

આ બન્ને પ્રોટીનથી ભરપૂર હોય છે. થોડીક માત્રામાં લેવાથી એના રેસા કબજિયાત દૂર કરે છે. જોકે પચવામાં ભારે હોવાથી વાયુકર છે.

કોણે ખાવી? : પાચનશક્તિ સારી હોય એવી વ્યક્તિઓ અન્ય શાકભાજી સાથે મિશ્રણમાં વાલોળ-પાપડી વાપરી શકે છે.

કોણે ન ખાવી? : તાવ કે બીમારી હોય, સોજો હોય, શરીરમાં દુખાવો હોય, આફરો ચડવાની તકલીફ હોય ત્યારે આ શાક ન ખાવું.

રીંગણ-

એની તાસીર ગરમ છે. એ શરીરમાં પિત્ત વધારે છે અને પચવામાં ભારે છે. એ ધાતુવર્ધક છે અને ગરમ હોવાથી કફની બીમારીમાં ખવાય છે. અતિશય ઠંડા વિસ્તારોમાં નિયમિત રીંગણનું શાક લઈ શકાય છે.

કોણે ખાવાં? : ઠંડા વિસ્તારમાં રહેતી કફપ્રકૃતિનું આધિક્ય ધરાવતી વ્યક્તિઓ રીંગણ છૂટથી લઈ શકે છે.

કોણે ન ખાવાં? : પિત્તપ્રકૃતિવાળી વ્યક્તિઓ માટે વધુ માત્રામાં રીંગણનો ઓળો લેવાનું નુકસાનકારક છે; કેમ કે કાંદા, ટમેટાં, લસણ અને આદું જેવી ઓળામાં વપરાતી મોટા ભાગની ચીજો પિત્તવર્ધક છે.

કોળું-

કોળું પચવામાં હલકું હોય છે અને શરીરની સાતેય ધાતુઓને પોષણ આપે છે. હૃદયની બીમારીમાં લાભદાયી છે. એમાં આયર્ન, પ્રોટીન તેમ જ મિનરલ્સ મોટી માત્રામાં હોય છે. કોળું ખાવાથી સ્તનપાન કરાવતી સ્ત્રીઓને છૂટથી દૂધ આવે છે.

કોણે ખાવું? : મગજની નબળાઈ હોય, અશાંતિ રહેતી હોય, ગભરામણ થતી હોય, પિત્તની તકલીફ હોય, પેટ અને છાતીમાં બળતરા થતી હોય, પિત્તની ઊલટી થતી હોય તેમને કોળું ખાવાથી ફાયદો થાય છે. ગરમીના દિવસોમાં કોળું ખાવું બેસ્ટ ગણાય. નવજાત શિશુને ખોરાક આપવાની શરૂઆત કરતી વખતે કોળાનો સૂપ આપી શકાય છે.

કોણે ન ખાવું? : આ શાક કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે છે. ખાંસી, જૂનો કફ અને વાતરોગોની તાસીરવાળી વ્યક્તિએ વધુ માત્રામાં કોળું કે એની મીઠાઈ ન ખાવી જોઈએ. સમપ્રમાણમાં કોળું દરેક વ્યક્તિ લઈ શકે છે.

બટાટા-

આપણે ત્યાં દરેક શાકમાં બટાટાની મેળવણી કરવામાં આવે છે. જોકે એ દરેક વખતે હિતાવહ નથી. એમાં વિટામિન સી, આયર્ન, વિટામિન બી૬, પોટેશિયમ, ફૉસ્ફરસ, મૅગ્નેશિયમ અને ઝિન્ક હોય છે. એમાં સિમ્પલ કાબોર્હાઇડ્રેટ મોટા પ્રમાણમાં હોય છે એટલે કૅલરી ખૂબ વધી જાય છે. છાલ સાથે બટાટા ખાવાથી થોડુંક ડાયટરી ફાઇબર મળી રહે છે.

ક્યારે ખાવા? : બટાટાથી શરીરની માંસ અને મેદધાતુની પુષ્ટિ થાય છે એટલે કે સુકલકડી શરીર હોય તે વ્યક્તિ ભરાવદાર બની શકે છે. બટાટાને છાલ સાથે ગરમ રાખમાં શેકીને ખાવા સૌથી વધુ ગુણકારી છે અથવા એને છાલ સહિત પાણીમાં ઉકાળો અને ગળાઈ જાય પછી ખાઓ.

ક્યારે ન ખાવા? : એ કંદમૂળ હોવાથી વાયુ વધારનારા છે. ૧૦૦ ગ્રામ બટાટામાં આશરે ૭૦થી ૮૦ કૅલરી હોય છે. એટલે મેદસ્વી તેમ જ વાયુની તકલીફ ધરાવતા લોકોએ ન ખાવા.

દૂધી-

એ સ્વભાવે મધુર, પિત્તનાશક, ગર્ભનું પોષણ કરનારી, પૌષ્ટિક, બળકર, ઠંડી, રુક્ષ, કફપ્રદ છે. એ હૃદયવિકાર અને શ્વાસરોગ માટે ઉત્તમ આષધ છે. દૂધીનો રસ પીવાથી શ્વાસના રોગોમાં ગભરામણ અને શ્વાસ લેવામાં અડચણ ઓછી થાય છે. એના સેવનથી આંતરડાંને બળ મળે છે.

ગર્ભાશયને શુદ્ધ કરનારી હોવાથી એને લગતી તકલીફોમાં ફાયદો થાય છે.
ક્યારે ખાવી? : અવારનવાર ગર્ભપાતની તકલીફ હોય, શ્વાસ ચડતો હોય, કૉલેસ્ટરોલ વધી ગયું હોય, હાર્ટડિસીઝનું રિસ્ક હોય તેવી વ્યક્તિઓએ દૂધીનો સૂપ અથવા તો દૂધીનો રસ રોજ સવારે પીવો જોઈએ. કોઈ પણ તકલીફવાળી વ્યક્તિ દૂધીનું સાદું શાક ખાઈ શકે છે.

ક્યારે ન ખાવી? : તાવ હોય કે અન્ય કોઈ પણ ગંભીર બીમારી, અન્ન ખાવાની છૂટ હોય એવી કોઈ પણ તકલીફમાં દૂધી અથવા તો દૂધીનો રસ વિના સંકોચે લઈ શકાય છે.

ભીંડા-

આ શાક શિયાળામાં સૌથી સારું મળે છે. કાંટાવાળા, બરછટ અને ઘરડા થઈ ગયેલા ભીંડા ખાવાનું હિતાવહ નથી. એવા ભીંડાનો રસ કાઢીને રંગ બનાવવામાં વપરાય છે. કૂણા ભીંડા મધુર, પચવામાં ભારે અને ચીકણા હોવાથી કફ કરે છે.

કોણે ખાવા? : જેમની પાચનશક્તિ સારી હોય તેમના માટે ભીંડા શક્તિદાયક છે. ભીંડા જાતીય શક્તિ વધારનારા અને શુક્રવર્ધક હોવાથી નબળાઈ ધરાવતા પુરુષોએ ખાવા જોઈએ. ગ્રાહી ગુણ હોવાથી રક્તપ્રદર અને સ્વપ્નદોષમાં સારું કામ કરે છે.

કોણે ન ખાવા? : ઉધરસ, મંદાગ્નિ, વાયુ, જૂની શરદી હોય તો ભીંડા ન લેવા. જેમનો જઠરાગ્નિ બગડેલો હોય તેમણે ન ખાવા.

ટમેટાં-

ટમેટાંમાં ભરપૂર વિટામિન સી હોય છે જે શરીરના કોષોને ડૅમેજ થતા અટકાવે છે. ટમેટાંના લાલ રંગમાં રહેલું લાયકોપેન નામનું તત્વ ખાસ કરીને ફેફસાં, પ્રોસ્ટેટ, ગર્ભાશય અને ગરદનના કૅન્સરથી બચાવે છે. આધુનિક અભ્યાસો અનુસાર ટમેટાંમાં કૅન્સરથી બચાવી શકવાની શક્તિ છે. લાયકોપેન અને અન્ય ઍન્ટિ-ઑક્સિડન્ટ્સને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

ક્યારે ખાવાં? : હાર્ટની અને કૉલેસ્ટરોલની તકલીફ હોય ત્યારે ટમેટાં ખાઈ શકાય છે. ટમેટાંને રાંધીને કે ગરમ કરીને ખાવા કરતાં કાચાં જ ખાવાં વધુ હિતાવહ છે.

ક્યારે ન ખાવાં? : શરીરમાં ક્યાંય પણ સોજો હોય; સાંધાનો દુખાવો હોય; કળતર, વાતરોગ, પેશાબમાં રુકાવટ, પથરી, કિડનીનો સોજો કે ગળું ખરાબ હોય ત્યારે ટમેટાં ન ખાવાં.

લેખન સંકલન : ઉર્વી શેઠિયા

દરરોજ અવનવી ટીપ્સ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block