પ્રેમીએ કહ્યું- તેરે હોઠોંસે મૈં શબનમ ચૂરાઉંગા…જવાબ મળ્યો કંઈક આવો…

“તેરે હોઠોંસે મૈં ‘શબનમ’ ચૂરાઉંગા,

તેરે આંચલ તલે..” – ગણગણતાં સુજલે એક ખુશી, એક અધિરતા, અને એક હળવાં ભયની રોમાંચક લાગણી સાથે રેસ્ટોરન્ટનાં એ.સી. હોલમાં પ્રવેશ કર્યો.

અને અંદર પ્રવેશતાં જ..

એની આંખોએ ચારેય દિશાઓમાં ઊંડી આસ્થાથી શ્રદ્ધાની શોધ ચલાવી. દરેક ટેબલે ચાલેલી સુંદરતાની શોધ, આખરે રેસ્ટોરંટનાં ખૂણાના ટેબલે જઈને થંભી ગઈ.. કે જ્યાં સુજલને એક ઝલક મળી, શ્રદ્ધાની..

હાં, એ જ શ્રદ્ધા હોવી જોઈએ!

કોમળ આંગળીઓથી પોતાની લહેરાઈ રહેલી લટને રમાડતી રમણીયતા, ઐશ્વર્યથી ભરપૂર ચહેરો, મુલાયમ પેસ્ટ્રી જેવાં નાજુક હોઠ, અને શિલ્પકારે જાણે..

..જાણે, પુરી ફુરસતથી, પુરા ભાવથી કોતરી હોય એવી, અજંતા ઈલોરાની કામણગારી કોતરણી જેવી સુંદરતા..

અને એ સુંદરતામાં, એ રમણીયતામાં સુજલ શોધી રહ્યો હતો,

એક તલ.. હોઠનાં ખૂણે!

શ્રદ્ધાએ આપેલી પોતાની ‘માત્ર’ એક ઓળખ,

“મારા હોઠનાં ખૂણે એક તલ છે..!”

હવે સુજલ એ યુવતીને ઓળખે…?

કે, એ યુવતીનાં ચહેરાને..?

એ ચહેરાનાં હોઠને ઓળખે..?

કે, એ હોઠનાં ખૂણે રહેલાં તલને..?

કલ્પના અને વાસ્તવિકતા વચ્ચે,

આંખોમાં રોશની અને મનમાં મંથન સાથે સુજલને થોડાં દિવસોથી ચાલી રહેલું એમનું પ્રકરણ યાદ આવ્યું..

પંદર દિવસથી..

સુજલ અને શ્રદ્ધા ‘ચેટિંગ’ નાં તાંતણે બંધાયાં હતાં. અને માત્ર વાતચીતથી જ સંતુષ્ટ પણ હતાં.. એકબીજાની પસંદ-નાપસંદ, શોખ, વ્યવસાય, શરીર-રચના, એવી ઘણીખરી જરૂરી વિગતોની આપ-લે થઇ રહી હતી. અમુક માહિતીઓ કદાચ વિના સ્પર્શની પણ રહી ગઈ હતી. ઉંમર પણ ‘લાયક’ જ હતી બંનેની.. ઉમંગ તરંગ ઉઠતાં હોવાં છતાં, એકબીજાને પ્રત્યક્ષ કે પરોક્ષરીતે જોયાં નહોતાં. એટલે ભવિષ્યનાં પ્રશ્નાર્થ સાથે, આગળ વધવાં કે અહીં જ અટકવાં માટેનો  કોઈક નિર્ણય લેવાં ચેટિંગ’ થી એક પગલું આગળ વધીને ‘ડેટિંગ’ની ગોઠવણ બંને પક્ષે થઇ હતી..

અને એ ‘ડેટ’નાં ભાગરૂપે,

સુજલે પગ ઉપાડયાં, છેલ્લાં ટેબલ તરફ જવા માટે..

બે ડગલાં ભર્યાં, ત્યાં તો રોકાયો, કંઇક વિચારીને!

..અને ફરીથી ચાર-પાંચ મહિનાઓ પહેલાંનો તાજો અને રુઝાયાં વગરનો રહી ગયેલો એનો અતીત ઉજાગર થયો…

“જો બકા, ‘લોટમાં મીઠું’ જેટલું ‘જૂઠું’ તો જીવનમાં રહેવાનું જ.. માણસે બહુ સીધાં અને પ્રામાણિક પણ નહિ રહેવું, કારણકે.. સીધાં અને ટટ્ટાર વૃક્ષો જ પહેલાં કાપી લેવામાં આવે છે, નહિ કે વાંકા-ચુંકા..!”

વડીલો સુજલને આ પ્રકારનું ઘણુંય પ્રવચન આપતાં રહેતાં, અને એનામાં રહેલી એક ‘ઉણપ’ ને જગ-જાહેર નહિ કરવાં પ્રેરતાં..

પરંતુ, સુજલ હંમેશા ઉદ્વેગ અને ઉચાટ અનુભવતો. જેની સાથે આખું જીવન પસાર કરવાનું હોય, એનાથીયે એ ‘ખાનગી વાત’ છુપાવી રાખવી એ કેટલું યોગ્ય..?

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

સુજલ માટે ઘરનાંઓએ છોકરી જોવાનો કાર્યક્રમ ઘડ્યો હતો, અને સાથે સાથે સલાહ સુચનોનો મારો પણ ચલાવ્યો.

સુજલે છોકરીને અંગત મુલાકાતમાં શું કહેવું, શું નહિ કહેવું, કેટલી વાત કરવી, અને કઈ કઈ વાત કરવી, વગેરે વગેરે શીખામણો આપી.

આમ, બધી જ સલાહો, સૂચનો, અને શીખામણો સાથે મૂંઝવણનો પણ હળવો ભાર ઊંચકીને સુજલ અને એનો પરિવાર ઉપડ્યો, આસ્થાને જોવા..

બધાં પહોંચ્યાં, મળ્યાં.. ઔપચારિકતા દર્શાવી, ચા-નાસ્તા થયાં, અને જે કામ માટે બધાં ભેગા મળ્યાં હતાં તે પણ સંપન્ન થયું. આસ્થા દેખાવે ઠીકઠાક હતી, છતાંયે સુજલને પસંદ પડી. એમ તો સુજલ સોહામણો અને આકર્ષક ખરો. સાથોસાથ ઉત્સાહ અને સંસ્કાર પણ ઠાંસોઠાંસ ભર્યા પડ્યાં હતાં એનામાં. પરંતુ, કુદરત પણ દરેક જીવમાં ખૂબીઓની સાથે કંઇક ને કંઇક ખામી પણ છોડે જ છે. સુજલ પણ કિસ્મતે એનામાં છોડેલી એક ખામીને લઈને પરેશાન રહેતો..

છોકરા-છોકરી એકબીજાને લગભગ પસંદ કરી જ ચૂક્યાં હતાં. પણ સુજલનું મન મૂંઝાતું હતું.

બધાં ઘરે પરત થયાં, ખુશી-ખુશી..

સુજલ પોતાનાં બેડરૂમમાં આવ્યો, મોટાં અરીસા સામે ઉભો રહ્યો, શર્ટ ઉતાર્યું..

પોતાનું ઘાટીલું શરીર પ્રતિબિંબિત થયું, જીમમાં જઈને કસેલો, ખડતલ બાંધો, પરંતુ અરીસા સામે પીઠ ફેરવાઈ,

અને..

અરીસો પણ જાણે નારાજગી દર્શાવી રહ્યો.. એક ‘સફેદ ડાઘ’.. સુજલની પીઠ પર ડોકાયો, અને ચહેરા પર ફરીથી ઉદાસીની સફેદી છવાઈ ગઈ.

સુજલે પોતાના શરીર પરના સફેદ ડાઘની ખામીને હવે કોઈપણ સંજોગોમાં આસ્થા સમક્ષ ખુલ્લી પાડીને જ આગળ વધવાનો નિશ્ચય કર્યો. મિત્રો, સગાંઓ, સ્નેહીઓ, સર્વેની મનાઈ છતાં.. સુજલને પૂરો વિશ્વાસ, કે આસ્થા આવી ‘નાની’ બાબતમાં પોતાની પસંદગી કે નિર્ણયમાં ફેરફાર નહિ જ કરે..!

..અને બંનેનું મળવાનું નક્કી થયું, સુજલ-આસ્થા મળ્યાં. થોડી ઉપરછલ્લી વાતો બાદ સુજલે હિમ્મત અને વિશ્વાસને શબ્દો દ્વારા પ્રગટ કર્યાં.. “જો આસ્થા, હું તમારાથી કોઈ પણ વાત છુપાવીને.. એ જૂઠના પાયા પર આપણું લગ્નજીવન અને ભવિષ્યની ઇમારત ચણવા નથી માંગતો…”

સુજલ એકી શ્વાસે બોલી રહ્યો હતો,

“..મારા શરીર પર એક ‘સફેદ ડાઘ’ છે. જો તમને યોગ્ય લાગે, અને મંજુર હોય તો, આગળ વાત.. મને જાણ કરશો.”

..અને બંને છૂટાં પડ્યાં!

દિવસો વીતતાં રહ્યાં..

સુજલ રાહ જોઈ રહ્યો હતો, જવાબની.. ભવિષ્યની નિશ્ચિતતા-અનિશ્ચિતતાની પળની. દિવસે સુજલ વિચારો બદલતો, અને રાતે પડખાં..!

અને એક દિવસ.. ફોન આવ્યો,

પરંતુ અસ્થાનો નહિ, આસ્થાના પરિવારનાં કોઈક વડીલનો.. “આસ્થા હજુ આગળ ભણવા માંગે છે, માટે હમણાં લગ્ન કે સગપણ જેવી ઝંઝટમાં પડવા નથી માંગતી.. માફ કરશો!”

..અને લાઈન કપાઈ ગઈ, હંમેશના માટે..

સુજલ તંદ્રામાંથી સફાળો જાગ્યો, ભૂતકાળમાંથી વર્તમાનમાં પ્રવેશ્યો. એ હકીકતની દુનિયામાં, જ્યાં શ્રદ્ધા કપૂર જેવું સુંવાળું સ્મિત અને નિર્દોષ નયનો એનાં ‘પોતાનાં’ થવાં જઇ રહ્યાં હતાં,

તથા ભવિષ્ય..?

ભવિષ્ય ‘નિશ્ચિત’ થવાની રાહ જોઈને બેઠું હતું..

અને એ આગળ વધ્યો, છેલ્લાં ટેબલ તરફ..

પરંતુ અધવચ્ચે જ,

વેઇટરે સુજલને વિનમ્રતાથી રોક્યો, હાથમાં લાલ ગુલાબ અને એક સુગંધીત કાર્ડ પકડાવ્યો, અને સુજલે ધારી લીધેલી શ્રદ્ધા કપૂરનાં બદલે તેની બાજુનાં ટેબલવાળી એક યુવતી તરફ ઈશારો કર્યો.

..એ સાથે જ,

સુજલની સુંદરતા પ્રત્યે રહેલી શ્રદ્ધા જાણે તરફડીયાં મારવા માંડી. યુવતી સુંદરતા પર કલંક સમાન હતી. દેખાવે એટલી કદરૂપી હતી કે કદરૂપતાને પણ એની આગળ થોડી સુંદર ગણાવી શકાય. એકદમ શૂર્પણખાની બહેન..

સુજલે કાર્ડ પર નજર નાંખી.

‘શ્રદ્ધા, વીથ લવ..’ વાંચતાં જ આંખે અંધારાં આવી ગયાં,  હૃદયમાં વાવાઝોડું ઉમટ્યું.. અને ભવિષ્ય..

ભવિષ્ય ‘અનિશ્ચિત’ થવાની રાહે આગળ વધી રહ્યું..!

તોયે,

સુજલ મળ્યો તો ખરો જ, શ્રદ્ધાને.. શ્રદ્ધાથી..! અને સાથે-સાથે મહાકાય શરીર અને પાક્કો રંગ ધરાવતી એ શ્રદ્ધાનાં ભરાવદાર અને ભયાનક હોઠને ખૂણે એક ‘તલ’ શોધવાની ‘ખડતલ’ કોશિશ પણ કરી જોઈ..!

થોડીવારની તોફાની શાંતિ પછી..

શૂર્પણખાનું અટ્ટહાસ્ય ગૂંજયું..

‘આઈ એમ જો..કિંગ..’ બત્રીસી દેખાડતો એક બેહુદો ફટકો માર્યો, અને પરિચય આપ્યો..

“હું શ્રદ્ધાની સહેલી, અને..

પેલી બાજુનાં ટેબલવાળી,

એ શ્રદ્ધા.. તમારી..”

અને ફરીથી,

સુજલની આંખોને સપનાની પાંખો મળી..

અને ભવિષ્ય, ફરીથી નિશ્ચિતતાનાં પ્રવાસે!

‘સાચી’ શ્રદ્ધા.. જાણે ખજૂરાહોની કોતરણી. અપ્સરા જેવું એનું રૂપ નજીકથી નિહાળતાં વધારે દૈદીપ્યમાન લાગી રહ્યું હતું.

હવે શ્રદ્ધા ઉભી થઇ, અને સુજલ તરફ આગળ વધી રહી. પરંતુ..

પરંતુ, લંગડાતાં પગે..

“મારાં ડાબા પગમાં પોલિયોની અસર રહી ગઈ છે.. નાનપણથી જ! ચાલી શકું છું, પરંતુ દોડી નહિ શકું. કોઈ સહારાની જરૂર તો નથી પડી આજ સુધી, છતાંયે મનમાં એક ઝંખના ખરી, કોઇકનાં સાથની..!”

કોઈપણ જાતની ઔપચારિકતા વગર શ્રદ્ધા બોલ્યે જતી હતી.

“..પરંતુ, આ અવસ્થામાં આપણે કેટલું આગળ વધી શકીએ, એ નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર તમને…” શ્રદ્ધાએ વાસ્તવિક વેદના અને આત્મ-બળની ખુમારી પ્રદર્શિત કરી.

એ સાથે જ..

અત્યાર સુધી મૂંઝવણમાં રહેતા આવેલા સુજલની હિંમત એકાએક ખુલી ગઈ. ભય સાથે આશા-નિરાશાની જે લાગણીઓ તેનાં મનમાં ઉભરાઈને ઓગળી રહી હતી તેનો એક સચોટ ઉકેલ હવે આંગળી ચીંધી રહ્યો હતો.

સુજલને પોતાનાં શરીર પર રહેલાં ‘સફેદ ડાઘ’ની નિખાલસ કબૂલાત, શ્રદ્ધા સમક્ષ ક્યારે અને કેવી રીતે કરવી એ દ્વિધામાંથી હવે જાણે મુક્તિ મળી ગઈ હતી..!

અને એ સાથે જ,

સુજલ-શ્રદ્ધા બંનેય પોતપોતાની, એક્બીજાંની ખૂબીઓ તથા ખામીઓની નિખાલસપણે આપ-લે કરી રહ્યાં..

ફરી એક વખત!

પરિણામસ્વરૂપ, સુજલનાં મુખ પર ખુશનુમા ‘સફેદી’ ચમકી ઉઠી, અને..

શ્રદ્ધાનાં હોઠનાં ખૂણે.. ‘તલ’ નિખરી રહ્યો!

અને ભવિષ્ય..?

નિશ્ચિત..!

 

ધર્મેશ ગાંધી

 

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી