‘બેસ્વાદ સમોસુ’

- Advertisement -

શહેર ધીરે ધીરે ફેક્ટરીઓ અને વાહનોના ધુમાડાથી સજીને આધુનિક બની રહ્યું હતું. ગણતરીબાજ અને ભેજાબાજ લોકો કમાઇને પોતાને શ્રીમંતાઇ તરફ પોતાનો ગ્રાફ 90 અંશના ખુણે વધારી રહ્યા હતા. ‘બીજાનું શોષણ અને પોતાનુ પોષણ’ નવા જમાનાનો મંત્ર બની રહ્યો હતો. ત્યારે સોમાકાકાનું સમોસુ શહેરનાં કેટલા’યનું ગરીબીની તેજાબી જઠરાગ્નીનું અમૃત બની જતું.

એક ઠીકઠાક લારીની આજુબાજુ ચીંથરેહાલ ને સાચી ભૂખથી ટળવળતા લોકોની લાઇન અને સોમાકાકા ઘરેથી લાવેલા સુંડલોભરીને સમોસા ગણતરીની મીનીટોમાં તો સફાચટ થઇ જતા.

જ્યારે રોડની સામે જ પૈસા ખર્ચીને ભૂખ ન હોવા છતાંય ઠાંસી-ઠાંસીને ખવાતી પાણીપુરીની લારી થોડા દિવસોમાં તો અમીર બની ગઇ હતી. ‘આ સમોસું સ્વાદ માટે નથી ભુખ માટે છે. એક સમોસાની કિંમત બે રુપીયા.’ લારી પર લખેલી આ બે લાઇન જ તેમનાં વ્યવસાયના નિયમો હતા.

હા.. અહીં જે આવતાં તે ભૂખ્યા જ હતા તેમની જઠરાગ્નિની લ્હાય જ રોજે રોજ તેમની માનવતાને સળગાવી દેતી. શીખ તો ક્યાંક મળે તેમ નહોતું એટલે ભીખ જ તેમની જિંદગીનો હિસ્સો બની ગઇ હતી. રોજ રાતે નવથી દસ જ સોમાકાકાની સમોસા-સેવા ચાલે. જેને દિવસમાં એકેય ટંક ખાવા ન મળ્યું હોય તે છેલ્લે સોમાકાકાનું સમોસું ખાઇને ફુટપાથ પર જ સુઇ જાય.

સોમાકાકા સૌને નામથી ઓળખે. સમોસાની કિંમત તો સૌને ખબર જ હતી કે આટલી ઓછી કિંમત સોમાકાકાને કોઇદી પરવડે જ નહી. પણ…. ગાંડી ગીતા, બેજીવી રાજુડી અને નાના ટાબરીયાઓ માટે સોમાકાકાએ તે નિયમને ઘણીવાર તોડ્યો હતો. તેમના પૈસા ક્યારેય લેતા નહી.

રીટાયર થયા પછી કાકા-કાકી આખો દિવસ સમોસા બનાવે અને રાતે ફુટપાથ પર વહેંચે. તેમનાં પેન્શનનો મહત્તમ ભાગ આ સમોસા સેવામાં ખર્ચાઇ જતો. તેમનો એકનો એક દિકરો મેઘવ બિઝનેશ મેનેજમેન્ટના છેલ્લા વર્ષમાં હતો. વેકેશનમાં તે ઘરે આવેલો ત્યારે સોમાકાકા તેને પોતાના સેવા કાર્યમાં સાથે લઇ ગયા.

‘હેં બે રુપીયામાં સમોસું ?’ મેઘવની તીવ્ર બુધ્ધિથી મનમાં જ ગણતરીઓ શરુ થઇ ગયેલી.
‘પપ્પા, આ તો કોઇ’દી ન પરવડે..!!’ બીજી ક્ષણે તેને કેલ્ક્યુલેટરથી બધી ગણતરીઓ કરી લીધી.
‘જો બેટા, આ કોઇ ધંધો નથી… કે ગણતરીઓ થાય…!’ સોમાકાકાનાં શબ્દો હૃદયનાં હતા.
પણ, મેઘવ જેવા બુધ્ધીશાળી માટે તે સમજવું અઘરુ હતુ.

‘સાંભળ, મેઘવ, હું કાલથી પંદર દિવસ બહારગામ જવાનો છું. તારે રોજ રાતે આમ જ આ લોકોને સમોસા આપવા આવવાનું છે. તારે વેકેશન છે એટલે તારા ભરોસે પહેલીવાર હું આ લોકોને છોડીને જાઉં છું.’ સોમાકાકાએ પહેલીવાર સમોસા-યજ્ઞમાંથી રજા લીધી હતી.

મેઘવે તો તે રાતથી જ ઘણી ગણતરીઓ કરી લીધી હતી. તે બિઝનેશ મેનેજમેન્ટનો હોંશિયાર વિદ્યાર્થી હતો.

બીજા દિવસે જ રાતોરાત એક સમોસાનો ભાવ વધીને પાંચ રુપીયા થઇ ગયો.

જો કે પાંચ રુપિયા પણ સાવ નાખી દીધા જેવી કિંમત હતી, પણ ફુટપાથવાળા માટે તો તે અસહ્ય તોતીંગ વધારો હતો. પણ ફરી એ જ તેમની જઠરાગ્નિની લ્હાય…!! તેમને ખરીદવા મજબુર કરી દેતાં હતા.
આખરે પંદર દિવસે રાતે સોમાકાકા જ્યારે આવ્યાં ત્યારે તેમની લારી પાસે જ મેઘવે પોતાને કરેલા સફળ બિઝનેશનો ખ્યાલ આપ્યો.
પંદર દિવસમાં તેને બધો ખર્ચ કાઢતાં હજારેક રુપીયાની કમાણી કરી લીધી હતી.

મેઘવે કમાયેલા તમામ રુપિયા સોમાકાકાનાં હાથમાં મુક્યા ત્યારે તેમાં દુર્ગંઘ મારતી પરચુરણ, સાવ ચુંથાયેલી, કોકડું વળી ગયેલી ગરીબોની ભીખ માંગીને ભેગી કરેલી નોટો હતી. તેમને મન તો આ ન ગમતા નફાનો હિસાબ હતો.

તેમાંથી એક પાંચ રુપીયાની નોટ લઇને સોમાકાકાએ મેઘવ પાસેથી એક સમોસું ખરીદ્યું.

મેઘવે પણ સમોસું આપતા કહ્યું, ‘જુઓ, પપ્પા તમે પણ ચાખી જુઓ, સમોસામાં ડ્રાયફ્રુટ નાખીને વધુ સ્વાદિષ્ટ બનાવ્યું છે.’

સોમાકાકા તે લઇને દુર ફુટપાથ પર સુતેલી ગીતા-ગાંડી પાસે જઇને બેસી ગયા. કાકાને જોઇને ગીતા ઉભી થઇને રાજીના રેડ થઇ ગઇ.. ‘કાકા.. તમે આવ્યાં…મેં ચાર દિવસથી નથી ખાધું..! મારી પાસે પૈસા જ નહોતાં તો….!!’

કાકાએ તેમની પાસે રહેલા સમોસાનો અડધો ટુકડો કરીને ગીતા ગાંડીના મોંમાં મુકી દીધો. અને અડધો ટુકડો પોતાના મોંમા મુક્યો.

સોમા કાકાની આંખોમાં ઝળઝળીયા આવી ગયા, ‘સમોસું સ્વાદિષ્ટ ભલે હતું…. પણ તેનો રસ તો બેસ્વાદ જ હતો…!!’

લેખક – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ.

ટીપ્પણી