બે પેઢીઓ વચ્ચેનું અંતર એટલે ખરેખર શું ? વાંચો લેખિકા નિયતી કાપડીયાની કલમે…

બે પેઢીઓ વચ્ચેનું અંતર એટલે ખરેખર શું ? બે પેઢીઓ વચ્ચે વિતેલા વરસોનું અંતર ? ના, એ ફક્ત સમયનું નહિ પણ બે પેઢીઓ વચ્ચેના વિચારોનું અંતર છે ! વાણી, વર્તન અને વ્યવહારનું અંતર છે !

ક્યારેય તમે ધ્યાન આપ્યું છે, જે માબાપ એમના છોકરાઓ માટે જરાય બાંધછોડ ન કરતા હોય એ એમના સંતાનોના સંતાન માટે કેવા બદલાઈ જતા હોય છે. કેમ ? અને એજ વખતે એ માબાપ જે એમની યુવાનીમાં ખુબ બળવાખોર વિચારો ધરાવતા હોય, સમાજથી સહેજે ડરતા ન હોય એ અચાનક સમાજ અને અનુભવની વાતો કરવાં લાગ્યા હોય, વાતે વાતે ટોકવા લાગ્યા હોય. આ વખતે આ સુધરેલી જૂની પેઢી અને બદલાયેલી નવી પેઢી વચ્ચે મરો થાય છે યુવા પેઢીનો !

મારા મતે ઘરના વડલાઓ એમની પોતાની જિંદગીના જીવાયેલા વરસોમાંથી હવે જ જિંદગીનું ખરું મુલ્ય સમજ્યા હોય છે, એમના માટે જીવનમાં ખુશીનું હોવું એ જરૂરીયાત બની ગઈ હોય છે, જેમ જીવવા માટે હવા,ખોરાક, પાણી જોઈએ એમજ ખુશી પણ જોઈએ ! એ એમના પૌત્ર\પૌત્રીનાં વિચારોને સારી રીતે સમજે છે અને એમને સાથ આપે છે. અત્યારની યુવા પેઢી એમને એટલી હોંશિયાર લાગે કે એમને થાય, એમના સંતાનો તો સાવ પાણી વગરના હતા ! આ થોડાક અંશે સાચું પણ હોય છે, ફર્ક હોય છે ઉછેર અને પ્રાપ્ત થયેલી સુવિધાઓનો. તમારા પપ્પા એ જે સ્કુલમાં ભણ્યા હોય એના કરતા વધારે સારી સ્કુલમાં તમને ભણાવે છે કે નહિ ?

માતા -પિતા બની ગયેલા લોકોને સૌથી વધારે સતાવતો કોઈ પ્રશ્ન હોય તો એ છે એમની સુરક્ષા ! રૂપિયા પૈસાની રીતે અને સામાજિક માન મોભાની રીતે પણ ! ઘરમાં કમાનાર મોટેભાગે અત્યારે એજ હોય છે. એમની આગલી પેઢી નિવૃત થઇ ગઈ હોય અને પાછલી પેઢી હજી તૈયાર થતી હોય. એમના સંતાનોના ભવિષ્યની ચિંતા જ એમને થોડા રુક્ષ બનાવી દે. જ્યાં જ્યાં એમને એમના માબાપે રોક્યા હોય ત્યાં એ પણ એમના સંતાનોને રોકે, સાવચેતી રાખે. એમનો એમના સંતાનો પ્રત્યેનો પ્રેમ ક્યાંય ઓછો હોતો જ નથી. ભવિષ્યની ચિંતા, એમનો વહાલસોયો કોઈ ભૂલ કરીને એની જીંદગી ખરાબ ન કરી મેલે એની ચિંતા જ મોટું કારણ બની જાય છે બે પેઢી વચ્ચેના ઘર્ષણનું…

આજનો યુવાન ભલે દેખાવે બેફિકરો અને અલ્લડ લાગતો હોય એ ખરેખર એવો હોતો નથી. ગજવામાં મોબાઈલ લઈને ફરતી આજની યુવા પેઢી ખરેખર તો ગજવામાં આખી દુનિયા લઈને ફરે છે. એમના સપના હોય છે આ દુનિયામાં એમની એક જગ્યા બનાવવાના, એક ઓળખ ઉભી કરવાના. ઘણીવાર ભૂલો કરે છે અને એમાંથી શીખે છે,

ફરીથી બેઠા થવાનો પ્રયાસ કરે છે અને જો સાચું માર્ગદર્શન અને પરિવારનો સહકાર મળી રહે તો એ એના અશક્ય લાગતાં સપના સાચા કરી બતાવે છે. આ દુનિયામાં ભગવાને કારકિર્દી બનાવવાની અને પ્રેમ કરવાની ઉમર એક જ આપી છે, મોટી ભૂલ કરી છે ! જિંદગીના આગળ વધવાના મહત્વના વર્ષોમાં પ્રેમપ્રસંગ પણ ખુબ મહત્વનો ભાગ ભજવી જાય છે. ક્યાંક એ ખુબ સારું તો ક્યાંક એ ખુબ ખરાબ પરિણામ આપી શકે. આ બધી જ વખતે નડે છે બે પેઢીઓ વચ્ચેનું અંતર ! વિચારોનું અંતર !

માબાપ, દાદાદાદી અને યુવાનો- સૌએ સમજવું જ પડશે. કોઈ એક પેઢી પર બધો મદાર રાખી દેવાથી કામ નહિ થાય. થોડી બાંધછોડ સૌએ કરવી પડશે…જિંદગીને સાચા અર્થમાં સાર્થક કરવાં માટે. અહી ફરીથી કહી દઉં એક જ પરિવારમાં વસતા લોકોમાં ક્યાંય પ્રેમ ઓછો હોતો જ નથી, ક્યારેક આપણી અપેક્ષાઓ વધારે હોય છે, તો ક્યારેક આપણી સમજણ ઓછી પડે છે !

લેખક : નિયતી કાપડિયા

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી