બે ઘર વચ્ચે એક બેઘર – જો જો આ વાંચવાની રહી ના જાય !

યોગીતા તૈયાર થઈ. સૂટકેશમાં કપડાં ભર્યા. આ ચણીયા ચોળી પણ લઈ લઉ પિયરમાં પણ પેરીને બતાવીશ મારી બેનપણીઓને. બધાને એમ લાગશે મારો વર મને કેવા કેવા શોખ પુરા કરાવે છે. યુવરાજ જાન લઈને 25 માણસોને જ લાવ્યો હતો ત્યારે તો ગામ માં બધાએ અરેરાટી કરી હતી. અરે પેલી જમના ડોશીએ તો કેવી કટાક્ષ કરી હતી…..

” આ લખમણને તો ભાઈ લખમણ જેવો જ પૈસા વાળો જમાઈ મળ્યો શે.”
અને મેં આવીને યુવરાજ ને સુખ દુઃખ માં બધે સાથ આપ્યો પણ મને શું મળ્યું? પરણીને આવી ત્યારે કેટલા સપના જોયા’તા…..!

એ બધા સપના તો કાચ જેમ ટૂટી ગયા. પણ મેં કદી કોઈને કહ્યું? ના તે સ્ત્રી ને કેવાનું પણ ના જ હોય ને…..! એને તો બસ પતિ માટે બાળકો માટે જીવવાનું હોય ને હું પણ મારું દુઃખ પી ગઈ. ગામડે બોર(ટ્યુબવેલ)ફેલ ગયો પાણી નીચે ઉતરી ગયા ખેતીમાંય શુ મળે પછી તો….

ને એવામાં યુવરાજના બાપુ પણ ગુજરી ગયા. સમાજ વાળા તો બાર દિવસ ખાઈને ચાલતા થયા પણ અમારે શુ વધ્યું? બોર પણ ફેલ ગયો ને કાઈ વધ્યું નઈ. યુવરાજ તો સાવ ભાંગી પડ્યો હતો. મેં એને કેટલો સાથ આપીને ઘડ્યો. અહીં સુરતમાં રેડીમેડની દુકાન કરી ને ઉપર વાળાની દયા થી જામીએ ગઈ. પછી તો એક ની બે દુકાન કરીને આજે તો મોટો ‘યુવરાજ ફેશન સો રુમ” નો મલિક પણ બની ગયો. આ ઘર પણ લીધું. પણ એમાં હું ક્યાં?

ના જરાય એ મને હકદાર સમજતો નથી. રોજ ભાઈબંધો હારે ફરવા જાય પણ કદી મને ક્યાંય લઇ ગયો? ને મારે તો જાવુય નથી રખડવા પણ એને એમ તો થવું જોઈએને કે આ બધા ભાઈબંધ તો પૈસા આવ્યા પછી થયા છે. તે’દી તો એને કોઈ નતું બોલાવતું. કોઈ દી તો મને એમ કે યોગીતા મારા દુઃખ માં તે મને સાચવ્યો એટલે હવે આપણા સુખના દિવસ છે. મેં તો લોકોના કાપડાય ધોયા, કામેય ગઈ, ખાખરાય વણ્યા , ત્યારે તો આ દિવસ આવ્યો ને …..!

હું ભણેલી હતી ને તોય બાપુએ મને યુવરાજ થી પરણાવી પણ મેં કદી કીધું ? ના મારા નસીબમાં જે હતું એ મેં તો સ્વીકારી લીધું અને હરખભેર આ માળો ગુંથ્યો……

મંથન પેટે હતો ત્યારે એક જ બીક હતી જો નોર્મલ ડિલિવરી નઈ થઈ તો ? આ મોંઘી ડાટ હોસ્પિટલોના બિલ ક્યાંથી ભરશું અને થયું પણ એવું જ હતું. ને યુવરાજના બેન સંગીતા બેન ને સુવાવડમાં મદદે બોલાયા ત્યારે તો મારી સાસુ બીમાર છે ભાભી મારાથી તો નઈ અવાય તમે પિયર જતા રો ને…..

તોય મેં તો સુખ દુઃખમાં બધું વેઠી લીધું ને આજે મંથન પણ 5 વર્ષનો થઈ ગયો છે. પણ પછી પૈસા આવ્યા એટલે સંગીતા બેન ને હવે ભાઈ કેવો વ્હાલો થઈ ગયો. મહિને આવી જાય ભાઈને મળવા. ને ભલે ને આવતી એ બિચારી હજાર બે હજાર લઇ જાય એમાં શુ ઓછું થવાનું.

“મમ્મી……” મંથન આવીને કૂદીને યોગીતાને વળગી પડ્યો.
યોગીતા ઝબકી ગઈ. આંખ માંથી આંસુ લૂછી લેતા હસીને બોલી
“મંથન આજે તો મામા ના ઘરે જવાનું છે”

મંથન તો રાજી રાજી થઈ ગયો. પણ એથીયે હરખઘેલી તો યોગીતા હતી. ને કેમ ન હોય 4 વર્ષે પિયર જતી હતી. એટલા દિવસ તો અહીં દુઃખ જ દુઃખ હતા એવામાં યુવરાજને એકલો મૂકી ને જવાયું જ નતું ને.
મંથન આયો એટલે યોગીતાએ યુવરાજને ફોન કર્યો

“હેલો”
” હા મંથન આવી ગયો તમે હવે આવો છો કે મુકવા”
” એ ભાઈ જતી રેને ચાલતી. બસ સ્ટેશન ક્યાં દૂર છે. અહીં મારા ભાઈબંધ આયા છે ” કહી ફોન કાપી દીધો.
એક ઝટકો લાગ્યો પણ સહી લીધો.
” મમ્મી પપ્પા આવે છે ને ? કેટલે આયા?”

“ના બેટા એ તો બહાર ગયા છે સો રુમ માટે માલ સામાન લેવા” હસીને એ બોલી.
પછી મંથન ને તૈયાર કર્યો. સૂટકેશ લઈને બહાર નીકળી બારણું વાસી તાળું માર્યું. ત્યાં જ પાછો ફોન રણક્યો.
“યુવરાજ” નામ દેખાયું. એટલે હરખાઈ હમણાં કેશે “ચલ હું આવું છું મુકવા”
“હા બોલો ”

” અને હા ઘણા દિવસ ત્યાં પડી ના રેતી અહીં મને તકલીફ પડે છે.” ફરી ફોન કપાઈ ગયો. પણ યોગીતા કાન થી ફોન હટાવી ન શકી…. એ બસ ત્યાં જ એમજ ફોન કાને લગાવીને ઘડી ભર ઉભી જ રહી.
“મમ્મી ચાલ ને હવે ….”

” હા બેટા….. ” કહી એ ચાલી . આમ તો રડતા રડતા પિયર ન જવાય પણ નસીબ પણ એક ચીઝ છે ને……!
રામપુર ગામ માં પ્રવેશતા જ પાછીએ જોર માં આવી ગઈ. પગ તો ઉભા જ નહોતા રહેતા. ક્યારે બસ સ્ટેશનથી રામજી કાકાનો ગલ્લો આયોને ક્યારે મહાકાળી નું મંદિર ગયું ખબર પણ ન પડી. એના પગ સીધા જ ઘરે જઈને અટક્યા… ને ત્યાં જતા જ જાણે બધું દુઃખ ભૂલી ગઈ.
“દીદી” કહેતો નાનો ભાઈ હર્ષદ એને વધાવવા આવ્યો ને મંથન ને ઊંચકી લીધો.

ભાઈને ખબર અંતર પુછ્યા પછી સીધી જ જઈને બાપુજી ના ફોટા આગળ જઈને હાથ જોડીને ઉભી રહી. માથું નમાવીને પછી બા પાસે ગઈ.
” આવી ગઈ યોગીતા”
” હા મમ્મી….” કહેતી એ બા પાસે બેઠી. સુખ દુઃખ ની વાતો કરી.
“તો જીજાજી કેમ ન આયા?” ભાઇએ પૂછ્યું.

” અરે ભાઈલા શુ કહું હવે તને. આતો મારાથી પણ ન અવાત પણ એ તારા જીજાજી બાર ગયા છે માલસામાન લેવા એટલે અવાયું. ”
” સારું દીદી આ વખતે તો રોકાઈશ ને મહિનો તો ?”

” ના ભાઈલા હું તો કાલે નીકળી જવાની. પછી એમને કોણ ખવડાવે ને રોજ બારનું ખાય તોય પાછા બીમાર પડે ને….?”
” દીદી તારું કાઈ નઈ થાય કોઈ દિવસ તું તારા માટે જીવીજ નથી. ” મોઢું ચડાવીને હર્ષદ બોલ્યો.

” ભાઈ સ્ત્રીને તો એવું જ હોય” હસીને યોગીતા બોલી.
એટલામાં તરત હર્ષદની પત્ની કુસુમ આવી .
” યોગીતા બેન તમે આયા” કહી એ પગમાં ઝૂકી કે તરત યોગીતાએ એને રોકી.
” અરે ભાભી બસ બસ ….”

એ દિવસે મંથન અને યોગીતા માટે આનંદનો દિવસ હતો. આખી રાત ભાઈ બહેને વાતો કરી હતી. બીજા દિવસે બપોર થયા એટલે જમી પરવારીને યોગીતા ને ચાલવાનો સમય થયો. એટલે એ ઓરડાના બારણે આયના માં જોવા ગઈ. ત્યાં એને અંદર થી અવાજ સંભળાયો…..

” હવે એટલા બધા રૂપિયા આપીને શુ કરવા છે તમારી બેન ને યુવરાજ ઘણુંય કમાય છે ને ….!” કડવાશ ભર્યો કુસુમનો અવાજ સંભળાયો ને એના પછી એક થપ્પડ નો અવાજ પણ એના કાને પડ્યો. યોગીતાના હાથ બારણા તરફ લાંબા થઈ ગયા પણ ખુલ્લા મોઢાથી એક શબ્દ પણ બોલી ન શકી….. ‘હું હર્ષદને રોકીશ તો એમને વચ્ચે વધારે ઝગડો થશે. ને કુસુમ પણ લાચાર પડશે. હું તો હમણાં જતી રઈશ પણ એમનો સંસાર પણ મારા જેમ સળગવા લાગશે. હજુ એક આઘાત પૂરો થાય એ પહેલાં તો બીજો આઘાત સંભળાયો …..ના દિલને અથડાયો….

” એને હવે વારતો નહીં જાવા દેજે…..” આ અવાજ તો જન્મી ત્યારનો સાંભળેલો હતો. એ કેમ ન ઓળખાય…..!
યોગીતા તરત ત્યાંથી નીકળી દૂર જતી રહી. પોતાની બેગ માંથી પેલી ચણિયાચોળી નીકાળી ને બુમ પાડી
” કુસુમ ભાભી ….. ” એટલા આઘાત માં પણ કેવો બળદની ધૂંધરી જેવો મીઠો રણકાર હતો એ…….!

” એ આવી યોગીતા બેન ” એટલા જ મીઠા અવાજ સાથે કુસુમ બહાર આવી.
“લો આ ચણિયાચોળી તમારા માટે લાવી છુ…”
” અરે આની શુ જરૂર હતી!” કહીને કુસુમ હરખાવા લાગી.
“લે દીદી ….” કહી હર્ષદે બે હજાર રૂપિયા આપ્યા.

કોઈ પણ આનાકાની વગર જ યોગીતાએ લઇ લીધા. કુસુમ તો એના હરખમાં હતી પણ પૈસા નો વ્યવહાર જોઈ બા નું મોઢું બગડ્યું એ યોગીતાએ આડી નજરે જોઈ લીધું હતું.

પછી બા ને પગે લાગી ભાઈ ભાભી ને આશીર્વાદ આપી એ ચાલી નીકળી. યોગીતા નીકળી કે તરત કુસુમ તો ચણિયાચોળી લઈને ગઈ અરીસા આગળ. ત્યાં જઈને જોયું તો એમાં બે હજાર રૂપિયા હતા. કુસુમ એ બે હજાર જોઈને બધું સમજી ગઈ.

” તો હવે ક્યારે આવીશ બેન?” રીતસરનો હર્ષદ સ્ટેશને રડી પડ્યો હતો.
” ભાઈલા મારે આવવા ની ક્યાં જરૂર છે. તારા આ અંતર માં જ બેન નું ઘર છે ને …..!” યોગીતા ભરી આંખે બોલી. પછી બસ ઉપડી એટલે બારીમાંથી ભાઈ ને , એ ગામ ને , એ જમીન ને ક્યાંય સુધી યોગીતાના ધ્રુજતા હાથ આવજો કહેતા હતા. બાળપણ માં લીલાછમ દેખાતા એ ખેતરો આજે બસની બારી માંથી કેવા સૂકા લાગતા હતા….!”

લેખક : વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

આપ સૌ ને આ વાત કેવી લાગી ? કોમેન્ટ માં જણાવજો !!

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block