બે અજાણ્યા

સમુદ્ર કિનારે રવિવાર ની સાંજે રેતી માં હાથ ફેરવી રહેલ વિધિ નો ચહેરો તદ્દન ઉદાસ ભાસી રહ્યો હતો. ચહેરા ની ઉદાસીનતા હોઠો પર રમી રહેલ ગીત માં નીતરી રહી હતી.

” છોડ દે સારી દુનિયા કિસી કે લિયે,
યે મુનાસીબ નહીં આદમી કે લિયે ;
પ્યાર સે ભી જરૂરી કઈં કામ હે,
પ્યાર સબ કુછ નહીં ઝિંદગી કે લિયે ”

હવા માં લહેરાતા એ ગીત ને જાણે ઉત્તર મળ્યો હોય એમ પ્રત્યાઘાત રૂપી એક અન્ય ગીત એના કાન માં આવી સ્પર્શ્યું :

” એક પ્યાર કા નગ્મા હે,
મોજો કી રવાની હે,
ઝિંદગી ઓર કુછ ભી નહીં ;
તેરી મેરી કહાની હે ”

એ અજાણ્યા અવાજ ની દિશા માં એની અર્ધી ચીઢ ને અર્ધા ક્રોધ વાળી દ્રષ્ટિ ફરી. ત્રીસેક વર્ષ ના એ અજાણ્યા પુરુષ ને એ ધમકાવતી આંખો એ પૂછી રહી :

” આ ગીત મારા માટે હતું ?”

વ્યંગ યુક્ત હાસ્ય સાથે પુરુષ નો જવાબ પરત થયો :

” ગીત તો સ્વગત આનંદ માટે હતું પણ જો આપને ગમ્યું હોય તો ખુશી થી રાખી શકો ”

છણકો કરતી વિધિ એ પોતાનો ચ્હેરો અન્ય દિશા માં ફેરવ્યો :

” અજાણ્યા લોકો જોડે વાત કરવાનો મને કોઈ શોખ નથી !”

” પણ મેડમ વાત તો આપેજ શરુ કરી !” અને ફરી પાછું એક વ્યંગ હાસ્ય વાતાવરણ માં ગુંજ્યું.

” ઓલ મેન આર સેમ ” એ અજાણ્યા પુરુષ તરફ જોયા વિનાજ એ અકળામણ ઠાલવી રહી.

” સો ડુ વિમેન…..” હાર માન્યા વિનાજ પુરુષ નો પરત જવાબ આવ્યો.
વિધિ ગુસ્સા થી લાલ પીળી ફરીથી એ દિશા માં ફરી.

” તમને પુરુષો ને પોતાની ભૂલ સ્વીકારતા નાજ આવડે ….”

” ને સ્ત્રીઓ ને એક નાની વાત ને મોટું સ્વરૂપ આપતા ખૂબ આવડે ”

” જુઓ મિસ્ટર આઇ એમ મેરિડ. તમને ફ્લર્ટ જ કરવું હોય તો અન્ય સ્થળે જઈ પ્રયાસ કરો ” કહેતા પોતાની બંને સેન્ડલ હાથ માં પકડતી એ રેતી ઉપર પગલાં માંડી રહી.

” અરે વાહ,સ્ત્રી ની વાત વાર્તાલાપ ને પુરુષ ની વાત ફ્લર્ટ ???” કહેતા એ અજાણ્યા પુરુષે પણ પોતાની બંને મોજડી હાથ માં લઇ એની પાછળ પગલાં માંડ્યાં . ” ફોર યોર ઇન્ફોર્મેશન આઇ એમ મેરિડ ટુ ..”

થોડા પગલાંઓ ભરી સમુદ્ર કિનારાની સીમા ઉપર ની પાલી ઉપર ગોઠવાતા વિધિ કટાક્ષ માં હસી. ” ટીપીકલ મેરિડ મેન ? પત્ની ને છોડી આમ અજાણી સ્ત્રી જોડે ચર્ચા માં વ્યસ્ત …”

” જુઓ મેડમ હું મારી પત્ની ને ખુબજ પ્રેમ કરું છું. ” પાલી ઉપર એની પડખે ગોઠવાતો એ અજાણ્યો સ્પષ્ટ કરી રહ્યો .

વિધિ નું હાસ્ય વ્યંગ માં રંગાઈ રહ્યું. “પ્રેમ? લગ્ન પછી તો પુરુષો બદલાયજ જાય ને એમનો પ્રેમ પણ…..”

” ઓહ, હવે સમજાયું. આ આક્રમણ સ્થળાન્તર નું મૂળ …..એક પુરુષ ના વર્તન ઉપર થી સમગ્ર પુરુષજાતિ પર આક્ષેપો…”

” વિશ્વ નો દરેક પુરુષ સ્ત્રી ને લગ્ન પહેલા જેટલો પણ પ્રેમ કરવા ના દાવા કરે પણ લગ્ન પછી પેલી કહાવત છે ને ‘ઘર કી મુર્ગી દાલ બરાબર’ જ થઇ જાય …” વિધિ નો નિસાસો એના અનુભવ નો પડઘો પાડી રહ્યો….

” તો શું લગ્ન પછી સ્ત્રીઓ નથી બદલાતી ? એમના સ્વાભાવ માં પરિવર્તન નથી આવતો ? લગ્ન પહેલાની ધીરજ ને સહનશક્તિ અચાનક જ લગ્ન પછી ખૂટવા શા માટે લાગે છે ? “અજાણ્યા પુરુષ ના શબ્દોં પણ જાણે એનાં વ્યક્તિગત અનુભવ ને વાચા આપવા લાગ્યા .

” લગ્ન પછી સ્ત્રી નું આખું જીવન બદલાઈ જાય …નવું ઘર , નવું વાતાવરણ , નવા જીવન ધોરણો ….કદાચ એ નવા ફેરફારો માં બંધબેસતા કેટલાક મનોવૈજ્ઞાનિક ચઢાવ ઉતાર એમાં કારણરૂપ હોય શકે …..પણ પુરૂષો ના વલણ માં આવતા ફેરફારો પાછળ ક્યુ કારણ ?”

” મૅડમ શું અમે પુરુષો માનવીઓ નહીં ? નવા જીવન , નવા સંબંધ થી શું અમારી માનસિકતા ઉપર અસર ન થાય ? લગ્ન પહેલા અને પછી બદલાયેલી જવાબદારીઓ નું આવી પડતું સંતોલન નું ‘ ચેલેન્જ ‘ કદાચ અમારા બદલાવ નું કારણ હોઈ શકે ”

” હું એક આધુનિક સમય ની સ્ત્રી છું . ઘર અને કારકિર્દી બંને વચ્ચે સંતોલન સાધવા પ્રયત્નશીલ રહું છું .ઓફિસ ના કાર્યો નો થાક ને તણાવ મને પણ હોય છે . પણ જયારે ઘર માં પ્રવેશું ત્યારે ઓફિસ નો તણાવ ને થાક ઘર ની બહાર છોડી આવું છું . પણ તમે પુરુષો ઓફીસીઅલ લાઈફ ને પર્સનલ લાઈફ ને જુદા નથી રાખી શકતા !”

” આ વાત સાથે હું તદ્દન સહમત છું . આ બાબત માં સ્ત્રીઓ વધું પરિપક્વતા દાખવે છે . પણ પછી ક્યારેક નજીવી બાબતો માં એવી અધીરાઈ ને અસહનશીલતા દર્શાવે કે મૂંઝવણ માં મૂકાય જવાઈ . ખરેખર સ્ત્રીઓ ને કોઈ સમજી જ ન શકે !!!

“પુરુષો શું ક્યારેક અમેજ અમારા વર્તન થી મૂંઝાઇ જઈએ અને એની પાછળ નું કારણ સ્ત્રી નું હોર્મોન્સ સિસ્ટમ . શરીર ના એ જટિલ રક્તસ્ત્રાવો અને એને આધારે સ્ત્રીઓ ને અનુભવાતા ‘ મૂડસ્વિંગ્સ ‘ એટલે કે શરીર ની રક્ત ભ્રમણ પ્રક્રિયા ની ક્રિયા- પ્રતિક્રિયા . આજનો આધુનિક શિક્ષિત પુરુષ આ વાત ને સમજી શકે તો પોતાની જીવન સંગીની ને વધુ ઉંડાણે સમજી શકે ”

” ઓહ !એટલે આખું વિશ્વ સ્ત્રી ને નથી સમજી શકવાની જે વાતો કરે છે ,એ ફક્ત આ ખૂબજ સામાન્ય શરીર ના આંતરિક વિજ્ઞાન ના જ્ઞાન ના અભાવેજ ….હવે સમજાયું ……”

” પણ મને એક વાત હજી નથી સમજાતી …પુરુષો સ્ત્રીઓ ની દરેક મોટી મહત્વ ની જીવન જરૂરિયાતો માટે દોડાદોડી કરતો ફરે એટલે કે આર્થિક જવાબદારીઓ ને પહોંચી વળવા …પણ એ બધાની વચ્ચે એની નાની નાની લાગણીઓ , રોજિંદા જીવન ની નાની અપેક્ષાઓ ની અવગણના કરે એ કેટલું યોગ્ય ? અમે સ્ત્રીઓ લાગણીશીલ પ્રાણી ….થોડો ગુણવત્તા યુક્ત સમય અમને ખુશ રાખવા પર્યાપ્ત શું એટલી સામાન્ય વાત ન સમજી શકાય ?”

” કોઈ પણ સંબંધ માં સમજ બંને પક્ષે હોવી જરૂરી . હું મારુંજ ઉદાહરણ આપું તો આજેજ મારી પત્ની જોડે વિવાદ થયો .આવતી કાલે અમારા લગ્ન ની પહેલી એનિવર્સરી છે . એ માટે કેટલા દિવસો પહેલા થી એણે ‘સરપ્રાઈઝ પાર્ટી ‘ ની બધીજ વ્યવસ્થાઓ કરી નાખી હતી . હું આ બધા થી અજાણ . ઓફિસ તરફ થી આજેજ રાત્રે વિદેશ બિઝનેસ ટ્રીપ પર નીકળવાનું છે ,એક અઠવાડિયા માટે . હવે જયારે એને જાણ થઈ કે થઇ રહ્યુ …વાત કરવા પણ તૈયાર નથી .”

” પણ એમની લાગણીઓ તો દૂભાયજ ને ! કેટલા પ્રેમ થી એમણે બધી તૈયારીઓ કરી હશે ? એમના દ્રષ્ટિકોણ થી વિચારી જૂઓ તો !”

” હું માનું છું . પણ સ્ત્રીઓ પુરુષો ને અંતર્યામી શું કરવા સમજે ? એમના હૃદય ની વાતો કહ્યા વિનાજ થોડી સમજાય ? સિક્સથ સેન્સ નું વરદાન તો ફક્ત સ્ત્રીઓ ને જ મળ્યું છે . પુરુષો ને તો શબ્દો નિજ ભાષા સમજાય . એકવાર એણે મને જાણ કરી હોત તો બધું યોજના બદ્ધ ગોઠવાય જાત .પણ હવે જવાબદારી સ્વીકારી છેલ્લી ઘડી એ પાછળ હટવું એ યોગ્ય કહેવાય ? તમેજ કહ્યું હતું ને કે સંબંધો ને વ્યવસાયિક જીવન જૂદા રાખવા જોઈએ !”

” હું સ્વીકારું છું . તમારી વાત સાવ સાચી છે . તમારે કારકિર્દી સાથે ,તમારા કાર્ય સાથે , તમારી ફરજ સાથે અન્યાય ન જ કરવો જોઈએ ”

” પણ મારા માટે એની લાગણીઓ થી વધુ કંઈજ નહીં ……આ બિઝનેસ ટ્રીપ પણ નહીં ને કારકિર્દી પણ નહીં …જો એ છે તો બધુજ છે …નહીંતર કંઈજ નહીં …….”

વિધિ નો હાથ અજાણ્યેજ એ અજાણ્યા પુરુષ ને સ્પર્શ્યો ને એ સ્પર્શથી એ અજાણી આંખો માં પણ કંઈક જૂદી જ ચમક આવી. મોજડી માંથી રેતી ખંખેરતા એ વિધિ ના સુંદર ચ્હેરા તરફ તાકી રહ્યો :

“અહીં પાણી પુરી ખૂબજ સરસ મળે છે ……”

અને મંદ મંદ મુસ્કાતિ વિધિ પણ સેન્ડલ ચઢાવી એક અજાણ્યા મિત્ર જોડે પાણી પુરી ની મજા માણવા ઉપડી પડી .

છૂટા પડવાનો સમય આવ્યો પણ વિધિ ની દ્રષ્ટિ એ અજાણ્યા ચ્હેરા માં કશેક ઊંડી ઉતરી ચૂકી હતી . વિધિ ના ચ્હેરા આગળ એ અજાણ્યા હાથો લંબાયાઃ

” નાઇસ મિટિંગ યુ ”

” સેમ હિયર મેમ ”

” મેમ નહીં વિધિ ” એ અજાણ્યો સ્પર્શ કંઈક જાદુઈ અનુભવ આપી
રહ્યો હતો.

વિધિ ની આંખો માં એની ભાવનાઓ પામી જતા એ અજાણ્યા પુરુષે વધુ નજીક આવી પરિચય આપ્યો :

” માઇ સેલ્ફ આકાશ ”

” ઓકે ધેન બાય ”

વિધિ પાર્કિંગ તરફ આગળ વધી . ગાડી માં ગોઠવાય . કાચ નીચે કર્યા ને વિચારો માં ખોવાય ગાડી સ્ટાર્ટ કરી જ કે એ અજાણ્યો ચ્હેરો અંદર ડોકાયો.

” નેક્સટ સન્ડે. કાફે સીટી …..???????”

” શાર્પ એટ ફાઈવ …” અને મંદ સ્મિત સાથે એણે ગાડી ભગાડી.

આંખે રસ્તે ડરાયવિંગ કરતા એ ખુબજ હળવાશ અનુભવી રહી. ઘરે પહોંચવા પહેલા કેટલીક ખરીદીઓ પણ નિપટાવી. ખૂબજ ખુશ હતી એ આજે. એ ખુશી એના ચ્હેરા સાથે એના સંપૂર્ણ વ્યક્તિત્વ માં છલકાઈ રહી હતી.

લગ્ન ના થોડાજ સમય પછી બે પ્રેમીઓ કે જીવન સાથીઓ ના હૃદય વચ્ચે આવતા અંતરો નું મુખ્ય કારણ એકબીજા પ્રત્યે ઉદભવતી અગણિત અપેક્ષાઓ. જયારે આ અપેક્ષાઓ ખરી ન ઉતરે ત્યારે ફરિયાદો ને વિવાદો ના સ્વરૂપ માં ઉભરાય આવે અને આ બધા ની વચ્ચે એકબીજા ને ‘સમજવા ‘ની જગ્યા એ ‘ સમજાવવા’ની ડોટ શરુ થાય. ‘ એ મને સમજતોજ નથી ‘ કે ‘ એ મને સમજતીજ નથી ‘ એ ભાવના મન માં ઘર કરી જાય ને અસંતુષ્ટ આંખો ઘર ની બહાર મંડાય. જો કોઈ પણ દ્રષ્ટિ સમજણ નો આછો ઈશારો પણ દર્શાવે કે મન તે તરફ ખેંચાતું જાય. જાણીતી વ્યક્તિ એ આપેલી પીડા અજાણી વ્યક્તિ ને કહેવાતી જાય. મન હળવું થાય ને હૃદય સંતુષ્ટ ! આવા સંબંધો ને સમાજ ‘અફેર ‘, ‘એક્સટ્રા મેરિટલ રિલેશન’ કે ‘છુપી મિત્રતા’ ના શીર્ષકો આપે . પણ એની પાછળ નું સમીકરણ એટલુંજ કે લાગણીઓ સાચે સરનામે ન ઠલવાય ત્યારે ખોટા સરનામાં શોધી કાઢે
!

ઘરે પહોંચ્તાજ વિધિ કામ માં પરોવાય. લાવેલ ભેટ અને બૂકે ટેબલ પર ગોઠવ્યા. ડીનર ટેબલ ખુબજ પ્રેમ થી શણગાર્યું. ગમતું ગીત ગણગણતી વિધિ ના શરીર ભાવો એની આંતરિક ખુશી ને આનંદ ની સાક્ષી આપી રહ્યા.

ડોર બેલ વાગતાજ એ બારણે ધસી ગઈ. બારણું ખોલતાંજ સમુદ્ર કિનારે મળેલ એ અજાણ્યું શરીર સામે ઉભું હતું. અપેક્ષા મુજબ એના આગમન થી વિધિ ના રોમેરોમ માં પ્રેમ ની ભરતી ઉભરાય રહી. આંખો માં પ્રેમ અને લાગણી સાથે એની આંખો એને અંદર આપવાનું આમંત્રણ આપી રહી. આકાશ ઘર માં પ્રવેશ્યો ને વિધિ એ બારણું બંધ કર્યું .

કેન્ડલ લાઈટ સેટિંગ માં ગોઠવાયેલા આકાશ આગળ વિધિ એ બૂકે ને ભેટ ધર્યા .

” હેપ્પી એનિવર્સરી માઇ હબી ”

અને સામેથી આકાશે પણ એક નાનકડો ડબ્બો ખોલી એની અંદર સચકાયેલી વીંટી વિધિ ના હાથો માં પહેરાવી .

” સેમ ટુ યુ માઇ ડીઅર વાઈફ ”

આકાશ ને ગળે વળગી વિધિ પ્રેમ થી પૂછી રહી: ” ફ્લાઇટ કેટલા વાગ્યે છે ?”

વિધિ નો ચ્હેરો થામી આકાશે હળવે થી કહ્યું : ” હું નહીં જઈશ. તે કેટલા પ્રેમ થી પાર્ટી ની તૈયારીઓ કરી છે ને હું કઈ રીતે…….”

આકાશ ને વધુ હેતપૂર્વક થામી વિધિ વચ્ચેજ બોલી ઉઠી : ” નહીં આકાશ આપણી કારકિર્દી ને સંબંધો નું સંતોલન આપણે જાળવવુંજ રહ્યું ને એ માટે એકબીજા ની જરૂરિયાતો ને પરિસ્થિતિઓ ને સમજી યોગ્ય સાથસહકાર આપીશું તો જીવન વધુ સરળ અને માણવા યોગ્ય બનશે……”

” પણ તારી પાર્ટી……..”

” તું ટ્રીપ પર જઈ આવ, પછી એનાથી પણ મોટી પાર્ટી કરીશું…”

” સ્યોર ?”

” પ્રોમિસ..હવે જમી લઈએ. …પછી એરપોર્ટ પણ જવાનું છે. … …..”

અને બંને પ્રેમીઓ કેન્ડલ લાઈટ ડિનર માણતા એકમેક માં ખોવાય ગયા……….

લગ્ન પછી ના ઉતાર ચઢાવો માં થી પસાર થતા વિધિ ને આકાશે દર અઠવાડિયે આમ અજાણ્યા બની એકબીજા ને મળવાનો નિર્ણય લીધો હતો એનું હકારાત્મક પરિણામ સામે જ છે…..લગ્નજીવન ની કપરી,જટિલ,મૂંઝવણ ભરી પરીસ્તીથીઓ ને બાહ્ય જગત ની અજાણી વ્યક્તિ સમક્ષ રજૂ કરવા કરતા પોતેજ થોડા સમય માટે એકબીજા સામે અજાણ્યા બની હૃદય નો ભાર હળવો કરવો એમને વધુ યોગ્ય લાગે છે. શરત ફક્ત એટલીજ કે ઘરે પહોંચી એ ક્ષણો ઉપર કોઈ ચર્ચા ન થઈ શકે.

હવે આવતા અઠવાડિયે બંને ફરી મળશે …..આજ ની જેમ જ અજાણ્યા બની……કાફે સીટી માં …….લગ્ન જીવન ની કોઈ નવી ગૂંચ ઉકેલવા……..

લેખક :- મરિયમ ધુપલી

ટીપ્પણી