પરમ આદરણીય મોરારિબાપુને અપાયેલી ધમકી સંદર્ભે લેખક-પત્રકાર કિન્નર આચાર્યનો ખુલ્લો પત્ર

હાર્દિક પટેલ કાસ્ટિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બાપુને અપાયેલી ધમકી સંદર્ભે જલદ ઓપન લેટર…

*આદરણીય મોરારિબાપુ,*

લેખક-પત્રકાર કિન્નર આચાર્યના જય સિયારામ.

આપની કથા માટે, આપના માટે *પાટીદાર અનામત આંદોલન સમિતિ* દ્વારા જે ફતવો બહાર પડ્યો છે એ વિશે વાંચી આ પત્ર લખવા પ્રેરાયો છું. પાસના મહાન નેતાઓ દ્વારા આપને ફરમાન થયું છે કે, આપ કોઈ ભાજપના નેતાને કથામાં બોલાવશો તો પાસની ટોળકી કથામાં હલ્લો કરશે. આ વટહુકમ વાંચી ને હું રીતસર સ્તબ્ધ થઈ ગયો. આ પત્ર લખવાનું કારણ પણ એ જ. ખરેખર તો મારે આપને આ પત્ર કુરિયરથી મોકલવો જોઈએ. પરંતુ હું ઈચ્છું છું કે, આ ખુલ્લો પત્ર ગુજરાતના તમામ જાગૃત નાગરિકો વાંચે. જેમને લોકશાહીની થોડીઘણી પણ સમજ છે, જેઓ નકસલવાદ અને માઓવાદ જેવાં દુષણો અંગે વાકેફ હોય તેમણે આ મુદ્દે વિચારવું જ રહ્યું.

બાપુ, આપે વ્યાસપીઠ પરથી રામકથામાં પેલાં સેતુબંધનું નિર્માણ કરતાં કપિરાજનો અગણિત વખત ઉલ્લેખ કર્યો હશે. પરંતુ આ કળજુગ છે, બાપ! આજકાલ ગુજરાતમાં ધમાલધોકા બંદરોની ટોળકી ઉતરી પડી છે. આ બધાં ચોપગા જાહેરમાં ઉત્પાત મચાવી આપણાં મલકની શાંતિ અભડાવી રહ્યા છે. એમનું એક જ ધ્યેય છે: અરાજકતા. આ સ્થિતિ કમસે કમ મને તો સ્વીકાર્ય નથી જ. કોઈ પણ સ્વસ્થ દિમાગની વ્યક્તિને ન હોવી જોઈએ.

શું આપણે સમાજની અને રાજનીતિની ગાડી રિવર્સમાં ચલાવી રહ્યાં છીએ? ગઈ ચૂંટણીમાં જ્ઞાતિની ઓથ લઈ નરેશ પટેલે ઉપાડો લીધો હતો, આ વખતે અધમ કક્ષાના અસામાજિક તત્વો જ્ઞાતિની ઢાલ ઝાલી મેદાનમાં ઉતર્યા છે. બાપુ, મને આશ્ચર્ય એ વાતનું છે કે, પાસની આવી નક્સલવાદી ઘોષણાઓ સામે પાટીદારોમાંથી અવાજ ઉઠતો નથી. શું આવી તોડફોડની પ્રવૃત્તિને સમૃદ્ધ અને શાંત કોમ એવાં પટેલોનું સમર્થન છે? જો નથી તો વિરોધનો એ સૂર એટલો બુલંદ હોવો જોઈએ કે, વાંદરાઓના કાનના પરદા ફાટી જાય. બીજી વાત, ગુજરાતના ચિંતકો અને લેખકો શા માટે ચૂપ છે? શું દુઝતી ગાયો વસૂકી જવાની ભીતિ છે? અસ્મિતા પર્વના રસ-પુરીનો હિસાબ માંગો એમની પાસે. કુદરતી આફત વેળા સૌ સંસ્થાઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં ધસી જાય છે તેમ આ વૈચારિક આપદાના કાળમાં સમજણ અને કોમન સેન્સનું રાહતકાર્ય અત્યંત જરૂરી છે. ગુજરાતની હવાઓમાં આ નફરતના ઝેરી વાયુ ભેળવી રહેલાં તત્વોને ઉઘાડાં પાડવામાં ઝાઝો વિલંબ પરવડે તેમ નથી. આપણાં આકાશમાં શાંતિનું જે ઓઝોન આવરણ છે તેને ખત્મ કરવાનો કારસો કરતાં લોકોની પાપલીલા લોકો સમક્ષ મુકવાની આ વેળા છે. હું તો મારાથી બનતાં પ્રયત્નો કરું છું. પણ બાપ… હું તો ખિસકોલી છું, મારાં દાંતમાં નાનો કાંકરો જ આવી શકે. શિલાઓ ઉપાડવા અંગદ, જામ્બુવંત અને તેમનાં જેવાં મજબૂત બાવડાં ખપે. એ બધાંય રામસેતુ બાંધતા ડરે છે. લાગે છે કે, જાણે નર્મદા, મહી, તાપી, ભાદરના પાણીમાં સફેદ મુસળી અને કૌચાનો અર્ક ભેળવવાની અનિવાર્યતા આવી પડી છે.

ગુજરાતને માથે આવેલી આ ઉપાધિ કોને, ક્યારે હડફેટે લેશે એ કહી શકાય એમ નથી. આ ગાડીમાં માત્ર રિવર્સ ગિયર છે અને બ્રેક પણ નથી. ચાલકો બધાં રાજપાઠમાં છે. બધાને એમ જ છે કે, સવા મહિના પછી તેઓ શહેનશાહ-એ-હિન્દ હશે. આ ભરમ ભાંગવો જરૂરી છે. જેમનાં દિમાગમાં એકાદ જ્ઞાનતંતુ બચ્યો હોય એમણે વિચારવાનું છે કે, ગુજરાતમાં આપણે વ્હાઇટ કોલર નકસલવાદને ઉછેરવો છે કે તેનો વિરોધ કરવો છે. આજે આપના પર ફતવો આવ્યો, ગઈકાલે સ્વામિનારાયણ સંપ્રદાય પર આવ્યો હતો. આવતીકાલે સનાતન હિન્દુઓ પર આવશે. આજે તમને કહેવાયું કે, ભાજપના નેતાઓને બોલાવશો તો આવી બનશે. કાલે કહેશે કે, અમારું માંકડું વ્યાસપીઠ પર બેસશે અને રામકથાને બદલે રાહુલકથા કહેશે. કાલે મને કોઈ કહેશે કે, તમારે અમારી તરફેણમાં જ લખવાનું અને અમારી વિરુદ્ધ લખવું હોય તો મોદી વિરુદ્ધ પણ લખવું જ પડશે. આવી વસમી વેળાની રાહ જોવી જરૂરી છે? બાપ… આ પ્રશ્ન આપને નથી પૂછ્યો. સમાજ સુધારક હોવાનો દાવો કરતા કુબેરપતિ પાટીદારોને પૂછ્યો. બાપુ, હું સ્પષ્ટપણે માનું છું કે, આ હરકતો નક્સલવાદથી કમ નથી. તફાવત એટલો જ કે, આમની પાસે તીર કામઠા નથી, માતેલા ઉન્મત્ત ટોળાં છે.

પેલા જંગલમાં રહે છે, આ બધાં શહેરોને અભડાવી રહ્યાં છે. પેલાં હત્યાકાંડો કરે, આ બધાં માલ-મિલકત સળગાવે. પેલાંને વિદેશથી મદદ મળે, આ લોકોને દિલ્હીથી કોથળા આવે. પેલાં અભણ, આ શિક્ષિત ગમાર. પેલાં બોજ, આ ગમાણ. પેલાં પગપાળા, આ હંધાય ફોર્ચ્યુનર, ઔડી અને જેગવારમાં. પેલાં ઉઘાડડિલા, આ સઘળાં ધોળાં બુસ્કોટમાં. પેલાં સેના સામે લડે, આ પ્રજા સામે મોરચો માંડે. બીજા વર્ગની વાત જવા દો, ખુદ પાટીદારો વિરુદ્ધની આ પ્રવૃત્તિઓ છે. ગઈકાલ સુધી જે ઈત્તર સમાજ પટેલોને એક ખંતિલી અને શાંત-સમજુ પ્રજા તરીકે નિહાળતો હતો એની દ્રષ્ટિમાં આજે ફરક આવ્યો છે. શિક્ષણ, ઉદ્યોગ, કૃષિ અને સમાજ સુધારાઓ ક્ષેત્રે ક્રાંતિ કરનાર નાતના યુવાનો આ ક્યા માર્ગ પર ચાલી નીકળ્યાં! આ રસ્તો ગોળાકાર છે. રિંગ રોડ. જ્યાંથી નીકળ્યાં હતાં ત્યાં જ પાછાં ફરવાનું છે. કોઈ પૂછે ક્યાં ગયા હતાં, તો કહેવું પડશે કે, ક્યાંય નહીં! કોઈ ગંતવ્ય સ્થાન જ નથી. ડેસ્ટિનેશન ક્યાં? શું લોન્ગ ડ્રાઇવ પર નીકળ્યાં છો? જો એવું હોય તો, સમાજના લોકોને કહી દો. એ બાપડાં કોઈ ગંતવ્ય સ્થાનની આશાએ ટોળાંમાં જોડાઈ શોરબકોર કરે છે.

બાપુ, જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં લગી આટલી બધી ઝાળ એમને તમારાં પેલાં એક નાના એવા ઉલ્લેખથી લાગી છે, જેમાં તમે નરેન્દ્ર મોદીની રાષ્ટ્રભક્તિના વખાણ કર્યા હતાં. આપનું એ વક્તવ્ય અને કથન વાજબી જ હતું. એ પોલિટિકલ સ્ટેટમેન્ટ હરગીઝ ન હતું. અને હોય તો પણ શું! વ્યાસપીઠ પરથી રાજકીય અભિપ્રાય આપવાનો અધિકાર તમને હોય જ. પરાપૂર્વથી હિન્દુ સંસ્કૃતિમાં સિંહાસન અને વ્યાઘ્રચર્મનું સંયોજન સધાતું રહ્યું છે. ઋષિઓને મહેલોમાં સત્કાર મળતો અને આશ્રમોમાં રાજાઓ જતાં. રાજસત્તા અને ધર્મસત્તા એકમેકના પૂરક હોઈ જ શકે. રાજ દરબારમાં બધાં જ સમાન હોય અને આશ્રમોમાં બધાંને એકસમાન માન મળે એ માન્યતા જ એક અપરાધ છે. ઈશ્વરના દરબારમાં બધાં એકસમાન હોય તો બધાં જ અમીર હોય અથવા તમામ લોકો મધ્યમ વર્ગના કે કંગાળ હોય. બધાં જો એકસરખાં હોય તો ભાઈ હાર્દિકે રાજકુમાર સાથે મધુરજની ગાળવા તાજ હોટેલમાં શા માટે જવું જોઈએ! એને તો બીજા પાટીદારોને મળે છે તેમ જાહેરમાં મળી શકાયું હોત! વ્યાસપીઠ પરથી સત્ય બોલાય અને કોઈને શૂળની માફક એ ભોંકાય એવું આ પ્રથમ વખત બન્યું નથી. પણ અસલી તકલીફ એ છે કે, તમારાં મોઢે કહેવાયેલા સત્યનું વજન વધી જાય છે, એનાં વજન થકી પેલાં ટોળાંના સરદારનું જૂઠ માળું ચગદાઈ જાય છે. અને જૂઠ તથા છળ એનો વ્યવસાય છે. ધંધા પર આક્રમણ નહીં… એ તમને કહી રહ્યો છે જાણે.

કેટલીક ઘટનાઓ ભલે દુઃખપ્રદ હોય પરંતુ તેનાં થકી કેટલાંક આડફાયદાઓ થઈ શકે. તમારા પર આ અનૈતિક પ્રહાર એક એવું જ ઉદાહરણ છે. પટેલોએ વિચારવાનું છે કે, શું તેઓ મુસ્લિમોના માર્ગે તો નથી જતાને! આપણે સંકુચિત દ્રષ્ટિ અને ઝનૂન બદલ મુસ્લિમોને ભાંડતા રહીએ છીએ. સાચી વાત કહેવી જ જોઈએ તેમને. પણ પાટીદારો સુધી આ મેસેજ કોણ પહોંચાડશે! માત્ર એમ કહેવાથી કે, *સમાજના સાવ ઓછા લોકો હાર્દિક સાથે છે*, કંઈ વળશે નહીં. એવું તો મુસ્લિમો પણ કહે છે. શું લેઉઆ કે કડવા મુસ્લિમ તરીકે ઓળખાવું છે? તેને સંગઠિત થઈ ને જવાબ આપવો પડશે. અળખામણા થઈને પણ આપવો રહ્યો. કોઈ એક ઘનચક્કર આવી ને તેના તરંગતુક્કા થકી આખા સમાજને ભરમાવી જાય તો એ સમાજની સમજ સામે મણ એકનો પ્રશ્નાર્થ ગણાય. ક્વેશ્ચન માર્ક નહીં, ફૂલ સ્ટોપ ખપે. પુરવાર થવું જોઈએ કે, પટેલો વિશેની ઈત્તર સમાજની માન્યતા કોઈ ભ્રમ ન હતો.

રામકથા હવે તમારા માટે એક માધ્યમ છે એ મને ખ્યાલ છે. તેનાં થકી તમે તત્વ ચિંતનની ગંગા વહાવો છો. એક પંથ, દો કાજ. છેલ્લાં દસકાઓમાં કથાકાર તરીકે જ નહીં, ચિંતક તરીકે અને પારખું ઝવેરી તરીકે પણ તમે ગ્રો થયાં છો, વધુ ને વધુ ખીલ્યાં છો. આ વહેંતિયાઓને એ ઇલ્મ પ્રાપ્ત નથી કે, તેઓ તમારાં કદને માપી શકે. મારો એક મનપસંદ શેર છે, તુફૈલ ચતુર્વેદીએ લખેલો:

*हर एक बौना मेरे कद को नापता है यहाँ,*
*मैं सारे शहर से उलजु मेरे इलाही क्या।*
*समय के एक तमाचे की देर है प्यारे,*
*मेरी फकीरी भी क्या, तेरी बादशाही क्या।*

બાપ… આપ એક ગરિમાપૂર્ણ વ્યક્તિત્વ છો, આપના મૌનની ભાષા આ બાબતે સમજી શકું છું. આશા છે કે, તમે પણ મારો સ્વર ઝીલી શકશો. એક રચના સાથે જ વિરમું.

*अपने हर इक लफ़्ज़ का ख़ुद आईना हो जाऊँगा*,
*उसको छोटा कह के मैं कैसे बड़ा हो जाऊंगा*

*तुम गिराने में लगे थे, तुम ने सोचा भी नहीं*,
*मैं गिरा तो मसला बनकर खड़ा हो जाऊंगा।*

*मुझ को चलने दो, अकेला है अभी मेरा सफ़र*,
*रास्ता रोका गया तो क़ाफ़िला हो जाऊंगा*

*सारी दुनिया की नज़र में है, मेरी अह्द—ए—वफ़ा*,
*इक तेरे कहने से क्या मैं बेवफ़ा हो जाऊंगा*।।

જય સિયારામ, બાપ.

લેખક – *કિન્નર આચાર્ય, 9825304041*

ટીપ્પણી