મહેનતથી કરેલું કામ ક્યારેય તુચ્છ કે ખરાબ હોતું નથી – જીવતીજાગતી મિસાલ છે “ચમક”

મહેનતથી કરેલું કામ ક્યારેય તુચ્છ કે ખરાબ હોતું નથી. આની જીવતીજાગતી મિસાલ છે બેંગ્લુરુ સ્થિત કપડાં વોશ કરી આપતી ‘વિલેજ લોન્ડ્રી સર્વિસીસ’, જે ટૂંકમાં ‘ચમક’ નામે પણ ઓળખાય છે.

નામ: અક્ષય મહેરા

કંપની: વિલેજ લોન્ડ્રી સર્વિસ (ચમક)

અભ્યાસ: કોલકાતાની આઇ-આઇ-એમ માંથી ગ્રેજ્યુએટ

હોદ્દો: સીઇઓ

લક્ષ્ય: ૧૪૦૦ આઉટલેટ્સ સાથે વાર્ષિક ટર્નઓવર ૬૦ કરોડ રૂપિયા

વારંવાર આપણને સાંભળવા મળતું હોય છે કે આપણા દેશમાં બેકારીનું પ્રમાણ વધતું જાય છે. આનો અર્થ એવો નથી કે આપણા દેશમાં કામધંધાની તંગી છે. ઓછું ભણતર અને ઓછા મૂડીરોકાણથી પણ વેપાર તો થઇ જ શકે, પણ કદાચ આપણે લોકો જ તેને નાનું અથવા ઊતરતી કક્ષાનું કામ માનીને મોઢું મચકોડતા હોઇએ છીએ. એમ તો આપણી નજર સામે એવાંય કેટલાં બધાં ઉદાહરણ છે કે જેમણે વેપારક્ષેત્રે નવો ચીલો ચાતર્યો છે.

તેમની સફળતાનું કારણ વેપાર-ઉદ્યોગ પ્રત્યે તેમની અલગ વિચારસરણી જ કહી શકાય. મહેનતથી કરેલું કામ ક્યારેય તુચ્છ કે ખરાબ હોતું નથી. આની જીવતીજાગતી મિસાલ છે બેંગ્લુરુ સ્થિત કપડાં વોશ કરી આપતી ‘વિલેજ લોન્ડ્રી સર્વિસીસ’, જે ટૂંકમાં ‘ચમક’ નામે પણ ઓળખાય છે. આપણા દેશમાં કપડાં ધોવડાવવા પાછળ લોકો વર્ષે ૩,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચી કાઢે છે. બોલો, આ જાણીને તમારી આંખોય પહોળી થઇ ગઇ છે.

ભય અને ચિંતામાંથી જન્મી વિલેજ લોન્ડ્રી સર્વિસ

બીજો આંચકો તમને કદાચ એ જાણીને લાગશે કે ‘ચમક’ના સંસ્થાપક હરિ નાયર અને અક્ષય મહેરા એવા શિક્ષિત યુવાનો છે કે જેમણે ૨૪ વર્ષ સુધી એફએમસીજીના માર્કેટમાં મોટી જવાબદારી સંભાળી છે. વિલેજ લોન્ડ્રી સર્વિસીસના સીઇઓ અક્ષયે કોલકાતાની આઇઆઇએમમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે. એક ઇન્ટરવ્યૂમાં અક્ષયે કહ્યું છે, ‘મારા જેવા ઘણા યુવાનોને મેં બેંગ્લુરુના આઇટી સેક્ટરમાં જોયા કે જેઓ સામાન્ય વાતે ખૂબ જ ચિંતાતુર હતા, મૂંઝવણમાં હતા. આ નાનકડી વાત એ હતી કે પાંચ દિવસ સતત કામમાં વ્યસ્ત રહ્યા બાદ રજાના દિવસે તેમણે પોતાનો ધોબીઘાટ કાઢવો પડતો.

આમ, રજા અને મજાના દિવસે પોતાનાં કપડાં ધોવાને કારણે રજાની મજા જ બગડી જાય છે. એમ તો આપણા દેશમાં ગલી-મહોલ્લામાં એક ધોબી અચૂક હોય જ છે કે જેઓ ઓછા રૂપિયામાં કપડાં ધોઇ પણ આપે ને પ્રેસ પણ કરી આપે, પણ મનમાં એ ડર તો રહે જ કે ક્યાંક મોંઘાં ને બ્રાન્ડેડ કપડાં તેમનાથી ખરાબ થઇ જશે તો! જોકે ડ્રાયકલીનર્સ છે, પણ તેઓ મોઢું ફાડીને રૂપિયા લે છે. આ અનુભવ પછી મેં રોડસાઇડના ધોબી અને ડ્રાયકલીનર્સ વચ્ચેની ખૂટતી કડી સાંધી. આખરે મેં સારો ડિટર્જન્ટ અને મોડર્ન મશીનોનો ઉપયોગ કરી વાજબી કિંમતે લોન્ડ્રીના આઉટલેટ્સ ખોલવાનો નિર્ણય લીધો. આ નિર્ણયને અમલમાં મૂકતાં જ ૨૦૦૮માં ‘વિલેજ લોન્ડ્રી સર્વિસ’ની સ્થાપના થઇ.

પ્રોફેશનલ ચમક

અક્ષય મહેરાએ ‘ઇન્નોસાઇટ વેન્ચર્સ એન્ડ કાલવર્ટ ઇન્વેસ્ટમેન્ટ’ દ્વારા મૂડી એકઠી કરી ફ્રેન્ચાઇઝીનું આઉટલેટ શૃંખલા ‘ચમક’ની સ્થાપના કરી. સામાન્ય ધોબી જે કામ કરે છે એ જ કામ કરવાની ‘ચમક’ની રીત તદ્દન પ્રોફેશનલ છે. એટલે કે કપડાં ધોવા માટે ફ્રન્ટ લોડિંગ વોશિંગ મશીન, વોટર એક્સટ્રેકટ્સ, ડ્રાયર્સ, ડ્રાયકલીનિંગ મશીન તેમ જ ફિનિશિંગ જેવાં ઉપકરણોનો ઉપયોગ કરે છે. વળી, કપડાં ધોવા માટે બિનહાનિકારક ડિટર્જન્ટ જ વાપરે છે.

એટલું ખરું કે ગલી-મહોલ્લાની લોન્ડ્રીઓ કરતાં ચમકનો દામ થોડો વધારે છે, પણ હાઈ એન્ડ ડ્રાયકલીનર્સ ઓછા ભાવે કરી આપે છે. ચમક નંગ દીઠ નહીં, પણ કિલોના ૬૦ રૂપિયાના ભાવે કિંમત વસૂલે છે. ૬૦ રૂપિયામાં અંદાજે ૧૦ શર્ટ-પેન્ટ ધોવાઇને ઇસ્ત્રીટાઇટ થઇ જાય. ગ્રાહકોને આવવા-જવાની ઝંઝટમાંથી મુક્તિ મળે એ માટે ચમક એસએમએસ અને મોબાઇલથી બિલિંગ કરે છે.

ચમક આઉટલેટ્સનો ફેલાવો કરવાની પણ અક્ષયે સારી રીત શોધી કાઢી છે. સૌ પ્રથમ તો ૬ બાય ૬ ફૂટનો આકાર હોવાથી આ આઉટલેટ ગમે ત્યાં ખોલી શકાય છે. જેમ ગલીમાં લોન્ડ્રીની દુકાન હોય છે. બિલકુલ એ જ રીતે ચમક આઉટલેટ્સને ફ્રેન્ચાઇઝીના આધારે વિસ્તારવામાં આવી છે. અક્ષય મહેરા અને તેમની ટીમ ઓછું ભણતર ધરાવતા યુવાનોને ટાર્ગેટ કરે છે, તેમને ટ્રેનિંગ આપે છે અને તેમની આઉટલેટ્સની કામ કરવાની રીત પર નિયમિત ધ્યાન આપે છે.

અક્ષયની કાર્ય કરવાની આ પદ્ધતિ જ તેમને સફળતા અપાવવામાં મદદરૂપ બની. આ જ કારણે એક વર્ષમાં અક્ષય મહેરાએ બેંગ્લુરુ અને મૈસૂરમાં બે ડઝન આઉટલેટ્સ ખોલ્યા. ગ્રાહકોનો રિસ્પોન્સ અને ફ્રેન્ચાઇઝીના આધારે ચમકનું સંચાલન કરવામાં રસ ધરાવતા યુવાનોની સંખ્યાના આધારે અક્ષયને એટલો તો ભરોસો છે કે ત્રણ વર્ષમાં દેશભરમાં ૧૦૦૦ કરતાં વધારે લોન્ડ્રીના આઉટલેટ્સ થઇ જશે.

અક્ષય મહેરાએ રોડ સાઇડ લોન્ડ્રીના વેપારથી યુવાનોને ઓછા મૂડીરોકાણે અને ઓછા ભણતરે સારી કમાણી કરવાનો મોડર્ન ઉપાય બતાવ્યો છે. ચમકનું સંચાલન કરતા મની, શંકર, સંવત, મંજુનાથ કહે છે કે પહેલાં તો તનતોડ મહેનત કરવા છતાં ઓછા પગારને કારણે દુ:ખી હતા, પણ આજે સારો પગાર મેળવીએ છીએ અને જે કારણે લોકો નાનું કે ઊતરતી કક્ષાનું માને છે એ કામ કરીને અમે માન પણ મેળવીએ છીએ.

લેખન સંકલન : દીપેન પટેલ 

શેર કરો આ યુવાનની વાત તમારા દરેક મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી