શું તમારા બાળકો, ભાઈ કે બહેન ટ્યુશન જાય છે ? તો આ તમારે વાંચી લેવું જોઈએ…

” એલા આજે લેક્ચર નથી ભરવું. ”
હું, મારા મિત્ર વાલજી આહિર અને બીજા એકાદ-બે જણાં કેન્ટીનના ઓટલાં પાસે બેસીને નાસ્તો કરી રહ્યાં હતાં એવામાં વાલજીએ વાતનો મમરો મૂકતાં કહ્યું. મને જરા આશ્ચર્ય તો થયું કે બોરીંગમાં બોરિંગ લેક્ચર ભરનાર વાલજી આહિર જેવો ‘રસાયણ ધુરંધર’ આજે લેક્ચર ભરવાની કેમ ના પાડે છે. !! એકાદ વાર નજર પૂર્વ દિશામાં કરી પણ લીધી, કે સૂરજ ત્યાંથી ઉગ્યો છે કે નહીં ! પણ એ સાલો માથા પર આવી ગયો હતો એટલે ખાસ ખબર ન પડી. હવે આ સનસનીનો ખુલાસો વાલજી આહિર જ કરી શકે એમ હતો. તેથી અમે બધાએ એની સામે જોયું. વાલજીભાઈ આરામથી નાસ્તો ઝાપટી રહ્યાં હતાં. થોડીવાર અમે જોયા કર્યું, પણ એ તો જાણે સ્થિતપ્રજ્ઞ ! બસ ભોજન સમારંભ પતાવવામાં પડ્યાં હતાં.

” વાલજીભાઈ, હવે જરા બોલો તો ખરાં કે આજે તમે લેક્ચરથી બેવફાઈ શા માટે કરવાના છો ? ” હું સામાન્ય વાતચીતમાં પણ એમને ભાઈ કહીને જ બોલાવતો. ઉંમરમાં અમે બેઉ સરખા, પણ એમનું વ્યક્તિત્વ જ એવું કે માન આપોઆપ અપાઈ જાય !

” એમાં એવું છે, કે આજે મારે જરા જીવવિજ્ઞાન શીખવું છે. આપડે રહ્યાં કેમીસ્ટ્રીના માણસ, આ જીવવિજ્ઞાનમાં આપણને શેન વોર્નના ગૂગલી દડા જેવી ફિલિંગ આવે ! એટલે બેટિંગ કરતાં પહેલાં થોડી નેટ પ્રેક્ટિસ કરી લેવી સારી !! ” પોતાની જાણીતી અદામાં વાલજીભાઈએ જવાબ આપ્યો.
” કેમ ભાઈ, તમે ડોકટરી કરવાનાં છો કે શું ? જીવવિજ્ઞાનનું ભૂત તમને ક્યારથી વળગ્યું ? ”

” ના ભાઈ, મને નહીં બનવું, મને તો મારા વિધાર્થીઓને ડોક્ટર બનાવવા છે, દેશ માટે કંઈક કરી શકે એવા સારા વૈજ્ઞાનિકો અને એન્જિનિયર બનાવવા છે. ”

” વાહ વાહ, ક્યા બાત હૈ ! ” અમારા મો માંથી સ્વાભાવિક જ ઉદગાર નીકળ્યો. ” પણ વિધાર્થીઓ ? ”

” એમાં એવું છે, કે હું મારા ગામના અમુક છોકરાઓને રાહતદરે ટ્યુશન કરાવું છું. આજે દસમાનાં છોકરાઓને શરીર વિજ્ઞાન વિશે ભણાવવાનું છે. ” એમણે વાતનો ફોડ પાડ્યો. અમે વધુ જાણવાની ઉત્કંઠા દર્શાવી એટલે એમણે માંડીને આખી વાત કરી. સમય, ધોરણ અનુસાર વિધાર્થીઓની સંખ્યા, વિષયો, ફી, બધું જ જણાવ્યું. અમે બધું ધ્યાનથી સાંભળી રહ્યાં. આશ્ચર્યથી વધુ તો ખુશી થતી હતી. થોડીવારે અમારી ટોળકીમાં સુનીલ પણ જોડાયો. એનું આખું નામ સુનીલગર લક્ષ્મણગર ગુંસાઈ. સુનીલ બાવાજીને અમે જુનિયર આઈન્સ્ટાઈન કહીને બોલાવીએ !

ગણિતનો વ્યસની માણસ ! દાખલાઓ ગણવામાં રાતો ની રાતો જાગી નાખે, અને અમે ગણિતનો ‘ગ’ લખવામાં પણ ભૂલ કરીએ એવા ! મને બાદ કરતાં જોકે બાકીના બધા જણાં કોઈને કોઈ વિષયમાં મહારથી હતાં. વાલજીભાઈ સાથે સુનીલ પણ જોડાયેલો હતો. ટોટલ ત્રણ જણાંની શિક્ષકટોળકીમાં ત્રીજું નામ એટલે સાયરાબાનુ બાયડ. સાયરાબાનુ બી.એસ.સીના બીજા વર્ષની વિધાર્થિની છે.

“ ભાઈ, આજે હું પણ તમારી સાથે આવીશ હો ને ! જોઈએ તો ખરા કે તમે કેવું ભણાવો છો ! “ મેં કહ્યું.

” હા હા, તે આવને. આપણી ક્યાં ના છે ! ” અને બધું ગોઠવાયું. અમે તોલાણી કોલેજ, આદીપુરમાં ભણતાં હતાં, અને ટ્યુશન રતનાલમાં ચાલતાં હતાં. સમય સાડાચારનો હતો. એકાદ વાગ્યે અમે આદીપુર બસ સ્ટેન્ડે પહોંચ્યાં. આદીપુરથી રતનાલનું અંતર અંદાજે પોણા કલાક જેટલું હતું. કચ્છના મુખ્યમથક ભુજથી પચ્ચીસેક કિલોમીટરે આવેલું રતનાલ મુખ્યત્વે આહિરોનું ગામ. ( આહિરને દેશી ભાષામાં આયર પણ કહેવાય.) સુંદર, રમણીય, મોજીલું, મધ્યમ વસતી ધરાવતું ગામ. અહીંના લોકો મુખ્યત્વે વાડીઓ અને ટ્રાન્સપોર્ટના વેપાર સાથે સંકળાયેલાં છે. ભુજ જતી મોટાભાગની ટ્રેનો રતનાલ જંકશન પર થોભે. ( આજે મારે પણ થોભવાનું હતું ! )

દોઢ વાગ્યે બસ મળી. સવા બે વાગ્યે અમે રતનાલ પહોંચ્યા. જમવાનું વાલજીભાઈને ઘરે હતું. આજે પહેલીવાર આહિરોની મહેમાનગતિ માણી. જલસો પડી ગયો બાકી ! રીંગણાનું શાક, બાજરાનો રોટલો, દેશી અથાણું, તળેલાં મરચાં અને ગાયના દૂધમાંથી બનેલી ઘાટી, માખણ નીતરતી છાશ !! શુદ્ધ કચ્છી ભાણું..આહાહા… શું સ્વાદ ! આગ્રહ કરી કરીને પીરસાયું અને ઠાંસી ઠાંસીને ખવાયું. !!

સવા ત્રણેક વાગ્યે પરવારીને અમે નીકળી પડ્યાં. વાલજીભાઈ અહીંના જ રહેવાસી છે. છોકરાઓને ભણાવવા માટે ‘રાધેશ્યામ કંસલ્ટન્સી’ ની આર્થિક સહાયથી ચાલતાં ‘સહયોગ સ્ટડી સેન્ટર’ ના નામે ચાલતાં ટ્યુશન માટે એક ચાલી અને બે ઓરડા ધરાવતું મકાન તેમના મામાએ વિનામૂલ્યે ભાડે આપેલું છે. ( માત્ર ભણાવીને જ શિક્ષણની કદર થાય એવું જરૂરી થોડું છે.!! ) એ મકાન વાલજીભાઈના ઘરની બાજુમાં જ છે એટલે અમને પહોંચતા વાર ન લાગી.

થોડીવાર આડીઅવળી વાતો થઇ. સાડાચાર વાગ્યા એટલે એક પછી એક વિધાર્થીઓ આવતાં ગયાં. થોડીવારમાં બધા હાજર ! અહીં પહેલાં ધોરણના ભુલકાથી લઈને દસમા ધોરણના છોકરા મળીને કુલ્લ એકસો દસ વિધાર્થીઓ ભણે. જેમાં એક થી આઠ ધોરણના ત્રીસ, નવમા ધોરણના પાંત્રીસ અને દસમા ધોરણના પિસ્તાળીસ છોકરાઓ- છોકરીઓ. વિધાર્થીઓને અગવડ ન પડે એ હેતુથી તેમણે બેચ બનાવી છે. બે બેચ નવમાંની અને ચાર બેચ દસમાની. દરેક બેચ એક કલાકની હોય. નક્કી કરેલ દિવસે નક્કી કરેલ વિષય. એકદમ સચોટ આયોજન !

સાડાચાર થી સાડાપાંચની બેચ નવમા ધોરણની. બંને બેચનો સમય સાથે જ હોય, પણ તેમને ભણવાના વિષય અલગ, શિક્ષક અલગ અને ઓરડો પણ અલગ ! બાકીની ચાર બેચનો સમય સાડા પાંચ થી સાડા સાતનો, વ્યવસ્થા નવમા ધોરણ જેમ જ ! હા, આ દરમિયાન બહાર ચાલીમાં એક થી આઠ ધોરણના છોકરાઓનું અલગથી ભણવાનું ચાલુ જ હોય. વિષયો વાલજી, સુનીલ અને સાયરબાનુએ અંદરોઅંદર વંહેચેલા છે. પોતાની આગવી શૈલીમાં તેઓ ભણાવે અને છોકરાઓ પણ રસથી ભણે. ક્યારેક રમતો રમાડવામાં આવે ! એ દિવસે શનિવાર હતો એટલે એમના સાહેબોએ ‘સંગીત ખુરશી’ નો કાર્યક્રમ ગોઠવ્યો હતો. છોકરાઓને તો ભૈ મજા પડી ગઈ !! જ્ઞાન સાથે ગમ્મત મળતી હોય તો કોને મજા ન આવે !

સાંજે સાડા સાતે અમે છૂટા પડ્યા. આમ ને આમ આખું અઠવાડિયું સાંજે ત્રણ કલાક ટ્યુશન ચાલે. રવિવારે દસમાવાળા સિવાય બીજાને રજા ! ત્યારે સવારે નવ થી અગિયારનો સમય હોય, અને વાલજીભાઈ વિજ્ઞાન ભણાવે. સામાન્ય રીતે ગામડાઓની માનસિકતા નારી શિક્ષણ માટે પ્રતિકૂળ હોય છે, પણ ગર્વ લેવા જેવી વાત કહેવાય કે નવમા અને દસમામાં કુલ મળીને પિસ્તાળીસ છોકરીઓ ભણવા આવે છે. ( છોકરાઓથી પણ વધુ ! ) આ બધા વિધાર્થીઓની ફી કેટલી, ખબર છે ? ચોંકાવાની ખાતરી સાથે વાંચજો !! એક થી આઠ ધોરણની ફી વિધાર્થી દીઠ સો રૂપિયા, નવમા ધોરણની દોઢસો અને દસમા ધોરણની માત્ર સાડા ત્રણસો રૂપિયા ! ( આજકાલ સો રૂપિયામાં તો મૂકા કાકા પણ એક મહીના માટે જીયો નેટ નથી આપતાં બોલો ! ) આ ફી વધુ લાગતી હોય, તો ખાસ જણાવવાનું કે ફીના ઘણાખરાં રૂપિયા છોકરાઓ પાછળ જ વપરાઈ જાય છે. હા, આ ત્રણ મિત્રોનો ભણવાનો થોડો ઘણો ખર્ચ નીકળી આવે છે. સુનીલગર ગુંસાઈ અને સાયરબાનુ ખાસ અંજારથી અપડાઉન કરે છે, એ પણ ટિકિટ ખર્ચીને. અંજારથી રતનાલ ચૌદ કિલોમીટર અંતરે આવેલ છે. આવવા જવામાં સમય બગડે એ અલગ. એવું પણ નથી કે વાલજી, સુનીલ કે સાયરાબાનુ કોઈ ધનાઢ્ય પરિવારમાંથી આવતાં હોય !

પણ આવી રીતે વિધાર્થીઓને ભણાવવા પાછળનો તેમનો હેતુ માત્ર એટલો જ છે, કે ગામમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે. વિધાર્થીઓ શિક્ષણમાં રસ લેતાં થાય અને આગળ વધી પોતાનું, પોતાના પરિવારનું અને દેશનું નામ રોશન કરે. શિક્ષણના નામે ધંધો માંડી બેઠેલાં ‘વેપારીઓએ’ આમની પાસેથી ઘણું શીખવા જેવું છે. મોટેરાઓને પણ શરમાવે એવી આ યુવાનીયાઓની વિચારધારા છે. એમની સાથે રાધેશ્યામ કંસલ્ટન્સી અને ડાહ્યાભાઈ પાંચાભાઈ કરમટા પણ અભિનંદનને પાત્ર છે.

કરમટા સાહેબ રતનાલની જ માધ્યમિક શાળામાં અર્થશાસ્ત્રના અધ્યાપક છે. એમણે આપેલી પ્રેરણા અને સમાજને ઉપયોગી થાય એવું કશુંક કરવાની ખેવનાને લીધે આ મિત્રો આટલી નાની ઉંમરમાં આવડું મોટું કામ કરી રહ્યા છે. માત્ર એકવીસ વર્ષની ઉંમરમાં આજનો જુવાન પોતાની કારકિર્દી શોધતો હોય ત્યારે આ લોકો જે કરે છે એના માટે જેટલી પ્રશંસા કરીએ એટલી ઘટે ! આવા વિરલાઓ ખરેખર જૂજ હોય છે. દરેક યુવાન એમની પાસેથી કંઈક શીખે એવી પ્રભુ પાસે પ્રાર્થના સહ જય હિન્દ.

આ લેખ માટે હું,
શ્રી ડાહ્યાભાઈ પાંચાભાઈ કરમટા, અધ્યાપક, રતનાલ
વાલજીભાઈ મહાદેવાભાઈ આહિર, T.Y B.Sc
સુનીલગર લક્ષ્મણગર ગુંસાઈ, T.Y B.Sc સાયરાબાનુ બાયડ, S .Y B.Sc
નો આભારી છું.
સંકલન : પ્રતીક. ડી. ગોસ્વામી

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી