શું બાળકને માંદગીથી સંપૂર્ણ દૂર રાખી શકાય? હા, જો આટલું ધ્યાન રાખો તો બાળકો રહેશે તંદુરસ્ત

૬ મહિનાથી લઈને બે વર્ષ સુધીના બાળકનો ખોરાક સંપૂર્ણ હોય તો તેની ઇમ્યુનિટી ડેવલપ થાય છે અને તે માંદું પડતું અટકે છે. ખોરાક ઇમ્યુનિટી ડેવલપ થવા માટે અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. સાંતાક્રુઝમાં રહેતી બે વર્ષ ચાર મહિનાની અમાઇરા શાહ એક આવું જ બાળક છે જે સામાન્ય બાળકોની જેમ માંદું નથી પડતું. છેલ્લા ૧ વર્ષથી તેણે કોઈ દવા લીધી જ નથી. સંપૂર્ણ પોષણયુક્ત ખોરાકને કારણે તે આટલી સ્વસ્થ રહે છે એટલું જ નહીં, દરેક ખોરાક ખાઈ લે છે. ખાવામાં તેનાં કોઈ નખરાં નથી

બાળક જન્મે અને આ દુનિયામાં આવે ત્યારે તે ખૂબ જ નાજુક હોય છે, કોમળ હોય છે. તેને બહારના વાતાવરણની અસર થાય તો તે તરત જ માંદું પડી શકે છે. આ પરિસ્થિતિ બાળકના જીવનમાં જન્મથી લઈને લગભગ પાંચ વર્ષ સુધી રહે છે, કારણ કે તેની રોગપ્રતિકારક શક્તિ હજી ડેવલપ થઈ રહી હોય છે. એ વિકસે એના માટે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. આજકાલ મોટા ભાગનાં બાળકો સીઝન બદલે એટલે તરત જ માંદાં પડી જતાં હોય છે એટલું જ નહીં, ઘરમાં કોઈ માંદું પડે તો તેને ચેપ પહેલાં લાગે. સ્કૂલ જવાનું શરૂ કરે ત્યારે આ ચેપની માત્રા વધી જાય.

સ્કૂલમાં એક બાળક માંદું પડે એટલે એક પછી એક બધા જ માંદાં પડવા લાગે. બાળકોના નિષ્ણાત ડૉક્ટર્સ પણ માતા-પિતાને એ જ સમજાવતાં હોય છે કે જન્મ પછીનાં બેચાર વર્ષ બાળક વધુ માંદું પડવાનું જ, કારણ કે આ તેનાં શરૂઆતી વર્ષો છે અને એને કારણે તેમની ઇમ્યુનિટી ડેવલપ થયેલી હોતી નથી એટલે તે માંદુ પડતું રહેશે. એક વખત તેની રોગપ્રતિકારક શક્તિ વિકસે પછી વાંધો નહીં આવે. પરંતુ એ પણ હકીકત છે કે આજકાલનાં બાળકો વધુ માંદાં પડે છે. દર બે મહિને જો તેને દવાઓ લેવી પડે તો એ ચિંતાજનક તો ગણાય જ, કારણ કે વારંવાર જો તે બીમાર પડે તો તેના વિકાસમાં અડચણ આવતી હોય છે; જે યોગ્ય નથી. જો આ માંદા પડવાની પ્રોસેસને અટકાવવી હોય તો કોઈ ઉપાય છે? શું ખરેખર એ આપણા હાથમાં છે?

સાંતાક્રુઝમાં રહેતાં અવનિ શાહની બે વર્ષ અને ચાર મહિનાની દીકરી અમાઇરા શાહ એક એવું બાળક છે જેની ઇચ્છા દરેક માતા-પિતાને હોય. જન્મ પછીથી આજ સુધી અમાઇરા કહી શકાય કે બીમાર જ નથી પડી. સતત ખુશ રહેતું ઍક્ટિવ બાળક છે તે. જૂન મહિનાથી તે પ્લે સ્કૂલ જાય છે અને જૂન મહિનાથી લઈને અત્યાર સુધી ચોમાસાને લીધે બાળકો ખૂબ બીમાર પડ્યાં, પરંતુ એ બાળકો સાથે રહેવા છતાં પણ અમાઇરા બિલકુલ બીમાર પડી નથી. ઘરમાં એક સમયે એવી પરિસ્થિતિ હતી કે ત્રણ-ત્રણ વ્યક્તિઓ બીમાર હતી અને અવનિને લાગ્યું કે એની અસર અમાઇરા પર ચોક્કસ પડશે, પરંતુ એવું ન થયું. તેને કોઈ ખાસ ઇન્ફેક્શન લાગતું જ નથી. વાઇરલ કે બૅક્ટેરિયલ બીમારીઓ તેને નડતી નથી. ચેપ તેને લાગતો નથી અને બીમાર પડવું શું છે એ ખુદ જાણતી પણ નથી. સાંભળવામાં અશક્ય લાગે એવો આ કેસ છે, પરંતુ જો તેને નાનીસૂની શરદી પણ થાય તો એ એની જાતે જ ઠીક થઈ જાય છે.

ઘણી વખત ઘરગથ્થુ ઉપચાર લેવા પડે. તેના વિશે વાત કરતાં તેનાં મમ્મી અવનિ શાહ કહે છે, ‘અમાઇરાને ૧ વર્ષ સુધી જે પણ હેલ્થ સંબંધિત તકલીફો આવી એમાં સામાન્ય વાઇરલ કે શરદી થયા હતા એ બનાવો પણ જૂજ કહી શકાય. એ પણ લાંબા ગાળા સુધી ટક્યા હોય એવું નહીં. બેચાર દિવસમાં એ ઠીક થઈ જાય. હાલમાં છેલ્લા ૧ વર્ષમાં તે બીમાર પડી જ નથી. તેની ઍલોપૅથિક દવાઓ તો છેલ્લા એકાદ વર્ષથી બંધ જ છે. તેની હોમિયોપૅથિક દવાઓ ચાલે છે. એ પણ એક કારણ છે કે તેની ઇમ્યુનિટી આટલી સારી રહી છે. બાળકને જ્યારે દાંત આવે ત્યારે તે ઘણું માંદું પડતું હોય છે, પરંતુ અમાઇરા એ સમયે પણ બિલકુલ માંદી પડી નથી.’

ખોરાક સંપૂર્ણ તો ઇમ્યુનિટી વધુ

અમાઇરાની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ વિકસિત છે એ તો દેખાય છે, પરંતુ એની પાછળનું કારણ હોમિયોપથીની સાથે-સાથે નાનપણથી જ તેના ખોરાકમાં આપવામાં આવેલું ધ્યાન છે. અમાઇરાને તે ૬ મહિનાની ત્યારથી તેની ડાયટ માટે તેને માર્ગદર્શન આપનાર ફિમ્સ ક્લિનિક, માટુંગા અને વિલે પાર્લેનાં નેચરોપૅથિક ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘બાળકોની રોગપ્રતિકારક શક્તિનો મોટો આધાર તેના ખોરાક પર રહેલો છે. જો બાળકનો ખોરાક વ્યવસ્થિત હોય તો તેનો વિકાસ વ્યવસ્થિત જ થાય અને એને કારણે કોઈ પણ પ્રકારના રોગો સામે લડવા માટે તેનું શરીર સશક્ત બને છે. ૬ મહિના સુધી તે માના દૂધ પર હોય છે અને ૬ મહિના પછી જ્યારે બહારનો ખોરાક શરૂ થાય છે ત્યાંથી લઈને અઢી વર્ષ સુધીનો સમય અત્યંત મહત્વનો છે. આ સમયમાં બાળકનું પોષણ સંપૂર્ણ હોય તો તેની ઇમ્યુનિટી વ્યવસ્થિત ડેવલપ થાય છે અને તેનો વિકાસ પણ પૂર્ણ થાય છે.’

શું ન જ આપવું?

અમાઇરાને જન્મી ત્યારથી બે વર્ષની થઈ ત્યાં સુધી બહારનો ખોરાક ખાવા આપ્યો જ નથી. બહારનો ખોરાક એટલે ફક્ત હોટેલનું ખાવાનું જ નહીં પરંતુ પૅકેજ્ડ ફૂડ, રેડી ટુ ઈટ પૅકેટ, બિસ્કિટ, વેફર્સ, તૈયાર નાસ્તા, ચૉકલેટ્સ વગેરે પણ આપ્યાં નહોતાં. હવે તે થોડી મોટી થઇ તો ક્યારેક તેને સાથે બહાર જમવા લઈ જાય છે, પરંતુ એમાં પણ તેને ઘરેથી જમાડીને નીકળે છે જેને લીધે ત્યાં તે થોડું-થોડું ચાખે અને એટલું ઘણું થઈ જાય છે. જોકે તે પ્રોસેસ્ડ થયેલું અને ફાસ્ટ કે જન્ક ફૂડ પણ ખાતી નથી. તેની મમ્મી કહે છે કે તેણે ઘરમાં લાવવાનું જ બંધ કરી દીધું હતું અને તેઓ પોતે પણ આ પ્રકારનું કંઈ ખાતા નથી. આ બાબત કેમ મહત્વની છે એ સમજાવતાં ધ્વનિ શાહ કહે છે, ‘બહારનો ખોરાક હેલ્ધી હોતો નથી એટલું જ નહીં, પ્રોસેસ્ડ ફૂડમાં રહેલાં કેમિકલ્સ બાળકના વિકાસને રૂંંધે છે. આટલી નાની ઉંમરમાં તો આ કેમિકલ્સ વગર જ બાળકો મોટાં થાય એ જરૂરી છે. ધીમે-ધીમે બહારનો ખોરાક ચાલુ કરી શકાય, પરંતુ પૅકેટ ફૂડથી તો તેમને જેટલાં દૂર રાખી શકીએ એટલું બેસ્ટ છે.’

શું ધ્યાન રાખવું?

બાળકના ખોરાકમાં શું ધ્યાન રાખવું જેનાથી તેની ઇમ્યુનિટી વધે એ જાણીએ ધ્વનિ શાહ પાસેથી.

૬ મહિનાથી જ્યારે આપણે બાળકને બહારનો ખોરાક ચાલુ કરીએ ત્યારે કોઈ એક વસ્તુ સતત ૪-૫ દિવસ સુધી દેવી જરૂરી છે. પહેલે દિવસે તે ન ખાય તો એનો અર્થ એ નથી કે તે ખાશે જ નહીં. એ સ્વાદ ઓળખતાં અને જીભને એ ગમાડતાં આટલો સમય લાગે છે એટલું જ નહીં, એટલા દિવસમાં ખબર પડી જાય છે કે બાળકને આ ખોરાકની ઍલર્જી‍ જેવું તો નથીને. આમ કોઈ પણ નવો પદાર્થ શરૂ કરો તો એને પાંચ દિવસ સુધી સતત આપો.

બાળક એક કે દોઢ વર્ષનું થાય ત્યાં સુધીમાં તેણે લગભગ બધાં જ ધાન્ય, શાકભાજી અને ફળો ખાઈ લીધાં હોવાં જોઈએ. આ પ્રયત્ન ખૂબ જરૂરી છે. જેટલો અલગ-અલગ ખોરાક બાળક ખાશે એટલું જ તેના માટે ફાયદાકારક સાબિત થશે.

બાળકને દરેક મસાલાનો સ્વાદ કરાવવો જોઈએ. મસાલા વગરનું ફીકું ખાવાનું ૧ વર્ષથી મોટા બાળકને આપવાની જરૂર નથી. ધીમે-ધીમે મસાલાઓ ખવડાવશો તો તેને એ સ્વાદની સમજ પડશે. બાકી ખાટું, ખારું, મીઠું, તીખું, કડવું, તૂÊરું વગેરે બધા જ તેના સ્વાદ ડેવલપ થાય એ માટે એ જરૂરી છે. તેને અલગ-અલગ વસ્તુઓ ખવડાવવી અને બધા જ સ્વાદનો અનુભવ કરાવવો. ઘણાં માતા-પિતા મરચું બાળકને નથી ખવડાવતાં, પરંતુ દોઢ વર્ષની ઉંમર પછી થોડું મરચું પણ તેને આપવું જોઈએ. મરચું ખાવાથી ઇમ્યુનિટી વધે છે.

જે બાળકોએ નાનપણથી દરેક વસ્તુ ખાધી છે એ બાળકના બધા જ સ્વાદ ડેવલપ થયેલા હોય છે એટલે તે ખાવામાં નખરાં કરતું નથી. દરેક ખોરાક તે વ્યવસ્થિત ખાઈ લે છે. આ એક ઘણો મોટો ફાયદો છે. ૧ વર્ષ ધ્યાન દેવામાં આવે તો જીવનભર માટેનું સુખ થઈ જાય છે.

બાળકને દાંત આવે પછી પણ તે નહીં ખાઈ શકે કે ચાવતાં વાર લાગશે એમ વિચારીને માતા-પિતા તેને બધું પીસીને ખવડાવતાં હોય છે. શરૂઆતમાં તે રમતું હોય ત્યારે કાકડી, ગાજર કે સફરજનની ચીર તેના હાથમાં પકડાવી દેવી અથવા રોટલીનો રોલ બનાવીને પકડાવો અને તે રમતાં-રમતાં જેટલું ખાય એટલું ખાવા દો. આ રીતે તેને ચાવવાની આદત પડશે.

સૌજન્ય : મીડ ડે ગુજરાતી

આ માહિતી વધુ ને વધુ શેર કરી બાળકોને સ્વસ્થ રાખીએ !!

ટીપ્પણી