બાળકની હાઇટ સારી વધે એ માટે શું કરવું? આજના દરેક પેરેન્ટ્સ માટે…Informative Article !

જો તમારા બાળકનાં કદકાઠી ઊંચાં હોય એવું તમે ઇચ્છતા હો તો છેક કિશોરાવસ્થામાં જાગવાથી ફાયદો નથી થતો. બાળપણથી જ દરેક તબક્કે યોગ્ય માત્રામાં ઊંચાઈ વધે એ માટે કાળજી રાખવી જરૂરી

દરેકને ઇચ્છા હોય છે કે પોતાનું બાળક મસ્ત હાઇટ-બૉડીવાળું બને. છોકરાઓને અમિતાભ બચ્ચન જેવી અને છોકરીઓને દીપિકા પાદુકોણ જેવી હાઇટ જોઈએ છે. જોકે જ્યારે પેરન્ટ્સ બાળકોની હાઇટ બાબતે સભાન થાય છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. કિશોરાવસ્થા પછી પ્યુબર્ટી-એજ દરમ્યાન જ્યારે ખબર પડે છે કે સંતાનની હાઇટ જોઈએ એટલી વધી નથી એટલે પેરન્ટ્સ જાગે છે. સામાન્ય રીતે છોકરીઓને માસિક આવવાનું શરૂ થાય એ પછીના એક વર્ષ સુધી હાઇટ કુદરતી રીતે વધી શકે છે, જ્યારે છોકરાઓમાં દાઢી-મૂછ જેવાં પ્યુબર્ટીનાં અન્ય લક્ષણોની સાથે ૧૭થી ૧૮ વર્ષ સુધી હાઇટ વધે છે.

હાઇટ કેટલી થશે એ મોટા ભાગે વારસાગત બંધારણ પણ આધારિત હોવાથી પેરન્ટ્સની હાઇટ કેટલી છે એ સંતાનોની હાઇટમાં બહુ મોટો ભાગ ભજવે છે. એમ છતાં કેટલાંક એન્વાયર્નમેન્ટલ ફૅક્ટર્સ છે જેને કન્ટ્રોલ કરવાથી તમે હાઇટ વધારી શકો છો. એટલું જ નહીં, જો આ એન્વાયર્નમેન્ટલ ફૅક્ટર્સનું ધ્યાન ન રાખવામાં આવે તો વારસામાં મળનારી હાઇટમાં ઘટાડો પણ થઈ શકે છે. એન્વાયર્નમેન્ટલ ફૅક્ટર્સથી હાઇટમાં કેટલો ફરક પડી શકે એ વિશે ક્રિટીકૅર હૉસ્પિટલનાં ડાયટિશ્યન કમ ફિટનેસ-એક્સપર્ટ યોગિતા ગોરડિયા કહે છે, ‘જો પેરન્ટ્સની હાઇટ પાંચ ફુટ બે ઇંચ જેટલી હોય તો તેમનાં સંતાનોની હાઇટ પાંચ ફુટ દસ ઇંચ ન થઈ શકે, પરંતુ પાંચ ફુટ ચાર-પાંચ ઇંચ જેટલી જરૂર થઈ શકે.’

હાઇટ ક્યારે વધે?

સૌથી મોટી ભ્રમણા એ છે કે કિશોરાવસ્થામાં જ હાઇટ ખૂબ વધે છે. આ વાત પૂરેપૂરી સાચી નથી. એ વિશે યોગિતા ગોરડિયા કહે છે, ‘બાળકોની હાઇટ વધવાનાં સ્ટેજ હોય છે. નવજાત અવસ્થાથી લઈને યુવાવસ્થાના ઉંબરે પગ મૂકે ત્યાં સુધી ઊંચાઈ વધતી હોય છે. એટલે બાળપણથી લઈને દરેક તબક્કે બાળકને કેટલું પોષણ, કસરત અને જરૂરી વૃદ્ધિનાં પરિબળો મળ્યાં છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે. બાળક જસ્ટ એક વર્ષનું થાય ત્યારે જ તેની હાઇટ જન્મ કરતાં લગભગ પચાસથી ૬૦ ટકા જેટલી વધે છે. એ પછી બાળક ચાલતું થાય ત્યારે હાઇટ વધે છે અને કિશોરાવસ્થા સુધી પણ તેની હાઇટમાં સતત ધીમો વધારો થતો રહે છે. માત્ર પ્યુબર્ટી પહેલાં થતો હાઇટનો વધારો ખૂબ ઝડપી હોવાથી એ દેખાય છે અને એ આખરી તબક્કો હોવાથી એ વખતે જો હાઇટ ન વધી તો પેરન્ટ્સ જાગે છે. ઘણી વાર આ સમયે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે.’

બાળપણથી જ કાળજી જરૂરી

જીવનના દરેક તબક્કે મૅક્સિમમ હાઇટમાં વધારો થાય એ માટે ડાયટ અને એક્સરસાઇઝ એ બે મુખ્ય પરિબળો છે એ વિશે વિગતે સમજાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘બાળકનો કુદરતી વિકાસ ત્યારે જ થાય જ્યારે તમે તેની રોજિંદી ક્રિયાઓનું નિયમન યોગ્ય રીતે કરો. ઓવરઑલ સ્વાસ્થ્ય સારું રહે તો એની બાયપ્રોડક્ટ તરીકે બાળકની હાઇટ વધે. એ માટે બાળકનું બ્રેસ્ટફીડિંગ છોડાવો ત્યારથી જ કાળજી રાખવી પડે. તમે ધાવણ છોડાવવા માટે બાળકને રડાવ્યા કરો તો એની પણ તેના ગ્રોથ પર અસર થાય. એને બદલે તેના ભૂખ્યા થવાના સમય પહેલાં જ નાચણીની રાબ, દાળનું પાણી, સૂપ જેવી ચીજ આપી દો તો તે ભૂખને કારણે બ્રેસ્ટ-ફીડ કરવા માટે રડે જ નહીં. એક-દોઢ વરસનું બાળક થાય ત્યારથી જ તેનું ભોજન સંતુલિત હોય એની કાળજી રાખવી જોઈએ. બીજું, પૉટીની ટ્રેઇનિંગ આમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. રોજ સવારે ઊઠીને તેને પૉટી-ટેબલ પર બેસાડી દેવાની આદત રાખો તો આપમેળે ચાર-પાંચ વીકમાં બાળકને ઊઠતાંની સાથે જ પેટ સાફ થવાની આદત પડી જશે. બાળકને પૉટી લાગવાથી જ તે ઊઠે એવી સાઇકલ સેટ થઈ જવી જોઈએ.’

બ્રેકફાસ્ટ ઇઝ મસ્ટ

દિવસનું સૌથી પહેલું મીલ બ્રેકફાસ્ટ હોય છે જે સૌથી મહત્વનું હોય છે. યોગિતા ગોરડિયા કહે છે, ‘બાળકને સવારે જ પેટ સાફ આવે એટલે તરત તેને કકડીને ભૂખ લાગે. એવા સમયે બ્રેકફાસ્ટમાં માત્ર દૂધ આપી દો એવું ન ચાલે. એમાં ભરપેટ હેલ્ધી અને ગરમ નાસ્તો કરાવવો જ જોઈએ. બાળકને સૂકા નાસ્તાથી સવારનો બ્રેકફાસ્ટ ન જ કરાવાય. કૉર્નફ્લેક્સ કે ચોકોફ્લેક્સ દૂધ સાથે આપવાથી એ કમ્પ્લીટ નાસ્તો નથી બનતો. એમાં પૂરતું પ્રોટીન, વેજિટેબલ્સ હોય અને હોલગ્રેઇન ચીજો હોય એ જરૂરી છે. ઘણાં બાળકો સવારે માત્ર દૂધ પીને સ્કૂલમાં જતાં રહે છે. ભલેને સ્કૂલમાં તેમને નાસ્તો મળવાનો જ છે, પણ એ સંતુલિત છે કે નહીં અને તમારું સંતાન એ પૂરતું ખાય છે કે નહીં એ તમે જોઈ નથી શકવાના. એટલે સવારે જ તેનું પેટ ભરાય એવો ગરમ નાસ્તો કરાવવો જોઈએ. એમ થશે તો ભણવામાં અને રમવામાં તેનું ધ્યાન લાગશે અને બપોરે જમવામાં પણ તેને ભૂખ લાગશે. ભૂખમાં બાળક ચીડચીડિયું થઈ જાય છે અને એની માઠી અસર તેના શારીરિક વિકાસ પર પણ પડે છે. વેજિટેરિયન ડાયટમાં પ્રોટીન ખૂબ ઓછી ચીજોમાંથી મળે છે એટલે દાળ, કઠોળ, ડ્રાયફ્રૂટ્સ, દહીં, સ્પ્રાઉટ્સ વગેરેનો ડાયટમાં પૂરતો સમાવેશ કરવો જોઈએ. એટલું જ નહીં, દિવસમાં ઓછામાં ઓછા બે બોલ ફ્રૂટ્સ અને દરેક મીલમાં એક વાટકી શાકનો સમાવેશ થવો જ જોઈએ. એનું કારણ માત્ર ફાઇબર જ નથી. હાડકાં મજબૂત અને કદાવર થાય એ માટે ખોરાકમાં પ્રોટીન, આયર્ન, કૅલ્શિયમ, ફૉસ્ફરસ અને અન્ય મિનરલ્સ જરૂરી છે. પ્રોટીન અને કૅલ્શિયમ દાળ-કઠોળમાંથી મળે છે, પરંતુ એ શરીરમાં શોષાઈ શકે એ માટે ફળો અને શાકભાજીમાં રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ મહત્વની ભૂમિકા ભજવે છે.

પૂરતું પાણી

બાળકો સ્કૂલમાં વારેઘડીએ બાથરૂમ ન જવું પડે એ માટે પૂરતું પાણી નથી પીતાં. જોકે ઘરે આવ્યા પછી બાળકો પૂરતું પાણી પીએ એ જરૂરી છે. ઘણી વાર તરસ લાગી હોવા છતાં રમવામાં ધ્યાન હોવાથી તેઓ પાણી પીવાનું ટાળે છે. બાળક દર થોડાક કલાકે પાણી પીએ એનું પણ ધ્યાન રાખવું જોઈએ.

ખુલ્લામાં રમવું

જેમ કોઈ છોડનો યોગ્ય વિકાસ કરવો હોય તો એ માટે એને પૂરતું પાણી, ખાતર, હવા અને સૂર્યપ્રકાશ જોઈએ છે એવું જ બાળકના વિકાસનું છે. ખાતર એટલે સંતુલિત ડાયટ અને પાણી વિશે તો આપણે પહેલાં જોયું. હવે વારો છે હવા અને સૂર્યપ્રકાશનો. યોગિતા ગોરડિયા કહે છે, ‘બાળક રમે એટલું જ જરૂરી નથી. તે ખુલ્લામાં રમે એ વધુ મહત્વનું છે. એનાથી તેની ફિઝિકલ ઍક્ટિવિટી વધશે. સૂર્યનાં કિરણો થકી વિટામિન D તેને પૂરતું મળશે અને રમવાથી શ્વાસોચ્છ્વાસની ગતિ વધવાથી વધુ ઑક્સિજન પણ મળશે. ખુલ્લામાં રમવાનું બીજું કારણ બાળકનું ઇમોશનલ વેલબીઇંગ પણ છે. ખુલ્લામાં દોસ્તોની સાથે રમવાથી તેનો મૂડ સુધરે છે, સ્ટ્રેસ ઘટે છે અને સોશ્યલી કનેક્ટેડ રહેવાથી તે ઇમોશનલી સારું ફીલ કરે છે. ખુશ રહેતા બાળકનો વધુ સારો શારીરિક-માનસિક વિકાસ થાય છે. નાની વયથી જ રોજ એક કલાક ખુલ્લા મેદાનમાં ઊછળકૂદવાળી રમત ફિઝિકલ ઍક્ટિવિટી પણ પૂરી પાડે છે અને હાડકાં મજબૂત પણ કરે છે.’

સ્ટ્રેચિંગ અને ઊંઘ ખૂબ જરૂરી

સામાન્ય રીતે છોકરાઓ અને છોકરીઓનાં હાડકાં ડીફ્યુઝ થવાની ક્રિયા ૧૮થી ૧૯ વર્ષ સુધી ચાલતી હોય છે. આ સમયગાળા સુધી ડાયટ અને એક્સરસાઇઝનું ઉપર જણાવ્યા મુજબનું ધ્યાન રાખવું જ જોઈએ. વિશેષ કાળજી બાબતે આયુર્વેદ-નિષ્ણાત ડૉ. રવિ કોઠારી કહે છે, ‘કસરતમાં સ્ટ્રેચિંગ ખૂબ મહત્વની એક્સરસાઇઝ છે. હાઇટ વધારવી હોય તો ઊંચા સળિયા પર લટકવાની એક્સરસાઇઝ કરવી જોઈએ. આપણે આખો દિવસ જમીન પર ઊભા રહીએ ત્યારે આખા શરીરનો ભાર પગ અને ઘૂંટણ પર આવે છે, જ્યારે ઊંચે લટકવાથી

પગ પરનો એ ભાર ઘટી જાય છે અને ગુરુત્વાકર્ષણને કારણે ઉપર-નીચે બન્ને તરફથી સ્ટ્રેચિંગ થાય છે.’

શું ખાવું, શું નહીં?

કેટલીક પરેજી પણ જરૂરી છે એ જણાવતાં ડૉ. રવિ કોઠારી કહે છે, ‘ગળી, ચીકણી, પચવામાં ભારે ચીજો ન ખાવી જોઈએ. એનાથી કમર ફરતેની ચરબી વધે છે અને હાઇટ વધવામાં અવરોધ આવે છે. લીલી મકાઈ કે મકાઈનો લોટ છૂટથી વાપરવો. કાળા તલ, સરગવાની સિંગ, કચરિયું કે ચિક્કી વધુ લેવાં. ફણગાવેલાં કઠોળ સહેજ કાચાંપાકાં ચડવીને લીંબુ નિચોવીને લેવાં.’

સૌજન્ય : મીડ ડે ગુજરાતી

આ માહિતી વધુ ને વધુ શેર કરી લોકો ને સ્વસ્થ રાખીએ !!

ટીપ્પણી