બદલાવનું ગણિત – સંબંધો ના સુવાસ પાથરતી ધવલ બારોટ ની વાત !!

ટીવી બંધ કરીને રાજ તેના બેડરૂમ તરફ ગયો. જયારે તેને બેડરૂમનો દરવાજો ખોલ્યો, ત્યારે આશ્ચર્ય સાથે જોયું કે મીરા રડી રહી હતી. રાજ તેની નજીક ગયો અને તરત જ પૂછ્યું, “શું થયું? કેમ રડે છે? ઘરમાં કોઈ એ કંઈ કીધું.”

મીરાએ તરત જ જવાબ આપતા જણાવ્યું, “ના રાજ. કોઈ એ કશું નથી કીધું. આ તો બસ…”

“આ તો બસ શું?” મીરાની વાત ને અટકાવતા રાજે ફરી પૂછ્યું.

“આ તો બસ નવા-નવા લગ્ન થયા છે એટલે મમ્મી-પપ્પા અને પિયરમાં બધાની યાદો બહુ આવે છે.” મીરાએ ભાવુક થવા પાછળનું કારણ જણાવ્યું.

રાજે મીરાનો હાથ પકડ્યો અને કહ્યું, “હું સમજી શકું છું પણ લગ્ન પછીનો બદલાવ તો ઝીંદગીની એક નવી ઋતુ જેવો છે.”

“ના રાજ, બદલાવનું ગણિત તમે પુરુષોએ નહીં પણ અમારે સ્ત્રીઓ એ જ ગણવાનું હોય.” ભોળપણમાં મીરાએ કંઈક આ વાત કહી.

ત્યારે જ રાજ પળભર માટે મુસ્કુરાયો. તેણે મનમાં ને મનમાં વિચાર્યું કે,

પરિવારમાં બેદરકાર રહેનાર તે, લગ્ન પછી પત્ની અને પરિવાર વચ્ચેનો એક સેતુ બનીને ઘણી બધી જવાબદારીઓ નિભાવતો રહ્યો, શું તે બદલાવ નથી?
પહેલા બેજવાબદારીથી નોકરી કરનાર તે લગ્ન પછી સલામતીના વિચારે ડરથી નોકરી કરવા લાગ્યો, શું તે બદલાવ નથી?
પોતાની માતા અને પત્નીને, તેના પરના હક અને પ્રેમને લઇને એકબીજાથી ઈર્ષા ના થાય તેવી ઝીણી-ઝીણી બાબતોનું ધ્યાન પણ કાળજીથી રાખવા લાગ્યો, શું તે બદલાવ નથી?
મોડી રાત સુધી મિત્રોની સાથે મોજમાં મસ્ત રહેનાર, નોકરી કરીને આવીને તેનો સમય સાંસારિક જીવનમાં વીતાવા લાગ્યો, શું તે બદલાવ નથી?
પૈસા બચાવા હંમેશા ટ્રેનમાં ફરનાર, ગેસ્ટ હાઉસમાં રહી સવારે કટિંગ ચા પીનાર તે હનીમૂનમાં પત્નીને અગવડના પડે એ માટે પ્લેનની મુસાફરી કરી ફાઈવ સ્ટારમાં હોટેલમાં લઇ ગયો હતો, શું તે બદલાવ નથી?

બદલાવના આવા ઘણા બધા દાખલા તો રાજે પણ ગણ્યા હતા અને બસ આજ વાત તે મીરાને કહેવા જય રહ્યો હતો ત્યારે તેને તેની માઁ ની કહેલી એક વાત યાદ આવી કે, “પારિવારિક ઝીંદગીના ગણિતમાં કોણે કેટલું કર્યું એ ના ગણતો પણ કોના માટે અને કેમ કર્યું એ જોજે, ક્યારેય દુઃખી નહીં થાય.”

બસ માઁની કહેલી આ વાત યાદ આવતા રાજે મીરાનો હાથ પકડ્યો અને તેની માસુમ આંખોમાં આંખો નાખીને કહ્યું, “કદાચ આ બદલાવનું ગણિત હું નહીં ગણી શકું પણ એટલો વાયદો કરું છું કે તારા ગણેલા દાખલાઓમાં ના તો હું ભૂલ પાડીશ, ના તો કોઈને પાડવા દઈશ.”

કોઈ પણ નવી પરિણીતાની જેમ મીરાને પણ બસ તેના પતિના સાથ અને સહકારની જરૂર હતી જે રાજે પુરી પડી. આ સાંભળતા જ ખુશ થઇને તેને રાજના ખભે માથું મૂકી દીધું.

બસ કંઈક આવી રીતે જ દુનિયાના ઘણાબધા પુરુષોની જેમ રાજે પણ તેની પત્નીને એક પુરુષના બદલાવોથી અજાણ રાખી અને ખુબ જ સમજદારીથી સરળતા પૂર્વક પ્રેમનું એક ગણિત ગણ્યું.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

ટીપ્પણી