વાત એક બાપના દરદની…છૂટાછેડા પછી દિકરા માટે વલખતા એક બાપની વાર્તા

Frustrated Man
- Advertisement -


મેહુલ હાઇસ્‍કુલના દરવાજે આવીને ઉભો રહ્યો. એણે કમ્‍પાઉન્‍ડમાં જોયું વાતાવરણ શાંત હતું. તેણે પગ ઉપાડ્યો બરાબર નજર સામે જ આચાર્યની ચેમ્‍બર હતી. તેને ખ્‍યાલ હતો. ધીરે ધીરે કરતા કમ્‍પાઉન્‍ડ પસાર કરીને તે ચેમ્‍બરની બહાર ઉભો રહ્યો. અને પછી હળવેથી અંદર પ્રવેશ્‍યો. પણ આચાર્યની ખુરશી પર એક જાણીતા ચહેરાને જોઇને તે આશ્‍ચર્ય પડી ગયો. આતો પોતાનો મિત્ર જીતુ હતો. જીતુ સાપોવાડિયા. તો શું જીતુ અહીંનો આચાર્ય હતો? ક્ષણ બે ક્ષણ તો તેના મનમાં કંઇ કેટલાય વિચાર આવી ગયા. ઘડીક તો તે માની જ ન શક્યો. દસમા ધોરણથી છેક ટી.વાય.બી.એ. સુધી સાથે ભણેલો એક ખાસ અંગત કહી શકાય તેવો મિત્ર-હમદર્દ જીતુ અહીં હતો.!
ક્ષણ બે ક્ષણ તે ઉભો રહ્યો ત્‍યાં જ કંઇક લખતા લખતા જીતુએ આવતલ સામે જોયું. અને જોતો જ રહ્યો. ઓળખાણ તાજી થતા તે ખુરશીમાંથી ઉભો થઇ જતા બોલી ઉઠ્યો: ‘મેહુલ તો નહી?‘ ‘હા જીતુ…‘ બંને એકબીજા તરફ અનોખા લાગણીના આવેગથી ખેંચાયા બંનેની હથેળીઓની ઉષ્‍મા જાણે બંનેના દિલો દિમાગને પણ અસર કરી રહી. ‘અરે, બેસ બેસ મેહુલ…‘
મેહુલ સામેની ખુરશીમાં બેઠો. જીતુએ બેલ મારી થોડીવારે પટાવાળો આવ્‍યો. જીતુ એ પાણી લાવવાનું કહ્યું પાણી આવ્‍યુ મેહુલે પાણી પીધું. તરસ પણ લાગી હતી. તૃપ્‍િત થઇ… જીતુએ કહ્યું: ‘તને કેટલા વરસે જોયો મેહુલ? ક્યાં હતો?‘ ‘ગુમનામીના અંધકારમાં…‘ મેહુલના હોઠો ઉપર શબ્‍દો આવી ગયા પણ એ બોલી ન શક્યો. વ્‍યથાના વાદળો વરસે એ પહેલાં હોઠો ઉપર વ્‍યવહારિકતાનો સૂરજ ઉગ્‍યો.: ‘કોલેજ પુરી કરી એનેય પંદરેક વરસ થઇ ગયાને! જોકે ટી.વા. પુરૂ કરીને તો હું કોડીનાર ખાંડના કારખાનામાં કલાર્ક તરીકે નોકરીએ ચડી ગયો. મારા બનેવીએ ગોઠવી દીધો. કુટુંબની જવાબદારી હતીને…‘ ‘હજી ત્‍યાં જ છો?‘ ‘હા, ત્‍યાં જ છું. ‘પગાર કેટલોક મળે છે?‘ ‘સ્‍ટાર્ટીંગમાં બે હજાર આપતા અત્‍યારે સાડાચાર જેવું મળે છે.‘ ‘ઠીક…‘ જીતુ બોલ્‍યો તો ખરો પણ તેને મેહુલના પગારનો આંકડો સાંભળીને નારાજગી થઇ. પણ તે કશું બોલ્‍યો નહીં. થોડીવારે બન્‍ને વચ્‍ચે એમ જ મૌન છવાયેલું રહ્યું કે એ મૌનને મેહુલે જ ખોલ્‍યું.: ‘જીતુ, તું અહીં ક્યારથી?‘ ‘બસ બે મહિના થયા દોસ્‍ત. પહેલા હું બાજુના ગામડામાં હાઇસ્‍કુલમાં શિક્ષક તરીકે હતો. હવે અહીં ગોઠવાયો છું. પણ તને મારી ખબર પડી એટલે કોઇ કામસર અહીં આવ્‍યો હોય અને મળવા આવી ગયો છો?‘ ‘ના…‘ મેહુલે વાહજાળ ઊંડો નિશ્વાસનાખ્‍યો: ‘હું આવ્‍યો છું પણ મારા પુત્રને મળવા આવ્‍યો છું…‘ ‘એનું નામ પાર્થ છે. આઠમા ધોરણમાં ભણે છે. આ વર્ષે જ દાખલ થયો છે…‘ ‘તો પાર્થ મેહુલકુમાર ત્રિવેદી એ જ તારો પુત્ર છે.!‘ ‘હા જીતુ…‘
‘ઓહ નો… જીતુના ચહેરા પર અફસોસના ભાવ આવી ગયા: ‘હું તેને ઓળખી ન શક્યો કે એ તારો જ પુત્ર છે.‘
‘આવું વિચાર્યું જ ન હોયને જીતુ! એમાં તારો વાંક જ નથી.‘ મેહુલે કહ્યું.: ‘બધી નિયતિની રમત છે. ઉપરવાળાના ખેલ તો જો, કેવુ ગણિત રચાયુ છે?‘
‘એટલે?‘
‘હા આજ હું એને મળવા આવ્‍યો છું. બાપ હોવા છતાં મળવા આવવું પડે છે અને કોઇની રજાએ.‘
‘પણ…‘ જીતુ અટકી ગયો.
‘બોલ જીતુ બોલ કેમ અટકી ગયો?‘
‘મારે તને શું કહેવુ? જીતુ મુંઝાઇ પણ ગયો.‘
‘મને ખ્‍યાલ છે કે તું શું કહેવા માંગે છે? પણ… પણ….‘ મેહુલના અવાજમાં દર્દ ઉભરાઇ ગયું :‘પણ પોતાના સંતાનને નજીકથી તો નહીં દુરથીય જોવા મળે તો ય મારા દિલને કરાર વળશે. બે ત્રણ મહિના થાય છે ને હું મારા લોહીના છોડવાને મળવા તડપું છું. એ તડપ મને ક્યાંય સ્થિરર થવા દેતી નથી. મારો જીવ કળપ્‍યા કરે છે. સંબંધોના રણમાં રઝડ્યા પણ કરે છે. પણ મુખવટો પહેરીને મને કમને હસ્‍યા કરૂં છું. શું કરૂ?‘
‘પણ મને સમજાતું નથી કે તારૂં દામ્‍પત્‍ય આ રીતે અચાનક મઝધાર આવીને…‘
‘મારા નસીબ…‘ મેહુલે ઉંડો નિ:શ્વાસ નાંખ્‍યો: ‘મેં પણ ધાર્યું નહોતું કે મારો સંસાર છિન્‍નભિન્‍ન થઇ જશે. પણ મારી પત્નિનો સ્‍વભાવ એટલો વિચિત્ર હતો કે આમ…? છતાં મેં નિભાવ્‍યે રાખ્‍યું. પણ રોજના ઝઘડા. ખરેખર વાંક તેનો છે છતાં મારો વાંક નિકળ્યો છે. હું છુટ્ટો થવા માંગતો જ નથી ને એને છુટ્ટું થવુ છે. ખબર નથી આની પાછળ બીજુકોનુ શેતાની મગજ કામ કરે છે? માંડ બે ત્રણ વરસ સરખું ચાલ્‍યુ… અંતે મને મૂકીને છોકરાને લઇને ભાગી ગઇ. પણ હું બાપ છું ને? એ મારાથી છુટ્ટી પડી ગઇ પણ હું હજી ભારા લોહીથી છુટ્ટો નથી પડી શકતો જીતુ… એ લોહીનું ખેંચાણ મને અહીં સુધી ખેંચી લાવે છે. મેહુલની આંખમાંથી ટપટપ કરતા આંસુ પડી ગયા: ‘છેલ્‍લા સાત સાત વરસોથી એને મળવા તડપતો રહ્યો છું.મને ખબર મળતી કે એ પ્રાથમિક શાળામાં ભણે છે. હું ત્‍યાં મળવા જતો તો આચાર્ય મને મળવાની ના પાડી દેતા. કહેતા કે કોર્ટના આદેશનું હું ઉલ્‍લંઘન નહીં કરૂં માી નોકરી જાય. એની મમ્‍મી અને મારા સાસુ સસરાનું પણ બાળમંદિરના અને પ્રાથમિક શાળાના આચાર્ય ઉપર દબાણ હતુ કે મને મળવા ન દેવો. હું મળવા આવતો તો એ એમને ખબર પડી જતી. નાનો હતો ત્‍યાં સુધી રીક્ષામાં આવતો. રીક્ષાવાળાનેય કહી દીધેલું. પ્રાથમિકમાં તો મારા સસરા કાં તો સાળા પોતે તેડવા મૂકવા આવતા. એટલે સંઘષ્ર્ષ થાય ને મુશ્‍કેલી થાય એટલે હું મળ્યા વગર જ નીકળી જતો. હમણાં બે ત્રણ મહિના પહેલા અહીં આવેલો પણ તારી જગ્‍યાએ સાકરીયા કરીને એક આચાર્ય હતા. મને ધરાહાર મળવા ન દીધો. અને હું નિરાશ થઇને ચાલ્‍યો ગયો. વળી પાછો આજ રહી ન શક્યો એટલે આવ્‍યો છું. આજે એવુ નક્કી કરીને આવ્‍યો છું કે રૂબરૂ ન મળે તો ય કંઇ નહીં. રીશેષ પડશે એટલે દરવાજે ઉભો રહીશ. અને આઘેથી જ મારા પુત્રને જોઇને જતો રહીશ. … કહેતા મેહુલે ફરીવાર આવેલી આંખોની ભીનાશને લુછી નાંખી.
જીતુ ક્યાંય લગી મેહુલના ચહેરાને તાકતો રહ્યો. ને પુછ્યું ‘કારણમાં શું હતુ?‘
‘અહીંયા ઘરજમાઇ થઇને રહેવું એ જ…પણ મને મંજુર નહોતું. એકતો મારા વૃધ્‍ધ માતાપિતા. બીજું બંને બહેનો હું એને છોડીને અહીં આવું? રોજની માથાઝીંક અને ઝઘડાથી હું ત્રાસી ગયો હતો.‘
જીતુએ બેલ મારી. પટાવાળો આવ્‍યો ‘ચા પીવે છે કે કોફી?‘ જીતુ એ પુછ્યું.
‘ના ના ભાઇ, એવી માથાકુટ…‘
‘અરે આ માથાકુટ થોડી છે? તું કેટલા વરસે મળ્યો તે પ્રસંગે…‘
‘સારૂ ચા પીશ.‘
ચા આવી. બંને જણાએ ચા પીધી.થોડીવાર મૌન છવાયેલું રહ્યું. ઘુંટાતા મૌનના ખરલમાં બંનેની વ્‍યથા પણ ઘુંટાતી હતી.
‘બોલ હવે શું કહેવા માંગે છે?‘
‘બસ મારા પુત્રને એકવાર મળી લેવા દે જીતુ. મને વિશ્ર્વાસ છે કે તું તો ના નહીં જ પાડે હું મળીને જતો રહીશ બસ!‘
‘એના માનસમાં તારા વિશેની છાપ… એનું કુમળુ માનસ…‘
‘હું જાણું છું પણ એને હું કશુ નહીં કહું અહીં તારી હાજરીમાં જ મળીશ બસ!‘
‘મારી ઉપર પણ ના આવી છે. હું હાજર થયો ત્‍યારે જ તારા સસરા આવેલા અને લેખિતમાં અરજી આપી છે કે તને મળવા ન દેવો.‘
‘મને ખ્‍યાલ જ હોય. છતાં એક વિનંતી છે. તારી પાસે અરજ છે. હું બે હાથ જોડીને તને વિનંતી કરૂં છું…. પ્‍લીઝ જીતુ….‘ મેહુલ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
‘અરે યાર….‘ કહેતા જીતુએ ઉભા થઇને મેહુલની પીઠ થપથપાવી.: ‘તારી વ્‍યથા હું સમજુ છું દોસ્‍ત મને શ્રધ્‍ધા છે કે તારો વાંક નહીં જ હોય. ખેર, તારૂં દર્દ હું અનુભવી શકુ છું. તું છાનો રહી જા. આજ કાયદાનું ઉલ્‍લંઘન કરીને પણ હું મેળવી આપીશ…‘ કહેતા તેણે બેલ મારીપટાવાળો આવ્‍યો. જીતુએ પટાવાળાને કહ્યું: ‘ધોરણ આઠ-બ ના ક્લાસમાંથી પાર્થ મેહુલકુમાર ત્રિવેદીને બોલાવી લાવો….‘
-પાંચ મિનિટ પછી પાર્થ આવ્‍યો… હળવે હળવે…! આવીને અદબ વાળીને જીતુ સામે ઉભો રહ્યો. જીતુએ તેના માથે હાથ ફેરવ્‍યો: ‘જો તો બેટા કોણ આવ્‍યું છે ઓળખે છે?‘
પાર્થના નમણાં નિર્દોષ ચહેરા પર ખુશીના ભાવ આવ્‍યા. બે હોઠ ખુલ્‍યા. જાણે ફૂલ ખીલ્‍યુ. અને અંદરથી શબ્‍દો સર્યા: ‘પપ્‍પા…‘
-એ ભેળા જ મેહુલના શરીરમાં અનોખી ભરતી આવી. એણે ઉભા થઇને પાર્થને સાહી લીધો.
ત્‍યારે પિતા પુત્ર ના મિલનના સાથી એવા જીતુની આંખમાંય આંસુ આવી ગયા.
લેખક – યોગેશ પંડ્યા

ટીપ્પણી