એક વર્ષમાં રૂ. 8000 કરોડનું દાન કરી અઝીમ પ્રેમજીએ બતાવી પોતાની કચ્છી દરિયાદિલી!

News2_20131114164015521

 

આઈ.ટી. ક્ષેત્રનાં માંધાતા ગણાતા અઝીમ પ્રેમજીનો જન્મ પાકિસ્તાનના કરાંચીના ગુજરાતી મુસ્લિમ પરિવારમાં થયો છે પણ તેમના પુર્વજો કચ્છના વતની હતા. હાલમાં અઝીમ પ્રેમજીએ એક વર્ષણાં 8,000 કરોડ રૂપિયા જેટલી મોટી રકમનું દાન આપીને પોતાની કચ્છી દરિયાદિલીનો પરિચય આપ્યો છે. હાલમાં દાન આપવાની બાબતમાં સમગ્ર દેશમાં અઝીમ પ્રેમજીનું દાનવીરની યાદીમાં મોખરે છે, જે સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે.

ભારતમાં ગયા વર્ષે સૌથી વધુ દાન આપનારાઓની યાદીમાં વિપ્રોના વડા અઝીમ પ્રેમજીએ ટોચના નંબરે સ્થાન મેળવ્યું છે. ચીનના હુરૂન મેગેઝિન દ્વારા પ્રકાશિત ભારતના ટોચના દાનવીરોની 2013ની યાદી બહાર પાડવામાં આવી હતી અને આ યાદીમાં અઝીમ પ્રેમજી પ્રથમ સ્થાને છે. પ્રાપ્ત અહેવાલ મુજબ તેમણે એક વર્ષમાં કુલ 8,000 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે હુરૂન મેગેઝિનની યાદીમાં 31 ભારતીયોનો સમાવેશ કરાયો છે. આ યાદીમાં હિન્દુસ્તાન કમ્પ્યુટર લિમિટેડ ગ્રુપના વડા શિવ નાડર 3,500 કરોડ રૂપિયાના દાન સાથે બીજા નંબરે છે. યાદીમાં શામેલ ટોચના 31 દાનવીરોએ સૌથી વધુ શિક્ષણ ક્ષેત્રે 12,200 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું એ પછી સામાજિક વિકાસ ક્ષેત્રે 1210 કરોડ તથા આરોગ્ય ક્ષેત્રના વિકાસ માટે 1065 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.

તાતા ગ્રુપના ભૂતપૂર્વ વડા રતન તાતાએ જુદાં-જુદાં કાર્યો માટે 310 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. લંડનસ્થિત વેદાન્તા ગ્રૂપના વડા અનિલ અગ્રવાલે આરોગ્ય ક્ષેત્ર માટે 290 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. હુરૂન મેગેઝિનની પ્રકાશિત યાદીમાં એવા 31 ભારતીયોનો સમાવેશ કરાયો છે, જેમણે 2012 થી 2013 સુધી 10 કરોડ રૂપિયાથી વધુની રકમ સામાજીક અને પરોપકારનાં કાર્યો માટે ખર્ચ કરી છે જે ખરેખર નોંધનીય બાબત છે.

ટીપ્પણી