“સાસુ સરીખા સસરા” આયુષી સેલાણીની ખુબ સુંદર વાર્તા…..

“સાસુ સરીખા સસરા”

રજન્યા ખુબ બેચેન હતી.. પેટમાં સતત દુખતું હતું અને પેઢુમાં જાણે હથોડા ઝીંકાતા હોય તેવું દર્દ થતું હતું… હાથ-પગ તૂટતાં હતા અને શરીરમાં સાવ અશક્તિ આવી ગઈ હતી.. ઉપરથી પંખા વગરની બંધ જગ્યામાં સુવાનું! બહુ આકરું હતું તેના માટે આ બધું..

રજન્યાને યાદ આવી ગયું જ્યારે એ બાર વર્ષની હતી ત્યારે કેવી માઁને ચોંટીને સુઈ જતી. પહેલા બે દિવસ તો પલંગમાંથી ઉભી પણ ના થતી. રાતના મમી-પપ્પાના ઓરડામાં જઈને તેમની વચ્ચે જઈને સુઈ જતી. માઁ તેના માથે હાથ પસવારતી અને રજન્યા જાણે બધું દર્દ ભૂલી જતી. કેટલીય વાર માઁ અતિશય દુખતા પગ દબાવી આપેતી.. પછી તો સોળ વર્ષની થઇ અને માઁનું મૃત્યુ થતા જ ઘરની સઘળી જવાબદારી તેના પર આવી ગયેલી. મહિનાના તે દિવસોમાં તેને ગમે એટલું દુખતું હોય તે કોઈ જ ફરિયાદ ના કરતી.. અને કરે તો પણ કોને ફરિયાદ કરે.. સમાજે શીખડાવેલું કે બાપ-ભાઈઓને માસિકધર્મની વાતો ના કરાય. પુરુષો એ બધાથી દૂર જ રહે..

આજે લગ્નના વીસ દિવસ પછી સાસરિયામાં પહેલી વખત માસિક આવ્યું. લગ્ન વખતે મળેલા, કહેવાતા કુટુંબીઓ અને હિતેચ્છુઓએ ખાસ તાકીદ કરેલી કે તારા સાસુ જીવતા હતા ત્યારે વૈષ્ણવ ધર્મી હોવાના કારણે ચાર દિવસ દરમિયાન સંપૂર્ણપણે “પાળતા”.. તું પણ ધ્યાન રાખજે આ બાબતનું..! તારા સસરા અને ધણીને તો એ બધી ખબર ના પડે પણ તું તો સ્ત્રી છો..! તારા સાસુએ સાચવેલા રિવાજ તારે હવે સમજવાના છે..! બસ એ જ વાતને યાદ કરીને રજન્યા આજે પોતાની ઈચ્છાવિરુદ્ધ અહીં એકાંતવાસમાં પુરાયેલી હતી.. દુખાવાને કારણે તેની આંખમાંથી દડદડ આંસુ વહી રહ્યા હતા.. પતિ પણ કામસર બહારગામ ગયેલા.. પપ્પા અને ભાઈને કદીયે ફરિયાદ ના કરનારી રજન્યા સસરાને તો દુખાવા વિશે કહી શકે તેમ જ નહોતી…

એકાંત, અંધારું, અવિરત વહેતુ રક્ત અને તાવથી ધગધગતું શરીર… બધું ભેગું મળીને રજન્યાને કમજોર બનાવી રહ્યું હતું… કે અચાનક જ તેની નજર એ નાનકડા અંધારિયા ઓરડાના દરવાજા પર પડી.. તેના આશ્ચર્ય વચ્ચે સસરાજી હાથમાં પાણીનો પ્યાલો અને દવા લઈને ઉભા હતા..

“વહુબેટા, દીકરી તો નથી મારે પણ તમારા સાસુ હતા ને એ હંમેશા કહેતા કે મારી વહુને દીકરીની જેમ જ રાખવી છે.. દીકરીથીયે વધારે.. કારણકે એ મારી વહુ હોવા સાથે સાથે દીકરી પણ હશે ને..!!

એક વર્ષથી આજે એ મારી સાથે નથી પરંતુ એનો પ્રેમ મારા હૃદયમાં હજુય અકબંધ છે.. અને એ જ પ્રેમના હકે તમને આજે હું વચન આપું છું કે હું તમારી માટે સાસુ-સસરા અને માઁ-બાપ એમ ચાર જણાની ફરજ નિભાવીશ.. અને એક માઁ પોતાની દીકરીની આંખમાંથી આંસુ વહેતા કેમ જોઈ શકે..?!

આ દવા લઇ લો.. તમારો દુખાવો ઓછો થશે. અને હા તમારે આ રીતે એકલા રહેવાની જરૂર નથી. સમાજ ગમે તે કહે કે સમજાવે.. તમારે તબિયતની પ્રતિકુળતા કરીને આવા ખોખલા રિવાજો પાળવાની જરૂર નથી..!”

સસરાજીની વાત સાંભળી રજન્યાને પોતાના કાન પર વિશ્વાસ નહોતો થતો. જાણે દસેય આંગળીએ પુજેલા ગોરમા આજ પ્રેમાળ પતિ સાથે સાથે લાગણીશીલ, સ્નેહાળ તેમજ સંનિષ્ઠ સસરાજી સ્વરૂપે ફળ્યા છે તેવું રજન્યાને લાગ્યું…!!!!

લેખક : અયુશી સેલાણી

ખુબ લાગણીસભર વાર્તા શેર કરો લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી