ખરેખર દિલને સ્પર્શી ગઈ આ વાર્તા… તમે પણ વાંચો…

“સંબંધનો બ્રીજ”

બોરીવલી સ્ટેશનથી રોજ સવારે ઉપડતી ૬.૩૬ની ચર્ચગેટ ફાસ્ટ લોકલ એકલ દોકલ પ્રવાસીઓને લઈ જાણે કોઈ મરણ પ્રસંગે હાજરી દેવા જઈ રહી હોય તેમ ઉદાસ વાતાવરણ ઓઢીને ધીમી ધીમી કાંદિવલી સ્ટેશન સુધી પહોંચે.

પરંતુ, કાંદિવલી સ્ટેશનમાં પ્રવેશ કરતાં જ પ્લેટફોર્મ પરની ભીડ જોઈ જાણે તેને આગળ દોડવાનું સુરાતન ઉપડે. અને તે સાથે જ અત્યાર સુધી સાવ નિરસ લાગતું અમારા પહેલાં ફર્સ્ટક્લાસના ડબ્બાનું વાતાવરણ પણ અચાનક ચહેલ પહેલવાળો થઈ ઊઠે. રોજે રોજ અપ-ડાઉન કરતા ટ્રેન મિત્રો બધા એક-મેકને ગુડમોર્નિંગ વિશ કરે પોતાની જગ્યા પર ગોઠવાઈ જાય. બોરીવલીથી એકલતા અને ઉદાસીભર્યા વાતાવરણ સાથે ઉપડેલી ટ્રેન, કાંદિવલી આવતાની સાથે ચહેલ-પહેલવાળી થઈ જાય અને મલાડ સ્ટેશન આવતા સુધીમાં તો તે સત્તર વર્ષની કોઈ કાચી-કુંવારી ધમાલીયણ છોકરી જેવી લાગવા માંડે. પરંતુ મારી નજરને ત્યાં સુધી શાતા નહીં જ વળે, જ્યાં સુધી હું ગોરેગાંવથી અમારા ફર્સ્ટક્લાસના ડબ્બામાં જ ચઢતા એ મહાશયને જોઈ નહીં લઉં. એ મહાશય એટલે કોણ? ઓ.કે. આપણે તેમને અવધૂત શાહના નામથી ઓળખીશું.

અમારી જેમ જ અવધૂતભાઈની પણ આ ૬.૩૬ની ચર્ચગેટ ફાસ્ટ રોજ સવારની મિત્ર હતી. રોજ અવધૂતભાઈ ગોરેગાંવ સ્ટેશનથી ચઢતા અને ચર્ચગેટ સુધી સફર કરતા. ટ્રેનનો અમારો એ ફર્સ્ટક્લાસનો ડબ્બો ભલે અડધો ખાલી હોય કે ચિક્કાર ભર્યો હોય, અવધૂતભાઈ ક્યારેય બેસવાનું પસંદ કરતા નહીં. કાયમ અમારી સીટની પાછળના દરવાજે આવીને ચૂપચાપ ઊભા રહી જાય. ક્યારેક મૂડમાં હોય તો મારી તરફ એક નજર નાખી લે અને અમારી નજર મળે એટલે એક હૂંફાળા સ્મિતની આપ-લે અમારા બંને વચ્ચે થઈ જતી. નહોતું મેં ક્યારેય તેમનું નામ પૂછ્યું કે ન તેમણે મારું, બસ આંખથી એક નજર જોઈ લેવાનો અને હોંઠથી મુસ્કુરાઈ લેવા પુરતો જ અમારો સંબંધ હતો.

પરંતુ, મારું અનુમાન હતું કે, અવધૂતભાઈની ચર્ચગેટ સ્ટેશન નજીક ક્યાંક કટલરી કે ફેશન આર્ટીકલ્સ અથવા જનરલ સ્ટોર જેવી કોઈક દૂકાન હશે. તેમનો સાવ સામાન્ય પહેરવેશ, હાથમાં પકડેલો એક થેલો જેમાં તેમણે ટિફિનનો ડબ્બો મૂક્યો હશે. અને શર્ટના ગજવામાં મૂકેલો મોબાઈલ જેની સાથે એક દોરી ભરાવેલી અને તે દોરી અવધૂતભાઈએ પોતાના ગળામાં પહેરી રાખી હતી. તેલવાળા અડધા સફેદ થઈ ચૂકેલા વ્યવસ્થિત ઓળેલા વાળ અને આંખ પર ૧૯૭૦-૮૦ની સાલમાં પહેરાતા હતાં એવા કાળી ફ્રેમના ચશ્મા. પગમાં ચામડાની ચપ્પલ. આ બધો આઉટર લૂક તેમના કોઈ દૂકાનદાર હોવાની ચાડી ખાતું હતું.

મારી લેખકની નજરે જે કંઈ થોડું ઓબ્ઝર્વેશન કર્યું હતું અને ત્યારબાદ જે અંદાજ મંડાયો હતો તે કંઈક આ પ્રમાણે હતો. અવધૂતભાઈ ગોરેગાંવ ઈસ્ટના ડિંડોશી વિસ્તાર પાસેના કોઈક એપાર્ટમેન્ટમાં રહેતા હશે, હાથમાં પકડેલી ટિફીનની નાની બેગ પરથી એટલું તો ચોક્ક્સ હતું કે ઘરે પત્નિ પણ હશે જ અને તેમની ઉંમર પ્રમાણે લાગતું હતું કે કોલેજમાં ભણતા એક દીકરી અને દીકરો હશે. રોજ અમારી સાથે જ આ ટ્રેનમાં ચર્ચગેટ સુધી તો આવે જ છે આથી સવારે દૂકાને પહોંચી મોડી સાંજ સુધી ધંધો સંભાળતા હશે અને મોડી સાંજે દિવસભરના થાકને કારણે ફાસ્ટ ટ્રેનની જગ્યાએ સ્લો ટ્રેન પકડવાનું પસંદ કરી ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં કોઈ વિન્ડો સીટ પર ગોઠવાઈ જતા હશે. પરંતુ કોઈપણ જાતની અડચણ વગર ચાલતા આ સુખી સંસારની મારી કલ્પનામાં આજે સવારે ચર્નીરોડ સ્ટેશને કાંકરીચાળો થયો.

મારી રોજની આદત હતી કે, મારું પુસ્તક ઓફિસની બેગમાં મૂકી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી હું દરવાજે આવીને ઊભો રહી જતો. હું રોજ જે દરવાજે ઊભો રહેતો હતો ત્યાં આજે ભીડ હોવાને કારણે હું અવધૂતભાઈ ઊભા હતા એ દરવાજે આવીને ઊભો રહી ગયો. ગ્રાંટ રોડ સ્ટેશન વટાવી અમારી ટ્રેન ચર્નીરોડ સ્ટેશને પહોંચી અને કે’વારથી શાંત ઊભેલા અવધૂતભાઈના શરીરમાં અને ચહેરા પર અચાનક એક અલગ જ પ્રકારની અદબ અને ચમક આવી ગઈ. અમારી ટ્રેન ચર્નીરોડ સ્ટેશનમાં પ્રવેશતાની સાથે જ તેમણે શર્ટના ગજવામાંથી મોબાઈલ બહાર કાઢ્યો અને તેની સાથે ભરાવેલી દોરી છૂટી કરી. ટ્રેન સ્ટેશન પર ઊભી રહેતાની સાથે જ તેમની નજર ચર્નીરોડ સ્ટેશનથી મરીનલાઈન્સ તરફની દિશામાં થોડે દૂર જ દેખાતા બ્રીજ તરફ મંડાઈ ગઈ. તેમની આ પ્રવૃત્તિ પરથી મને એટલું તો સમજાઈ ગયું હતું કે, નક્કી તે બ્રીજ પર કોઈક અવધૂતભાઈના આવવાની રાહ જોઈને ઊભું હશે. અને ખરેખર જ મારો અંદાજ સાચો પડ્યો. ચર્નીરોડ સ્ટેશનથી થોડાં અંતરે જ દેખાતા તે બ્રીજ પર એક સ્ત્રી ઊભી હતી. તે સ્ત્રીના ચહેરા પર પણ કંઈક એવી જ ચમક વર્તાતી હતી જેવી ચમક તે સમયે અવધૂતભાઈના ચહેરા પર હતી. હું ત્રાંસી નજરે અવધૂતભાઈને જોઈ રહ્યો હતો અને બીજી તરફ પેલી સ્ત્રી તરફ પણ મારી નજર હતી. અમારી ટ્રેન ધીમે રહીને ચર્નીરોડ સ્ટેશન તરફથી મરીન લાઈન્સ તરફ આગળ વધી અને આ તરફ અવધૂતભાઈએ જે હાથમાં મોબાઈલ પકડ્યો હતો તે હાથ હલાવવા માંડ્યો. પેલી સ્ત્રીએ પણ સામે મીઠું સ્મિત કર્યું અને તેણે પણ અવધૂતભાઈની જેમ જ હાથમાં મોબાઈલ પકડ્યો હતો તે હાથ હલાવ્યો. એક મિનિટ કરતા પણ ઓછા સમયમાં આ બધી જ ઘટનાઓ બની ગઈ, મને લાગ્યું કે આ સાંકેતિક ભાષામાં કદાચ તેમની વચ્ચે જરૂરી એવા બધાં જ સંવાદો થઈ ગયા. કારણ? કારણ એટલું જ કે, આટલા ટૂંકાગાળામાં તેમની વચ્ચે જે સ્મિત કરી હાથ હલાવી અભિવાદન કરવાની પ્રવૃત્તિ થઈ એટલા માત્રથી અવધૂતભાઈના ચહેરા પર જાણે એક પ્રકારનો સંતોષ દેખાઈ રહ્યો હતો. અને સામે છેડે પેલી સ્ત્રી પણ અવધૂતભાઈને ટ્રેનના દરવાજે ઊભેલા જોઈ જાણે સવાર સુધરી ગઈ હોય તે રીતના સંતોષ અને આનંદથી ફટાફટ દાદરા ચઢી ગઈ. આટલી ટૂંકી અને સાવ સામાન્ય લાગતી આ ઘટનાએ મારા મનમાં એક અજીબ પ્રકારની જીજ્ઞાસાને જન્મ આપી દીધો હતો. પરંતુ, એક જ સવારે આ રીતની ઘટના નીહાળ્યા બાદ હું કોઈ સાવ અજાણ્યા માણસને તે વિશે પૃચ્છા કઈ રીતે કરી શકું. આથી મેં તે દિવસે તો કંઈ જ રીએક્ટ નહીં કર્યું. પરંતુ, મારા મને એટલું જરૂર નક્કી કરી લીધું હતું કે, આ ગોરેગાંવવાળા મહાશય પર નજર રાખવી પડશે.

ત્યારપછીના ત્રણ-ચાર દિવસ પણ હું એ જ રીતે અવધૂતભાઈ ઊભા હોય તે જ દરવાજે ઊભો રહેતો અને તેમની આ સાંકેતિક વાતોને સમજવાનો પ્રયત્ન કરતો રહ્યો. પરંતુ આ ત્રણ-ચાર દિવસમાં પણ વાત અભિવાદનથી આગળ વધી નહોતી. જોકે એક વાત આ બધાંય દિવસ કાયમ હતી અને તે હતો તેમના ચહેરા પર આવી જતો સંતોષ. આખરે એક શુક્રવારની સવારે મેં અવધૂતભાઈ સાથે વાત કરવાની હિંમત એકઠી કરી જ લીધી.

‘કાકા, માફ કરજો, આપણે એકબીજાને માત્ર નજરોથી જ ઓળખીએ છીએ, અને કદાચ હું આ રીતે તમને કંઈક પૂછું તો એ સારું પણ નહીં કહેવાય, પરંતુ મારી જીજ્ઞાસાને હું રોકી નથી શકતો આથી પૂછવાની હિંમત કરી રહ્યો છું!’ હું શું પૂછવાનો હોઈશ તે જાણતા જ હોય તે રીતે કાકાએ મારી તરફ સ્મિત કર્યું અને કહ્યું, ‘પૂછોને ભાઈ, એમાં આટલી બધી પ્રસ્તાવના બાંધવાની કોઈ જરૂર નથી.’ તેમના આટલા નિખાલસ ભાવને કારણે મારો ડર હવે લગભગ દૂર થઈ ગયો હતો, છતાં પૂછવામાં બની શકે એટલો વિવેક જાળવી મેં કહ્યું, ‘કાકા, માફ કરજો, છેલ્લાં ત્રણ-ચાર દિવસથી હું જોઉં છું કે…’ કાકા ફરી થોડું હસ્યા અને મારા અધુરા વાક્યને પૂર્ણ કરતા બોલ્યા, ‘કે રોજ હું ચર્નીરોડ સ્ટેશનથી પેલા બ્રીજ પર એક છોકરીને ઈશારાઓ કરું છું તે શું છે, બરાબર ને?’ ‘હા એ જ!’ મારાથી આગળ વધુ કંઈ બોલાયું નહીં.

‘બેસો,’ તેમણે મને ચર્ચગેટ સ્ટેશનના પ્લેટફોર્મ પરના બાકડા તરફ ઈશારો કરતા કહ્યું. ‘મહિનાઓથી હું તમને આ ટ્રેનમાં રોજ જોઉં છું, તમે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન સુધી ચોપડીઓ વાંચતા બેઠા હોવ છો, મને એ પણ ખબર છે કે તમે પેપરોમાં કોલમો લખો છો.’ તેમણે કહ્યું. ‘અરે વાહ, મને આશા નહોતી કે આ સાવ અજાણ્યો માણસ મારા વિશે આટલું બધુ જાણતો હશે. મનોમન મને ગમ્યું. તેમણે વાત આગળ ચલાવી, ‘ચર્ચગેટ સ્ટેશનની સામેની તરફ ઈરોઝ થિયેટર છે ને? બસ તેની જ લાઈનમાં બાજૂમાં મારી એક નાની દૂકાન છે. આ બ્રીજ પર જે રોજ તમે છોકરીને જુઓ છો, એ છોકરી મારી દૂકાને વર્ષોથી જ્યુસ પીવા માટે આવતી. તે મારી રોજની ગ્રાહક હતી આથી અમારી વચ્ચે ક્યારેક થોડી-ઘણી વાત-ચીત થઈ જતી. પરંતુ આજથી એકાદ મહિના પહેલાંની વાત છે. રોજ મારી દૂકાને જ્યુસ પીવા આવતી તે છોકરી અચાનક આવતી બંધ થઈ ગઈ. એક અઠવાડિયા સુધી તે મારી દૂકાને દેખાઈ જ નહીં. આથી મને થોડી ચિંતા થઈ. હું તેના આવવાના સમયે દૂકાનથી બહાર નીકળી રસ્તા પર નજર રાખવા માંડ્યો કે કદાચ તે છોકરી આવતા-જતા દેખાઈ જાય. અને એક દિવસ મારી નજર પડી કે સામેની તરફના બસ સ્ટોપ પર તે ઊભી હતી. એક જ અઠવાડિયામાં તો જાણે તેની શક્લ-સૂરત સાવ બદલાઈ ગયેલી. તે ઉદાસ દેખાતી હતી. મેં તેના તરફ હાથ હલાવી તેનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કર્યો. પરંતુ, તેણે મારી તરફ જોયું હોવા છતાં તેનું ધ્યાન નહીં હોય તે રીતે તે ચાલવા માંડી. મને સમજાયું નહીં કે તેણે આવું શા માટે કર્યું. ફરી બીજા દિવસે પણ હું તે જ રીતે તેની રાહ જોઈને ઊભો રહ્યો. બીજા દિવસે પણ તેણે મારી તરફ ધ્યાન નહીં આપ્યું અને ચાલી ગઈ. હું અકળાઈ ગયો હતો. આમ જૂઓ તો મારે તેની સાથે કોઈ જ સંબંધ નહોતો પણ તેમ છતાં તે આવું શા માટે કરી રહી છે તે મને સમજાતું નહોતું અને વળી તેમાં પાછું તેની ઉદાસી, મને વધુ અકળાવી રહી હતી. આથી ત્રીજા દિવસે હું તે છોકરી આવે તે પહેલાં જ સામે ના બસ સ્ટોપ પર જઈને ઊભો રહી ગયો. પરંતુ, ત્રીજા દિવસે તે ત્યાં આવી જ નહીં.’ ‘ઓહ શીટ, પછી?’ મારાથી વચ્ચે બોલાય ગયું. ‘હા બસ આવું જ મને પણ તે સમયે થયું હતું. ચોથા દિવસે ફરી હું રાહ જોતો ઊહો રહી ગયો. હાશ, આજે તે દૂરથી આવતા દેખાઈ, પણ મને ડર હતો કે મને ઊભેલો જોઈ કદાચ તે પોતાનો રસ્તો બદલી નાખે આથી, હું થોડો દૂર જઈને ઊભો રહી ગયો. તે બસ સ્ટોપની નજીક આવી એટલે હું પણ ત્યાં ગયો અને મેં તેને પૂછ્યું, કેમ બહેન જ્યુસ પીવાનું બંધ કરી દીધું તમે? આવો આજે આ કાકો તેના રોજના ગ્રાહકને કોમ્પ્લીમેન્ટરી જ્યુસ પીવડાવશે. તો તેણે કહ્યું કે ના મારે નથી પીવું, મને મોડું થાય છે. આટલું કહીને તે આગળ ચાલવા માંડી. ખબર નહીં મને શું થઈ ગયું હતું તે દિવસે, પણ મારાથી તેનો હાથ પકડાઈ ગયો, મેં કહ્યું બેટા, કંઈ નારાજ છો? કેમ ઉદાસ છો તમે, જ્યુસનો તેમાં શું વાંક? અને આટલું બોલતામાં તો તેની આંખમાં આસુ આવી ગયા. ભાઈ મને લાગે છે કે ક્યારેક સાવ અજાણ્યા સંબંધમાં પણ તમારે માત્ર એકવાર પાછા વળી પૂછવાની જ જરૂર હોય છે, શક્ય છે કે અંદરની બધી ગૂંગણામણ બહાર ઠલવાઈ જવા માટે તેનો રસ્તો તેમાંથી જ શોધી લે, મેં પણ એ જ પ્રશ્ન તે છોકરીને પૂછ્યો, બેટા બધું ઠીક તો છે ને?’ કાકા, આટલું બોલી અટકી ગયા. અને મારી અંદરનો લેખક હવે આગળની કહાણી જાણવા વધુ ઉતાવળો થઈ રહ્યો હતો, આ અધવચ્ચે આવેલો વિરામ મને જરાય ગમ્યો નહોતો. આથી મેં પૂછ્યુ, ‘પછી?’

‘મેં એ છોકરીને જ્યુસ પીવડાવ્યો, તેણે બે ઘૂંટ પીધા અને બોલી, કાકા કેટલા દિવસ આ રીતે મારી રાહ જોશો, કેટલા દિવસ મને આ રીતે બળજબરીથી જ્યુસ પીવડાવશો? ખબર નહીં કયા કારણથી પણ મારાથી બોલાય ગયું, જ્યાં સુધી આ કાકો જીવે છે ત્યાં સુધી. અને દળ-દળ આંસુએ તે છોકરી રડી પડી. મને કહેવા માંડી ક્યારેક મને વિચાર આવે છે કે, સામે દેખાતા મરીનડ્રાઈવના દરિયામાં પડતું મેલું, અરેરે આ શું બોલ્યા બેટા, આવો વિચાર પણ નહીં કરવાનો. જાણો છો તેને કઈ પીડા સતાવી રહી હતી? તે છોકરીની છ વર્ષની એક દીકરી છે, તપસ્યા. એકાદ મહિના પહેલાં તેને સામાન્ય માંદગી હતી, એકાંતરીયો તાવ આવતો હતો તેને, અને એક દિવસ અચાનક તેના પગો ખોંચાઈ ગયા. બસ આટલા નજીવા કારણે તે નાનકીને પોલિયો જેવી આજીવન બિમારીની ભેટ આપી દીધી. બિચારીનો પતિ તો મૃત્યુ પામી જ ચૂક્યો હતો હવે એક દિકરી જેને કારણે આ છોકરી જીવતી હતી તે પણ નિઃસહાય થઈને પથારીમાં પડી હતી. તે દિવસે મારી સામે પોતાનું હૈયું ઠાલવતા તેનાથી બોલી જવાયું કે, ઘણીવાર તેને વિચાર આવે છે કે, દિકરી સાથે દરિયામાં પડતું મેલી તે આત્મહત્યા કરી લે, તો કાયમની શાંતિ થઈ જાય. બસ, તે દિવસથી મેં આ બંને દીકરીઓની આંગળી પકડી લીધી અને અમને બધાને અનુકૂળ હોય તેવી એક ગોઠવણ કરી લીધી. રોજ સવારે તે ચાલવા નીકળે ત્યારે બ્રીજ પર ઊભી રહીને મારા આવવાની રાહ જોતી હોય, હું દરવાજે ઊભેલો દેખાઉં એટલે તે દોડતી પોતાના ઘરે જાય, તેનો અને તેની નાનકીનો ડબ્બો તૈયાર કરે અને ઓફિસ જતી વખતે નાનકીને મારી દૂકાને મૂકતી જાય, આખો દિવસ હું અને નાની તપસ્યા દૂકાને બેઠાં બેઠાં અલક-મલકની વાતો કરીએ, ધમાલ કરીએ અને સાંજે તેની મા આવે ત્યારે ત્રણે જણા સાથે જ્યુસ પીને છૂટા પડીએ. બસ. એમ કહોને કે એક તરફ મને આખા દિવસની એક ધમાલિયણ વસ્તી મળી ગઈ અને બીજી તરફ બે જિંદગી આત્મહત્યા કરવા જેવા નકારાત્મક વિચારથી બહાર આવી ફરી જિંદગીને ગળે વળગાડતી થઈ ગઈ.

આ છેલ્લું વાક્ય બોલતા અવધૂત અંકલે મારા ખભે જે હાથ મૂક્યો તે હાથ તરફ મેં નજર કરી અને બસ તેમની હથેળી મારા હાથમાં લઈ ચૂમી લીધી.

લેખક : આશુતોષ દેસાઈ

મિત્રો ખરેખર ખુબ લાગણીસભર વાર્તા છે. શેર કરો તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી