એક સત્યઘટના “અશોકસિંહ વાળા – જયારે એક ચિત્રકારની પીંછી બીજાનાં જીવનમાં રંગો પૂરો છે”

જામજોધપુર શહેર!! જામ સાહેબના નામ સાથે સંકળાયેલા આ સોરઠના શહેરો જેમ કે જામ કંડોરણા , જામનગર અને એવી જ રીતે જામ જોધપુર!! સાલ હતી ૧૯૯૮!! એક ઢળતી સંધ્યાએ એક ટ્રેકટરની લોરી બનાવતાં એક કારખાનામાં અશોકસિંહ એક ટ્રોલીને પેઈન્ટીગ કરી રહ્યા હતાં ત્યારે ઉતર પ્રદેશ ના ગોરખપુર સાઈડના એક ભાઈ નામે કૈલાસ ભાઈ કે જે આ કારખાનામાં વેલ્ડીંગનું કામ કરી રહ્યા હતાં એ અશોકસિંહ પાસે આવીને કહ્યું.

“બાપુ એક કામ આપકા હૈ,અગર કર દીજિયે તો બડા અહેસાન હોગા”

“બોલીએ જનાબ ક્યાં કામ હૈ??” અશોકસિંહે પોતાનું પેઈન્ટર કામ શરુ રાખતાં કર્યું. અશોક્સીહની એક ખાસિયત હતી કે એ જયારે પોતાનું કામ કરતાં ત્યારે એનું સઘળું ધ્યાન એના કાર્યમાં જ હોય!! અને આમેય તેઓ ક્ષત્રીય જ્ઞાતિ ના હતાં અને પહેલાનાં જમાનામાં આ ક્ષત્રીય જ્ઞાતિ જયારે લડાઈ કરતી ત્યારે એમનું સઘળું ધ્યાન એની એક માત્ર તલવાર પર જ હોય એમ અશોકસિંહનું સઘળું ધ્યાન એની પીંછી પર જ રહેતું. અને એને કારણે એનું પેઈન્ટીંગ કાર્ય વખણાતું. અને આને કારણે જ “રવિરાજ ટ્રેઇલર કંપની વાળા અશોકસિંહના કાર્યથી ખુબ જ ખુશ હતાં!!

“એક લડકે કો પેઈન્ટીંગ શીખાના હૈ, વો ભી મેરી તરહ યુપી કા હૈ” કૈલાસભાઈએ મૂળ વાત કરી અને પહેલે ધડાકે જ અશોકસિંહે ના પાડી. કારણકે એ કહેતા કે હું કોઈને ચેલો ના બનાવું અને અને કદાચ કોઈ આવે તો મારી પાસે ટકે જ નહિ. અને એને કોઈ દિવસ મોળું કામ ગમતું જ નહિ.પણ જ્યારે કૈલાસ ભાઈ એ વિગત વાર વાત કરી, કે એ મારો ભાણો છે, ઉમર પંદર વરસની છે, આઠ ધોરણ ભણેલો છે અને ચિત્રકામનો ગજબનો શોખ છે.બે બહેનો અને એક ભાઈ છે,નાનપણમાં જ એનાં માતા પિતા ગુજરી ગયાં છે,અત્યારે અમે એમનું ગુજરાન ચલાવીએ એવી પરીસ્થિતી છે. જમીન છે થોડી એવી પણ જો એ લાઈને ચડી જાય તો તમારો ખુબ ખુબ આભાર!! અને આ સાંભળીને અશોકસિંહની પીંછી હવામાં અદ્ધર જ રહી ગઈ અને એના મોઢામાંથી એક જ વાક્ય સરી પડ્યું.

“આહ, એમ વાત છે ઓકે આ વખતે જાવ ત્યારે એને લેતાં આવજો હું એને શીખવીશ,દિલથી શીખવીશ” અને આ વાત સાંભળીને કૈલાસ ભાઈના અંતરમાં જાણે બત્રીસ કોઠે દીવા થયાં હોય એમ લાગ્યું. એને થોડી નવાઈ પણ લાગી કે અશોકસિંહ આટલી ઝડપે માની પણ ગયાં!!

હા અશોકસિંહ માની ગયાં કારણ કે એ છોકરાની વાત સાંભળીને અશોકસિંહને પોતાનું પૂર્વ જીવન યાદ આવી ગયું!! તે ઉંડા વિચારમાં પડી ગયાં!!

અશોકસિંહ ભરત સિંહ વાળા!!
ગામ :_ ગીંગણી!!

આખા કુટુંબનો પહેલેથી જ સંઘર્ષમય ઈતિહાસ રહ્યો હતો. જેમ સોનું અગ્નિમાં તપીને ચળકાટ પ્રાપ્ત કરે એમ અશોકસિંહના પિતાશ્રીએ સંઘર્ષ કરીને કુટુંબનું ભરણ પોષણ કર્યું હતું. બાર વરસની ઉમરે જ ભરતસિંહ ના પિતાશ્રી જાલમ સિંહજીનું અવસાન થયેલું અને કુટુંબની બધી જ જવાબદારી ભરતસિંહ પર આવી ગયેલી અને એ વખતે એણે દરરોજના સવા રૂપિયા લેખે મજુરી કામ શરુ કર્યું હતું. આ લોહીના ગુણ અશોકસિંહની રગે રગે વસતાં હતાં.પછી ભરતસિંહ પોતાના બાવડાના બળે પરણ્યા અને અશોકસિંહનો જન્મ થયેલો.પિતા અશોકસિંહની બધી ઈચ્છાઓ પૂરી કરતાં અને સાથો સાથ કહેતા કે તું અભ્યાસમાં ધ્યાન આપજે.

તું એક જ મારી આશા અને સહારો છો!! અશોકસિંહને વાંચવું તો ગમતું પણ પાઠય પુસ્તકો નહિ પણ નવલકથાઓ!! અને એમાંય ક્રાંતિકારી અને ઐતિહાસિક નવલકથાઓ એ નાનપણમાંથી જ ખુબ વાંચતા!! આજે એનાં જહાલવાદી વિચારો છે એનું કારણ આ નવલકથા હોઈ શકે. કર્મ એજ ધર્મ બાકી બધું ખોટું છે એવું એ દૃઢપણે માને છે!! હમેશા ભગતસિંહ સુખદેવ અને તેમના પ્રિય પાત્રો રહ્યા છે.નાનપણમાં જ તેમને ફટાકડા ફોડવાનો ગાંડો શોખ!! આખા ગઢમાં સહુથી વધુ ફટાકડા એની પાસે જ હોય!! પણ એક દિવાળીએ પોતાની બાનો સોનાનો ચેઈન ગીરવે મુકીને એના પિતાએ એને ફટાકડા લાવી આપ્યાં અને જયારે અશોકસિંહને આ વાતની ખબર પડી અને એટલું લાગી આવ્યું કે તે દિવસ અને આજની ઘડી એણે ફટાકડા ફોડવાનું તો દૂર પણ ફટાકડા સામું જોયું પણ નથી.ધીમે ધીમે એનામાં સમજ શક્તિ વધી રહી હતી.સાથોસાથ ચિત્રકામમાં એનો હાથ બેસતો જતો હતો અને સંગીતનો પણ એટલો જ અનહદ શોખ.

એમની ઘરે એક લખા ભગત ચારણ આવતાં એની પાસેથી અવારનવાર એના પિતાશ્રી પૈસા વ્યાજે લેતાં.અને ધોરણ દસની પરીક્ષા પછી તો એ વધુ ગંભીર બન્યા અને પેઈન્ટર નો વ્યવસાય સ્વીકાર્યો અને વીસેક વરસની આસપાસ એ જામનગર આવ્યાં અને સંઘર્ષ શરુ થયો. એક જગ્યાએ કેબીન તો નાંખ્યું પણ કોઈ પેઈન્ટર કરવા આવે તો રોજી રોટી મળેને!! ગાંઠના પૈસાએ ઘરનો નાસ્તો કરીને કેબીને બેસી રહે.આમને આમ સાત મહિના કાઢ્યા અને એક ભાઇબંધે કીધું કે તું પંચવટી પાસે કેબીન કર્ય અને પછી તો થયો ચમત્કાર!!ધીમે ધીમે કેબીન જામવા લાગ્યું. ઘરે પૈસા મોકલવા લાગ્યાં. પછી તો એ પાછા ગામડે ગયાં અને લગ્ન થયાં. અને પછી જામનગરને બદલે જામ જોધપુરમાં જ કામ મળી ગયું. અને આમ અવિરત સંઘર્ષ પછી એની ગાડી હવે સાચા ટ્રેક પર આવી હતી.

કૈલાસ ભાઈ યુપી ગયાં અને સાથે એક પંદર વરસની ઉમરનો એક દુબળો પાતળો છોકરો લાવ્યાં અને અશોકસિંહને સોંપ્યો. પેઈન્ટીંગ શીખવા માટે!!

નામ :- વિનોદ શ્રીકાંત કુશવાહા {કુશવાહા પણ યુપીમાં ક્ષત્રીય જ્ઞાતિમાં આવે}

વતન :- ગોરખપુર તાલુકો કુશી નગર ગામ લખમીપુર
અભ્યાસ:- ધોરણ આઠ પાસ પણ ચિત્રકામ સિવાય કશું ના આવડે.

અને અહીંથી વિનોદે ગુજરાતી ભાષામાં પેઈન્ટીગ કામ શરુ કર્યું, અને ખરી તકલીફ થઇ કે હિન્દી ભાષી છોકરો એને એક પણ ગુજરાતીનો અક્ષર ના આવડે વાંચતા કે લખતાં અને એને પેઈન્ટીગ શીખવાડવું એટલે સતાધારમાં લોજ નાંખવા જેવું અઘરું કામ!! ધીમે ધીમે એને ખાલી લીટીઓ દોરવાનું કહ્યું. અને ક્યારેક બે લીટીઓ વચ્ચે રંગ પુરવાનું પણ કહે!! અને ક્યારેક આડા અવળું કામ થાય તો બાપુ ખીજાઈ પણ લે અને એકાદ ગાલ પર લગાવી દે પણ વિનોદ જેનું નામ એને કશી અસર જ ના થાય!! એનું મો ક્યારેય બગડે જ નહિ!! એ પ્રેમથી બધું સાંભળી લે અને મનમાં ગુરુ પ્રત્યે એવોને એવો આદર!! હવે વિનોદને એના સાહેબે શીખવાડેલું કે જયારે ચિત્ર દોરીએ અને પીંછી થી કામ શરુ હોય ત્યારે શ્વાસ રોકી રાખવો એટલે કામ બગડે નહિ.એટલે વિનોદ શ્વાસ રોકીને રંગ પૂરે અને અશોકસિંહ ખીજાય.

“ આ યોગા કરવાના છે કે ચિત્ર શીખવું છે?? જો આમ શ્વાસ જ રોકવો હોય તો એના માટે રામદેવજી બાબા છે અને જો ચિત્રકામ શીખવું હોય તો આ અશોકસિંહ બાબા છે બોલ હું કહું એમ કર્ય!! શ્વાસ બવાસ રોકવાના નથી અને એમને એમ નેચરલ રીતે શીખવાનું છે” અને આની પાછળ એ વોનોદને સમજાવતાં કે આવી રીતે આખો દિવસ તું શ્વાસ રોક્યા કરીશને તો બીમાર પડી જઈશ. અને શરૂઆતમાં તો વિનોદને તકલીફ પણ પડી પણ પછી એ પેઈન્ટીગની બારીકાઈઓ સમજી ગયો. અશોકસિંહ કહે એ સાંભળી લેવાનું ,એક શબ્દ પણ સામો નહિ બોલવાનો.આઠ માસમાં જ વિનોદ બધી જ રીતે તૈયાર થઇ ગયો. અને અશોકસિંહે વિનોદને કીધું.

“બસ હવે તને ફાવી ગયું છે કલર કામ તું છૂટો પણ જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી મને મોઢું ના દેખાડતો.”

“જી ગુરુજી “ વિનોદ હવે કડકડાટ ગુજરાતી પણ બોલતો હતો. અને અચાનક જ કૈલાસભાઈ અને તેમના સહ કર્મચારીઓ જ્યાં કામ કરતાં હતાં એ કારખાનામાં મંદી આવી ગઈ એટલે એ લોકો વતનમાં જતાં રહ્યા થોડો સમય અને સાથે વિનોદને પણ લેતા ગયાં.

થોડા સમય પછી આ લોકો યુપીમાંથી પરત ફર્યા.જામજોધપુથી અશોકસિંહ જામનગર જતાં રહેલાં અને વિનોદે પોતાની રીતે ધંધો ગોતવાનું શરુ કર્યું અને ભાણવડમાં ખોડીયાર ટ્રેઇલરમાં કામ મળી ગયું.વિનોદની એક ખૂબી હતી. એ કોઈ પણ નવું કામ શરુ કરે ત્યારે મનોમન ગુરુ અશોકસિંહને સંભારે અને પછી કામ શરુ કરે.થોડો સમય ત્યાં કામ કર્યા પછી ત્યાં પણ મંદીનો માહોલ હતો અને ફાઈનલી વિનોદ મોરબી આવ્યો.ત્યાં તેમનાં ઘણાં સબંધીઓ હતાં. શરૂઆતમાં આખો દિવસ મોરબીમાં આંટા મારે દુકાનો ના સાઈન બોર્ડ સામે જોયા કરે અને કદાચ કોઈ પેઈન્ટર મળી જાય તો એને કામ જોઈતું હતું.પછી એ એક વેલ્ડીંગ કરવાનાં કારખાનામાં રહી ગયો.જેને હાથમાં પીંછી જ પકડવાની હતી એ વેલ્ડીંગ કરવા લાગ્યો. કારણકે રોજી રોટી તો જોઇને પણ તોય સવાર સાંજ એ મોરબીમાં નીકળી પડે. અને એક સાંજે એની આંખો ચમકી ઉઠી. રફાળેશ્વર જીઆઈડીસી પાસે એક ભાઈ પેઈન્ટીગ કરતાં હતાં. નામ એનું દિનેશભાઈ સખનપરા. જે આજે મોરબીમાં સહુથી મોટી સખનપરા પબ્લીસીટીના માલિક છે. વિનોદે એને પૂછ્યું.

“શેઠ કારીગર જોઈએ છે પેઈન્ટીગનો “
“ હા પણ કેવુંક આવડે છે? “ સખનપરા બોલ્યાં.

“હવે એ તો હું કેવી રીતે કહું પણ તમે અત્યારે કહો તો લખીને બતાવી દઉં” વિનોદ બોલ્યો.અને એ વખતે એણે મોરબીમાં પહેલું પેઈન્ટીગ કર્યું. “ISO 2001 પ્રમાણિત” આટલું લખ્યું ત્યાં સખનપરા કલા પારખી ગયાં. એ વખતે એને વેલ્ડીંગમાં પર દિવસ ૧૦૦ મળતાં હતાં અને તોય દિવસના ૬૦ લેખે એ દિનેશભાઈ સાથે જોડાઈ ગયો. પણ ક્યારેક રાતે પણ કામ ચાલે. વિનોદને રહેવાનું અને કામ કરવાનું એ સ્થળ વચ્ચે ખાસું એવું અંતર.ક્યારેક ચોકીદાર ગેટ ના ખોલે તો દીવાલ ટપીને જવાનું.અને દીવાલ પર કાચ ના ટુકડાં પણ લગાવેલા હોય એટલે ક્યારેક હાથે પગે વાગી જાય.છ મહિના પછી એણે દિનેશભાઈને વર્કશોપમાં રહેવા દેવાની વિનંતી કરી.આટલાં સમયમાં એ વિનોદને ઓળખી ચુક્યા હતાં. અને પછી તો સમય વીતતો ચાલ્યો.

વિનોદ હવે ખુબ સારું કમાવવા લાગ્યો હતો.ઘરે પૈસા મોકલવા લાગ્યો. જયારે કોઈ ટ્રક પર અશોકસિંહનું પેઈન્ટીગ જોવે એટલે એની આંખો સજળ બની જાય.પણ ગુરુએ સામેથી બોલાવું તો જ આવવાનું એ વચન યાદ આવી જતું. સમય વીતતો ચાલ્યો. અશોકસિંહ અને વિનોદ છુટા પડ્યા એને બાર વરસ વીતી ગયાં. એક દિવસ વિનોદના બનેવીના ભાઈને અશોકસિંહ જામનગર મળી ગયાં અને એ વખતે વાત નીકળી કે તમારી બાજુનો એક છોકરાને મેં શિખવાડેલ પણ પછી એનો કોઈ જ પતો નથી. અને ત્યાં જ એ ભાઈએ કીધું કે અત્યારે તો એને મોરબીમાં ખુબ સારું છે એ પરણી ગયો છે એક બાબો અને એક બેબી પણ છે, અને તમારે વાત કરવી હોય તો હું નંબર આપું અને ૧૨ વરસ પછી વિનોદ પર ફોન આવ્યો.

“હેલ્લો વિનોદ બોલે છે”
“જી ગુરુજી બોલો “ વિનોદ અશોકસિંહનો અવાજ ઓળખી ગયો.
“ એલા તું કોઈ દિવસ મળવા પણ ના આવ્યો”

“તમે જ ના પાડી હતી ને કે હું ના બોલાવું ત્યાં સુધી આવતો નહિ” અને બેય છેડે બને રોઈ પડ્યા. અને બીજે જ દિવસે વિનોદ જામનગર શરુ વરસાદે જામનગર ઉપડ્યો.અશોકસિંહને પગે પડ્યો. ઘણી બધી વાતો થઇ. વિનોદ ત્યાંથી અશોકસિંહના પાસ પોર્ટ સાઈજના ફોટા લઇ આવ્યો અને એ ફોટા આજે પણ ખિસ્સામાં રાખે છે. પછી તો કોઈ પણ નવું કામ શરુ કરતાં પહેલાં એ ગુરુને વંદન કરે છે.મોરબી અશોકસિંહ પછી તો બે ત્રણ વાર આવ્યાં.વિનોદે ઘણી વાર આગ્રહ કર્યો કે ચાલો ઘરે. પણ અશોકસિંહ કહે ઘરે હું જરૂર આવીશ પણ તારા ઘરનાં મકાન થાય પછી. અને આ સપનું સાકાર કરવા માટે વિનોદે ડબલ મહેનત શરુ કરી દીધી. દર ગુરુ પૂનમે એ અશોકસિંહ ને સંદેશો મોકલે.” મને કામ શીખવાડવા બદલ અને જીવન સુધારવા બદલ ગુરુજીને શત શત પ્રણામ!!

બસ હવે બે જ માસ બાકી છે.૧૪ લાખના ખર્ચે વિનોદનું ઘરનું મકાન મોરબીમાં બની રહ્યું છે.મેં જયારે આ બધી વિગતો જાણવા માટે વિનોદને ફોન કર્યો ત્યારે વિનોદે કહેલું.

“મુકેશ ભાઈ બે માસ પછી હું નવા મકાને રહેવા જઈશ. ત્યારે મારા ગુરુની સાથે તમે પણ આવજો.જો હું તમને અત્યારથી આમંત્રણ આપી દઉં છું એટલે એમાં ના કરતાં” વિનોદ શુદ્ધ તળપદી બોલતો હતો.અને બીજી મહત્વની બાબત એ હતી કે વિનોદ ત્યાર પછી જે બોલ્યો એ સીધું હૈયામાં ઉતરી જાય એવું હતું.

“બધાં તો કદાચ મૂર્તિને ભગવાન માને પણ મારે તો જીવતાં ભગવાન છે.ગુરુ કયો તો ગુરુ અને ભગવાન કયો તો ભગવાન એ અશોકસિંહ એક જ છે. આજે પણ હું મારા નાનકડાં મંદિરમાં એનો ફોટો રાખું છું. બસ અત્યારે સુખી છું એ એમના આશીર્વાદ છે, અને ભાગ્યશાળી પણ છું કે મને આવા જીવતાં ભગવાન મળ્યાં” હું સાંભળીને વિચારમાં પડી ગયો.કેટલો વિશ્વાસ છે એને ગુરુ પર!!અને બીજી વાત એ પણ ખરી કે અશોકસિંહ આ ગુરુમાં ના માને. ધાર્મિક લાગણીવેડા એને ના ગમે. કરમ એજ એનો ધરમ!!

વાત કદાચ આ નાની લાગે પણ મને એક અંગ્રેજી વાક્ય યાદ આવે છે. Small small things make perfection, but perfection is not a small thing. ઘણાં માણસો મેં એવા પણ જોયા છે કે જેની પાસેથી એ શીખે બે બે વરસ શીખે પછી પોતાનો ધંધો જામે અને એની જ વાટે!!એની જ કાપે!! અને જયારે આપણે એને પૂછીએ કે વરસો પહેલાં તમે આની પાસેથી કામ શીખ્યા હતાં. ત્યારે એ ઘડીક થોબીને કહે કે એક્ચ્યુલી એમાં એવું છે ને કે કામ તો મને આવડતું જ પણ આતો શોખ ખાતર હું એમની પાસે બેસવા જતો. બાકી એ મારી પાસેથી શીખ્યા છે. આવા કોડાઓ કરતાં વિનોદ સાત દરજ્જે સારો માણસ કહેવાય કે એ બધું જ યાદ રાખે છે.

બસ હવે બે માસ પછી જયારે વિનોદ બોલાવે ત્યારે મોરબી જવું છે. અશોકસિંહને પણ એ વખતે મળાશે!!એ વખતે એમને રૂબરૂ મળીને જોવું છે કે અશોકસિંહ ની પીંછીએ વિનોદના જીવનમાં કેવા આબાદ રંગો પૂર્યા છે.!!

લેખક:- મુકેશ સોજીત્રા ૪૨.શિવમ પાર્ક સોસાયટી ,ઢસા ગામ

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી