આડંબર – ભાગીને લગ્ન કરેલ દિકરી પ્રત્યે આટલી બધી નફરત… અને છેવટે…

**આડંબર**

સાયરન વગાડતી ગાડી સભા સ્થળે આવીને ઊભી રહી. એની આજુબાજુ બીજી બે-ત્રણ ગાડીઓ ગોઠવાઈ ગઈ. કમાન્ડો રાઈફલ લઈને દોડતા આવીને ઊભા રહયા. કાળા કાચવાળી ગાદીમાંથી મેડમ સુષ્મા સડસડાટ ઊતરીને મંચ સુધી પહોંચ્યા. પણ પગથિયા ચડતા કાળા ચશ્માની પારથી કંઈક પરિચિત જોયું. સાઈડમાંથી દેખાતો એ ચહેરો કંઈક પરિચિત લાગતો હતો. પણ એ ચિત્રને ગોઠવે તે પહેલા ભીડમાં એ ચહેરો કયાંક ખોવાઈ ગયો. કોણ હતું એ ?? મંચ ઉપર સ્થાન લેતાં પહેલા એમણે ભીડમાં એ ચહેરો શોધવા પ્રયાસ કર્યો, પણ ન દેખાયો….. પોતાની ઉતાવળ કે અસ્વસ્થતા કોઈની નજરે ન ચઢે એ માટે બોટલમાંથી થોડું પાણી પીધું અને પછી સભા આયોજક સાથે કંઈક મસલત કરી.
થોડીવારમાં બધાના આશ્ચર્ય વચ્ચે મેડમ સુષ્મા જેવા મંચ પર ચડ્યા હતાં, એવા જ બધાની સામે હાથ જોડતા-જોડતા સભાને સંબોધ્યા વગર જ પોતાની ગાડીમાં બેસીને સભા સ્થળેથી રવાના થઈ ગયા.

“મેડમજી, આ બરાબર ન થયું. આપણી પાર્ટી માટે અને તમારા માટે. આમ તમે સભાને સંબોધ્યા વગર કેવીરીતે વોટબેંક ઊભી કરી શકશો? લઘુમતિ તરફની ચીડને કારણે એમના વોટ તો પહેલેથી જ ગુમાવી ચૂકયા છો અને હવે બાકી રહેતાં સવર્ણોના વોટ માટે કરેલા આ બધા ધતિંગ , લાખોનો ધુમાડો ને લાંબી યાત્રા…..હં…..બધું પાણીમાં ગયું” વાતાનુકૂલિત ગાડીમાં પણ પરસેવે રેબઝેબ થતાં મેડમ સુષ્માના પી.એ. બોલી ઉઠયા.
“કેમ પાણીમાં ગયું?? ” આપણે અહિંયા બે દિવસ માટે રોકાણ કર્યુ છે ને? તમે જોઈ લેજો આવતીકાલે મારા ચોટદાર ભાષણ અને દમદાર દલીલોના બળે એકીસાથે બે દિવસની કસર પૂરી થાય છે કે નહીં!” ગાડીમાંથી ઉતરતાં –ઉતરતાં મેડમ સુષ્મા બોલ્યા, “પણ અત્યારે થોડા સમય માટે મારે એકલા રહેવું છે માટે મહેરબાની કરીને મને કોઈ ડિસ્ટર્બ ન કરે એની તકેદારી રાખજો. ”

વિસ્તાર પ્રમાણમાં નાનો હોવા છતાં પણ મેડમ સુષ્મા એક મોટું માથું હોવાને નાતે એમના ઉતારાની ખૂબ જ સુંદર અને સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવી હતી. સંપૂર્ણ વાતાનુકૂલિત ઓરડો , ફર્શ પર કાશ્મીરી ગાલીચો ,છત પર લટકતાં ઇટાલિયન ઝુમ્મર ,રાજસ્થાની કલાકૃતિવાળું ફર્નિચર અને રિમોટ વડે ચાલુ-બંધ થતી લાઈટો……

જો કે આ બધી સાજ સજાવટ જોવા કે માણવાના એમને હોશ જ કયાં હતા! “ના…ના…મારો કંઈ વહેમ હશે એ વળી કયાંથી હોય અહિંયા?” ઉચાટભર્યા હૈયે આમથી તેમ આંટા મારતા તેઓ સ્વગત બબડયા.
ઠક…ઠક…ઠક…. મેડમ સુષ્માને થયું કે, જાણે વેદનાને કારણે એમનું હ્રદય ફાટવાની તૈયારીમાં છે એટલા જોરથી ધડકી રહયું છે. એમણે બંન્ને હાથ પોતાની છાતીએ દબાવી દીધાં. છતાં પણ ફરી પાછો એ જ અવાજ ઠક…ઠક…ઠક….

જો કે વાસ્તવિકતાનો અણસાર આવતાં આટલી વેદના વચ્ચે પણ એમના મુખ પર ક્ષણિક હાસ્ય ધસી આવ્યું. “ઓહ! આ તો દરવાજો….. કોણ છે ? મારે અત્યારે કોઈને પણ મળવું નથી. જે હોય તે જઈ શકે છે.”
પરંતુ વળતાં જવાબમાં પોતાના વિશ્વાસપાત્ર વ્યક્તિનો અવાજ સાંભળી “શું છે?” એમ ચિડાતા ચિડાતા એમણે બારણું ખોલ્યું .
“મેડમજી, અમે ઘણી ના પાડી છતાં પણ બેન…બા…” બાકીના શબ્દો આંગતુકને જોયા બાદ મેડમ સુષ્માના કાને પડ્યા જ નહીં.
“તું…? અહિંયા….? કેમ….? કેવીરીતે….? શામાટે…? પોતાના વિશ્વાસપાત્ર માણસોને હાથેથી જવાનો ઇશારો કર્યા બાદ આગંતુક સામે પ્રશ્નોની ઝડીઓ મેડમ સુષ્માએ વરસાવી દીધી.

સપ્રમાણ દેહ, ગૌરવર્ણ, ઊંડી ઉતરી ગયેલી આંખો, ફફડતા હોઠ અને ધડકતું હૈયું… મેડમ સુષ્મા આભા બનીને જોઈ રહયા. એમને પોતાની આંખો પર વિશ્વાસ જ ન બેઠો. આ આગંતુકને જોતાં જ આજે એમણે ભીડમાં જોયેલા એ ચહેરાનું ચિત્ર અને એનો તાગ સ્પષ્ટ થઈ ગયો.
“કેમ છો? જો કે આવું પૂછવું યોગ્ય ન ગણાય કારણકે, તમે તો કાયમ મજામા જ રહો છો. તેમ છતાં આટલા વર્ષે રૂબરૂ મળ્યા એનો મને આનંદ થાયછે.” ભિનાશવાળી આંખોને હથેળી વડે દબાવતાં, આવનાર અંદાજે ત્રીસેક વર્ષની યુવતી બોલી.

બંન્ને જાણે દરવાજાની વચ્ચોવચ્ચ જડાઈ ગયા. થોડી મિનિટો તો આમને આમ પસાર થઈ ગઈ. બન્નેની આંખો એકબીજાને મનભરીને માણી રહી હતી. કેટલુંએ કહેવું હતું ને કેટલુંએ પૂછવું હતું પણ અત્યારે વાણીના વિરામ વચ્ચે મૌન દ્વારા વેદના-સંવેદનાની આપ-લે થઈ રહી હતી.

અને અચાનક….. મેડમ સુષ્માના ચહેરા અને આંખોનો રંગ બદલાવા લાગ્યો, “તું … અહિંયા શું કરેછે? એ પણ ઇલેક્શનના સમયમાં…? તને ખબર નથી કે હું તને મારી જિંદગીમાંથી કયારની બાકાત કરી ચૂકી છું? તું મારી ગુનેગાર છો, મારા ધર્મની અને મારા દેશની પણ ગુનેગાર છો તો પછી તારી હિમ્મત પણ કેવીરીતે થઈ આમ મારી સામે આવવાની….???”

“ગુનેગાર ? હં… ઉં… મેં પ્રેમ કર્યો છે અને પ્રેમ કરવો એ કોઈ ગુનો તો નથી!!.”
“પ્રેમ… છી… તે પ્રેમ નહિં પણ પાપ કર્યું છે, દગો કર્યો છે સાંચી..ચી.. એક એવો ગુનો કે જેને હું મારા જીવન પર્યંત કયારેય માફ નહિં કરી શકું.”
“તારી નજરમાં ભલે એ દગો હોય કે પાપ હોય પણ મેં તો પ્રેમ કર્યો છે પવિત્ર પ્રેમ કબીર સાથે.”

“પવિત્ર પ્રેમ ??…રહેવા દે હવે. એક પરધર્મી, લઘુમતિ કોમ,એક આતંકવાદી સાથે…. રામ… રામ…મને તો બોલતાં પણ શરમ આવે છે એક કુંવારી માતા….” આરામ ખુરશીમાં ફસડાતાં મેડમ સુષ્મા બોલ્યા.
“ તું જેને લઘુમતિ કોમનો સમજીને ઉપેક્ષા કરશ ને એ જ કબીરે, એ જ સજ્જને મને સ્વીકારી. તેં તો મને પોતાની વોટબેંક બચાવવાના ચક્કરમાં પોતાના ઘર અને જીવનમાંથી બાકાત કરી નાખી પણ કબીરે મને પત્નિ બનાવીને ગૌરવ અપાવ્યું. હાં.. હું માનું છું કે મુગ્ધાવસ્થામાં અમે ભૂલ કરી બેઠા પણ એ ભૂલને સુધારીને અમે અમારું જીવન પણ સુધારી તો લીધું જ ને! તારી જેમ કાંઈ…..” બોલતી વખતે સાંચીના ચહેરા પર વેદના સ્પષ્ટ ડોકાઈએ રહી હતી.

ફાટફાટ થતાં હૈયે તેણે પોતાની વાતનું અનુસંધાન સાધી લીધું, “ તારા રાજકારણનો ભોગ ન લેવાય એ માટે પહેલા મારો અને ત્યારબાદ મારા વિયોગે મારા સહ્રદયી પિતાનો ભોગ લેવાયો.” બોલતાં બોલતાં સાંચી ચોધાર આંસુએ રડવા લાગી. એના ડૂસકાથી ઓરડાનું વાતાવરણ એકાએક બોઝિલ બની ગયું.

પોતે ક્યાંક ચૂકી ગયા હતા એ વાતનો આછેરો અણસાર આવતાં મેડમ સુષ્માની આંખના ખૂણા ભિનાશ અનુભવી રહયા હતા, ગળે ડૂમો બાઝી ગયો હોય અને મગજ જાણે બહેર મારી ગયું હોય એવું લાગતા અને ક્યાંક હ્રદયની અભિવ્યક્તિ આંખો દ્વારા બહાર ન આવી જાય એ માટે એમણે આંખો પર કાળા કાચના ચશ્મા ચડાવી લીધા.

ગમે તેવી પરિસ્થિતિમાં પણ મેડમ સુષ્માનું મગજ ગજબની કોઠાસૂઝથી કામ કરતું. તેમણે તરત જ સ્વસ્થતાથી અને પોતાની આગવી કરડાકી સભર અદાએ સાંચીને કહ્યું, “વર્ષો પહેલા જે સંબંધ પર હું ધૂળ નાખી ચૂકી છું એને નવેસરથી અપનાવવામાં મને કોઈ જ રસ નથી માટે તું જઈ શકે છે અહિંથી…..”
“તો… અહીં બેસવાએ કોણ નવરું છે ? આ તો મારી નસે નસમાં વહેતાં મારા પિતાના લોહીની અપીલને કારણે તને ચેતવવા માટે આવી છું.”
“ચેતવવા…..એટલે….?”
“એટલે એમ કે, તારી ઝેડ કેટેગરીની સુરક્ષા વચ્ચે પણ તારા પર મરણતોલ પ્રહાર થવાની શકયતા છે.”

“હા…. હા…. હા…. મરણતોલ…. શું કહ્યું ? મરણતોલ પ્રહાર… અરે..! કોની આટલી હિમ્મત છે કે સહકારવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મેડમ સુષ્માનો વાળે વાંકો કરે..?” સાંચીની એકદમ નજીક જઈને તેઓ બોલ્યા, “ કયાંક પેલો તારો પતિ કબીર તો નથી કરવાનોને પ્રહાર..?? કરી પણ શકે એનો થોડી ભરોસો થાય? આજે ભીડમાં એની આછેરી ઝલક જોઈ ત્યારે જ મારે સમજી જવું જોઈતું’તું આખરે તે જાત…”

“બસ, મ…મ્મી…બસ…, તારી ફિલોસોફી તારી જ પાસે રાખ. એ જરૂરી નથી કે દરવખતે તું જે વિચાર તે વસ્તુ અને વ્યક્તિ એવી જ હોય. ખેર, મને એમ હતું કે સમયની લપડાકને કારણે તારા સ્વભાવ અને વર્તનમાં કોઈ ફરક આવ્યો હશે પણ નહિં… તું જે છો એજ રહીશ એટલે તને કંઈ કહેવું કે તારા માટે કંઈ વિચારવું એ તો અસંભવ વાત છે તેમ છતાંય તારી કૂખ અને તારા દૂધના અહેસાન રૂપે એટલું તો જરૂર કહીશ કે, આવતીકાલનો દિવસ તારા માટે ભારે છે માટે સંભાળીને રહેજે.”
પળ બે પળ માટે મેડમ સુષ્મા સડસડાટ જતી સાંચીને જોઈ રહ્યા. અસંખ્ય વિચારો એમના મસ્તિષ્ક્માં આવ્યાને વહી ગયા. શું સાચું અને શું ખોટું એની ગણતરીઓ કરતાં-કરતાં કયાંય સુધી પડખાં ફેરવતાં તેઓ પથારીમાં પડયા રહ્યા.

બીજે દિવસે ફરી પાછાં એ જ સભા સ્થળે સાયરન વગાડતી ગાડીઓના કાફલા સાથે આવેલા મેડમ સુષ્મા સડસડાટ ઉતરીને મંચ સુધી પહોંચ્યા. એક દિવસમાં જ બે દિવસની કસર પૂરી કરવાના હેતુસર માઈક હાથમાં લઈને ભાષણ આપવાની તૈયારીઓ કરવા લાગ્યા. ત્યાં અચાનક સભા આયોજકે આવીને કંઈક મસલત કરી અને મેડમ સુષ્મા કાળા કાચના ચશ્મા ઉતારીને મંચનું એક પગથિયું ઉતરીને ઊભા રહી ગયા.
એક નાનકડી બાળા હાથમાં હાર લઈને એમની તરફ આવતી દેખાઈ. નિર્દોષ હાસ્ય , ચંચળ આંખો અને ગુલાબની પાંદડીઓ સમાન હોઠોવાળી કન્યાની પાછળ આવનારને જોઈને એમનું હ્રદય ધબકારો ચૂકી ગયું. એમણે સભા આયોજકને ઈશારાથી પોતાની પાસે બોલાવ્યાં, “ તમે તો કહેતા’ તા ને કે……..”
સ…..ન……ન….ન……..

વાક્ય પૂરું થાય એ પહેલા જ મેડમ સુષ્માની જડબેસલાક સુરક્ષાને ચીરતી એક ગોળી બંદૂકમાંથી છૂટી અને મેડમ સુષ્માના આડંબરને ભાંગીને ભૂક્કો કરતી એક વીરની છાતી સોંસરવી ઉતરી ગઈ અને સાથે-સાથે બીજે દિવસે વર્તમાન પત્રની હેડલાઈન્સમાં એક બ્રેકીંગ ન્યુઝ ચમકાવતી ગઈ………
“સહકારવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મેડમ સુષ્માના જીવનની રક્ષા કરતાં કરતાં ભારત સરકારના સંનિષ્ઠ, દિલેર અને જાંબાઝ અંડર કવર ઓફિસર શ્રી કબીર પટેલે શહીદી વ્હોરી………..”
##############################

લેખક : આશા આશિષ શાહ

દરરોજ અવનવી વાર્તાઓ માટે લાઇક કરો અમારું પેજ.

જલ્સા કરોને જેંતીલાલ 

ટીપ્પણી