શિયાળુ શાક, આહા! અરે વાહ એકદમ મજા આવી ગઈ વાંચવાની તમે પણ વાંચો જલ્દી જલ્દી

farm fresh vegetables on table

શિયાળુ શાક, આહા!

શાકની થેલીના સારા દિવસો આવ્યા. દરજી પાસે ખાસ સિવડાવેલ કોન્ટ્રાસ્ટ મેચિંગના નાકાવાળી શાકની થેલી વધુ રૂપાળી લાગે ત્યારે સમજી લેવું કે શિયાળો પૂરબહારમાં ખીલ્યો છે. શાક માર્કેટથી શિયાળુ શાક લઈને પાછા ફરતા કોઈની પણ થેલી તરફ તમારું ધ્યાન ખેંચાયા વિના ન રહે. ફાટફાટ થતી, ફૂલીને ફાળકો થઇ ગયેલ શિયાળુ શાક ભરેલ થેલી વધુ ફોટોજેનિક લગતી હોય છે. પછી એક નહિ, બબ્બે થેલીઓ! તમને એ થેલીઓ ઉચકનારના ચહેરાની ચમક જ અલગ લાગે, એમનો તરવરાટ અને આત્મવિશ્વાસ સાવ જૂદાં જ હોય. ઠસોઠસ ભરેલી એ થેલીઓ જોઇને ઘડીક તો એમ થાય કે એમાંમાં ફૂટબોલ ભર્યા છે કે શું! એ તો મોરની કલગી જેવાં શોભતાં મૂળાના પાન અને છેલ્લે ‘મફત’ ખોસેલ મીઠો લીમડો ચાડી ખાય કે ‘રસ્તો કરો, બહેન શિયાળુ શાક લઈને ઘેર જઈ રહ્યા છે.’

જેમણે શિયાળાની કોઈ વહેલી સવારે ગોઠવેલી લીલાછમ્મ શાક માર્કેટ નથી જોઈ એમનો અવતાર એળે જ ગયો કહેવાય. સોસાઈટીના નાકે લારીમાંથી કે ફોન કરીને શાક મગાવીને ફ્રિઝમાં ભરી લેતી બહેનોએ નળ સરોવર કે ઇન્દ્રોડા પાર્કની પિકનિક કરતાં શિયાળુ શાક માર્કેટની પિકનિક ગોઠવવાવા જેવું ખરું.

થેલીમાં શું શું અને કેટલું શાક ભર્યું હશે એનું અનુમાન કરો. તમે ખોટા નહીં જ પડો. થેલીમાં ઓળાના રીંગણ ન હોય તો સમજી લો એ માણસની સ્વાદેન્દ્રિય સૂકાઈ ગઈ હશે. હા, તો થેલીમાં ચહેરો જોઈ શકાય એવી અરીસા જેમ ચળકતાં ડીપ ડાર્ક જાંબલી છાલવાળાં અને પોપટી રંગના ડીંટિયાંવાળાં બે મોટાં રીંગણ. શિવલિંગ આકારનાં લીલાં બેબી રીંગણ અઢીસો, બોટલ ગ્રીન કલરના ત્રણ મોટાં કેપ્સીકમ, હજી બે કલાક પહેલાં જ જમીનમાંથી ખેંચી હોય એવી મેથીની ચાર તાજી પણી, પંજા જેવડાં પાનની લીલી કાચ જેવી બે પણી પાલક, પાત્રાના છ પાનનો એક વીંટો, એક નાનું ફ્લાવર અને કોબીચનો એક દડો, એક પાંચસો બટાકા, અઢીસો વટાણા, બસ્સો વાલોળ, બસ્સો લીલવા, અઢીસો ટમેટાં, અઢીસો ગાજર, લીલું લસણ, લીલી ડુંગળી, માખણ જેવો કૂણો મૂળો અને બટકણી મોગરી, આંબા હળદર, આદુ, રસીલાં લીંબુ અને કોથમીરનો ‘બૂકે’! આહા! એવું શાક કે જાણે સીધું પશિયાની વાડીમાંથી થેલીઓમાં ભરાઈને આવતું ન હોય!

 

શિયાળુ શાકની થેલી જ્યારે પાણીયારા પાસે ઠલવાય ત્યારે ભેળી ઝાકળ ન ઢોળાય એટલું જ, બાકી ઈ માટી ચોંટેલ શિયાળુ શાકની મહેક તમને બાવડું પકડીને ગામડાની સીમ ભણી ખેંચી જાય એની ગેરંટી!

ચોમાસાનું શાક જેમ કે ભીંડા, કાકડી, કંકોડાં, કારેલાં, પરવળ અવનવી ભાજીઓ વિગેરેથી શોભે ખરું પણ શિયાળુ શાક પાસે ચોમાસુ શાકનો ભીનો ઢગલો વામણો પડે. ઉનાળાના શાકની તો વાત જ ન કરશો. બટાકા, ડુંગળી, દૂધી અને ટીંડોળા ન હોત તો ઉનાળામાં થેલીમાં શાક શું ભરવું એની મૂંઝવણ રહેત. ઉનાળાની શૂષ્ક શાક માર્કેટ અને નિસ્તેજ ચહેરાઓનું શું કહેવું!

અમે એવા સમાજમાં મોટા થયા છીએ જયારે શાક માર્કેટમાં મેજોરિટી શાકવાળીઓ બેસતી અને પુરુષો જ શાક લેવા જતા. પૈસે ટકે સુખી માણસ સામી છાતીએ સવારે શાક માર્કેટ જાય જ્યારે મધ્યમ, નાનો કે કરકસરિયો વર્ગ હંમેશાં ‘ઊઠતો બકાલી’ પકડે. વસ્તારી કુટુંબનો મોભી સાંજે અધુકડો બેસી શાકના ઢગલાનો તોડ કરે અને સવાર કરતાં અરધા ભાવે શાક લઇ આવે. રોજેરોજનું ‘કટોકટ’ શાક આવતું. ફ્રીઝ ક્યાં હતાં? શાક ખરીદવામાં કરકસર અને બનાવવામાં પણ કરકસર. પણ, શિયાળામાં સવારનું તાજું શિયાળુ શાક લેવા જવાની બધા હિંમત કરે.

હવે તો શાકવાળા સાથે રકઝક કરવાનો મોરચો મહિલાઓએ સંભાળી લીધો છે. શિયાળામાં શાકની દુકાનો અને લારીઓ શાક લેવા ઉભેલી મહિલાઓનાં હસતાં મોઢાં અને તણાવ મુક્ત ચહેરાઓ જૂદા જ હોય. ઉનાળામાં ભાવની રકઝક કરી ‘રોજ શાક શું લેવું એ જ સમજ નથી પડતી’ એવી ફરિયાદ કરતી મહિલાઓના ચહેરા પર નૂર નથી હોતું.

હવે ઘણાં નવાં નવાં શાક અને ફળફળાદી બારે માસ મળવા લાગ્યાં છે ખરાં. ફોન કે ‘એપ’થી શાક નોંધાવો એટલે સમારેલાં શાક-પાન ઘેર બેઠાં પણ મળે છે. ફ્રોઝન વેજીટેબલ્સ પણ મળે છે અને આપણા ડીપ ફ્રીજમાં ઈચ્છો એ શાક-પાનથી ભરેલાં પડ્યાં હોય છે. કદાચ એમ થાય કે હવે ‘સીઝનાલિટી’ જેવું ક્યાં કશું રહ્યું છે?’ પણ તમે શિયાળાની કોઈ ખુશનુમા સવારે મોટી શાક માર્કેટ આંટો મારવા નીકળજો, તમારી આંખો એવી ક્યારેય ઠરી નહિ હોય, સાહેબ!

મારા માનસપટલ પર તાજાં શિયાળુ શાકની ‘તસતસતી’ થેલી હાથમાં લઈ ટટ્ટાર ઊભેલ એક સદગૃહસ્થનું રેખાચિત્ર દોરીને એમ.એફ. હુસૈન ક્યાંક જતો રહ્યો છે.

 

લેખક : અનુપમ બુચ 

રોજ વાંચો અવનવી અને મજાની વાર્તા અમારા પેજ “જલ્સા કરોને જેંતીલાલ” પર 

 

 

 

 

ટીપ્પણી