‘નાતની દાળ’ ….જ્ઞાતિ ભોજન અને એમાંય દાળની વાત…..વાંચો મજા આવશે

‘નાતની દાળ’

મારી માનાં નાના ડૉ રાવ બહાદૂર મજમુદાર પહેરવે-ઓઢવે લગભગ વિલાયતી જ હતા. રહેણી-કરણી અંગ્રેજ ઘરાના જેવી અને ઘરનું રાચ-રચીલું કોઈ ઈંગ્લીશ ક્લાસિક મૂવીમાં જોવા મળે અદ્દલ એવું જ. આચાર-વિચાર પણ દરિયા પારના નાગરિક જેવા. રસ્મ-રિવાજ કે શુભ અશુભ એમને મન ‘હર ફિક્ર કો ધુવેં મેં ઉડાતા ચલા ગયા ’ જેવું.

પણ સાહેબ, ડૉ મજમુદારની જીભ પર શબ્દો ભલે અંગ્રેજી રમતા પણ સ્વાદ ગુજરાતી ઝરતો. સીધા-સાદા ભોજનનાં સ્વાદનો એમને ક્રેઝ હતો. દેશ દેશાવર ફર્યા છતાં એ ખાવે-પીવે અણી શુદ્ધ ગુજરાતી નાગર હતા. ફોતરાંવાળી ખીચડી કે રસિયાં મૂઠિયાં કે ખારી પૂરી કે લસણમાં વઘારેલી અડદની દાળ જેવું નાગરી ભોજન એમને ત્યાં નિયમિત બનતું. માખીયાળાના કણબીને ભાવે એવું, નાગરી નાતમાં રંધાય એવું. વિરપુર જલાબાપાની જગ્યામાં પીરસાય એવું શુદ્ધ અને સાત્વિક ભોજન એમની થાળીમાં પીરસાતું. અંગ્રેજી કેલેન્ડરના એક ખાનામાં જાંબલી શાહીથી ગુજરાતીમાં લખ્યું હોય ‘આખા મગની દાળ’ એટલે તે દિવસે એ દાળ જ પીરસાય બાકી કોઈને ભડાકે દઈ દે, સ્વાદનો એવો ધેલો માણસ!

સાહેબ, ‘નાતની દાળ’ એમની નબળાઈ હતી. એક પ્રતિષ્ઠિત ડોક્ટર હોવાને નાતે એમને જમણવારનું નિમંત્રણ હોય જ પણ એ કદિ નાગરી નાતમાં જમવા જતા નહીં. એ બાબતમાં એમનો વિલાયતી મિજાજ હતો પણ જેમને ત્યાં જમણવાર હોય એમને ત્યાંથી ‘નાતની દાળ’ નિ:કોચ મંગાવતા. ‘નાતની દાળ’ એટલે ગોળ-આંબલીવળી તુવેરની દાળ. ડૉ. માર્ટીન સાહેબના સમકાલિન આ નામાંકિત સર્જન ‘નાતની દાળ’ માટે એક નિર્દિષ બાળક બની જતો. એક વાડકી ‘નાતની દાળ’ ભોજનમાં લેતાં એ કૃતઘ્ન થઇ જતા. એક-એક કોળિયામાં પોતે કરાંચીમાં વાઇસરોય સાથે લીધેલ ડીનર કરતાં બમણો સંતોષ વ્યક્ત કરતા.

એવો તે શું જાદુ હશે આ ‘નાતની દાળ’માં?

અસલ મઢીની તૂવેર દાળ. કોઈ ગ્રહની વીંટીના નંગ જેવી ચળકતી ‘ટબ્બા’ જેવી આ દાળનો દાણો સ્વાદનો ઝવેરી જ પારખી શકે. રમાકાંતભાઈ કે મણિભાઈ જેવા ચુનંદા રસોયા દાળ ‘ઓરે’ ત્યારે મોટું ટોપિયું લાકડે ચઢવા રાજી થાય. એક બાજુ દાળ ઓરાય, ટોપિયાનું ઢાંકણ બંધ થાય અને બીજી બાજુ મસાલા તૈયાર થાય. ઈ દાળ હલાવતાં હલાવતાં કાગળની થેલીમાંથી અટકળે પડતા મસાલાનાં મૂઠે મૂઠા નજરે જોવાની મજા હતી. દાળનું ધીરે ધીરે ખદબદવું અને ઉકળવું. જેમ ઉકળે એમ દાળ વધુ ઘટ્ટ થાય અને રંગ પકડે. ઉકળતી દાળમાં પીળાં ફીણમાં ઉપર નીચે ડાન્સ કરતાં આખાં લાલ મરચાં, આંબલી અને શીંગ, લવિંગ અને ગોળગોળ તરતી આંગળી જેવડી તજ જાણે સમુદ્રમંથન! દાળની વરાળ સાથે ઉઘડતી વઘારની સુગંધ બસ્સો મિટર આઘે ઉભેલ ભાવકને એવો તરબતર કરી દે કે એનો જઠરાગ્નિ લપકારવા કરવા લાગે. નાતની દાળના મોટા વાસણનું ઢાંકણું હટાવી મોટા ‘ડૂઘા’થી થોડી થોડી વારે રસોયો હળુ હળુ દાળ હલાવે ત્યારે લાલ સપાટી પર જે કલોક વાઈઝ ભાત પડે એની ટોપ એન્ગલ તસ્વીર ઝીલી ન લીધાનો રંજ છે.

અને સાહેબ, નાતની દાળ ખાવા કરતાં પીવાની મજા અલગ હતી, એના સબડકા બોલાવાવની રીત જ ન્યારી હતી. દાળથી છલકાતો પડિયો અક્ષયપાત્રની જેમ હથેળીમાં ગોઠવીને હોંઠે માડવાની ક્ષણો ધન્ય હતી. રોટલી-પૂરી વિના બે હાથે પડિયાનાં બે કાન પકડીને દાળ પીવાવાળા અમર થઇ ગયા.

જમણવારમાં મિષ્ટાન ગમે તે હોય, વખાણ દાળના જ થાય! છેલ્લી પંગતનો છેલ્લો માણસ પડિયામાં લે ત્યાં સુધી ધીમા તાપે ઉકળ્યા કરતી નાતની દાળનું ઘેલું કોને ન હોય! અમદાવાદ સિટીમાં વેપારીઓનું ટિફિન ઘેરથી આવે પણ તુવેરની દાળ તો ‘ચંદ્ર વિલાસ’માંથી જ મંગાવે! કદાચ એ નાતની દાળની જેમ જ ઉકળી ઉકળીને અમૃત બનતી હશે.

આજ કાલ ‘દાળ તડકા’ની અને રાજસ્થાની દાળની બોલબાલા છે. એ કાંડાની તાકાતથી બનતી અસલી તુવેરની દાળ વર્ણનમાં ખોવાઈ ગઈ. તુવેરની દાળનું એ ગળપણ અને આંબલીની ખટાશ હવે નવી પેઢીને પસંદ નથી. ચારસો રૂપિયાની ગુજરાતી થાળીમાં રોટલીનો ટૂકડો માંડ ઝબોળી શકો એવડી વાડકીમાં પીરસાતી દાળ જોઈ તુવેરની દાળ પર એક કરૂણ સોનેટ લખવાનું મન થઇ આવે છે.

આજે પણ કોઈ વાર મને નાતમાં કમંડળ લઈને ગરમાગરમ દાળ પીરસતા લોકોનાં ‘હાકોટા’ના પડઘા કાને અથડાય છે. પોતાનાં જીવનનાં છેલ્લાં વર્ષોમાં પ્રજ્ઞાચક્ષુ થઇ ગયેલ અમારા ગ્રેટ ગ્રાંડ ફાધર સ્વર્ગમાં ‘નાતની દાળ’ બનાવડાવી દિવ્ય સંતોષથી પીતા હોય એવો મને ભાસ થાય છે.

લેખક : અનુપમ બુચ 

વાર્તા,લેખ, સમાચાર કે પછી હેલ્થને લગતી આ તમામ માહિતી એકસાથે વાંચવા માટે લાઇક કરો અમારું પેજ 

 

 

 

ટીપ્પણી