ઇસ્ત્રીના કપડાંની ઝંઝટ! વાંચો મજાની વાર્તા છે

ઇસ્ત્રીના કપડાંની ઝંઝટ!

કપડાં પલાળી, ધોઈ, સૂકવી, સંકેલી, ‘ઇસ્ત્રીમાં આપવા જેવાં કપડાં’ જૂદાં પાડી ફાટેલી ચાદર/સાડલાના કટકામાં બંધાતો એક ગાંસડો અમારા ઘરના ઇન્ટીરિયરનો ભાગ હતો અને આજે પણ છે.

માત્ર નોકરી કરી ઉંધા વળી જતા પુરુષના ભાગે ઘરનું એક જ કામ આવતું. બહાર જતાં-આવતાં ફળિયાને નાકે આવેલ ધોબીની દૂકાને ‘ઇસ્ત્રીના કપડાં’ આપી આવવા-લઇ આવવાના. દાદાના છ બટનનો લોંગ કોટ કે ખાસ પ્રસંગના કપડાં જ ધોઈને ઈસ્ત્રી કરવાની યાદીમાં હોય. એમાં માવડી કે દાદીનાં ‘લૂગડાં’ ન હોય, હોં! અમુક ઘરમાં કપડાં સૂકવવાની સિંદરી કે દોરીની છાપ દેખાય એવાં ઈસ્ત્રી વિનાના લેંઘા-ઝભ્ભા અને ફ્રોક ઘરમાં નિસંકોચ પહેરતાં. હા, નોકરીએ જતા ‘ભાઈઓ’ના કપડાં ચીવટથી ઇસ્ત્રીમાં અપાતાં.

નારણ-જગો-ખીમોની ‘ભંડકિયા’ દૂકાનની બહાર પડી રહેતી લોખંડની એક ખૂરશી પર અડ્ડો જમાવી ગામ આખાની સલામ જીલતા કેટલાય ‘જેન્ટલમેન’ જીવી ગયા. પણ સાહેબ, રોજનાં ૨૦૦-૩૦૦ કપડાં ઈસ્ત્રી કરતા જીવા-ખીમાને હસતાં-હસાવતાં, તડાકા મારી એનું કામ હળવુંફૂલ એ જ ‘જેન્ટલમેન’ કરતા.

જીવો-ખીમો-ભીખો-નારણ માટે ઇસ્ત્રીના કપડાં કોના ઘરનાં છે એની આઇડેન્ટિટી એટલે ઇસ્ત્રીના કપડાં બાંધવાનું કપડું. શેરલોક્સ હોમ્સ પૂરાવો ઓળખવામાં થાપ ખાઈ જાય પણ આપણો ધોબી ઈ કપડું ઓળખવામાં થાપ ન ખાય. કેટલાં કપડાં થયાં એ હિસાબ કોઈ ગ્રાહકે આપેલી બે વરસ જૂની ડાયરીમાં આડા-અવળા હાંસિયા પાડી નોંધવાનું અને મહિને પાક્કો હિસાબ કરવાનું કામ જીવા-ભીખાનું. ભલેને બે ચોપડી ભણીને ઊઠી ગયો હોય!

“કપડાં લઇ આવ્યો?’ સાંભળતાં જ “ના, ભૂલી ગયો” કહી તરત પાછો ફરતો અને બે હાથમાં વસ્તારી કુટુંબના ઈસ્ત્રી કરેલાં કપડાંનો થપ્પો લઈ ઘેર આવતો પુરુષ ગણપતિ વિસર્જન કરવા નીકળેલ યજમાનની પ્રતિકૃતિ જ લાગે!

મોટા શહેરમાં રહેવા આવ્યા પછી ઇસ્ત્રીના કપડામાં ધીમે ધીમે આવેલ પરિવર્તનના અમે પ્રમુખ સાક્ષી છીએ. સોસાઈટીઓના નાકે નાની કેબીનમાં ઈસ્ત્રી કરી પેટીયું રળવા ગુજરાત-રાજસ્થાનની બોર્ડરનાં ગામડાઓમાંથી માઈગ્રેટ થઇ આવેલા રતનજી-ભૂદરજીએ અમને સાચવી લીધા. એમણે અમને જીવા-ખીમાની ખોટ સાલવા ન દીધી. હા, ફેર માત્ર કપડાની સંખ્યામાં પડ્યો. ઘરમાં પહેરવાનાં લેંઘા અને બ્લાઉઝ સુધ્ધાં ઇસ્ત્રીમાં આપતા થયા. વાસ્તારી પરિવારમાં એક મહિનાના નીકળતાં ઇસ્ત્રીના કપડાં એક નાના પરિવારમાં અઠવાડિયે નીકળવવા લાગ્યાં.

વચ્ચે થોડો સમય ગાળો એવો પણ આવ્યો જ્યારે ‘હાથે ઈસ્ત્રી કરવાનું’ તૂત ચાલુ થયું’તું. ખબર નહીં કેમ પણ કેટલાક લોકો ફિલિપ્સ અને બજાજની ઓટોમેટિક ઇસ્ત્રીને રવાડે ચડ્યાં’તા. અમે પણ અપવાદ ન હતા. બાળકોના યુનિફોર્મને રોજ ઈસ્ત્રી કરવાની જરૂર પડે છે એવા બહાના નીચે લોકોએ ઈસ્ત્રી અને ઈસ્ત્રી ટેબલો વસાવ્યાં. પછી ‘હાથે ઈસ્ત્રી કરવાનો’ નશો ઉતરતો ગયો. ઈસ્ત્રી હોવા છતાં સોસાઈટીને નાકે યુનિફોર્મને ઈસ્ત્રી કરાવવા હાંફળી-ફાંફળી દોડતી મહિલાઓને ઈસ્ત્રી કરવાનો કંટાળો આવવા લાગ્યો. ‘ઈસ્ત્રી કરવી એક ઝંઝટ છે’ એવું સ્લોગન લોકપ્રિય થયું. કાટ ખાતું ઇસ્ત્રીનું ટેબલ નડવા લાગ્યું એટલે માળીયે ચઢ્યું અને ઇલેક્ટ્રિસિટીનું બિલ મોંઘુ પડવા લાગ્યું. અમારી બંધ પડેલી ઓટોમેટિક ઈસ્ત્રી ભંગારવાળો વજનના ભાવે લઇ ગયો’તો તે દિવસ કબાટમાં જગ્યા થઇ એવું અમે આશ્વાસન લીધું’તું.

નવી પેઢી નસીબદાર છે. હવે તો ‘ધોવો ને પહેરો’ કપડાંની બોલબાલા છે. જીન્સ-કોર્ડરોયને ઈસ્ત્રીની જરૂર નથી હોતી. ઈસ્ત્રી કરો તો ખરાબ થાય એવાં ક્રીઝ્લેસ અને મુલાયમ તૈયાર કપડાં હેન્ગરમાં ટીંગાતાં હોય છે. બાકી પેટ્રોલ વોશ, રોલ પોલિશ કે ડ્રાયક્લીન કરાવી ચકાચક પહેરતાં કપડાં લક્ઝરી નહીં પણ જીવન જરૂરિયાત ગણાય છે.

પરદેશમાં લોન્ડ્રી કરી વિક એન્ડમાં હાથે ઈસ્ત્રી કરતા આપણા સગાં-સંબંધીઓને પણ થતું હશે કે એમની કમ્યુનિટીના નાકે કોઈ જીવો-ખીમો ઈસ્ત્રી કરવા નાની કેબિન નાખે તો કેવું સારું?

ભલે કોલસા ગયા ને લાઈટ આવી પણ છ-છ દાયકાઓ પછી કશું બદલાયું નથી. હવે અમારે ત્યાં એકાંતર બેલ મારી હારિજનો રમેશ બેડશીટના ચોરસ ટૂકડામાં બાંધેલ ઇસ્ત્રીનાં કપડાંનું પોટલું બાઈક ઊપર લઇ જાય છે અને આપી જાય છે. હા, એક ફરક છે. રમેશભાઈનો દીકરો અંગ્રેજી માધ્યમમાં ભણે છે.Anupam Buch

બાકી એ જ જુનીજપટ ડાયરી, એ જ ગરબડિયા અક્ષરમાં હિસાબ, એવું જ પોટલું! જગા-નારણની ‘ભંડકિયા’ દૂકાન યાદ ન આવે તો જ નવાઈ!

 

લેખક : અનુપમ બુચ 

વાર્તા, લઘુકથા કે પછી અન્ય સ્ટોરી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરોને જેંતીલાલ”

ટીપ્પણી