અનુભૂતિ – જીવનની આવી પણ કરુણાંતિકા હોય…

મેક્સિમમ અઠવાડિયું કે દસ દિવસ, મને લાગે છે તમે રિલેટીવ્સને બોલાવી લો…”

બારણાં સુધી વળાવવા આવેલા દિનેશ ભાઈને ડોકટરે બને એટલા ધીમા સ્વરે કહ્યું. બેડરૂમમાં સુતેલી વંદનાની છેલ્લા ત્રણ વરસથી કેન્સર સામે ઝઝૂમી રહેલી કૃશ કાયા તરફ લાચાર નજર નખાઇ ગઈ દિનેશ ભાઈથી. છેલ્લા બે મહિનાથી તો એ બિચારી પલંગમાંથી બેઠી થઈને બારીની બહાર પણ જોઈ નાં શકે એટલી અશક્ત થઇ ગઈ હતી.

બાવીસ વર્ષના સહજીવનનો અંત હવે નજીક હતો. ક્યારેક વંદનાની આંખો ખુલીને જાણે અંતરીક્ષ તરફ તાકી રહેતી, તો ક્યારેક થોડા શબ્દો, બાકી તો વંદનાના શ્વાસની ઘરઘરાટી અને ચીમળાઈ ગયેલી આંગળીઓનું નહીવત જેવું હલન ચલન, બસ જીવંતતાની આટલી જ નિશાની બાકી રહી હતી. .

દસમી લગ્ન તિથીએ એણે મજાકમાં ડાઈમંડ રિંગ માંગી હતી, પરંતુ ત્યારે પૈસાની કોઈ જોગવાઈ ના હતી, “પચ્ચીસમી એનીવર્સરીએ ચોક્કસ” કહીને વંદનાને ચીડવતા, વાતને ટાળી હતી. પચ્ચીસ વર્ષને તો હજી ત્રણ વર્ષની વાર હતી, અને વંદનાની વીંટી વિહોણી આંગળી તો હવે થોડા દિવસમાં જ …,આ ત્રણ વરસની માંદગીમાં બેંક બેલેન્સ પણ તળિયા ઝાટક ..એક નિસાસો દિનેશભાઈની અંદર જ ઘૂંટાઈને રહી ગયો .

“ચાર દિવસથી ગયો નથી, થોડા કલાક ઓફિસે જઈ આવું ” ખાટલા પાસે બેઠેલી નર્સને કહીને દિનેશ ભાઈ ઉઠ્યા. પાંચેક કલાક પછી પોતાનું “એકટીવા ” વેંચીને, પાસે આવેલા જવેલર્સની દુકાનના પગથીયાં તેઓ ઉતરી રહ્યા હતાં .

એ રાતે, વંદનાની ક્ષીણ પડી ગયેલી આંગળી ઉપર મોટી પડતી ડાઈમંડ રિંગનો ઝળહળાટ નિર્જીવતા તરફ ધપી રહેલી આંગળીને જીવંતતાનો એહસાસ કરાવી ગયો. વંદનાની પ્રશ્નસૂચક નજરને “દિવાળીના બોનસમાંથી ..” કહીને શાંત કરી દેવામાં દિનેશ ભાઈ સફળ રહ્યા હતા .

ડોકટરે અઠવાડિયાનું કહ્યું હતું , પણ મોડી રાત્રે વંદનાને ઉપડેલો શ્વાસ ક્યાંક બીજી જ આગાહી કરતો હતો. રૂમમાં આ નિ:સંતાન દંપતિના મૌન પર શ્વાસનો બિહામણો અવાજ હાવી થઇ રહ્યો હતો. હવે તો આ છેલ્લા શ્વાસે, વંદના સાથે એકલા જ ..દિનેશ ભાઈએ વિચાર્યું .

અચાનક વંદનાનો ઊંચો થયેલો હાથ દિનેશ ભાઈએ પકડી લીધો. એના ફફડતા હોઠ પાસે એમણે પોતાનો ચહેરો ઝૂકાવ્યો. ઊંડાણમાંથી આવતા તૂટક તૂટક શબ્દો એમના કાને પડ્યા ..
“મારો ..શોખ .પૂરો કર્યો .., વીંટી કાલે વેંચી…ઓફિસ ..દૂર..ચાલતા ના..તમારા પગ દુખી ..”

વંદનાનો હાથ, દિનેશ ભાઈના હાથમાંથી સરકી રહ્યો હતો. પહેલાં હાથ, પછી આંગળીઓ ..અને આંગળીઓ સરકીને દિનેશ ભાઈના હાથમાં માત્ર રિંગ રહી ગઈ હતી …!!
અને ઓરડામાં .. “ઘેરું મૌન ..!!”

લેખક : હેમલ વૈષ્ણવ, બ્લોગ – http://Bozil.wordpress.com

ટીપ્પણી