“અણસારો” દરેક વ્યક્તિએ એક વાર જરૂર વાંચવી….

“અણસારો”

*********

ઉંમરના પચાસ વર્ષના ઉંબરે ઉભેલી વર્ષાના ચહેરા પર ત્યારે ગર્વભરી લાલિમા છવાઈ ગઈ, જ્યારે સ્ટેજ પરથી તેનું નામ બોલાયું. શહેરની એક મોટી સંસ્થા દ્વારા યોજાયેલી ઠંડા પીણાંની સ્પર્ધામાં તેણે બનાવેલા કોકમના શરબતને પ્રથમ ઇનામ મળ્યું હતું. તે હરખઘેલી થઈ ગઈ…. જિંદગીમાં પહેલી જ વખત સન્માન પામવા જતાં સહજ દોડી જવાયું…… તાળીઓના ગડગડાટ વચ્ચે તેણે ઇનામ સ્વીકાર્યું ત્યારે એ પળને તેની સમવયસ્ક મહિલાએ સ્માર્ટફોનમાં ‘ક્લિક’ કરી લીધી. જેવું તેણે પોતાનું સ્થાન લીધું કે આસપાસ બેઠેલી મહિલાઓએ તેની પર અભિનંદન વરસાવ્યા. જીવનના પ્રથમ ઇનામ – સન્માનને એ હર્ષાશ્રુ સાથે માણી રહી….

કાર્યક્રમ પૂરો થતાં જ શરબતની રેસીપી જાણવા અનેક સ્પર્ધક મહિલાઓ તેને ઘેરી વળી. વર્ષા સૌને હોંશે હોંશે શરબત ચખાડતી ગઈ અને રેસીપી સમજાવતી ગઈ. ત્યારબાદ તેણે શરબત માટે કરેલા પ્રેઝન્ટેશન અને ડેકોરેશન વગેરેનો સંકેલો કર્યો. આ બધા માં ખાસ્સો અડધો – પોણો કલાકનો સમય નીકળી ગયો. ઘરે જવાનું મોડું થઇ રહ્યુ હતું. આ ખુશી ખબર તેને પોતાના નાનકડા પરિવારને ઘરે પહોંચીને આપી રૂબરૂમાં અભિનંદન ઝીલવા હતાં. તેથી ફોન ન કર્યો અને સીધી રીક્ષા કરી લીધી…..

ઘરે જવાનો હરખ મનમાં સમાતો ન હતો. મોડી સાંજના ટ્રાફિકમાં રિક્ષાનું વારેઘડીએ ઉભું રહેવું તેને ગમતું ન હતું. રસ્તો ખૂટતો ન હતો. એટલે જ તો સમય પસાર કરવા સ્માર્ટફોનમાં પોતાના આજના ફોટોગ્રાફ્સ જોઈ રહી…. ખુશીથી છલોછલ હતો એ ફોન…. પહેલા પણ અને આજે પણ… એ જ સ્માર્ટફોન કે જે એક વર્ષ પહેલાં પતિ હેમંતે તેને બર્થ ડે ગિફ્ટમાં આપ્યો હતો. કેટલી રકઝક કરી હતી તે દિવસે…..

‘અરે, આવી મોંઘી વસ્તુ લેવાય? ખોટો ખર્ચ કર્યો.’
….અને આ એક નાનકડા વાક્યના પ્રતિભાવમાં હેમંતે લગ્નથી માંડીને આજના બર્થ ડે દિવસ સુધીની જિંદગીનું જાણે સરવૈયું કાઢી આપ્યું હતું.

‘કોઈ ખોટો ખર્ચ નથી કર્યો. અત્યાર સુધી તે કરકસર કરી ઘર વ્યવસ્થિત ચલાવ્યું છે. કોઈને કંઈ વાતની કમી આવવા દીધી નથી. પરણીને આવી ત્યારથી સાસુ – સસરાની સેવા, નણંદના લગ્ન, સુવાવડ અને એમાં આપણો પરિવાર .ખાસ તો આ મકાન ઉભું કરવું. આ બધી ભારેખમ જવાબદારીઓ વચ્ચે તું તો જીવી શકી જ નથી. હવે મોંઘવારીની વાત છોડ. દીકરો સારું કમાય છે.દીકરી પણ પરદેશમાં સાસરે સુખી છે. હવે પૈસાની અને સંતાનોની ચિંતા છોડ. હવે તો આપણે આપણા માટે જીવવાનું છે.’ એમ કહી હેમંતે પોતાનો હાથ હાથમાં લઈ હૂંફ આપી વાત આગળ વધારતાં કહ્યું હતું, ‘ અત્યારે આપણે ઉંમરના એવા તબક્કે પહોંચ્યા છીએ, જ્યાં તનની સ્વસ્થતા સાથે મનની સ્વસ્થતા પણ ખૂબ જરૂરી છે. મન ખુશ રહેશે તો બીમારીઓ સતાવશે નહીં. આયખું કોઈને તકલીફ આપ્યા વિના સરળતાથી પૂરું થઈ જશે. હું ઘણુ કમાણો ને તે ઘણી બચત કરી. હવે એ બચતના પૈસાને વાપરવાનો સમય થઈ ગયો છે…….’

….તે વખતે પતિના કદરરૂપ શબ્દો સાંભળી ચહેરા પર આનંદની લહેરખી ફરી વળી હતી. સાથે હળવેકથી પૂછાઈ ગયું હતું, ‘પણ મારે ફોનની શી જરૂર ? મને આવડશે પણ નહીં.’

‘ ન શું આવડે…? તું તો ભણેલી છો. હું તને શીખવી દઈશ.’ શાંતિથી પ્રત્યુત્તર વાળતા હેમંતે સમજાવ્યું હતું….’ વર્ષા, ફોન અત્યારના સમયની જરૂરીયાત છે. ઇમરજન્સીમાં તો કામ લાગે જ, તે સાથે તું દુનિયાને પણ જોઈ – જાણી શકીશ. તારી ખુશીઓ વહેંચી શકીશ. ફોન ક્યારેક તારી એકલતાનો સાથી પણ બનશે. તું એક કામ કર. બે – ત્રણ મહિલા સંસ્થામાં સભ્યપદ લઈ લે. બહાર નીકળ. કાર્યક્રમમાં, સ્પર્ધાઓમાં ભાગ લે. બસ, હવે બાકીની જિંદગી માણી લે.’

ત્યારબાદ હેમંતે ઇન્ટરનેટ કનેકશન લઈ દીધું હતું અને ફોન ઓપરેટ કરતા પણ શીખવી દીધો હતો. પછી તો પોતે નવરાશના સમયમાં ધીરે ધીરે બધું જ શીખી ગઈ હતી અને જ્યાં જતી ત્યાં ફોન સાથે જ રાખતી થઈ ગઈ હતી. બે મહિલા સંસ્થાઓમાં સભ્યપદ લઈ લીધું હતું. જેમાં આજે એક જગ્યાએ ઠંડા પીણાની સ્પર્ધામાં ભાગ લીધો ને વિજેતા બન્યાની ખુશીની એ પળોને તેની સખી દ્વારા આ ફોનમાં કેદ કરાવી લીધી હતી. જેને પરિવાર સમક્ષ વ્હેંચી આનંદને બમણો કરવાની કલ્પનામાં એ રાચી રહી હતી. રસ્તો ખૂટી રહ્યો હતો….

…..થોડી જ વારમાં રીક્ષા ઘર આંગણે આવી ઉભી રહી…..પૈસા ચૂકવી ફળીયામાં પગ મૂક્યો….દરવાજો બંધ…..લાઈટ બંધ….દીકરા – વહુ સૂઈ ગયા હોવાનું જાણી થોડી વ્યથિત થઈ….. આનંદ વહેંચવાનો ઉત્સાહ ઓસરી ગયો..સ્વગત જ બબડી…’ બસ, અડધો – પોણો કલાક પણ રાહ ન જોઇ !! ‘

ચાવીનો બીજો સેટ તેની પાસે હતો. લોક ખોલી ઘરમાં પ્રવેશી. જમવાની ઈચ્છા મરી ગઈ હતી. તેમ છતાં આત્મગૌરવની આજની પળો પર પરિવારે આપેલી નારાજગીની પળોને હાવી ન થવા દીધી…..શેષ બચેલા જીવનની પળેપળને એ માણી લેવા માંગતી હતી…તેથી જ તો દીકરા – વહુના ઉપેક્ષિત વર્તનને તેણે મનમાં જ ન લીધું….

દરવાજો બંધ કરી તે પોતાના બેડરૂમમાં ગઈ….નિરાંતે બેસીને ફરી ફોટોગ્રાફસ જોયા….ફેસબુકમાં પોસ્ટ કર્યા….ત્યારબાદ અતિ ઉત્સાહ સાથે વિદેશ સ્થિત દીકરીને વોટ્સએપમાં મોકલ્યા….તુરત જ અભિનંદનનો મેસેજ આવ્યો.. બંનેએ ખૂબ વાતો કરી…..

આજની ખુશીને રૂબરૂમાં ઝીલવા માટે ઘરમાં પરિવારજનો તો હતા, પણ ન હતા જેવા. પરંતુ સ્માર્ટફોન થકી દીકરી સાથે આ ખુશી વહેંચતા રૂબરૂ મળ્યા જેવી જ પ્રતીતિ થઈ આવી….તે ગળગળી થઈ બોલી…’ હેમંત, તમે સાચું જ કહેતા હતા કે આ સ્માર્ટફોન તારી એકલતાનો સાથી બની રહેશે. પરંતુ ખરા અર્થમાં સ્માર્ટ તો તમે જ કહેવાવ. કારણ કે, તે સમયે મારા જીવનમાં આવી રહેલી અને વેંત એક જ છેટે ઉભેલી એકલતાની પળોનો અણસારો તમને આવી ગયો હતો !! ‘

…..અને બેડરૂમમાં સંપૂર્ણ નિરવતા વચ્ચે વર્ષાની ભીની આંખોવાળા ચહેરાનું આછું પ્રતિબિંબ સામે રહેલી સુખડના હાર પહેરેલી હેમંતની તસ્વીરમાં ઝીલાઈ રહ્યું……

લેખક : શીલા જોબનપુત્રા (રાજકોટ)

ખુબ સુંદર વાર્તા, શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી