અનોખી રીતે દેશભક્તિ દર્શાવતાં આ ગુજરાતી પત્રકારને ઓળખો છો ? Very Informative !!!

સામાન્ય કરતાં વધુ ઝડપે એ દિવસે મારી ગાડી ભાગી રહી હતી. સ્પીડોમીટર પર જમણી તરફ સરકી રહેલા કાંટા સાથે ઉચાટ પણ વધી રહ્યો હતો. નજર વારે વારે કાંડા પર બાંધેલી ઘડિયાળ તરફ જતી હતી. ” ઓહ, ૫:૩૦ ! હવે જગ્યા મળવી અશક્ય છે..” હું સ્વગત બબડ્યો. મારું મુકામ હતું ભુજમાં મુન્દ્રા રીલોકેશન સાઈટ પાસે આવેલું ‘શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજ’નું ઓડિટોરિયમ. આમ તો એ મારા ઘરથી માત્ર બે મિનિટના અંતરે છે, પણ બે દિવસ પછી શરુ થઇ રહેલી પરીક્ષાના મટીરીયલની ક્ષેરોક્ષ કોપીઓએ મારી બધી ગણતરીઓ ઊંધી વાળી દીધી હતી ! આખરે ૫:૪૦ એ હું ત્યાં પહોંચ્યો.

શનિવાર અને ‘એપ્રિલ ફૂલ’નો દિવસ હતો ! સાંજે સવા પાંચ વાગ્યાથી જ ‘મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજ’નું ઓડિટોરિયમ ભરચક્ક થવાનું શરુ થઇ ગયું હતું. એ દિવસે ભુજવાસીઓ એક એવા કાર્યક્રમના સાક્ષી થવાનાં હતાં, જેના પર બડી શાનસે તેઓ ગર્વ કરી શકે એમ હતાં. કાર્યક્રમનું નામ હતું ‘સિયાચેન અવેરનેસ ડ્રાઇવ’ અને તેના વક્તા હતાં ગુજરાતના અત્યંત લોકપ્રિય સાયન્સ મેગેઝીન ‘સફારી’ના સંપાદક અને ‘આ છે સિયાચેન’ પુસ્તકના લેખકશ્રી હર્ષલ પુષ્કર્ણા. સિયાચેનની તેમણે બબ્બે વાર કરેલી યાત્રાનું રોમાંચક સફરનામું સ્વમુખે તેઓ બયાં કરવાના હતાં.

‘સફારી’ વિશે વાંચનનો કોઈ રસિયો અજાણ હોય એ વાત ગળે ઉતરે એમ નથી. જાણીતા પત્રકાર, ‘જિંદગી જિંદગી’, ‘શેરખાન’, ‘હાથીના ટોળામાં’ અને એના જેવી જ બીજી અનેક બેનમૂન કૃતિઓના સર્જક સ્વર્ગીય શ્રી વિજયગુપ્ત મૌર્ય દ્વારા શરૂ થયેલી લેખન યાત્રાને તેમના પુત્ર (અને સવાયા લેખક) શ્રી નગેન્દ્ર વિજય પછી આજે તેમના પુત્ર અને વિજયગુપ્ત મૌર્ય સાહેબના પૌત્ર શ્રી હર્ષલ પુષ્કર્ણા આગળ ધપાવી રહ્યાં છે. નગેન્દ્ર સાહેબને કોણ નથી ઓળખતું ! ‘યુદ્ધ ‘૭૧’, ‘કોસ્મોસ’, ‘વિશ્વ વિગ્રહની યાદગાર યુદ્ધકથાઓ’ જેવા દરેક ક્ષેત્રના અનેક પુસ્તકો તેમની રસાળ કલમની દેન છે. હર્ષલ સાહેબ પણ દાદા અને પિતાના નકશેકદમ પર ચાલીને યુવા લેખકો માટે ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ‘સફારી’માં પોતાનો પહેલો લેખ તેમણે દાદાના માર્ગદર્શન હેઠળ લખ્યો હતો.

લેખન દ્વારા વિજ્ઞાન સેવા ( સાથે સાથે દેશસેવા પણ !) અને એ પણ ગુજરાતીમાં, કંઈ રમતવાત થોડી છે… ‘સફારી’ની શરૂઆત થઇ એ અરસામાં તો જરાય ન હતી ! એક તો ગુજરાતી વાચકોની વિજ્ઞાન પ્રત્યેની ઉદાસીનતા (એ સમયે, બાકી અત્યારે ‘સફારી’ના પ્રતાપે સ્થિતિ ક્યાંય સારી છે !) અને પાઠ્યપુસ્તકોમાં ભદ્રંભદ્રી લખાણને લીધે એ વિષય પ્રત્યે અણગમો ! અત્યાર સુધીની સફરમાં અનેક મુશ્કેલીઓ આવી, કેટલીક વાર તો ખોટ ખાઈને પણ મેગેઝીન ચલાવવાનો વારો આવ્યો, પણ છતાંય આ મહાનુભાવો અડીખમ રહ્યાં. પૈસા માટે પત્રકારીતા કરવાને બદલે તેમણે રાષ્ટ્ર માટે પત્રકારત્વ સ્વીકાર્યું. આજે ‘સફારી’ દરરોજ નવા નવા સીમાચીહ્નો સર કરતુ રહે છે, જેના માટે તેમને અભિનન્દન આપવા ઘટે.

આવડા મોભાદાર માસિકના સંપાદક ધારે, તો પોતાની એર કન્ડિશન્ડ કેબિનમાં બેસીને કોફીની લિજ્જત માણતે માણતે આરામથી તેજાબી લેખ લખી શકે, પણ જયારે તેમની દેશભક્તિ તેમને સરહદ પર રૂબરૂ જઈને ત્યાંના સીમા પ્રહરીઓની હાલત જાણવા માટે પ્રેરે ત્યારે ? અને એ સરહદ પણ ક્યાંની ? વિશ્વના સૌથી ઊંચા સમરાંગણની, સિયાચેનની ! તો તો કશુંક અનોખું બને જ હોં ! સિયાચેન, ( ગુજરાતીમાં ‘સિયાચેન’નો મતલબ થાય ‘ગુલાબનો પ્રદેશ’ ! ખરેખર તો ત્યાં બરફ સિવાય કશું નથી ‘ઉગતું’ ) બારેમાસ બરફથી ઢંકાયેલી રહેતી એ જગ્યા, જ્યાં જવાનો વિચાર કોઈ ઢીલોપોચો માણસ તો સ્વપ્નેય ન કરી શકે. એવી દુર્ગમ જગ્યાએ જઈને ત્યાંની કપરી પરિસ્થિતિઓનો તાગ મેળવવાની હર્ષલ સાહેબની ઉત્કંઠા કેટલી અદમ્ય હશે, એના વિશે તો માત્ર અનુમાન જ કરવું રહ્યું.

પત્રકારીતાને એક અલગ મુકામ સુધી પહોંચાડનાર એ મુઠ્ઠી ઊંચેરા માનવીને સાંભળવાનો નગરજનોને લ્હાવો મળવાનો હતો. એમની કલમની શક્તિથી અમે સૌ પરિચિત હતાં જ, પણ આજે પહેલીવાર એમની વક્તૃત્વ શક્તિનો પરચો જોવાના હતાં. સિયાચેન બાબતે જાગૃતિ લાવવાના અંતર્ગત તેમનો છઠ્ઠો અને સાતમો સેમિનાર અનુક્રમે ભુજ અને અંજારમાં થવાનો હતો. જેના આયોજક ‘કચ્છમિત્ર’ અને ‘રોટરીક્લબ’ હતાં.

ઝડપથી ગાડી પાર્ક થઇ, અને આગળ પાછળ જોયા વિના યંત્રવત્ રીતે જ પગ પહેલા માળે આવેલા ઓડિટોરિયમ તરફ દોડ્યા.

“હાશ આખરે પહોંચ્યા ખરાં !” અંદર ઘૂસતાં જ હ્રદયમાં ઠંડક થઇ, જે અલ્પજીવી હતી. સામે આખો ઓડિટોરિયમ ખીચોખીચ ભરેલો હતો. જાણે ભુજના બધા બુધ્ધિજીવીઓ અહીં જ ભેગા થયા હોય ! હવે બેસવાની જગ્યા કેવી રીતે શોધવી એ પ્રશ્ન હતો. ખેર, આજનો સેમિનાર મારે કોઈ પણ ભોગે ગુમાવવો ન હતો, તેથી આગળ વધ્યો. સદનસીબે જમણી બાજુની પાંચમી હરોળમાં એક કાકા ખાલી સીટ રોકી બેઠા હતાં. બંદો એ તરફ ચાલ્યો. ફોન પર એમની કોઈક સાથે વાત ચાલુ હતી. કદાચ તેઓ પોતાના મિત્રને જલ્દી આવવાની તાકીદ કરી રહ્યા હશે, એવું મેં અનુમાન લગાવ્યું.

જેવો કાકાએ પોતાનો હાથ સીટ પરથી જરા ખસેડ્યો કે તરત આપણે આસન જમાવી લીધું. હા, એમનું બગડેલા કોળા જેવું મોઢું જોવાની તાલાવેલી હું રોકી શક્યો એ જરા નવાઈની વાત હતી ! અલબત્ત ખાસ્સી મેદનીવાળી જગ્યાએ ‘વહેલા તે પહેલા’નો વણલખ્યો નિયમ હોય છે, જેનો મેં પૂરો મલાજો જાળવ્યો ! જો એ ખોટું હોત, તો પણ આજે બધું મંજૂર હતું. કાર્યક્રમ બસ હવે શરુ થવામાં જ હતો. સમય નામની બલામાં વિશ્વાસ ન ધરાવતાં અમુક રાજકીય આગેવાનોની રાહ જોવાઇ રહી હતી.

સામે સ્ટેજ પર બંને તરફ ‘આ છે સિયાચેન’ શીર્ષક લખેલાં મોટા પોસ્ટર ખોડાયેલા હતાં. પોસ્ટરની સમાંતર વચ્ચોવચ્ચ થોડી ખુરશીઓ ગોઠવેલી હતી. પાછળ મલ્ટિમીડિયા માટેનો વિશાળ, સફેદ પડદો લાગેલો હતો. ખીચોખીચ ભરાયેલા હોલમાં એ દિવસે બધી વયજૂથના લોકો હાજર હતાં !

થોડીવારે સ્ટેજ પર મહાનુભાવો પધાર્યા. હાજર પ્રેક્ષકોમાંથી અમુક અપવાદ સિવાય બીજાઓને માત્ર હર્ષલ પુષ્કર્ણાને સાંભળવામાં રસ હતો. દીપ પ્રાગટ્ય અને મહેમાનોના પ્રારંભિક અભિવાદન પછી સ્ટેજ ખાલી થઇ ગયું, માત્ર એક વ્યક્તિ- હર્ષલ સાહેબ સિવાય ! નાક-નકશો એમનો નગેન્દ્ર વિજય સાહેબ જેવો. ફુલ સ્લીવ્ડ શર્ટ, ફોર્મલ પેન્ટ, કાળાં જૂતાં, આંખો પર નંબરવાળા ચશ્મા અને ચહેરા પર શાલીનતા. સિયાચેનમાં ખેલાયેલા એક બેજોડ સંઘર્ષની સત્યકથાથી તેમણે વ્યક્તવ્ય શરુ કર્યું. ૨૦૧૪ની દિવાળીથી નક્કી થયેલ ‘ઓપરેશન સિયાચેન’થી માંડીને સિયાચેનની ઉત્તુંગ શિખરો પર આવેલી ચોકી સુધીના તેમના પગપાળા પ્રવાસ વિશે પણ વિગતવાર ચર્ચા કરી.

૨૦૧૪ની દિવાળી વખતે તેઓ સહપરિવાર લદ્દાખના ચુશૂલ ખાતે હતાં. આગલી દિવાળી સિયાચેનમાં મનાવવાનો નિશ્ચય થયો અને અમદાવાદ પરત આવીને અમલમાં પણ મૂકાયો. થોડા મહિના સિયાચેન જવા માટેની પરવાનગી લેવામાં વીત્યા. સિયાચેન પર સામાન્ય નાગરિકોને અમુક વિસ્તાર સુધી જ જવા દેવામાં આવે છે. વધુ આગળ જવા માટે લશ્કરની મંજૂરી લેવી પડે છે, જે સમય માંગી લેતી અટપટી પ્રક્રિયા છે. સિયાચેન જવાનો પોતાનો મકસદ જણાવી, સબૂત માટે સફારીના અમુક અંકો મોકલી, અને ટેલિફોનિક ‘ઇન્ટરવ્યૂ’માંથી ખરા ઉતરીને આખરે પરવાનગી મળી અને ‘સફારી’ની ટીમ મીઠાઇના શક્ય એટલા વધુ બોક્સ સાથે સિયાચેન તરફ રવાના થઇ ગઈ. ત્યાંનો અનુભવ ખરેખર તેમના માટે અવિસ્મરણીય બની રહેવાનો હતો.

પોતાના પરિવારથી હજારો કિલોમીટર દૂર રહેવાનું, જ્યાં ચકલુંય ન ફરકી શકે એવી જગ્યાએ કપરાં દિવસો કાઢવાના, હર પળ મોત સામે ઝઝૂમવાનું અને છતાંય ફરિયાદનો એક હરફ પણ ન ઉચ્ચારવો એ કંઈ નાનીસૂની વાત નથી. ‘સફારી’ની ટીમે સિયાચેન બેઝ કેમ્પના જવાનોની આ દિલેરી નજરોનજર જોઈ. દિવાળીની શુભેચ્છાઓ આપીને તેમનું મોં મીઠું કરાવ્યું. સૂદુરથી આવેલા ‘નવા માણસો’ને જોઈને, અને ખાસ તો કોઈને પોતાની પરવા છે એ વાત જાણીને એ વખતે ઘણાં જવાનો ભાવવિભોર થઇ ગયા હતાં.

બસ ! ઈસમે કીક હૈ, સમજીને પુષ્કર્ણા સાહેબે હવે ઉપર શિખર પર આવેલી ચોકીઓની મુલાકાત લેવાનું નક્કી કર્યું. હેલિકોપ્ટરથી નહીં, પણ એક સૈનિક ચઢાણ કરે એ જ રીતે. જેથી જવાનોને થતાં અનુભવો તેઓ જાતે કરી શકે અને કલમ મારફતે પોતાના વાચકોને કરાવી શકે ! શારીરિક રીતે સજ્જ થઇ તેમણે સૌ પહેલા બર્ફીલી ચોટીઓ પર ટ્રેકિંગનો અનુભવ મેળવ્યો, સ્તોક કાંગડી શિખર સર કર્યું. થોડા સમય પછી ફરી સિયાચેન ગયાં, પોતાના જોખમે તેમણે સિયાચેન પર ‘ચડાઈ’ કરી અને ફતેહ મેળવી. ત્યાં ચાર દિવસ વિતાવીને જવાનોને પડતી હાલાકીનું તાદ્દશ અવલોકન કર્યું. ‘સફારી’ના કરોડો ગુજરાતી વાચકો વતી તેમને અભિનંદનની સાથે એક ખાતરી પણ આપી કે એમના પરાક્રમો અને બલિદાનો દેશવાસીઓથી અજાણ્યા નથી, અને ભવિષ્યમાં રહેશે પણ નહીં ! સફર પરથી પાછા ફરીને માત્ર દોઢ મહિનામાં ‘આ છે સિયાચેન’ નામનું અત્યંત રોમાંચક, માહિતીસભર અને દળદાર પુસ્તક લખી નાખ્યું. કોઈ પત્રકારની આનાથી વધુ મોટી સિદ્ધિ શું હોઈ શકે !

અલબત્ત છે. માત્ર પુસ્તક લખીને તેમનું અભિયાન થોડી પૂરું થઇ જવાનું હતું ! ખરી તૂફાની તો બાકી હતી. સિયાચેન વિશે તેમના અનુભવો, ત્યાંનું વિષમ વાતાવરણ, જવાનોની કઠોર દિનચર્યા અને અને આવડી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ઝળકતી તેમની હાડોહાડ વતનપરસ્તી વિશે દેશના વધુ ને વધુ લોકો જાણે એ હેતુસર તેમણે ‘સિયાચેન અવેરનેસ ડ્રાઇવ’ના નામે એક નિઃશુલ્ક કાર્યક્રમ શરુ કર્યું, જેમાં હાજરી આપનાર પાસેથી એક રૂપિયો પણ લેવાતો નથી ! ખરેખર તો તેને મિશન કહેવું પડે એમ છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં ‘સિયાચેન અવેરનેસ ડ્રાઇવ’ અંતર્ગત વિવિધ શહેરોમાં એકવીસ સેમિનાર સફળતાંપૂર્વક યોજાઈ ગયા છે. ભવિષ્યમાં હજી ઘણાં યોજાવાના છે.

હજારો લોકોએ એ સેમિનારમાં હાજરી આપી, જાણે જાતે જ સિયાચેન ગયા હોય એ રીતે સેમિનાર માણ્યા છે. દેશભક્તિ, જાંબાઝી, નિષ્ઠા અને ફરજપાલનની સત્યકથાઓ જાણીને તેઓ (આ લખનાર પણ !) અભિભૂત થયાં છે. કોઈ ગુજરાતી પોતાની ખરી તાકાત બતાવવા પર આવે, તો વાત અહીં પણ ન અટકે ! અત્યારે તેમના દ્વારા એક નવતર ઝુંબેશ હાથ ધરાઈ છે. ‘एक ख़त फौजी के नाम’ શીર્ષક અંતર્ગત એ સેમિનારોમાં ‘સફારી’ વતી પ્રેક્ષકોમાં પોસ્ટ કાર્ડ વહેંચાય છે, જેમાં તેઓ જવાનો પ્રત્યે આભાર વ્યક્ત કરતાં અમુક શબ્દો (હિંદી કે અંગ્રેજીમાં) લખીને પાછા જમા કરાવી દે છે, જેને ‘સફારી’ની એક ટીમ પોસ્ટ કરી દે છે. રક્ષાબંધન વખતે ‘સફારી’ દર વર્ષે સિયાચેનના સીમા પ્રહરીઓને રાખડીઓ મોકલાવે છે, એક પ્રેમ ભર્યા પત્રની સાથે !

મનમાં કદાચ એવો સવાલ થાય, કે આનો ફાયદો શું ? ફાયદો છે, અને મનોવૈજ્ઞાનિક રીતે જબ્બર છે. કઠોર જિંદગી વિતાવતાં એ જવાનો જયારે તેમના પર આવેલાં, આભાર દર્શાવતાં પત્રો વાંચે ત્યારે તેઓનું મનોબળ વધુ દ્રઢ થાય છે. તેમના બલિદાનો પ્રત્યે દેશવાસીઓ જાગૃત છે, અને તેમની ફરજપરસ્તીનું સમ્માન કરે છે, એ વાત સૈનિકોમાં બમણો જોશ ભરી દે છે. હજારો એવા દેશપ્રેમીઓનો નૈતિક પીઠબળ મળ્યા પછી મજાલ છે કોઈ દુશ્મનની કે ભારતભૂમિ તરફ આંખ ઉઠાવીને નજર કરે ! એક રીતે તો આ અભિયાનને હર્ષલ પુષ્કર્ણા સાહેબની દૂરંદેશી કહેવી જોઈએ. નાગરિકોમાં ફૌજ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું અઘરું કામ તેમણે પોતાના શિરે લીધું છે. બોલો, બીજે ક્યાંય જોવા મળે આવો વિરલ દાખલો ? બેશક ન જ મળે !

કોણે કહ્યું કે સરહદ પર લડો તો જ તમે દેશભક્ત કહેવાઓ ? દેશભક્તિ તો આવી રીતે પણ થઇ શકે. અનેક પ્રતિકૂળતાઓ વેઠીને આ ગુજરાતી પત્રકારે પોતાનું લક્ષ્ય જે રીતે સિદ્ધ કર્યું એ ખરેખર કાબિલે તારીફ છે. સિયાચેનમાં પોતાનો દરેક અનુભવ આ કલમબાજે તેમના પુસ્તકમાં લખ્યો છે. રસપ્રદ વર્ણન સાથે અનેક નક્શાઓ અને ઉત્તુંગ શિખરોના-જવાનોના ફોટાઓથી આ પુસ્તક સમૃદ્ધ છે (અલબત્ત, એમાં લશ્કરની ગુપ્તતાનો ભંગ ન થાય એનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે). હા, પણ એની માત્ર એક જ મુશ્કેલી છે. એક વખત ‘આ છે સિયાચેન’ વાંચવાનું શરુ કરશો એટલે એનું લખાણ તમને એટલું જકડી લેશે કે એકી બેઠકે વાંચી જવા મજબૂર થઇ જશો. વાંચીને વિચારના વંટોળમાં ફસાઈ જવાય, તો વિચારયાત્રા ક્યાં જઈને અટકે એની પણ કોઈ ગેરંટી નહીં !

હા, એક વાતની ગેરંટી ખરી ! આ પુસ્તક વાંચ્યા પછી મનમાં બે લાગણીઓ જરૂર થશે, એક તો સિયાચેનના હિમપ્રહરીઓ માટે ગર્વની, અને બીજી, દેશ માટે કુદરત સામે લડીને મરી ફિટનારાઓ પ્રત્યે દુર્લક્ષ સેવનારાઓ માટે ફિટકારની ! રોમાંચ, સાહસ, દ્રઢ મનોબળ અને પ્રબળ દેશભક્તિથી ભરપૂર એ પુસ્તક દરેકે વાંચવા જેવું છે-વસાવવા જેવું છે. સિયાચેન વિશે થોડી માહિતી અહીં નીચે આપી છે, પણ ખરેખર ત્યાં જવા માટે તો (કલ્પનામાં !) તમારે ‘આ છે સિયાચેન’ પુસ્તક વાંચવું રહ્યું…(દરેક બુક સ્ટોલ તથા ઓનલાઇન સફારીની વેબસાઈટ પર તે ઉપલબ્ધ છે. )

કેલેન્ડર ૧૯૮૪નું વર્ષ બતાવી રહ્યું હતું. સામાન્ય લોકોની પંહોચથી દૂર સરેરાશ ૨૦,૦૦૦ ફિટ ઊંચી બર્ફીલી પહાડીઓના પ્રદેશ સિયાચેન માટે એ વર્ષ ઉથલપાથલનું હતું. પાકિસ્તાની સેનાએ પોતાના સ્વભાવને અનુરૂપ સિયાચેનને ભરખી જવા અણચિંતવ્યો હુમલો કરવાની યોજના ઘડી. જોકે ભારતીય જાંબાઝો માથાના સાબિત થયાં. આગોતરા હુમલાની બાતમી કોઈક રીતે આપણને પહોંચી ચૂકી હતી. તેથી સિયાચેનને અખંડ રાખવા ભારતીય ફૌજે ‘ઓપરેશન મેઘદૂત’ નામનું કમાન્ડો મિશન હાથ ધર્યું. પાક (સોરી નાપાક !) ફૌજ ત્યાં પહોંચે એ પહેલાં જ આપણે ‘અહમ્ પ્રતિષ્ઠિતમ્’ કરી નાખ્યું. છતાં પણ પાકિસ્તાને ગેરકાયદે કબ્જો જમાવેલી પહાડીઓ માટે ૧૯૮૭ના અરસામાં ખૂનામરકી થઇ !

પાકિસ્તાને સિયાચેનની સૌથી ઊંચી પહાડી પર ‘કાઈદ પોસ્ટ’ નામે ચોકી સ્થાપી હતી, જ્યાંથી તેના જવાનો આપણી ’સોનમ પોસ્ટ’ પર ગોળીબાર કરતાં રહેતાં હતાં. સિયાચેન પર કબ્જો કાયમ રાખવા માટે હવે ‘કાઈદ પોસ્ટ’નું ‘દેશ પરીવર્તન’ કરવું પડે એમ હતું. ખતરનાક મિશનને સફળ બનાવવા માટે આપણાં જવાનોએ કમર કસી. લોહિયાળ અથડામણ અને બંને પક્ષોએ જાનમાલની ખુવારી વેઠ્યા પછી પાકિસ્તાનની ‘કાઈદ પોસ્ટ’ પર ભારતનો ત્રિરંગો લહેરાયો. એ સંઘર્ષમાં અપ્રતિમ બહાદુરી દાખવનાર સૂબેદાર મેજર (પાછળથી કેપ્ટન સુધીની બઢતી પામેલાં) બાનાસિંહના માનમાં એ પોસ્ટ હવે ‘બાના પોસ્ટ’ તરીકે ઓળખાય છે. બાના સિંહે દાખવેલા અવિસ્મરણીય શૌર્ય બદલ તેમને ‘પરમવીર ચક્ર’ હાંસિલ થયો હતો.

વધુ મજેદાર વાત એ છે કે તેમણે પોતાના હાથે એ મેડલ સ્વીકાર્યો હતો (‘૪૭થી લઈને અત્યાર સુધી કુલ ૨૧ જવાંમર્દોને પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા છે, જેમાંથી માત્ર સાત શૂરવીરો જીવતાજીવત એ સમ્માન પામ્યા છે !) બસ, ત્યારથી સિયાચેન પર ભારતીય સેના દિવસ-રાત પહેરો દઈ રહી છે, દુશ્મનના દરેક પેંતરાનો જડબાતોડ જવાબ આપવા હંમેશા તૈયાર બેઠી છે. સિયાચેન પાછું રણનીતિક રીતે મહત્વનું છે તેથી ત્યાં આવી સતર્કતા વ્યાજબી પણ છે !

બસ વાત પૂરી ? ના, ખરેખર શરુ જ અહીંથી થાય છે. વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર તો સમજ્યા, પણ સિયાચેન સૌથી દુર્ગમ યુદ્ધક્ષેત્ર પણ છે. જ્યાં ઉનાળામાં પણ તાપમાન -૨૦ ડિગ્રી સેલ્શિયસની આસપાસ હોય છે. શિયાળામાં તો -૫૫ ડિગ્રીથી પણ નીચું, ક્યારે વાતાવરણ બગડે એનું કંઈ નક્કી નહીં. ઉપરથી ક્યારેક ૧૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતો ઝંઝાવાતી પવન પણ જવાનો માટે કાતિલ બને છે ! અમુક નિષ્ણાતો કદાચ એટલે જ સિયાચેનને ત્રીજા ધ્રુવ તરીકે ઓળખાવે છે. ગાત્રો શિથિલ કરી દેતા આટલાં ઠંડા હવામાનમાં થોડા દિવસ વિતાવ્યા પછી તેની ખરી અસરો શરુ થાય છે. હિમડંખ, ગુલાબી ફીણવાળી થૂંક આવવી, વિચાર શક્તિ નષ્ટ થવી, ફેફસામાં અને અન્ય અંગોમાં પાણી ભરાઈ જવું એ ત્યાં રહેનારની ‘ફરજીયાત’ સમસ્યા છે. ક્યારેક આવી કપરી મુસીબતો સામે હૃદય હામ હારી જાય અને જવાન ઊંડી ખીણમાં પડતું મેલીને જીવન ટૂંકાવી દેવાનો પ્રયાસ પણ કરે ! કેવી વિડંબના ! (આ બધી તકલીફો વિશે હર્ષલ સાહેબે એમના પુસ્તકમાં વિગતવાર વર્ણન કર્યું છે.)

થોભો, આટલું વાંચીને મનને ચકરાવે ન ચડાવી દેતા, પિક્ચર અભી બાકી હૈ ! સિયાચેન બારેમાસ બરફની ઓથે ઢંકાયેલો રહે છે. બરફની સફેદીમાં જાનલેવા કોતરો છૂપાયેલી હોય છે, પણ તેની ભાળ લગાવવી મુશ્કેલ છે. અવિચારીપણે ભરાતું એક પગલું પણ મોતનો કોલ લઇ આવી શકે છે ! તેથી જ સિયાચેનમાં યુદ્ધમાં શહીદ થવાંની સરખામણીએ કઠોર વાતાવરણને લીધે અને કોતરોમાં ફસાઈ જવાના લીધે થતાં મૃત્યુનો આંક ક્યાંય વધુ છે. ( અત્યાર સુધી સિયાચેન મોરચે આપણે સાડા આઠસોથી પણ વધુ જવાનો ગુમાવ્યાં છે !) ઊંચા હિમશીખરો પર ટેન્ટ બાંધીને જવાનોએ રહેવું પડે છે, એવામાં જો તોફાની પવનની અડફેટે ચડીને ટેન્ટ ઉડી જાય, તો ગુફાઓનો કે નક્કર જગ્યાનો સહારો પણ ન હોય. ઉપર આકાશ, નીચે ધરતી અને બંનેની વચ્ચે હાડ થિજાવતી ઠંડીમાં સબડતાં જવાનો ! જ્યાં સુધી મદદ ન આવે ત્યાં સુધી આમ જ ઠૂંઠવાતાં બેસી રહેવાનું. ઘાયલ સૈનિકની હાલત તો એનાથીય બદતર થઈ જાય !

આટલું બધું હોવા છતાં પણ નરકને સારું કહેવડાવતી એ જગ્યાએ ખુમારીપૂર્વક લહેરાતો, હવાને ટક્કર આપતો તિરંગો જુઓ ત્યારે કેવી લાગણી થાય ? શબ્દોમાં તો અકથ્ય જ હોવાની ! છતાં એક વાર અનુભવ કરવો હોય, તો ‘આ છે સિયાચેન’ વાંચી લેજો. વાંચ્યા પછી શક્ય છે કે હૃદય ભરાઈ આવે, તો શું કરશો ? સિમ્પલ છે, એક કોરું પોસ્ટકાર્ડ લેજો, જવાનો પ્રત્યે આભાર દર્શાવતો પત્ર લખીને, ટપાલ ટિકિટ ચોપડીને પોસ્ટ કરી દેજો. પરિવારથી હજારો કિલોમીટર દૂર અટૂલા રહેતાં સૈનિકોને મન લાગણીથી મોટી કોઈ ભેટ નથી હોતી ! ક્યાં પોસ્ટ કરવું એનું સરનામું લેખના અંતે આપેલું છે. અને હા બીજી વાત, આટલું બધું જાણ્યા પછી ક્યારેય આસપાસ કોઈ જવાનને જુઓ, તો કમસેકમ એક નાનકડી સલામી આપીને એનું અભિવાદન અચૂક કરજો. સ્વજનોથી દૂર રહીને આપણાં માટે ફરજ બજાવતો એ સિપાહી એટલા સમ્માનનો હકદાર તો છે જ ! ખરેખર તો હર્ષલ પુષ્કર્ણા જેવા દેશપ્રેમી લેખકો પણ એટલાં જ સમ્માનના હકદાર છે. ‘રાષ્ટ્રહિત સર્વોપરી’નું સૂત્ર કર્મ-વચનથી સાકાર કરનાર એ બહાદુર પત્રકારને લાખ લાખ અભિનંદન સહ ઈશ્વર પાસે પ્રાર્થના કે તેમની આવી પ્રવૃત્તિઓ અવિરત ચાલતી રહે અને તેમનું પુસ્તક તથા ‘સફારી’ આમ જ દેશવાસીઓના હૃદયમાં રાજ કરતાં રહે ! જય હિન્દ !

ભારતીય સેનાના સીમા પ્રહરીઓને પત્ર મોકલવા માટેના સરનામાં:
To, The Brave Soldier of Indian Army, C/o, 56 APO.

પૂર્વોત્તર રાજ્યોમાં તૈનાત સૈનિકોને પત્ર મોકલવા હોય તો આ સરનામું લખજો:
To, The Brave Soldier of Indian Army, C/o, 99 APO.

સિઆચેનના હિમપહાડોમાં ફરજ બજાવતા જવાંમર્દોને પત્ર મોકલવાનું સરનામુંઃ To, The Brave Soldier of Indian Army, HQ Siachen Glacier Base Camp, C/o, 56 APO.

સંકલન: પ્રતીક. ડી. ગોસ્વામી

ટીપ્પણી