“એક પત્ર એના ગયા પછી” વાચો અને શેર કરો

To,

You,

ખાલીપો, વિરહ, વેદના શુ આ બધા શબ્દો ના અર્થ તને સમજાય છે? તને જો સમજાયા હોત તો તુ ક્યારેય આ રીતે ન જાત મારા જીવન માથી. તારા ગયા પછી મારુ શુ થયું, હું કઈ પિડા કઇ તકલીફમાથી નીકળી એ તને કયા ખબર છે… તે તો એક વખત પણ પાછુ વળી ને ન જોયું. તુ ગયો ક્યારેય પણ પાછો ન આવવા. મે પણ તારા વગર જીવવા ની માનસિક તૈયારી કરી લીધી હતી. મારા મગજે એ વાત સ્વિકારી લીધી હતી.પણ, આ મન છે ને બહુ જીદ્દી છે. એ આ વાત સ્વિકારી ન હતું શકતું. સાથે ગાળેલી એ ક્ષણો, એ સમય શું એક ઝટકા માં ભૂલી શકાય? કેમ મન અને મગજ તાલમેલ નહીં સાધી શક્તુ હોય? કાશ!!! એ વાત તે પણ અનુભવી હોત.

ચાલ, તને એ સફર પર લઇ જાવ જે મે કર્યો છે તારા વગર, તારા ગયા પછી, તને સતત મારી સાથે રાખી ને…..

મારી અંદર તૂ સતત જીવ્યો છે જ્યારે સાથે હતા ત્યારે અને હવે નથી છતાં પણ. આપણી જ.અંદર જીવતા એ વ્યક્તિ નો વિરહ, એવો વિરહ જેમાં મેળાપ ની કોઈ આશા નથી. એવો વિરહ જે જીરવાતો નથી, એવો વિરહ જે સહેવાતો નથી. પળપળ ઠગારી આશ કે ક્યારેક મારી લાગણી, મારી તડપ તને સ્પર્શશે. પણ, બદનસીબ થી એવું ન થયું. મારા દરેક શ્વાસ, દરેક ધબકાર પર તારુ નામ. એ વેદના, એ એવી વેદના કે શ્વાસે શ્વાસે મૃત્યુ નો અહેસાસ થયો છે. મારી નસ નસ માં તુ લોહી ની જેમ વહે છે. તારી આદત મારા લોહીમાં ભળી મારા આખા શરીરમાં માં ફરે છે છતાં પણ એ ખાલીપો નથી જતો. તને ફરી ક્યારેય નહીં મળી શકાય એ વિશ્વાસ મારી નસો કાપી ને બહાર આવતો હતો. પળ પળ મૃત્યુ ની વેદના સહી છે. એ વેદના પણ એવી જેને સતત સ્મિત પાછળ છુપાવવા ની છે, જેને આંસુ બની છલકવા નથી દેવાની. આત્મા વગર ના શરીર જેવા અહેસાસ માં પણ હસતા મોઢે જીવંતતા દેખાડવાની. આ પિડા કદાચ શબ્દો સમજાવી જ ન શકે. કાશ!! તે આ પિડા જોઇ હોત, અનુભવી હોત…

તને ખબર છે ઘણી વાર હુ એમ જ વ્યાકુળ થઇ જાવ છુ. ખૂબ અજંપો થાય છે. મન ક્યાય લાગતું નથી.. ‘શુ એ વખતે તુ પિડા માં હતો? તુ તકલીફ માં હતો?’ આ પ્રશ્ન મારે તને પૂછવો હતો. તારી પિડા, તારી તકલીફો શું હજી પણ હું અનુભવી શકુ છું? જો હા, તો તુ કેમ નથી અનુભવી શકતો મારી વેદના ને? હસવા માટે ઘણા લોકો આસપાસ હોય છે પણ રડવા માટે તો કોઈ અંગત જ જોઈએ. હજી પણ મારી આંખ ક્યારેક એમ જ સ્હેજ ભીની થઇ જાય છે તો શું એ તારી આંખ ના આંસુ મારી આંખ પણ ભીની કરતાં હશે??

આટલા વર્ષો નો વિરહ હજી એટલું જ દર્દ આપે છે જેટલું કોઈ તાજો ઘાવ. ‘સમય બધા ઘાવ ભરી દે છે’ સાવ ખોટી વાત. સમય બધા ઘાવ ભરતો નથી પણ એ ઘાવ સાથે જીવતા શીખડાવી દે છે. હું પણ એ ઘાવ સાથે જીવતા શીખી ગઇ પણ ક્યારેક એવું થાય કે તું આવ અને એ ઘાવ પર મલમ લગાડ.

કેટલા સવાલો સાથે તું મને મૂકી ને ગયો.

‘મારી એવી કઇ ભૂલ જે આપણા સંબંધ થી પણ મોટી હતી?’, ‘શું તને ક્યારેય મને મૂકી ને જવા નો અફસોસ થયો?’ , ‘શું તને પણ તારા જીવનમાં માં મારી ખામી વર્તાણી?’ , ‘ શું તુ ક્યારેય આપણા મિલન માટે તડપ્યો છે?’ , ‘તને ક્યારેય પાછુ વળી ને જોવાની ઈચ્છા ન થઈ?’ , ‘આપણે ગાળેલો એ સમય નવરાશ ની પળો ની કોઈ રમત હતી?’ , ‘મારી વેદના, મારી તડપ ક્યારેય તને સ્પર્શી? તે અનુભવી?’

કેટકેટલાય સવાલો સાથે બસ અહીં જ પૂર્ણ કરૂ છુ. મારી વેદના, ખાલીપા એ તડપ ને દર્શાવવા સમય કે શબ્દો કોઇ સાથ નહીં આપે. અને કદાચ વધુ વાંચી તારો મને ન મળવા નો નિર્ણય હલી જાશે…….

From

me

લેખક : અંકિત મહેતા

રોજ નવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરોને જેંતીલાલ”

 

ટીપ્પણી