અંગુરી મોરૈયા ખીર

અંગુરી મોરૈયા ખીર

વ્યક્તિ: ૪

સમય:

તૈયારી માટે: ૧૦ મિનિટ
વાનગી માટે: ૩૦ મિનિટ

સામગ્રી:

અંગુર માટે:

૨.૫ કપ ગાયનું દૂધ
૧.૦-૧.૫ ટે. સ્પૂ. લીંબુનો રસ
૧ ટી. સ્પૂ. આરાલોટ
૧.૫ કપ ખાંડ
૩ કપ પાણી
૧/૨ ટી. સ્પૂ. ઈલાયચી પાવડર
ખીર માટે:
૧/૪ કપ મોરૈયો
૨.૫ કપ મલાઈવાળું દૂધ
૧/૪ કપ ખાંડ
૧/૨-૧ ટી. સ્પૂ. ઈલાયચી-જાયફળનો પાવડર
૧-૨ ટીપાં ગુલાબનું એસેન્સ
૧/૪ ટી. સ્પૂ. દૂધમાં પલાળેલું કેસર
૨-૩ ટે. સ્પૂ. ડ્રાયફ્રૂટ

રીત:

અંગુર બનાવવા માટે:

૧) સૌ પ્રથમ એક સ્ટીલના વાસણમાં દૂધ ગરમ કરવા મુકો. સહેજ ઉકાળો આવે એટલે ગેસ ધીમો કરીને ધીમે ધીમે લીંબુનો રસ ઉમેરીને હલાવતાં રહો.
૨) પનીર અને પાણી છુટું પડી જાય એટલે તરત જ ગેસ બંધ કરીને તેમાં બરફનાં ટુકડા નાખી દો.
૩) એક મોટી ગરણીમાં ઝીણું કપડું મૂકીને ગાળી લો અને પનીરને પાણીથી ધોઈ લો જેથી લીંબુની ખટાશ નીકળી જાય.
૪) કપડાંની પોટલી બનાવીને તેના પર વજન મૂકીને ૧૦-૧૫ મિનિટ માટે મૂકી રાખો. ધ્યાન રાખો કે પનીર એકદમ નરમ કે એકદમ કઠણ ના હોવું જોઈએ. નહીં તો અંગુર ફાટી જશે અથવા જાળીદાર નહીં બને.
૫) પાણી નિતારી લીધા બાદ પનીરને ઘી છુટું પડે ત્યાં સુધી હથેળીથી ઘસીને નરમ કરી લો. ત્યારબાદ તેમાં આરલોટ ઉમેરીને હલકા હાથે મસળીને એકસરખા ૧૦-૧૨ અંગુર વાળી લો.
૬) પાણી અને ખાંડને ભેગા કરીને ઉકાળીને ચાસણી બનાવી લો. ચાસણી બરાબર ઉકળે ત્યારબાદ તેમાં અંગુર નાખીને ૧ મિનિટ મોટી આંચ પર અને ત્યારબાદ મધ્યમ આંચ પર ૫-૭ મિનિટ ઢાંકીને ઉકળવા દો.
૭) ગેસ બંધ કરીને ઇલાયચીનો પાવડર ઉમેરીને અંગુરને ઠંડા થવા દો.

ખીર બનાવવા માટે:

૧) મોરૈયાને પાણી વડે બરાબર ધોઈ લો.
૨) એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ ગરમ કરવા મુકો. એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરીને મોરૈયો નાખીને વચ્ચે વચ્ચે હલાવતા રહો. તળિયે ચોંટે નહીં તેનું ખાસ ધ્યાન રાખો.
૩) મોરૈયો બરાબર ફુલીને ચડી જાય ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો. ખાંડ બરાબર ઓગળી જાય ત્યારબાદ દૂધમાં પલાળેલું કેસર, દ્રાક્ષ, ડ્રાયફ્રુટની કતરણ અને ગુલાબનું એસેન્સ ઉમેરીને ખીરને બરાબર હલાવી લો.

* મોરૈયાની ખીર વાડકીમાં કાઢીને તેના ઉપર તૈયાર કરેલા અંગુર મૂકી દો. ઉપરથી ડ્રાયફ્રુટની કતરણ અને ગુલાબની પાંદડી સજાવીને ઠંડી કરીને પીરસો.

નોંધઃ

★ અંગુર તૈયાર થઈ ગયા છે કે નહીં તે જોવા માટે તેને દબાવી જુઓ. તે ફરીથી ગોળ થઈ જાય તો સમજવું કે અંગુર તૈયાર થઈ ગયા છે.
★ ખીર પ્રમાણમાં જાડી લાગે તો ૧/૪ કપ દૂધ અને તેના ભાગની ખાંડ ઉમેરીને પાતળી કરી શકાય.
★ બજારમાંથી તૈયાર અંગુર/રસગુલ્લા વાપરીને ૧૦ મિનિટમાં ઇન્સ્ટન્ટ વાનગી તૈયાર થઈ જશે.
★ પનીર છુટું પડ્યા બાદ જે પાણી વધે તેને ફેંકી દેવાના બદલે લોટ બાંધવામાં વાપરી શકાય.

રસોઈની રાણી : ભૂમિ પંડ્યા (આણંદ)

આપ સૌને મારી વાનગી કેવી લાગી અચૂક જણાવજો કોમેન્ટ માં !!

ટીપ્પણી