હૉલિવૂડ ઍક્ટ્રેસ ઍન્જેલિના જોલીની પ્રેમકહાણી.. વાંચો અને જણાવો કેવી લાગી..

હૉલિવૂડ ઍક્ટ્રેસ ઍન્જેલિના જોલીની પ્રેમકહાણી

હોલિવૂડની ખુબસૂરત અભિનેત્રી એન્જેલિના જોલી (જ.1975)એ એક વાર કહ્યું હતું કે “માનવીય સંબંધોમાંથી લાગણી, સંભાળ, કાળજી, ધ્યાન અને ઉષ્મા-હુંફની જો બાદબાકી થઈ જાય તો પછી એવા સંબંધો માત્ર જીવતી લાશ જેવા જ હોય છે. એમાંથી તમે કશું જ પ્રાપ્ત થવાની આશા રાખી શકો નહીં. માત્ર નફરત, તિરસ્કાર, ઘૃણા, દ્વેષ, ઈર્ષા અને આક્રોશની બદબૂ જ એમાંથી આવ્યા કરશે. એવા દુર્ગંધયુક્ત સંબંધની લાશ સાથે રહેવાના બદલે એને દફન કરી દો.”
સંબંધોમાં તડ-જોડ કરવાનો કોઈ જ અર્થ નથી. જ્યારે તમે સંબંધનો ભાર પોતાના ખભે ઊંચકીને ચાલતા થાકી જાવ ત્યારે એવો ભાર વેઠ્યા કરવાનો કોઈ જ અર્થ નથી. એવા સંબંધ તોડી નાખવા જ બહેતર છે. સ્વામી વિવેકાનંદનો શબ્દ છે “વેક-અપ…” જેટલા વહેલા જાગૃત થવાય એટલું સારું. તમારા સંબંધ લાશ બનીને ગંધાઈ ઊઠે એ પહેલા તમારામાં જાગૃતિ આવે એ જરુરી છે. તમે જાગૃત બનીને એવા સંબંધોને ફગાવી દેવાની હિંમત કેળવો એ પણ ખુશહાલ જિંદગીની જરુરીયાત છે.


એન્જેલિના જોલીએ કબુલ્યું હતું કે તેના જીવનમાં ઘણા બધા પુરુષ આવ્યા. કોઈક પ્રેમના નામે આવ્યા અને છળ કરી ગયા. કોઈક પ્રેમ આપીને પણ ચાંદ-તારા બતાવતા ચાલ્યા ગયા. કોઈક વન-નાઈટ સ્ટેન્ડની જેમ પોતાની જરુરીયાત પુરી કરવાના સ્વાર્થથી આવ્યા અને ચાલ્યા ગયા. એન્જેલિના જોલીએ કહ્યું છે કે રિલેશનશીપનું મહત્વ સમજાય એ જ મોટી વાત છે. રિલેશનશીપમાં જો દમ ન હોય તો બ્રેક-અપ જ સૌથી સારી દવા છે. આ માટે તમારામાં જેટલી જલદી સમજ (જાગૃતિ) આવી જાય તેટલું બહેતર છે. બાકી તો અંધારીયા બેડરુમમાં રાતોની રાતો રડતા બેસી રહેવાથી તમને કોઈ બચાવી શકશે નહીં. તમારી મદદ તમારે જાતે જ કરવાની છે.


43 વર્ષની એન્જેલિના જોલી આજે પણ હોલિવૂડની ફિલ્મોની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ છે. એ અભિનેત્રી અને નિર્માત્રી હોવા ઉપરાંત પરોપકારી અને માનવતાવાદી પણ છે. તેને એકેડમી એવોર્ડ સન્માન મળેલું છે. બે વખત સ્ક્રિન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ અને ત્રણ વાર ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યા છે.


એન્જેલિનાએ સને 1996માં 21 વર્ષની ઉંમરે અભિનેતા જોની લી મિલર સાથે પ્રથમ પ્રેમલગ્ન કર્યાં. સને 1999માં ત્રણ વર્ષમાં તેમની વચ્ચેનો પ્રેમ વરાળ બનીને ઊડી ગયો. એક વર્ષ એકલી રહ્યા બાદ સને 2000માં બિલી બોબ સાથે તેણે પ્રેમલગ્ન કર્યાં. એ સંબંધ પણ ચાર વર્ષ જ ચાલ્યો અને સને 2003માં રેશમની ડોર તૂટી ગઈ. ફરી એક વાર એકલી પડેલી એન્જેલિનાએ પ્રેમલગ્ન કરવાના બદલે લગ્ન પહેલાં પ્રેમમાં રહેવાનું પસંદ કર્યું. તે પોતાના સાથી અભિનેતા બ્રાડ પિટ સાથે લગભગ દસેક વર્ષ લિવ-ઈન રિલેશનશીપમાં રહી.

લગ્ન કર્યાં વિના સાથે રહેલાં આ કપલે દુનિયાભરમાંથી મળીને એક ડઝન જેટલાં વંચિત બાળકોને દત્તક પણ લીધાં અને ઉછેર્યાં. છેક સને 2014માં ગયા વર્ષે જ એન્જેલિના અને બ્રાડ પિટે લગ્ન કરી લીધાં. પરસ્પરના પરિપક્વ પ્રેમની સમજણનું આ કપલ શ્રેષ્ઠ ઉદાહરણ પણ બન્યું છે. જો કે એન્જેલિના બ્રાડના સંતાનોની માતા પણ બની છે. પ્રેમ એટલે એકમેકનો આદર અને સમાદર. જો એકમેક પ્રત્યે તમને આદર અને સમાદર યા કાળજી કે લાગણી જેવું કશું જ ન અનુભવાતું હોય તો એવા સંબંધને સાચવી રાખવાનો કોઈ મતલબ નથી. વંધ્ય જમીનમાં ગમે તેટલું ખાતર-પાણી નાખશો, કશું નહીં ઊગે. પહેલા તો પ્રેમ તમારી આંખમાં પ્રગટે છે, આંખો વાટે પ્રેમની અનુભૂતિ તમારા હૃદય સુધી પહોંચતો હોય છે. સંબંધના સરવાળામાં સ્વીકાર અને સમાધાન મહત્વનું હોય છે.


હિન્દી સાહિત્યના શીર્ષસ્થ સાહિત્યકાર, નાટ્યકાર, નિબંધકાર, ઉપન્યાસકાર, ચિંતક-વિચારક રામવૃક્ષ બેનીપુરી (1899-1968)એ લખ્યું છે કે “દરેક સંબંધનું એક મહત્વ હોય છે. દરેક સંબંધની પોતાની શક્તિ અને સામર્થ્ય પણ હોય છે. આમ દરેક સંબંધની એક એક્સપાઈરી ડેટ પણ હોય છે, જેમ દરેક જીવનરક્ષક દવાના પેક ઉપર વપરાશ કરવા માટેની અંતિમ તિથિ લખેલી હોય છે.”

દરેક સંબંધને એક નામ હોય છે પરંતુ ક્યારેક કોઈક સંબંધને નામ નથી હોતું. નામ વિનાના સંબંધ ક્યારેક નામવાળા સંબંધ કરતા વધુ ચઢિયાતા અને દમદાર પણ હોઈ શકે. આદિકવિ નરસિંહ મહેતા કહે છે એમ, નામરુપ જૂજવા, અંતે તો હેમનું હેમ. સંબંધ સોનાનો, સુવર્ણમયી એટલે કે મૂલ્યવાન બનાવવો આપણા હાથની વાત છે.
સંબંધના સરવાળામાં સ્વીકાર અને સમાધાન અગત્યનું પરિબળ છે. જ્યારે લાગણીના સંબંધની વાત આવે ત્યારે આપણે કોઈ વ્યક્તિને પસંદ કરીએ છે, તો એના સમગ્ર અસ્તિત્વ અને સમગ્ર વ્યક્તિત્વનો પણ સ્વીકાર આપોઆપ કરી જ લઈએ છીએ. આપણે ક્યારેય કોઈ વ્યક્તિને અડધા કે આંશિક પસંદ ન કરી શકીએ. ગમાડીએ તો એને પૂરેપૂરા જ ગમાડીએ અથવા કોઈ આપણને પૂરેપૂરા ન પણ ગમે. ફિફ્ટી-ફિફ્ટીવાળા ટકા કે ભાગલા વ્યક્તિત્વમાં કે સંબંધમાં ન જ હોય.

મહત્વની વાત એ છે કે સંબંધના લાઈફ ટાઈમ ફૂલ રિચાર્જ માટે સ્વીકાર અને સમાધાન ખુબ જરુરી છે. સ્વીકારનો અર્થ વ્યક્તિનો તેના તમામ વ્યક્તિગત ગુણ-અવગુણ સાથે સ્વીકાર. સમગ્ર વ્યક્તિત્વનો સ્વીકાર. સંબંધ અધુરો કે અડધોપડધો ના ચાલે. કોઈ વ્યક્તિ પણ અડધોપડધો ગમે એવું નહીં. યા તો પૂરેપૂરો ગમે અથવા આખેઆખો ના પણ ગમે. કોઈને પરાણે ગમાડવાના બદલે એનો ધિક્કાર કરવો, યા અનાદર કરવો યા એ તરફ ધ્યાન ન આપવું બહેતર છે. કશુંય અડધુંપડધું ન ચાલે. સ્વીકાર પણ છલોછલ અથવા અસ્વીકાર પણ છલોછલ જોઈએ.
સંબંધમાં એક વાર સ્વીકાર પછી સમાધાનનો તબક્કો પણ આવે. જ્યારે તમે કોઈ વ્યક્તિને પસંદ કરો છો ત્યારે એને સંપૂર્ણ – ટોટલ જ પસંદ કરો છો. એમાં સામી વ્યક્તિના ગુણવિશેષ પણ આવી જાય અને તેના કોઈ અવગુણ હોય તો એ અવગુણ સહિત સમગ્ર વ્યક્તિને અને તેના પૂરા વ્યક્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યો હોય છે. હવે સ્વીકાર કર્યો હોય ત્યારે એકમેકના ગમા-અણગમા, પસંદ-નાપસંદ, ટેવ-કુટેવ વગેરે તમામ સારી-નરસી બાબતોનો પણ સ્વીકાર કરવો જ રહ્યો.

જ્યારે કોઈ વ્યક્તિ આપણને પસંદ કરતી હોય, આપણો સાથ ઝંખતી હોય ત્યારે આપણે શક્ય હોય તો તેની સાથે તાલમેલ જાળવી લેવો જોઈએ. વળી જ્યારે તમે કોઈ વ્યક્તિને પસંદ કરતા હો અને તેનો સાથ ઈચ્છતા હો ત્યારે તમારે પણ એની સાથે સમાધાન સાધી લેવું જોઈએ. અણગમતી બાબતોને કોરાણે મૂકીને ચલાવી લેવું એ સંબંધ સાચવવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે.

લેખક રામવૃક્ષ બેનીપુરીએ લખ્યું છે એમ દરેક સંબંધનું જેમ એક મહત્વ હોય છે, એમ દરેક સંબંધની પણ એક એક્સપાઈરી ડેટ પણ હોય છે. સંબંધ છોડ જેવો છે. એને પાંગરવા દેવા માટે એની માવજત કરવી પડે. એનું સાચવીને સિંચન કરવું પડે, તો જ સંબંધ આગળ જતા વટવૃક્ષ પણ બની શકે. અન્યથા છોડની પૂરી માવજત નહીં કરી હોય તો એ અકાળે કરમાઈ જશે.

જસ્ટ ટ્વીટઃ

“તેરે ઉતારે હુએ દિન પહન કે અબ ભી મેં,
તેરી મહેંક મેં કઈ રોજ કાટ દેતા હું.”
                                                 – ગુલઝાર

લેખક : દિનેશ દેસાઈ

દરરોજ આવી જાણી અજાણી પ્રેમકહાણી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી