તુષાર રાજાની કલમે વાંચો એન્ડ્રોઈડના નવા વર્ઝન “ઓરિયો”ની રોચક વાતો

ગૂગલ દ્વારા એન્ડ્રોઈડના નવા બહાર પડાયેલા વર્ઝનનું નામ ‘Android Orio’ રાખવામાં આવ્યું છે. દરેક નવા વર્ઝન વખતે ગૂગલ કાંઈક ને કાંઈક બદલાવ અને નવા ફીચર્સ લાવે છે. આ નવા વર્ઝનમાં પણ ઘણા મહત્વના ફીચર્સ સામેલ કરવામાં આવેલા છે. અગાઉના વર્ઝનમાં જે કાઈ લીમીટેશન્સ હતા તે આ નવા વર્ઝનમાં દુર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

હજુ થોડા વર્ષપહેલા એન્ડ્રોઈડ એટલે શું એ પણ આપણને ખબર નહોતી અને આપણે એન્ડ્રોઈડનું નામ પણ નહોતું સાંભળ્યું,અને આજે પરિસ્થિતિ એવી છે કે એન્ડ્રોઈડ લગભગ આપણી દરેકની રોજીંદી દિનચર્યા સાથે વણાઈ ગયું છે. દુનિયાભરમાં હાલમાં 100 કરોડ કરતાં પણ વધુ લોકો એન્ડ્રોઈડ ઓપરેટીંગ સિસ્ટમવાળા મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે. દુનિયામાં જેટલા લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે તેમાંથી દર બે માંથી એક એટલે કે પચાસ ટકા માણસો એન્ડ્રોઈડ ઓપરેટીંગ સિસ્ટમવાળો મોબાઈલ વાપરે છે.

એન્ડ્રોઈડ ઓરીઓ (એન્ડ્રોઈડ O) એ ગૂગલની એન્ડ્રોઈડ મોબાઈલ ઓપરેટીંગ સિસ્ટમનું આઠમું મુખ્ય વર્ઝન છે. અનેક પ્રિવ્યુ પછી અંતે 21-ઓગસ્ટ,૨૦૧૭ ના રોજ આ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું હતું. એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં મોટાભાગે મોબાઈલ હેંગ થવાની અને સ્પીડ ઓછી થઇ જવાની ફરિયાદો આપણે કરતાં હોઈએ છીએ. આવું થવાની કારણ મોટાભાગે એ હોય છે કે આપણા મોબાઈલમાં એકી સાથે અનેક એપ્લીકેશન્સ બેકગ્રાઉન્ડમાં ચાલુ રહેતી હોય છે,જેનો આપણે બહુ ઓછો ઉપયોગ કરતા હોઈએ છીએ. એન્ડ્રોઈડ ઓરીઓ વર્ઝનમાં આવી ઓછી વપરાતી એપ્લીકેશન્સની એક્ટીવીટીઝ ઓછી કરી નાખવામાં આવશે. જેના કારણે સ્પીડ પણ ઘણી વધી જશે અને બેટરી પણ વધુ સમય ચાલશે.

કંપની દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે એન્ડ્રોઈડના અગાઉના વર્ઝન કરતા આ વર્ઝનમાં ડબલ ઝડપે કામ કરી શકાશે. ખુબ સારી સ્પીડથી મોબાઈલ ઓપરેટ કરી શકાશે અને ‘બૂટ સ્પીડ’ પણ બહુ સારી રહેશે. આ નવા વર્ઝનમાં ‘Per App disk space quota’ નામનું ફીચર પણ ઉમેરવામાં આવેલું છે. આ મહત્વના ફીચરનું કામ આપણા ડીવાઈસમાંથી વધારાની નકામી ફાઈલોને ડીલીટ કરવાનું છે. ડિસ્ક સ્પેસમાં ખોટી વધારાની જગ્યા રોકી રાખતી આવી ફાઈલો ઓટોમેટીક ડીલીટ થઇ જાય છે.

એન્ડ્રોઈડના આ નવા વર્ઝનમાં ઘણા બધા ‘હેલ્પીંગ ફીચર્સ’ પણ સામેલ કરવામાં આવ્યા છે. આપણે આપણા ડીવાઈસમાં કોઈ પણ કામ કરી રહ્યા હોઈએ કે કાઈ પણ સર્ચ કરી રહ્યા હોઈએ ત્યારે આપણી મદદ કરવાં માટે ઓટોમેટીક સજેશન્સ આપવામાં આવે છે. જેમ કે આપણે કોઈ જગ્યાનો નકશો જોઈ રહ્યા હોઈએ ત્યારે તે આપણને જુદી જુદી ટ્રાન્સપોર્ટ એપ્લીકેશન્સ સજેસ્ટ કરે છે,જયારે આપણે ખાવા પીવા વિષે કાઈ સર્ચ કરી રહ્યા હોઈએ છીએ ત્યારે તે રેસ્ટોરન્ટ્સ પણ સજેસ્ટ કરે છે.

‘એન્ડ્રોઈડ ઓરીઓ’ વર્ઝનમાં ‘ઓટોફિલ’ નામનું ફીચર પણ ઉમેરવામાં આવેલું છે. કોઈ પણ યુઝરની સહમતીથી તેના કોઈ પણ એકાઉન્ટમાં ‘લોગ ઇન’ કવા માટે આ ઓટો ફિલ ફીચર કામ આવશે. પોતાની ફેવરીટ એપ્લીકેશન્સમાં ઝડપથી લોગ ઇન કરવા માટે તેનો ઉપયોગ કરી શકાશે.

આ નવા વર્ઝનમાં ‘પિક્ચર ઇન પિક્ચર’ ફીચર પણ રાખવામાં આવેલું છે. આ ફીચરના કારણે એક જ સમયે એકી સાથે બે એપ્લીકેશન્સ જોઈ શકાય છે. કોઈને વિડીયો કોલિંગ કર્યા પછી તે દરમ્યાન જ તેની સાથે સાથે બીજી એપ્લીકેશનમાં પણ કામ કરી શકાય છે.મોબાઈલના સ્ક્રીનમાં એક ખૂણામાં સામે વાત કરી રહેલ વ્યક્તિને જોઈ પણ શકાય છે અને સાથે સાથે બીજી એપ્લીકેશનમાં કામ પણ ચાલુ રાખી શકાય છે.

આ નવા વર્ઝનનો વધુ એક ફાયદો એ છે કે તેમાં ‘નોટીફીકેશન ડોટ્સ’ ને ક્લીક કરીને નવું શું છે તે જોઈ શકાય છે અને તેણે ક્લીયર કરવાં માટે ફક્ત એક ‘સ્વાઇપ’ કરવાની જ જરૂર રહે છે. ઉપરાંત, એક એપ્લીકેશનમાંથી બીજી એપ્લીકેશનમાં જવું હોય તો ખુબ ઝડપથી જઈ શકાય છે. એન્ડ્રોઈડ ના અગાઉના તમામ વર્ઝનની જેમ આ વર્ઝનમાં પણ કંપની દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ફોનની બેટરી ઓછી વપરાય અને વધુ સમય ચાલે તે માટેના ખાસ ફીચર્સ આ વર્ઝનમાં ઉમેરવામાં આવ્યા છે.કંપનીના જણાવ્યા મુજબ તમે ચાહે કોઈ ગેમ રમતા હો કે વિડીયો જોતા હો કે અન્ય કોઈ પણ કામ કરો તો પણ તમને આ વર્ઝનમાં બેટરી લાઈફ પૂરેપૂરી મળશે.

‘Android O’ માં બ્લુટુથ ઓડિયો માટે પણ ખાસ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ નવા વર્ઝનમાં હાઈ ક્વોલીટી ઓડિયો કોડેક્સ આપવામાં આવ્યા છે. જેમાં LDAC કોડેક્સ પણ સામેલ છે. આ ઉપરાંત તેમાં હાઈ પરફોર્મન્સ એપ્લીકેશન્સ માટે AAudio API પણ આપવામાં આવેલ છે. આ નવા વર્ઝનમાં ‘વાઈફાઈ’ ફીચર્સમાં પણ ઘણા સુધારા કરવામાં આવ્યા છે. એક મહત્વનું ફીચર ‘ વાઈ ફાઈ અવેર’ નામનું આપવામાં આવેલું છે, જેનાથી ઈન્ટરનેટ એક્સેસ પોઈન્ટ વિના પણ વાઈ ફાઈ દ્વારા બે ડીવાઈસ કનેક્ટ કરી શકાશે.

આ નવા વર્ઝનમાં એક બહુ સારું ફીચર આપવામાં આવ્યું છે-ઈન્સ્ટન્ટ એપ્સ. મોટા ભાગે આપણે કોઈ એપ્લીકેશનની એકાદ વાર જ જરૂર પડે છે , આમ છતાં ફરજીયાત તેનો ઉપયોગ કરવો હોય તો તેણે ડાઉનલોડ કરવી પડે છે.આ નવા વર્ઝનમાં આ માથાકૂટમાંથી છુટકારો આપવામાં આવ્યો છે. કોઈ પણ એપ્લીકેશનને ડાઉનલોડ કર્યા વિના સીધા બ્રાઉઝરમાંથી જ તેનો ઉપયોગ કરી શકાય છે. જો કે બધી એપ્લીકેશન્સમાં આ વિકલ્પ નહિ મળી શકે, ફક્ત અમુક એપ્લીકેશન્સમાં તેનો ઉપયોગ કરી શકાશે.

‘Android O’ ની સાથે અન્ય એક ખુબ જરૂરી ફીચર ‘ગૂગલ પ્લે પ્રોટેક્ટ’ આપવામાં આવેલ છે. ગૂગલ ના જણાવ્યા મુજબ,દરરોજ ગૂગલ પ્લે પ્રોટેક્ટ’ દ્વારા 50 બિલીયન એપ્લીકેશન્સ સ્કેન કરવામાં આવે છે. સ્માર્ટફોનને ‘મેલવેર’ના હુમલાથી સલામત બનાવવા માટે આ ખુબ ઉપયોગી સાબિત થાય છે.કારણકે ખોટી એપ્લીકેશન્સ ડાઉનલોડ કરવાથી જ આ સમસ્યા ઉભી થતી હોય છે.

આ નવા વર્ઝનમાં ઘણા બધા નવા ‘ઈમોજી’ ઉમેરવામાં આવેલા છે. લગભગ 60 જેટલા નવા ‘ઈમોજી’ આ વર્ઝનમાં જોવા મળશે. ઉપરાંત, અગાઉના ‘ઈમોજી’ ને પણ ફેરફાર કરીને તેમની નવી રીતે ડીઝાઈન કરવામાં આવેલા છે. આ નવા વર્ઝનમાં ‘એન્ડ્રોઈડ ટીવી’ ફીચર પણ ઉમેરવામાં આવેલ છે. આ નવા ફીચરના કારણે હવે બીજી કોઈ પણ એપ્લીકેશન ચાલુ હોય ત્યારે પણ ફિલ્મ કે વિડીયો જોઈ શકાશે. કોઈ એપ્લીકેશન ચાલુ કરવી હોય તો તેના માટે વિડીયો બંધ કરવાની જરૂર નહિ પડે. આ ફીચર મલ્ટી ટાસ્કિંગ માટે બહુ ઉપયોગી સાબિત થશે.

નવા નવા સંશોધનોના કારણે એન્ડ્રોઈડના દર થોડા સમયના અંતરે સુધારા વધારો કરીને નવા વર્ઝન બહાર પાડવામાં આવે છે.આ અગાઉ બહાર પડાયેલ વર્ઝન 7.૦ નું નામ હતું-‘નુગા’-Nougat. એન્ડ્રોઈડના તમામ વર્ઝનના નામ હંમેશા સ્વીટ ડીશ અથવા તો બેકરી પ્રોડક્ટ્સના નામ ઉપરથી રાખવામાં આવેલ છે. નુગા એક યુરોપિયન કેન્ડી નું નામ છે. એન્ડ્રોઈડ સિસ્ટમની શરૂઆત કરવામાં આવી ત્યારે પ્રથમ બે વર્ઝનના કોઈ નામ રાખવામાં આવ્યા નહોતા. ત્યાર પછીના વર્ઝ્નોના નામ-અંગ્રેજીના C થી લઈને N સુધી ABCD પ્રમાણે રાખવામાં આવેલ છે.જેમાં,C કપકેક, D-ડોનટ,E-એકલેર,F-ફ્રોયો,G-જીન્જર બ્રેડ,H-હનીકોમ્બ,I-આઈસ્ક્રીમ સેન્ડવીચ,J-જેલીબીન,K-કીટકેટ,L-લોલીપોપ,M-માર્શમેલો, N-NOUGT અને હવે O-ઓરીઓ.
જો કે હાલમાં તો આ વર્ઝન શરૂઆતમાં થોડો સમય ગૂગલના પોતાના સ્માર્ટફોન્સમાં શરુ કરાયા બાદ અન્ય કંપનીઓના સ્માર્ટફોનમાં પણ શરુ થઇ જશે.

લેખક – તુષાર રાજા

ટીપ્પણી