અંધારપટ( સત્ય ધટના)

કોણ જાણે કેમ આજે સવાર પડી ને જુગલને છાપું વાંચવાની ઉતાવળ થઇ ગઇ. કહેવાય છે ને કે કોઇ ધટના ઘટવાની હોય એનો અણસાર પહેલાંથી મળી જાય છે. જુગલને આજે એટલી છાપું વાંચવાની ઉતાવળ થઇ કે મમ્મીના કહેવાથી ન રોકાયો કે ન દોસ્તાર ના કહેવાથી. જાણે અજાણે પોતે જ સામે ચાલીને દોટ મૂકીએ છીએ પણ આપણને એની ખબર પડતી નથી. બનાવ બની જાય પછી ખ્યાલમાં આવે છે પણ મોડું થઇ જાય છે અને સ્વપ્નમાં પણ ન વીચાર્યું હોય એવી ઘટના બની જાય છે.
 
કાળ પોકારતો હોય તે જગ્યાએ માણસ સામે ચાલીને જાય છે.
 
આજથી ચાલીસ વર્ષ પહેલાં સમાચારનું માધ્યમ છાપું જ હતું. ટીવી, મોબાઇલ, કોમપ્યુટર કે એવા કોઇ ઉપકરણ હાથમાં ન હતા એટલે લગભગ બધા જ સવાર પડે છાપાં આવવાની વાટ જોતાં. જુગલની ઉંમર સોળ વર્ષની. નાનપણથી જ એને જાણવાની જીજ્ઞાસા વધારે. કાંઇપણ થયું હોય મુળીયા સુધી પહોચી જાય. ભણવામાં પણ હોશીયાર. કહો ને, કે જુવાનીનો થનગનાટ! ઘરમાં સોથી મોટો એટલે ભાઇ પોતાનું ધારેલુ જ કરતા.
 
લગભગ ૧૯૭૦માં આખા મુંબઇ મા અંધારપટ સાંજ પછી કોઇના ઘરમાંથી અજવાળાએ ડોકાવું ન જોઈએ. કોઇ વળી બારીમાં છાપાં લગાવે તો કોઇ વળી કાળાં પેપર ઘરે ઘરે બધામાં જ ફફડાટ બેસી ગયો હતો. પોલીસ ખાતું પણ સતર્ક થઇ ગયું હતું. ગલીએ ગલીએ તેઓ પહેરો ભરતા હતા. હેલીકોપ્ટરમાં દેશના નોજવાન દેશની રક્ષા કરતા હતા. તેમને સલામી ભરવાનું મન થાય.
 
સાંજ પડે ત્યાં રસ્તા ખાલી. કોઇ બહાર નીકળવાની હીંમત જ ન કરે. બાળકો પણ ઘરમાં ભરાઇ જાય. પુરુષો પણ કામધંધેથી વહેલા આવી જાય. નોકરીયાતનો ટાઇમ પણ બદલાઇ ગયો. એટલે ટોળટપ્પા થાય નહીં. બધા જ ઘરમાં ભરાયેલા રહે. પાનના ગલ્લા બંધ થઇ ગયા એટલે જે ખબર મળે તે સમાચાર બધા છાપાંમાંથી જ મળે. ક્યાં, શું થયું એ જાણવાની જુગલની ધગશ એમાં.
 
આ અંધારપટથી તો એની જીજ્ઞાસા ઓર વધી ગઇ. જુગલને રાજકરણના સમાચારમાં રસ વધારે. એના પપ્પા તો હસતા હસતા કહેતા, “મોટો થઇને રાજકરણમાં જ જંપલાવજે.” આમ જુવો તો છાપું વાંચવાનો ટાઇમ લગભગ બધાનો અલગ અલગ હોય. ઘરના પુરુષો સવારે વાંચતા હોય, કડાકેદાર છાપું તાજુંમાજું આવ્યુ હોય અને મસાલેદાર ચ્હાની ચુસ્કીઓ લેતાં લેતાં વાંચતા હોય અને શ્રીમતીજીને બોલાવી મરણની યાદી સંભળાવે. વળી, કાંઇક જાણવા જેવા સમાચાર હોયએ વાંચી સંભળાવે. “જો આમાં કોઇ આપણું સગુંવહાલું નથી ને?” શ્રીમતીજી મનમાં બોલે, “પોતે જાણે કોઇને ઓળખતા નો હોય, મને બોલાવીને મારી રસોઇનો ટાઇમ બગાડે…!” પછી બોલે, “હું બપોરે વાંચી લઇશ, તમે ટીકમાર્ક કરી રાખો.” અને મોઢું બગાડતા બોલે પોતે તો કેવા પંખા નીચે બેસી લાંબા પગ કરીને છાપુ વાંચે છે. ઇર્ષ્યા આવે કે કેવા નીરાંતે બેઠા છે એ.
 
પછી છાપું યુવાન દીકરા જુગલના હાથમાં આવે એને રાજકરણ ક્રીકેટ. ફુટબોલ અને શેરબજાર વાચતો જાય સનસનીના સમાચાર અને કોમેન્ટ્રી આપતો જાય. એ પછી દીકરી સ્કુલમાં જતાં પહેલાં સીનેજગતના ફોટા જોવે અને હીરોઇનની સાથે પોતાને સરખાવે. હીરોઇનની સ્ટાઇલ જોવે અને અપનાવે. ક્યાં, ક્યું પીક્ચર ચાલે છે, રસોઇની રાણી વાંચતાં વાંચતાં મોઢાંમાં પાણી આવે ને બોલે, “મમ્મી… તું આ બનાવજે. હું તને હેલ્પ કરીશ. મને બહુ ખાવાનું મન થાય છે.” મમ્મી કે હા હો હવે છાપું મૂક ને સ્કુલમાં જવાની તૈયારી કર. મારી મા… ઘડિયાળ સામું જો… “હે મમ્મી! બાર વાગી ગયા? તું તો કહેતી પણ નથી જો મારે કેટલી ઉતાવળ થાય છે…” અને દફ્તર લઇને ભાગે બપોર પડે પછી શાંતીથી લાંબા થઇને શ્રીમતીજી પહેલાં કામનો થાક ઉતારે પછી છાપું હાથમાં લે. પહેલાં પોતાની અધુરી નવલકથા વાંચે. મહીલા જગતમાં શું ચાલી રહ્યુ છે, કઇ સંસ્થાએ ક્યાં મોરચા કાઢ્યા છે? એ જોવે. આમ સાંજ પડે ત્યાં છાપાંની તો વલે થઇ જાય. બીચારું સાવ મરી ગયા જેવી હાલત થઇ હોય ત્યાં તો બાજુવાળા ચીંગુસીયા ચીમનકાકા છાપું લેવા આવે. લઇ જાય અને છાપુ પાછુ ન આપે. પસ્તીના પૈસા એ ભેગા કરે.
 
સવારે ઉઠીને જુગલને શર્ટ પહેરતો જોઇ મા એ કીધું, “બેટા ક્યા જાય છે?” જુગલે કીધું, “મમ્મી, છાપું લેવા જઉ છું. આ જોને આપણાં દેશમાં શું ચાલી રહ્યુ છે એની ખબર તો પડે.” મમ્મીએ કીધું, “બેટા નાહી, ધોઇ, ચ્હા પાણી પીને જા. એવી તે શેની ઉતાવળ? આ છાપું વાંચવાની છાપું ક્યાંય ભાગી નહી જાય અને જે મરી ગયા હશે એ તારા વાંચવાથી જીવતા નહીં થઇ જાય. એવી તે કેવી તાલાવેલી.”
 
મા બોલતી રહી ને જુગલ દાદરો ઉતરી ગયો. મકાનની નીચે એનો દોસ્તાર મયંક મળી જાય છે. આટલા ઉતાવળમાં દાદરો ઉતરતા જોઇને મયંક પૂછે છે કે શું થયું તે આટલી ઉતાવળમાં ઉતરે છે? જુગલે કીધું, “ભાઇ, થયું કઇ જ નથી આ તો હું છાપું લેવા વેસ્ટમાં જાઉં છું. આપણા ઇસ્ટમાં બહુ મોડું આવે છે છાપુ.”
 
મયંક બોલ્યો, “ઉભો રે, હું પણ આવુ છું. આ મમ્મીએ ચ્હા મૂકી છે પીને આવું.” જુગલ બોલ્યો, “હમણાં આવતો હોય તો આવ નહીંતર હું જાઉં છું. મારે આજે કોલેજમાં વહેલું લેક્ચર છે. આ છાપું વાંચવામાં પણ ટાઇમ તો જાશે.” ને મયંક બોલ્યો, “તારે બહુ ઉતાવળ હોય તો તું જા.” કોને ખબર હતી કે આ ઉતાવળ શેની છે મલાડ ઇસ્ટમાં રહેવાનું અને છાપું વેસ્ટમાંથી લેવા દોડતો દોડતો વેસ્ટમાં જવા નીકળ્યો. ક્યા ખબર હતી કુદરતને શું મંજુર છે? ત્યારે બ્રીજ ન હતા, પાટા ઓળંગવા પડતા. જેવો જુગલ પાટો ઓળંગવા ગયો ત્યાં એનું ચપ્પલ પાટામાં ભરાણું એનું ચપ્પલમાં ધ્યાન. હજુ તો પાટામાંથી ચપ્પલ કાઢવાની કોશીશ કરે છે ત્યાં તો વીરાર ફાસ્ટ આવી ને જુગલના શરીરના ટુકડે ટુકડા કરતી ગઇ. ઘડીકમાં તો શુંનું શું થઇ ગયું. નીકળ્યો હતો સમાચાર જાણવા અને પોતે એક સમાચાર બનીને રહી ગયો.

સૌજન્યઃ સ્ટોરીમિરર ગુજરાતી

આવી સરસ મજાની વાર્તાઓ વાંચવા અહીં ક્લિક કરો – સ્ટોરી મિરર

ટીપ્પણી