સાક્ષાત્કાર ( An encounter with death)

સાક્ષાત્કાર ( An encounter with death)

મલ્હાર ‘હેર સલૂન એન્ડ સ્પા’ માંથી બહાર નીકળી કારમાં બેઠો. ડ્રાઈવરને સ્ટુડીઓ લઇ જવા કહી અખબારમાં આવેલો પોતાનો ઇન્ટરવ્યૂ વાંચવામાં ખોવાઈ ગયો. મલ્હાર ટેલિવિઝન પર પ્રસારિત થતી દૈનિક ધારાવાહિકનો એક ચહીતો કલાકાર હતો. મલ્હાર સફળતાનાં શિખરો સર કરી આસમાનમાં ઉડવા લાગ્યો હતો. ઘમંડી અને તુંડ મિજાજી પણ દેખાવે અત્યંત પ્રભાવશાળી એવા મલ્હારને જોવા સ્ટુડીઓની બહાર ટોળાં ઉભરાતાં.

સિગ્નલ આવતાં કાર ઉભી રહી. રસ્તા પર ફૂલ વેંચતો છોકરો છાબડી લઇ, એક પછી એક કાર પાસે જઇ ફૂલ લેવા વિનવતો હતો. મલ્હાર ખિજાઈને પેલા પર તાડૂક્યો..” હટને ભાઈ..તારા ફૂલ કોઈને લેવા નથી..કઈ ઢંગનું કામ કર..” ફૂલ વેંચનાર કઈ ન બોલ્યો. ફૂટપાથ પર પડેલી બીમાર માં તરફ ઈશારો કરી આગળ જતો રહ્યો.

મલ્હાર બસ સ્ટોપ પર લાગેલા પોતાના પોસ્ટર્સ જોવામાં મશગૂલ હતો. ધારાવાહિકની અભિનેત્રીના વાળની લટ સરખો કરતો ફોટો જોઈ ચાહકો, હવે ધારાવાહિકમાં શું વળાંક આવશે એની અટકળો કરતાં હતાં. મોબાઈલ રણકતા એના આસમાની ખયાલો માં ખલેલ પડી. માં નો ફોન હતો..” મલ્હાર..હું મંદિર જવાની તૈયારી કરું છું..તું ઘરે આવે છે ને ! આજ તું પણ મારી સાથે આવજે..તારી સીરીયલ માટે ખાસ….” મલ્હાર વચ્ચે જ માંને અટકાવી બોલ્યો…”મોમ..પ્લીઝ ..તું આ બધું રહેવા દે..I mean તારે જવું હોય તો જા, હું સીધો શૂટિંગ માટે જઈશ..” માં એ વધુ દલીલ ન કરતાં ” ભલે,સારું ” કહી ફોન કટ કર્યો.

કાર સ્ટુડીઓની બહાર આવી અટકી. મલ્હાર ગર્વથી ભારેખમ ચહેરા સહીત ” એક્સક્યુઝ મી ” કહી સડસડાટ અંદર દોડી ગયો. ટોળાંમાં હાજર લોકો ધક્કામુક્કી કરી મલ્હારની એક ઝલક જોવા મથી રહ્યાં. શૂટિંગના સેટ પર જ પર્સનલ ટ્રેઈનર સાથે બેસીને જીમનો ટાઈમ રીશેડ્યૂલ કર્યો. થોડા દિવસથી રોજ સવારે થતા પેટના દુખાવાને લીધે જીમ જવાનું ડહોળાઈ જતું હતું. શૂટિંગ શરુ થયું. ત્રણ કલાકના અંતે મલ્હાર ખૂબ થાક્યો અને ચક્કર આવવા લાગ્યા. હવે વધુ ખેંચી નહિ શકાય એમ લાગતાં શૂટિંગ બંધ કરવું પડ્યું. ઘરે પહોંચતાવેંત ઉલ્ટીઓ શરુ થઇ. મલ્હારના પિતાએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી ને હોસ્પિટલ લઇ ગયા. અમુક તપાસ કર્યા બાદ પેટના નિષ્ણાતે કહ્યું ” પેટમાં એક ગાંઠ જેવું ફોરમેશન છે..જોવું પડશે..હજી બીજા થોડા ટેસ્ટ્સ કરીશું..કદાચ સર્જરી કરવી પડે. ” મલ્હારના પિતા ચિંતામાં ગરકાવ થયા. સાજો સારો મલ્હાર નવી મુશ્કેલીમાં મુકાયો.

બે દિવસ પછી બીજા રિપોર્ટ્સ આવ્યા. ડોક્ટરે મલ્હારને બતાવી કહ્યું..” સર્જરી કરવી પડશે” મલ્હારે દલીલ કરી..” ડોક્ટર I am fine. હું ફિટ છું. આ બધું રહેવા દો, કોઈ સારી દવા આપો..મારે શૂટિંગ બગાડવું ન પોસાય..you see I am a very busy actor !” ડોક્ટર મલ્હારનું arrogance જોઈ રહ્યાં..એમણે પરાણે મોં સ્થિર રાખી પોતાના ગુસ્સાને દબાવ્યો. ” I am sorry ..પણ તમને કૅન્સરની probabilities જણાઈ એટલે કહું છું..અવોઇડ નહીં કરી શકાય..બને તેટલું જલ્દી પ્લાન કરો. સર્જરી પછી જ ખાતરી થશે શું છે, શું નહીં..” મલ્હારના ધબકારા જાણે થંભી ગયા. હજુ મન દલીલો કરતુ હતું, નક્કી આ ડોક્ટરને કઈ ખોટો વહેમ છે, પણ છેવટે સર્જરીની તારીખ નક્કી કરીને જ બહાર નીકળવું પડ્યું.

ઘરે જતાં હજારો વિચારો આવ્યા. માતાપિતા પર ચિંતાના પહાડો તૂટી પડ્યા. દિવસ અને રાત ” વ્હોટ નેક્સટ” એમ થવા લાગ્યું. ડોક્ટરના કહેવા મુજબ ‘જો કેન્સર હોય તો’ ટ્રીટમેન્ટ પછી પાંચ વર્ષના જીવનની ખાતરી એમણે આપેલી. મલ્હારે જલ્દી જલ્દી પોતે નથી ફર્યો એવા તમામ સ્થળોનું લિસ્ટ બનાવ્યું. બેચાર મિત્રોને બોલાવી ઘરે જમવાનો પ્રોગ્રામ બનાવ્યો. પ્રેયસી તાન્યાને મોંઘામાં મોંઘી નેકલેસ લઇ આપી. રાત્રે રૂમમાં એકલો નાના બાળકની જેમ રડ્યો.

સર્જરી વખતે બીજા કેન્સર પેશન્ટ્સને જોયા. એક અંદાજે છએક વર્ષનું બાળક, માતા સાથે થેરાપિસ્ટની કેબિનની બહાર બેઠું હતું. માથામાં વાળ નહીં ને ફરતે ટાંકા લીધા હતાં. માતા અને બાળક બંને ખુશ દેખાતા હતાં. બની જાય એની સારવાર પૂરી થવામાં હતી. ડોક્ટર આવતા જ બાળક પોતાનો ડબ્બો ખોલી બોલ્યું..” અંકલ..લડ્ડુ ખાઓગે..? મેરી મમ્મા બહોત અચ્છે લડ્ડુ બનતી હૈ..” ડોકટરે વિનમ્રતાથી ના પાડી ને અંદર ગયા..મલ્હારને જોઈ આસપાસ બેઠેલા લોકો અચંબામાં ગરકાવ હતાં. હટ્ટોકટ્ટો કલાકાર અહીંયા વળી શું કરે છે.

મલ્હારને કેન્સર સેલમાં પોતાની ફેવરિટ ‘ ફાઇનલ ડેસ્ટિનેશન’ movie યાદ આવી..જેમાં એક પછી એક જણ અકસ્માતનો ભોગ બની મરતું હતું. ક્યારેક સિક્વન્સ બદલાઈ જાય પણ મૃત્યુ નક્કી હતું.આપણે કેન્સર પેશન્ટ્સની દયા ખાઈએ છીએ..એમ સમજીને કે હવે એ લોકો પાસે બહુ ઓછો સમય છે..પણ એ ભૂલી જઈએ છીએ કે આ દુનિયામાં જન્મનાર દરેક ને માથે એક expiry date લાગેલી છે. બસ અમુક ઘાતક રોગોના દર્દીઓને ખબર છે એ કેટલું જીવવાના છે..બાકી કાવાદાવા, છળકપટ અને ઇર્ષામાં રાચતા આપણે વહેમમાં રહીએ છીએ કે ઘણો ટાઈમ છે આપણી પાસે, ‘જીવશું ક્યારેક…સુધરીશુ ક્યારેક..’ હકીકતે તમામનું ફાઇનલ ડેસ્ટિનેશન નક્કી જ છે ? નાના ગાળામાં થયેલા મનોમંથને મલ્હારના જીવનની દિશા બદલી નાખી

અંતે સર્જરી થઇ અને રિપોર્ટ્સ આવ્યા. ડોક્ટરને જે શંકા હતી તે ખોટી પડી હતી. કેન્સરમુક્ત જાહેર કરાયો હતો. મલ્હાર માટે એક નવા જીવનની જાણે શરૂઆત થઇ હતી. એના મોં પરનો પ્રકાશ આ બદલાવનું પ્રતિબિંબ હતું. તેની આંખોમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યા. માંનો હાથ પકડી મલ્હારે કહ્યું.. “માં ચાલ આજ મંદિરે જઈએ..તું કહીશ તેટલા મંદિરે આવીશ.” માં રડી પડી. રસ્તામાં ફરી પેલા સિગ્નલ પર ફૂલ વેંચતો છોકરો દેખાયો. મલ્હારે એને બોલાવી બધા ફૂલ લઇ લીધા..છોકરોના મોં પર આશીર્વાદ વરસાવતા હાવભાવ દેખાયા. ફૂલવાળો છોકરો મલ્હાર પાસેથી મળેલા સવાસો રૂપિયા લઇ દોડતો એની માં પાસે ગયો,જયારે પોતે હમણાં જ સવા લાખનું બિલ ડોક્ટરને ચૂકવીને નીકળ્યો હતો!મલ્હારને પોતાને મળેલા countless blessings નો જીવનમાં પહેલીવાર અહેસાસ થયો.

પાછળ બસ સ્ટોપ પર લાગેલું એનું પોસ્ટર ફાટી જઈને હવામાં લહેરાતું હતું…પોસ્ટરમાંનો મલ્હાર હવે ઓળખી શકાય એમ નહતો. લીરેલીરા ઉડી ગયા હતાં, બિલકુલ એના અહંકારની માફક.. આમ પણ મલ્હાર હવે પોતાની ઓળખ બદલવા તત્પર હતો. તેનો એક જ જન્મ માં પુનર્જન્મ થયો હતો.

લેખક – રૂપલ વસાવડા (બેંગલોર)

ટીપ્પણી